કેસેગ્રેઇન કેન્દ્ર અને કૂડે કેન્દ્ર

કેસેગ્રેઇન કેન્દ્ર (Cassegrain Focus) અને કૂડે કેન્દ્ર (Coude Focus) : પરાવર્તક પ્રકારના દૂરબીનમાં આવતાં કેન્દ્રો. ત્યાં દીપ્તિમાપક, વર્ણપટમાપક વગેરે સાધનો ગોઠવવામાં આવે છે.

કેસેગ્રેઇન કેન્દ્ર

દૂરબીનનો અંતર્ગોળ પરાવર્તક અરીસો પ્રકાશનાં કિરણોને કેન્દ્રિત કરીને, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક નાના બહિર્ગોળ અરીસા તરફ મોકલે છે; જ્યાંથી તે પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસાની વચ્ચે આવેલા છિદ્રમાંથી પસાર થઈને, તેની પાછળ કેન્દ્રિત થાય છે. આ કિરણો જે કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય તેને કેસેગ્રેઇન કેન્દ્ર કહે છે.

કેસેગ્રેઇન કેન્દ્ર દૂરબીનની સાથે ભ્રમણ કરે છે. તેથી અતિ વજનદાર ન હોય તેવાં સાધનોને કેસેગ્રેઇન કેન્દ્ર ઉપર વિના મુશ્કેલીએ વાપરી શકાય છે. તેથી ઊલટું, ભારે સાધનોને વાપરવા માટે કૂડે કેન્દ્રનો ઉપયોગ કરવો પડે છે. આવાં સાધનોનું દૂરબીનની સાથે ભ્રમણ શક્ય નથી, તેથી તેમને માટે દૂરબીનની સાથે ભ્રમણ ન કરે તેવા કેન્દ્રની રચના કરવામાં આવે છે, જે કૂડે કેન્દ્ર તરીકે ઓળખાય છે. આકૃતિ-2માં દર્શાવ્યા પ્રમાણે, પ્રકાશકિરણો બહિર્ગોળ અરીસા પરના પરાવર્તન બાદ, દૂરબીનની ભ્રમણધરી(polar axis)માં થઈને બહાર આવે છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ