લિપ્સેટ, સિમોર માર્ટિન (જ. 18 માર્ચ 1922, ન્યૂયૉર્ક શહેર; અ. 31 ડિસેમ્બર 2006, આરલિંગ્ટન) : અમેરિકન સમાજશાસ્ત્રી અને રાજકીય સિદ્ધાંતોના અભ્યાસી. તેમણે અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કરેલું. પ્રારંભે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં બર્કલી ખાતે (1948–50 અને 1956–66), ત્યારબાદ કોલંબિયા યુનિવર્સિટીમાં (1950–56) અને અંતિમ ચરણમાં સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીમાં (1975થી) અધ્યાપનકાર્ય કર્યું હતું.
લોકશાહીની રાજકીય પદ્ધતિ અમુક પ્રકારની સામાજિક પ્રથાઓની લાક્ષણિકતા છે એવું મંતવ્ય તેઓ ધરાવતા હતા. લોકશાહી પદ્ધતિના અભ્યાસો માટે તેઓ જાણીતા છે. સામાજિક પૃથક્કરણો સાથે પૂરક રાજકીય વિચારધારાઓનાં નવાં વલણોને તેઓ આવકારતા રહ્યા છે.
‘પોલિટિકલ મૅન : ધ સોશિયલ બેસિસ ઑવ્ પૉલિટિક્સ’ (1960) તેમનો જાણીતો ગ્રંથ છે. ‘ક્લાસ સ્ટેટસ ઍન્ડ પાવર’ (1966, રેન્હાર્ડ બેન્ડિક્સ સાથે), ‘રેવોલ્યૂશન ઍન્ડ કાઉન્ટરરેવોલ્યૂશન’ (1968), ‘ધ પૉલિટિક્સ ઑવ્ અનરીઝન’ (1970) તથા ‘ધ ડિવાઇડેડ એકૅડેમી’ (1975, એવરેટ કાર્લ લેહ જુનિયર સાથે) તેમના મહત્વના ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ