સારા આકાશ : સમાંતર હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1969. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : સિને આઇ ફિલ્મ્સ. દિગ્દર્શક, પટકથા : બાસુ ચેટરજી. કથા : રાજેન્દ્ર યાદવની નવલકથા પર આધારિત. છબિકલા : કે. કે. મહાજન. સંગીત : સલીલ ચૌધરી. મુખ્ય કલાકારો : રાકેશ પાંડે, મધુ ચક્રવર્તી, તરલા મહેતા, નંદિતા ઠાકુર, દીના પાઠક, એ. કે. હંગલ, મણિ કૌલ, જલાલ આગા.

હિંદી સાહિત્યકાર-પત્રકાર રાજેન્દ્ર યાદવની નવલકથા પર આધારિત ચિત્ર. આ ચિત્ર ભારતીય ચલચિત્રોના એ સમયનું છે જ્યારે સમાંતર ચિત્રોના આંદોલનનાં હજી બીજ રોપાયાં હતાં. દિગ્દર્શક બાસુ ચેટરજીએ ફિલ્મ વિત્ત નિગમ પાસેથી ઋણ લઈને આ ચિત્રનું નિર્માણ કર્યું હતું અને તેમના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલું આ એકમાત્ર શ્વેત અને શ્યામ ચિત્ર છે. યુવાન પગભર થાય એ પહેલાં અને તેની મરજી જાણ્યા વિના કરાતાં લગ્નની સમસ્યાઓ અને સંયુક્ત પરિવારની આવશ્યકતાઓને કારણે સર્જાતી મુશ્કેલીઓનું નિરૂપણ આ ચિત્રમાં કરાયું છે. ઓગણીસ વર્ષના સમરનાં લગ્ન તેની મરજી વિરુદ્ધ કરવામાં આવે છે. તેને આ લગ્ન સામે વિરોધ હોવાનું કારણ એ છે કે આ લગ્નને કારણે તેની પ્રગતિના રસ્તાઓ બંધ થઈ જાય છે. સમરની સજા તેની યુવાન પત્ની પ્રભાએ ભોગવવી પડે છે. પ્રભા પણ બીએ સુધી ભણેલી છે, પણ લગ્ન પછીયે પતિ-પત્ની વાતચીત કરી શકતાં નથી. તેમની વચ્ચેના અબોલા ધીમે ધીમે વધતા જાય છે અને પરિવારના બીજા સભ્યો તેમની પારંપરિક મનોવૃત્તિને કારણે આ અબોલા વધારવાનું જ કામ કરે છે. એક વાર પ્રભા પોતાના પિયર જાય છે. એ પછી સમરને તેનો વિયોગ સાલે છે. એ વખતે સમર પ્રભા સાથેનાં જે દિવાસ્વપ્નો જુએ છે તેને કારણે પ્રભા જ્યારે પરત આવે છે ત્યારે તેમની વચ્ચેના અબોલા તૂટવામાં સરળતા થઈ જાય છે. એક દિવસે ઉનાળાની રાત્રે છત પર પ્રભા પોતાની પથારી સમરની પથારીથી દૂર લઈ જઈ છાનું છાનું રડતી રહે છે ત્યારે અચકાતો અચકાતો સમર તેની પાસે આવીને તેનું રડવાનું કારણ પૂછે છે. ત્યારે પ્રભાએ બાંધી રાખેલો આંસુનો બંધ છૂટી જાય છે અને તેની સાથે તેમના અબોલા પણ વહી જાય છે અને સમર તથા પ્રભાની મુઠ્ઠીમાં આખું આકાશ સમાઈ જાય છે. ઓછા ખર્ચે નિર્માણ પામેલું આ ચિત્ર વ્યાવસાયિક રીતે પણ સફળ થયું હતું. તેણે સમાંતર ચિત્રોના નિર્માણને વેગ આપવાનું કામ કર્યું હતું. બાસુ ચેટરજીને આ ચિત્ર માટે શ્રેષ્ઠ પટકથાનો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.

હરસુખ થાનકી