લિવિંગ્સ્ટન, ડેવિડ

January, 2004

લિવિંગ્સ્ટન, ડેવિડ (જ. 19 માર્ચ 1813, બ્લેનટાયર, સ્કૉટલૅન્ડ; અ. 1 મે 1873, ચિતામ્બો, ઝામ્બિયા) : આફ્રિકામાં ધર્મપ્રચાર કરનાર સ્કૉટલૅન્ડના પાદરી (મિશનરી) અને આફ્રિકામાં નવા પ્રદેશોના શોધક. તેમણે આફ્રિકામાં પાશ્ચાત્ય રીતભાત ફેલાવી હતી. લિવિંગ્સ્ટન સ્કૉટલૅન્ડના એક ગરીબ, પરિશ્રમી, શિક્ષણ પ્રત્યે ઉત્સાહી અને સેવાભાવી પરિવારમાં ઊછર્યા હતા. માત્ર દસ વર્ષની વયે તેમણે પોતાના પરિવારને આર્થિક સહાય કરવા મિલમાં નોકરી કરવી પડી. ખંડ સમયની નોકરી સાથે તેમણે ગ્લાસગોમાં ગ્રીક ભાષા, ધર્મશાસ્ત્ર અને દવાઓ તથા ચિકિત્સાનો બે વર્ષ અભ્યાસ કરી યુનિવર્સિટી ઑવ્ ગ્લાસગોમાંથી મેડિકલ ડિગ્રી મેળવી. ચીન જવામાં નિષ્ફળતા મળ્યા બાદ, સ્કૉટિશ મિશનરી રૉબર્ટ મોફેતના સમજાવવાથી તેમણે સેવાનું ક્ષેત્ર આફ્રિકા પસંદ કર્યું. 20 નવેમ્બર, 1840ના રોજ પાદરી તરીકે તેમને દીક્ષા આપવામાં આવી અને લંડન મિશનરી સોસાયટીએ તેમને દક્ષિણ આફ્રિકા મોકલ્યા. 14મી માર્ચ, 1841ના રોજ તેઓ કેપટાઉન પહોંચ્યા. ત્યાં તેમણે આફ્રિકનોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા તથા તેમને પકડીને ગુલામો તરીકે વેચાતા અટકાવવાનું કાર્ય કર્યું. ખ્રિસ્તી ધર્મપ્રચારના હંમેશના કાર્યથી સંતોષ ન થવાથી, લિવિંગ્સ્ટને 1849માં ત્યાં નવા માર્ગો તથા પ્રદેશોનું સંશોધન કરવા માંડ્યું.

ડેવિડ લિવિંગ્સ્ટન

કલહરીનું રણ ઓળંગીને તેઓ બોત્સવાનામાં લેઇક નગામી સુધી ગયા. તેમણે દેશના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક અઘરા અને જોખમી પ્રવાસો કર્યા, તેમના નકશા બનાવ્યા અને નદીઓમાં વહાણો મારફતે જવાના માર્ગોની શોધ કરી, જેથી ભવિષ્યમાં બ્રિટિશ મિશનરીઓ તથા વેપારીઓ તેમનો ઉપયોગ કરી શકે. 1851માં તેમણે હાલના ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેની વચ્ચે આવેલ ઝામ્બેઝી નદી પાસેના પ્રદેશનો પ્રવાસ ખેડ્યો.

1853થી 1856 દરમિયાન આશ્ચર્ય પમાડે એવા પ્રવાસ દરમિયાન, આફ્રિકાના જોખમી પ્રદેશો ઓળંગનાર તેઓ પ્રથમ યુરોપિયન બન્યા. આ પ્રવાસમાં તેઓ ઝામ્બેઝીથી નીકળીને ઉત્તરમાં અને પછી પશ્ચિમે અંગોલાથી આટલાંટિક સમુદ્ર પર આવેલા લુઆન્ડા સુધી ગયા. પાછા ફરતાં, તેઓ ઝામ્બેઝી નદીના મુખપ્રદેશ સુધી મોઝામ્બિક ગયા. ઝામ્બેઝી નદી ઉપરનો વિક્ટૉરિયા ફૉલ્સ (ધોધ) 1855માં જોનારા, લિવિંગ્સ્ટન પ્રથમ યુરોપિયન હતા. ગ્રેટ બ્રિટનની રાણી વિક્ટૉરિયાના નામ પરથી તેમણે  વિક્ટૉરિયા ફૉલ્સ નામ આપ્યું.

1859થી 1863 દરમિયાન, લિવિંગ્સ્ટને આફ્રિકાના અંતરિયાળ પ્રદેશોમાં પ્રવાસ કર્યો. માલાવીમાં આવેલાં લેઇક ન્યાસા તથા લેઇક ચિલ્વા જોનાર તેઓ પ્રથમ યુરોપિયન હતા. 1865 પછી, તેમણે લેઇક ટાંગાનિકાના પ્રદેશમાં નિરીક્ષણ-પ્રવાસ યોજ્યો. આ દરમિયાન આફ્રિકાની પ્રજાઓના રીતરિવાજો, ત્યાંની ભૂગોળ તથા ગુલામીના વેપાર વિશે બીજા કોઈ યુરોપિયન કરતાં, તેઓ વિશેષ માહિતગાર હતા. તેમની શોધોએ યુરોપના દેશોને આફ્રિકા ઉપર અંકુશ મેળવવા માટે, સ્પર્ધા કરવા પ્રેર્યા. તેમના અનુભવો તથા સાહસોનાં વર્ણનોએ સર રિચાર્ડ બર્ટન અને હેન્રી મૉર્ટન સ્ટૅન્લી જેવા પ્રવાસીઓને આફ્રિકા જઈ નવા પ્રદેશો શોધવા ઉત્તેજન આપ્યું.

1866થી 1873 દરમિયાન તેમણે નાઈલ અને કૉંગો નદીઓનાં મૂળ શોધ્યાં. લિવિંગ્સ્ટનના આફ્રિકાના પ્રવાસના ગ્રંથો ‘મિશનરી ટ્રાવેલ્સ’ (1857) અને ‘ધ ઝામ્બેઝી ઍન્ડ ઇટ્ઝ ટ્રિબ્યૂટરિઝ’ (1865) ઘણા જાણીતા બન્યા અને લોકોએ મોટી સંખ્યામાં ખરીદ્યા હતા.

જયકુમાર ર. શુક્લ