કેસર : એકદળી વર્ગમાં આવેલા ઇરિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Crocus sativas Linn. (સં. કેસર, કંકુમ; હિં. કેસર, ઝાફરાન, ગુ. કેસર; મ. કેસર; અં. સેફ્રોન) છે. તે એક નાની, કંદિલ, બહુવર્ષાયુ, 15 સેમી.થી 25 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે અને તેનાં મોટાં, સુગંધિત, વાદળી કે આછા જાંબલી રંગનાં પુષ્પો માટે વાવવામાં આવે છે. પુષ્પ ત્રણ પરિદલપત્રો ધરાવે છે. પુષ્પનાં ત્રિશાખી, નારંગી રંગનાં પરાગાસનો અને પરાગવાહિનીના ઉપરના ભાગો કેસર ઉત્પન્ન કરે છે.

ભારતમાં તેનું વાવેતર કાશ્મીરમાં પમ્પુરની અને જમ્મુમાં કિશ્ત્વારની સપાટ ભૂમિ (1590 મી.ની ઊંચાઈ) પર મોટેભાગે કરવામાં આવે છે. ભારતના બીજા ભાગોમાં પણ કેસર વાવવાના પ્રયત્નો થયા છે.

કેસર ઉષ્ણ કે ઉપોષ્ણ આબોહવાવાળા ઠંડા પ્રદેશોમાં બહુ સારી રીતે ઊગે છે. તે ફળદ્રૂપ, સારા નિતારવાળી, રેતાળ કે ગોરાડુ મૃદામાં થાય છે. તેનું કંદ (bulb) દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે. કાશ્મીરમાં કંદનું વાવેતર ચૂર્ણિત (pulveized) મૃદામાં ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં 0.4645 ચોમી. જેવડી ઉત્થિત (raised) ક્યારીઓમાં કરવામાં આવે છે. વાવેતર પહેલાં ક્યારીઓ ખેડવામાં આવે છે અને નીંદણ કાઢી નાખવામાં આવે છે. એક વાર છોડ સ્થાપિત થયા પછી પાણી કે ખાતર આપવામાં આવતાં નથી. જમ્મુ ખીણમાં હલકી અને સારા નિતારવાળી મૃદામાં કંદ ઉગાડવામાં આવે છે. એક વાર કંદ સ્થાપિત થયા પછી 10થી 15 વર્ષ સુધી જીવે છે. દર વર્ષે નવા કંદ બને છે અને જૂના કોહવાઈ જાય છે. પ્રતિ હૅક્ટર લગભગ 2471 કિગ્રા. કંદ વાવેતર માટે જરૂરી છે. સારી મૃદામાં ત્રણ વર્ષમાં કંદ 1.25 ગણા અને 10 વર્ષમાં વજનમાં બે ગણા વધે છે.

પુષ્પનિર્માણ ઑક્ટોબર-ડિસેમ્બરમાં થાય છે. કેસર બનાવવા માટે દરરોજ વહેલી સવારે ઝાકળ ઊડી ગયા બાદ પુષ્પો એકત્રિત કરવામાં આવે છે. આ સમયે ભારે વરસાદ નુકસાનકારક છે. પરાગવાહિનીઓ અને પરાગાસનો અલગ કરી તેમને સૂર્યના તડકામાં કે કૃત્રિમ ઉષ્મા આપીને સૂકવવામાં આવે છે.

કેસરની ગુણવત્તા પુષ્પના ભાગોના નિષ્કર્ષણની પદ્ધતિ અને તે પછી અપાતી ચિકિત્સા પર આધાર રાખે છે. તાજાં એકત્રિત કરેલાં પુષ્પોમાંથી કાઢેલાં ત્રિશાખિત પરાગાસનોને સૂર્યના તડકામાં સૂકવવાથી પ્રાપ્ત થતું કેસર સૌથી સારું હોય છે. કાશ્મીરમાં પુષ્પોને 3-5 દિવસ સૂર્યપ્રકાશમાં સૂકવી ધોકાવવાની અને ચાળણીની પ્રક્રિયા પછી, તેને પાણીમાં નાખી તરતી પાંખડીઓને દૂર કરી નીચે બેસી ગયેલ માલને ફરીથી સૂકવવામાં આવે છે. આ રીતે મળતું કેસર ઉત્તમ પ્રકારનું હોય છે. તેને મોગરા કેસર કહે છે. ચાળણીમાં રહી જતા ભાગને ફરીથી સૂકવવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા બેથી ત્રણ વાર પુનરાવર્તિત કરવામાં આવે છે. દરેક વખતે મળતા કેસરની ગુણવત્તા ઘટે છે.

કેસરનું ઉત્પાદન ઓછું અને મજૂરીખર્ચ વધારે આવે છે. સારી ગુણવત્તાવાળું 1 કિગ્રા. કેસર 1,65,000 પુષ્પોમાંથી મળે છે. કાશ્મીરમાં પ્રતિ હૅક્ટરે 200 કિગ્રા. જેટલાં તાજાં પુષ્પો અને સૂકું કેસર લગભગ 5.6 કિગ્રા. જેટલું મળે છે. કેસરનું પ્રતિવર્ષ પ્રતિ હૅક્ટર 6.74 કિગ્રા. જેટલું ઉત્પાદન થઈ શકે છે. અન્ય દેશોમાં 8.9612.32 કિગ્રા./હૅક્ટર જેટલું ઉત્પાદન મેળવવામાં આવે છે. સિંચાઈ અને યોગ્ય ખાતરોના ઉપયોગ દ્વારા ઊંચું ઉત્પાદન મેળવી શકાય છે. સ્પેનમાં તે એક સિંચિત પાક છે. ફ્રાન્સમાં કેસરનો છોડ દર ત્રણ વર્ષે મૂળ સહિત ખેંચી લેવામાં આવે છે. ઇટાલીમાં તે એકવર્ષાયુ પાક છે.

બજારમાં અંતિમ નીપજ-સ્વરૂપે મળતું કેસર ઘેરા રતાશ પડતા બદામી ચપટા પરાગાસનોનો પોચો ગૂંથાયેલો જથ્થો હોય છે, જે લાક્ષણિક રીતે સુગંધિત અને સ્વાદે કડવો હોય છે. તાજું કેસર લીસું, ચળકતું અને સ્નિગ્ધ હોય છે. સમય જતાં તે ઝાંખું અને બરડ બને છે. કેસર મોંઘું હોવાથી તેમાં Calendula spp. કસુંબી(Carthamus tinctorius)ના તંતુઓ અને મકાઈના ડોડાની પરાગવાહિનીના ટુકડા કૃત્રિમ રંગ આપી ભેળસેળ માટે વપરાય છે.

વ્યાપારિક કેસરનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 15.6 %, સ્ટાર્ચ અને શર્કરાઓ 13.35 %, બાષ્પશીલ તેલ 0.6 %, સ્થાયી તેલ 5.63 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 43.64 %, અશુદ્ધ રેસો 4.48 % અને ભસ્મ 4.27 %. બાષ્પશીલ તેલ અને સ્થાયી તેલ વધુમાં વધુ અનુક્રમે 1.37 % અને 13.4 % નોંધાયું છે. ભસ્મમાં પોટૅશિયમ અને ફૉસ્ફરસ સારા પ્રમાણમાં અને બોરોન અત્યંત અલ્પ હોય છે.

કેસર ક્રોસિન, પિક્રોક્રોસિન, લાયકોપિન, β-કૅરોટિન, ϒ-કૅરોટિન, ઝીએઝેન્થિન અને એકસ્ફટિકમય હાઇડ્રોકાર્બન ધરાવે છે. ક્રોસિન કેસરનું મુખ્ય રંજકદ્રવ્ય છે. આ ગ્લાયકોસાઇડના જલાપઘટનથી ડાઇજેન્શિયોબાયોઝ અને ક્રોસેટિન નામનું કૅરોટિનૉઇડ ઉત્પન્ન થાય છે. પ્રિકોક્રોસિન રંગહીન કડવું ગ્લાયકોસાઇડ છે અને તેના જલાપઘટનથી ગ્લુકોઝ અને સેફ્રેનલ નામનો આલ્ડીહાઇડ ઉત્પન્ન થાય છે. સેફ્રેનલની સુગંધ આહ્લાદક હોય છે.

કેસર મુખ્યત્વે તેના રંગ અને સુગંધના ગુણધર્મો માટે ઉપયોગી છે. તે માખણ, ચીઝ, ખીર, પેસ્ટ્રી અને મીઠાઈ રંગવા વપરાય છે.

તે વિવિધ ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તે ચેતા-શામક (nerve sedetive) અને આર્તવપ્રેરક (emmenagogue) તરીકે ઉપયોગી છે. તે સ્ફોટક જ્વરીય (exanthematous) રોગોમાં કેટલીક વાર ફોલ્લા પ્રેરવા વપરાય છે. તેનો ઉપયોગ તાવ, અતિઉદાસીનતા (melanocholia) અને યકૃત પહોળું બને ત્યારે થાય છે. તે ઉત્તેજક અને ક્ષુધાપ્રેરક ગુણધર્મો પણ ધરાવે છે અને બાળકોને શરદીની તકલીફમાં આપવામાં આવે છે. આધુનિક ઔષધકોષોમાં તેનો ઉપયોગ ઔષધ રંગવા માટે દર્શાવાયો છે. કેસર ગર્ભપાતક (abortifacient) તરીકે અને કેટલાક વિનાશક રોગોમાં વપરાય છે. કેસરના કંદ તરુણ પ્રાણીઓ માટે વિષાળુ (toxic) હોય છે. પરાગાસનો વધુ પડતી માત્રામાં લેવાય તો તે માદક છે.

આયુર્વેદ અનુસાર, કેસર સુગંધી, કડવું, તીખું, રુચિકર, આનંદકારક, ઉષ્ણ, દીપન, કામોત્તેજક, કાંતિકર, તૂરું અને સ્નિગ્ધ છે. તે કંઠરોગ, વાયુ, કફ, ઉધરસ, મસ્તકશૂળ, વિષ, ઊલટી, વ્રણ, વ્યંગ, હેડકી, ત્રિદોષ અને કોઢનો નાશ કરે છે. તેનો ઉપયોગ રક્તપિત્ત, શરીરમાંથી લોહી ઘણું વહી ગયું હોય ત્યારે, પીસ-રોગમાં, આધાશીશી, મૃત્તિકાજન્ય પાંડુરોગ, કૉલેરા, મસ્તકરોગ, અહિરા, મૂત્રાઘાત, ખર (ધાતુ પડવી), ગર્ભિણીના રક્તસ્રાવ અને પેટપીડા પર, બાળકોના ઝાડા અને મરડા ઉપર થાય છે. તેનું લેપન પ્રસન્નતા, સ્નિગ્ધતા અને શરીરનું તેજ વધારે છે. પ્રસૂતિ-અવસ્થામાં કેસરનો લેપ કરવાથી માતાને ધાવણ છૂટે છે. નાનાં બાળકોની શરદી અને કફમાં કેસરનું લેપન છાતીએ, નાકે અને કપાળે કરવાથી રોગ મટાડી શકાય છે. ધાર્મિક કાર્યમાં કેસર મિશ્રિત ચંદન વપરાય છે.

જમ્મુ-કાશ્મીરમાં કેસરની ખેતી નફાકારક હોવાથી તેના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રતિ હૅક્ટરે 5 કિગ્રા.ના ઉત્પાદનના હિસાબે પ્રતિવર્ષ 10 કરોડની કિંમતનું 1200 કિગ્રા. જેટલું કેસરનું ઉત્પાદન થાય છે.

જ. પુ. ભટ્ટ

આર. ઝેડ. વળિયા

પ્રાગજી મો. રાઠોડ

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ