સારાગોસા (ઝારાગોઝા) : સ્પેનના ઈશાન ભાગમાં આવેલું ઔદ્યોગિક તથા વેપારીમથક. ભૌગોલિક સ્થાન : 41° 40° ઉ. અ. અને 0° 55´ પ. રે..
આ શહેરમાં ધાતુકામના અને રાસાયણિક એકમો, ખાંડનાં શુદ્ધીકરણનાં તથા વીજસાધનો, કૃષિયંત્રસામગ્રી અને રાચરચીલાનાં કારખાનાં આવેલાં છે.
સારાગોસાનો મધ્યભાગ પ્રાચીન સમયનો છે. ત્યાં ગીચ વસ્તી ધરાવતી શેરીઓ તેમજ ખંડિયેર મકાનો પણ છે. શહેરના જૂના ચોકની આજુબાજુ નવો વિભાગ વિકસ્યો છે.
આ શહેરનું ‘સારાગોસા’ નામ ‘સીઝેરા ઑગસ્ટા’ પરથી પડેલું છે. આ નામ શહેનશાહ ઑગસ્ટસે ઈ. પૂ. 25માં એક રોમન વસાહતને આપેલું. સારાગોસા બારમી સદીથી પંદરમી સદી સુધી જૂના ઍરોગોન સામ્રાજ્યનું પાટનગર હતું. વસ્તી : 8,41,438 (1998). સારાગોસા શહેર હવે ‘ઝારાગોઝા’ નામથી ઓળખાય છે.
ગિરીશભાઈ પંડ્યા