કેસકર, બી. વી. (જ. 1903, પુણે; અ. 28 ઑગસ્ટ 1984, નાગપુર) : કૉંગ્રેસના અગ્રણી કાર્યકર અને ભારત સરકારના માહિતી તથા પ્રસારણ ખાતાના પૂર્વ મંત્રી. ડૉ. બાલકૃષ્ણ વિશ્વનાથ કેસકરે પુણે, કાશી વિદ્યાપીઠ, હૈદરાબાદ જેવાં સ્થળોએ અભ્યાસ કર્યા પછી પૅરિસ જઈ ડી.લિટ્.ની પદવી મેળવી. 1920થી તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસ પક્ષમાં જોડાયા. ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન એમને કેદમાં પૂરવામાં આવ્યા હતા. 1948માં તેઓ બંધારણ સભામાં ચૂંટાયા. 1952-62ના દાયકા દરમિયાન કેસકર કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન હતા ત્યારે તેમણે આકાશવાણી દ્વારા શાસ્ત્રીય સંગીતના પ્રચાર-પ્રસાર માટે અખિલ ભારતીય સંગીત કાર્યક્રમોનું આયોજન કરાવ્યું. આ કાર્યક્રમો દેશભરનાં આકાશવાણી કેન્દ્રો ઉપરથી રજૂ થતા. એ જ રીતે નાટકો, વાર્તાલાપો અને દસ્તાવેજી રૂપકોના પણ અખિલ ભારતીય કાર્યક્રમો આકાશવાણી ઉપરથી તેમણે શરૂ કરાવ્યા. આકાશવાણીએ શાસ્ત્રીય સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમોમાં હાર્મોનિયમને સ્થાને સારંગી વગાડવાનું શરૂ કરાવ્યું હતું. તેમનું બીજું મહત્ત્વનું પ્રદાન તે સંગીત, નાટ્ય અને સાહિત્યના કાર્યક્રમો માટે આકાશવાણી ઉપર કાર્યક્રમ-નિર્માતાઓ તરીકે કલાકારો અને નિષ્ણાતોને રોકી રેડિયો કાર્યક્રમોની રજૂઆતની નવી વિભાવના દાખલ કરી.

હસમુખ બારાડી