સારાજેવો : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક પૈકીના એક બૉસ્નિયા-હર્સગોવિના પ્રજાસત્તાકનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 43° 52´ ઉ. અ. અને 18° 25´ પૂ. રે. પર બોસ્ના નદીને જમણે કાંઠે વસેલું છે. આ સ્થળ વિશેષે કરીને તો તેની મસ્જિદો, ગાલીચા અને ચાંદીના અલંકારો માટે જાણીતું છે. અહીં ઇજનેરી, સિરેમિક્સ, પીણાં અને રસાયણોના ઉદ્યોગો વિકસેલા છે.

પંદરમી સદીના મધ્યકાળથી 1878 સુધી અહીં તુર્કોનું શાસન રહેલું. તેમણે અહીં મસ્જિદો બંધાવેલી. ગ્રૅવિલો પ્રિન્સિપ નામના બૉસ્નિયને 1914ના જૂનની 28મી તારીખે ઑસ્ટ્રિયન આર્ક ડ્યૂક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડની આ સ્થળે હત્યા કરેલી. આ ઘટનાથી પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) શરૂ થયેલું.

1984માં સારાજેવો શિયાળુ ઑલિમ્પિક મહોત્સવનું સ્થળ બનેલું. એપ્રિલ, 1992માં બૉસ્નિયન-સર્બ દળોએ સ્વતંત્ર પ્રજાસત્તાક મેળવવાના ઉદ્દેશથી આ શહેરને ઘેરો ઘાલેલો, પરંતુ યુનોના આખરીનામા તેમજ નાટોની બૉંબવર્ષાની ધમકીથી 1994ના ફેબ્રુઆરીમાં ઘેરો ઉઠાવી લેવાયેલો. 1999 મુજબ તેની વસ્તી 5,26,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા