કૅસેટ : શ્રાવ્ય કે ર્દશ્યશ્રાવ્ય સંકેતો અને તેના કાર્યક્રમોને મુદ્રિત કરવા માટે ચુંબકીય (magnetic) પટ્ટી. એમાં ડિજિટલ અને ઍનાલૉગ બંને પદ્ધતિનું મુદ્રણ થઈ શકે.

1956માં અમેરિકાના ઉપપ્રમુખ રિચાર્ડ નિક્સન અને સોવિયેટ સંઘના પ્રમુખ નિકિતા ક્રુશ્ચૉફ વચ્ચે, મૉસ્કોમાં એક ઔદ્યોગિક પ્રદર્શનમાં અમેરિકી સ્ટૉલમાં ગરમાગરમ ચર્ચા થઈ એનું ર્દશ્યમુદ્રણ (વીડિયો રેકૉર્ડિંગ) અમેરિકાની સંશોધક-ઇજનેરોની કંપની ‘એમ્પેક્સ’ કૉર્પોરેશને કર્યું ત્યારથી વીડિયો કૅસેટ રેકૉર્ડરનો આરંભ થયો. શરૂઆતમાં આ ર્દશ્યમુદ્રકની કિંમત પચાસ હજાર ડૉલર હતી; છતાં ત્યાંની ખાનગી ટીવી કંપનીઓએ એની હજારોની સંખ્યામાં ખરીદી કરી હતી. જોકે એ સમયે એનું મુદ્રણ રીલમાં 5.08 સેમી.(બે ઇંચ)ની પટ્ટી પર થતું હતું. 1.95 સેમી.(પોણા ઇંચ)ની પટ્ટીની બંધ કૅસેટની શરૂઆત 1962માં થઈ, અને 1975માં જાપાનની સોની કંપનીના ઇજનેરોએ 1.27 સે.મી.(અર્ધા ઇંચ)ની પટ્ટીની બેટામેક્સ કૅસેટ અને મુદ્રકયંત્રોનો વિકાસ કર્યો. એ પછી અનેક કંપનીઓએ હાલની વી.એચ.એસ. 1.27 સેમી.(અર્ધા ઇંચ)ની પટ્ટીની કૅસેટ અને ર્દશ્ય મુદ્રણયંત્રો વિકસાવીને બજારમાં મૂક્યાં.

કૅસેટમાં જે-તે સમયમર્યાદાની, ચુંબકીય પદ્ધતિએ ર્દશ્ય-સ્વરાંકન માટેના સંકેતો ઝીલતી 1.27, 1.94 કે 2.54 સે.મી. (અર્ધા, પોણા કે એક ઇંચ)ની પટ્ટીઓ, બે રીલમાં એ રીતે વીંટેલી હોય છે કે કૅસેટના સામાન્ય ઉપયોગમાં માણસનો હાથ એને અડકી ન શકે, અને મોટે ભાગે ધૂળના રજકણો પ્રવેશતા અટકાવી શકાય. મુદ્રણયંત્રમાં મૂકતી વખતે પણ આપમેળે કૅસેટનો એક ભાગ ખૂલે, યાંત્રિક રીતે એની પટ્ટી ખેંચાઈને બહાર આવે અને મુદ્રણશ્રવણ માટેનાં સાધનો પર વીંટળાઈ શકે એવું એમાં આયોજન હોય છે.

વીડિયો ટેપ પહેલાં ઑડિયો ટેપનો વિકાસ પણ આ જ હેતુ સાથે અને ઢબે થયો. ત્યારે ધ્વનિમુદ્રણ માટેની સામાન્ય રીતે પા ઇંચની ચુંબકીય પટ્ટીઓ રીલ ઉપર વીંટીને વાપરવામાં આવી હતી એ પદ્ધતિમાં મોટી ક્રાંતિ આવી. માત્ર શ્રાવ્ય સંકેતો માટેની આ કૅસેટોની પટ્ટી, એના સાધનના સંકેતવાચક ભાગ સાથે સીધા સંપર્કમાં આવતી હોવાથી શ્રાવ્ય સંકેતની કૅસેટની રચના દેખીતી રીતે જ વધુ સરળ છે.

આ કૅસેટ ટૅકનૉલૉજીથી ર્દશ્ય અને શ્રાવ્ય કાર્યક્રમોના ભાવકોને પ્રસારિત કાર્યક્રમોના આયોજનથી મુક્તિ અને સ્વપસંદગીનો વિકલ્પ મળે છે. ભાવકો અનુકૂળ સમયે પસંદગીનો કાર્યક્રમ જોઈ અને સાંભળી શકે, પ્રતિકૂળ કે અણગમતા અંશો ટાળી શકે, ગમતા અંશોને અભ્યાસ કે મનોરંજન માટે ફરીથી અથવા ઓછી ગતિએ જોઈ શકે. વળી, યાદગાર પ્રસંગો, ઉત્સવો કે ઘટનાઓને વ્યક્તિગત ઉપયોગ માટે સંઘરી શકે, અનેક પ્રકારની ઉપયોગી માહિતીને સાચવી રાખવા મુદ્રણના માધ્યમથી પણ વિશેષ વધુ જીવંત રીતે દસ્તાવેજીકરણ આ યંત્રવિદ્યાથી થઈ શકે. વિકેન્દ્રીકરણ કૅસેટ ટૅકનૉલૉજીની મોટી દેન છે. મુદ્રિત સામયિકોની સમાંતરે ર્દશ્યશ્રાવ્ય સામયિકો (‘ઇન્ડિયા ટુડે’નું ન્યૂઝ ટ્રૅક વગેરે) અસરકારક રીતે લોકપ્રિય બની શકે. કૅસેટ ટૅકનૉલૉજીથી સંગીતસભા, ફિલ્મ-થિયેટર, પુસ્તકાલય, અખબાર, વિદ્યાલય – ઘરઆંગણે અને વ્યક્તિગત અંકુશ હેઠળ આવે છે, તેમ અશ્લીલ ર્દશ્યના ખુલ્લેઆમ પ્રદર્શનની શક્યતા પણ બક્ષે છે. કૅસેટ અને ર્દશ્યશ્રાવ્ય મુદ્રકયંત્રોથી કલા-રસ-અનુભવના પ્રચાર-પ્રસારની વિપુલ શક્યતાઓ છે, નિરક્ષરતાની મર્યાદા એને ન નડે તેમ નિરક્ષરતા ટાળવા પણ એનો ઉપયોગ થઈ શકે. કૅસેટ અને તેનાં યંત્ર જંગમ, કમનીય અને સરખામણીએ સસ્તાં હોવાથી ર્દશ્ય-શ્રાવ્ય સંકેતોનાં ફિલ્મ જેવાં અન્ય માધ્યમોએ કૅસેટને ભયસ્થાનને બદલે લોકપ્રિયતા અને લોકભોગ્યતાના અપૂર્વ અનુકૂળ સાધન તરીકે સ્વીકારવી જોઈએ. સાંપ્રત માહિતીયુગ માટે રેડિયો, ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર, માઇક્રોચિપ્સ, સેટેલાઇટ, કમ્પ્યૂટર, સુપરકમ્પ્યૂટર, સુપરકંડક્ટિવિટી, કૉમ્પેક્ટ ડિસ્ક વગેરેની જેમ જ કૅસેટ એક મહત્વનો તબક્કો, પાસું અને સાધન છે.

હસમુખ બારાડી