સારસાપરીલા : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની વનસ્પતિ. તે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં વિતરણ પામેલી સ્માઇલેક્સ પ્રજાતિની આરોહી ક્ષુપ-સ્વરૂપે થતી વનસ્પતિ છે. ભારતમાં તેની લગભગ 24 જેટલી જાતિઓ થાય છે. મૂળભૂત રીતે તે દક્ષિણ અને મધ્ય અમેરિકાની મૂલનિવાસી છે. પૂર્વીય ઉત્તર અમેરિકા નોવાસ્કૉટિયા, ફ્લોરિડા, ટૅક્સાસ, ઇલિનૉઇસની પશ્ચિમે તથા મધ્ય અમેરિકા ખાસ કરીને કોસ્ટારિકા ખાતે તે ખૂબ થાય છે. અમુક કૅરેબિયન બેટોમાં, ભારત અને ચીનના અમુક ભાગોમાં પણ તે થાય છે. ‘સારસાપરીલા’ નામ સ્પૅનિશ શબ્દો ‘ઝારઝા’ અને ‘પરીલા’ એટલે કાંટાળો વેલો તે પરથી આવ્યું છે.
આ પ્રજાતિની ગાંઠામૂળી અથવા કંદિલ (tuberous) મૂળમાંથી સારસાપરીલા ઔષધ પ્રાપ્ત થાય છે. કેટલીક જાતિઓમાં ટૂંકી સામાન્ય ગાંઠામૂળીમાંથી 2 મી. કે તેથી વધારે લાંબાં, પાતળાં, દોરડા જેવાં મૂળ નીકળે છે. અન્ય જાતિઓમાં ગાંઠામૂળી કંદિલ હોય છે અને તાર જેવાં મૂળ બધી દિશામાં વિસ્તરેલાં હોય છે. Smilax glabra, S. lanceolata અને S. perfoliata ભારતીય જાતિઓ છે; જે કંદિલ ગાંઠામૂળી ધરાવે છે. S. china, ચીનની મૂલનિવાસી છે અને તે કંદિલ મૂળ ધરાવે છે, જે ‘ચાઇના રૂટ’ તરીકે જાણીતાં છે અને તેનો ભારતમાં ‘ચોબ-ચીની’ નામ હેઠળ ઔષધીય ઉપયોગ કરવામાં આવે છે. S. aristolochiifolia, S. regali અને S. febrifuga જેવી કેટલીક જાતિઓમાં ગાંઠામૂળી નાજુક હોય છે અને તેમાંથી સારસાપરીલા ઔષધ મેળવવામાં આવે છે. ઇંડિયન સારસાપરીલા જોકે ઉપરસાલ કે અનંતવેલ(Hemidesmus indicus)માંથી પ્રાપ્ત થાય છે. કંદ જ્યારે અપરિપક્વ હોય છે, ત્યારે માંસલ હોય છે, પરંતુ પછીથી તે કાષ્ઠમય બને છે. આ જાતિઓના કંદ અને કોમળ પ્રરોહો કાચા કે રાંધીને શાકભાજી તરીકે ખાવામાં ઉપયોગી છે.
સારસાપરીલાનો મોટાભાગનો પુરવઠો મધ્ય અમેરિકામાં વન્ય સ્થિતિમાં ઊગતી સ્માઇલેક્સની વિવિધ જાતિઓમાંથી પ્રાપ્ત થાય છે. જમૈકાના કેટલાક વિસ્તારોમાં S. regalis syn. S. orrata-માંથી સારસાપરીલાનું થોડુંક ઉત્પાદન થાય છે. વનસ્પતિ ઉષ્ણ અને ભેજવાળી આબોહવામાં અને હલકી, સારા નિતારવાળી અને પુષ્કળ પ્રમાણમાં હ્યુમસ (humus) ધરાવતી રેતાળ ગોરાડુ મૃદામાં સૌથી સારી રીતે થાય છે. તે ટૂંકી, જાડી ગાંઠામૂળી અને 3 મી. સુધીની લંબાઈવાળાં ખૂબ લાંબાં અને જાડાં મૂળ ધરાવે છે. વાવણી પછી બે કે ત્રણ વર્ષ બાદ દરેક વર્ષે મૂળની લણણી કરવામાં આવે છે. ગાંઠામૂળી પાસેથી કાળજીપૂર્વક મૂળ ખોદવામાં આવે છે અને ગાંઠામૂળીને ફરીથી મૃદા વડે ઢાંકવામાં આવે છે. લણેલાં મૂળને સારી રીતે ધોઈ, સૂર્યના તાપમાં સૂકવી અને 30-40 સેમી. લાંબી અને 10-12 સેમી. જાડી, 58 કિગ્રા. વજનની ભારીઓમાં બાંધવામાં આવે છે. પ્રત્યેક છોડ આશરે 9 કિગ્રા. જેટલાં સૂકાં મૂળનું ઉત્પાદન આપે છે.
યૂરોપમાં મૂળનો ચાંદીના રોગ(syphilis)ની ચિકિત્સામાં અને ચામડીના વિવિધ રોગોમાં, દીર્ઘકાલી સંધિવા (chronic rheumatism) અને પ્રાથમિક ક્ષય(scrofula, જેમાં ગળામાં આવેલી લસિકાગ્રંથિઓ ગૂમડાં જેવી બને છે)માં ઉપયોગ કરવામાં આવે છે. જોકે તેની અસરકારકતા વિશે પ્રશ્ન રહે છે. ઔષધનો ઉપયોગ સોરાયસિસ (psoriasis) માટે પણ થાય છે. સારસાપરીલાનો મોટો જથ્થો તેના ફીણજનક ગુણધર્મને લઈને તેનો રૂટબિયર અને બિન-આલ્કોહૉલીય કાર્બનડાયૉક્સાઇડ-મિશ્રિત પીણાં બનાવવામાં વપરાય છે. દક્ષિણ અને મધ્ય અમેરિકામાં સારસાપરીલાનું મૂળનું ચૂર્ણ શક્તિપ્રદાયક તરીકે વર્ષોથી વપરાતું હતું. તેથી સ્પૅનિશ વિજેતાઓએ તેને ‘હર્બલ ઔષધ’ તરીકે યુરોપમાં દાખલ કર્યું હતું.
તે ઘણી વાર જાતીય નપુંસકતાનિવારક વાનસ્પતિક ચિકિત્સામાં એક ઘટક તરીકે વપરાય છે. ચીની ચિકિત્સકો તેનો ઉપયોગ લેપ્ટોસ્પાયરોસિસ ન થાય તે માટે, ચાંદીના રોગમાં અને જીવાણુજન્ય મરડામાં ખાસ કરે છે. ઍમેઝોન ખાતે શામન્સ લોકો મૂળના ચૂર્ણનો ઉપયોગ રક્તપિત્તમાં કરે છે. ચૂર્ણનો આહાર-પૂરક (dietary supplement) તરીકે પણ ઉપયોગ થાય છે. તેનાં પર્ણોનો ધુમાડો દમના રોગમાં અને પર્ણો અને પ્રકાંડમાંથી બનાવેલી ચા સંધિવાના અને જઠરના વિવિધ રોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સારસાપરીલાનો ઔષધોને સુગંધિત કરવામાં અને સ્વાદ સુધારવામાં ઉપયોગ થાય છે.
સારસાપરીલા દર વર્ષે જમૈકા, યુ.કે., યુ.એસ. અને બૅલ્જિયમ જેવા દેશોમાંથી ભારતમાં થોડા જથ્થામાં આયાત કરવામાં આવે છે. કેટલુંક સારસાપરીલા ભારતીય જાતિઓમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. પાકિસ્તાન અને મ્યાનમાર જેવા પડોશી દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે.
ચોબ-ચીની કે ચાઇના રૂટ (S. china) પર્ણપાતી આરોહી જાતિ છે અને પર્ણતલોમાંથી ઉદ્ભવતા સૂત્ર (tendril) દ્વારા આરોહણ કરે છે. તે ચીન અને જાપાનની મૂલનિવાસી છે. તેના પર છાલશૂળ (prickles) ઓછી હોય છે, પ્રકાંડ અશાખિત હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, ઉપવલયી (elliptic), પહોળાં સ્ફાનાકાર (cuneate) કે ગોળાકાર હોય છે અને લાલ અનષ્ઠિલ (berries) ફળો ધરાવે છે. મૂળના કંદને ‘ચાઇના રૂટ’ કહે છે.
ભારતમાં તેને ઉગાડવાના પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનું જણાય છે. આ ઔષધનો પુરવઠો ચીન અને મલેશિયા દ્વારા નિયમિતપણે આયાત કરવામાં આવે છે. ભારતની સ્થાનિક, બરીચોબ-ચીની(S. glabra)ના મૂળના કંદોના ગુણધર્મો ચાઇના રૂટ જેવા છે. ચાઇના મૂળના કંદો લાંબા બટાટા જેવા કે નાના, ચપટા, ગાંઠોવાળા, 10 સેમી. 15 સેમી. લાંબા અને 3.0 સેમી. –5 સેમી. જાડા હોય છે. બજાર માટે તેમની છાલ કાઢી નાખી તેમનું સમાકૃન્તન (trimming) કરવામાં આવે છે અને તે ગુલાબી-સફેદ ગંધવિહીન કાષ્ઠના ટુકડા સાથે સામ્ય ધરાવે છે. તેમનો સ્વાદ શરૂઆતમાં અરુચિકર હોય છે, પરંતુ પછીથી સારસાપરીલા જેવો કડવો અને ઉગ્ર (acrid) બને છે.
આ કંદિલ મૂળમાં ટેનિન, રાળ (resin), સિન્કૉનિન, સ્માઇલેસિન અને એક સ્ટૅરોઇડ સેપોનિન હોય છે, જેના જલાપઘટનથી સારસાસેપોજેનિન ઉત્પન્ન થાય છે. સારસાસેપોજેનિન પ્રોજેસ્ટીરોન જેવો સ્ટીરૉઇડ છે અને સ્ટીરૉઇડ-સંશ્લેષણમાં ઉપયોગી છે. ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ અને ત્રણ સેપોનિન પણ અલગ કરાયા છે. તે પૈકી એકમાંથી ડાયૉસ્જેનિન ઉત્પન્ન થાય છે. બીજમાંથી 11.1 % જેટલું મેદીય તેલ પ્રાપ્ત થાય છે. તેના ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ. 0.9175; વક્રીભવનાંક 1.4728; ઍસિડમૂલ્ય 1.8; સાબુકરણ-આંક 191.6; આયોડિન-મૂલ્ય 110.2 અને અસાબુનીકૃત દ્રવ્ય 1.1 %. મૂળમાં રૂટિન હોય છે.
ભારતમાં ચાઇના રૂટનો લૈંગિક (veneral) રોગો, સંધિવા અને ત્વચાના દીર્ઘકાલી રોગોમાં ઉપયોગ થાય છે.
બરીચોબ-ચીની પાતળાં અને લીસા પ્રકાંડવાળી અને કંદિલ મૂળો ધરાવતી આરોહી વનસ્પતિ છે. પર્ણો સાદાં, એકાંતરિક, લાંબે અંતરે આવેલાં, અંડ-ભાલાકાર (ovate-lanceolate), ત્રિ-શિરીય (3-costate) હોય છે. પુષ્પો સફેદ રંગનાં, ઘણાં નાનાં અને છત્રક (umbel) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અનષ્ઠિલ પ્રકારનું અને ઘેરા વાદળી રંગનું હોય છે.
આ જાતિ ગારો અને ખાસીની ટેકરીઓમાં થાય છે. તે પૂર્વમાં ઉપરિ મ્યાનમાર, ઇન્ડોચાઇના અને દક્ષિણ ચીન સુધી વિસ્તરેલી છે. તેનાં મોટાં, ભૂમિગત મૂળ ચાઇના રૂટ સાથે ઘણું સામ્ય ધરાવે છે.
ગાંઠામૂળીમાંથી β-સિટોસ્ટેરોલ અને સ્ટિગ્મોસ્ટેરોલ અલગ કરવામાં આવ્યાં છે. છોડના આલ્કોહૉલીય નિષ્કર્ષમાં એક ગ્લુકોસાઇડ અને એક રંજક દ્રવ્ય હોય છે. કંદમાં 69.8 % સ્ટાર્ચ હોય છે. તેનાં તાજાં મૂળનો કાઢો વ્રણ અને લૈંગિક તકલીફોની ચિકિત્સામાં વપરાય છે.
હિંદી ચોબ-ચીની (S. lanceifolia) સિક્કિમ, હિમાલય અને આસામ તેમજ મણિપુરની ટેકરીઓમાં થાય છે. તે કોમળ શાખાઓવાળી અને બહુ થોડીક જ છાલશૂળવાળી કે છાલશૂળરહિત આરોહી વેલ છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), પંચ-શિરીય (5-costate) અને સપક્ષ (winged) પર્ણદંડવાળાં હોય છે. પર્ણની કક્ષમાં એકાકી છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ ઉદ્ભવે છે. ફળ અનષ્ઠિલ પ્રકારનું અને પક્વ બનતાં પીળા રંગનું હોય છે.
તેનાં મૂળ ચાઇના રૂટ સાથે સામ્ય ધરાવે છે. મૂળનો રસ સંધિવાના દુખાવામાં વપરાય છે. રસ કાઢ્યા પછી બાકી રહેતા અવશેષનો પોટીસ તરીકે ઉપયોગ થાય છે.
આકૃતિ : ચોબ-ચીની(S. perfoliata)ની પુષ્પીય શાખા
S. ovalifolia Roxb. syn. S. macrophylla Roxb. non Willd. (હિં. ચોબ-ચીની, જંગલી-ઓશબાહ; બં. કુમારિકા; મ. ઘોટવેલ, ગુટી; તે. કોન્ડા તામારા; ત. મલાઇટ્ટામારાઇ; ક. નિરુબેટ્ટા; મલ. કાલ્ટામારા) જાડી, આરોહી વેલ છે. તે છાલશૂળોવાળું મજબૂત, અંગૂઠા જેટલું જાડું પ્રકાંડ ધરાવે છે અને ભારતના લગભગ બધા જ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે. પર્ણો મોટાં, અંડાકાર કે ઉપ-ગોલાકાર (sub-orbicular), 25 સેમી. સુધીની લંબાઈ ધરાવતાં અને 5–7 શિરીય હોય છે. પુષ્પો છત્રક-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. અનષ્ઠિલ ફળ 1 સેમી. કે તેથી વધારે વ્યાસ ધરાવે છે અને તે ગોળ હોય છે.
આ વનસ્પતિનાં મૂળ ભારતના કેટલાક ભાગોમાં સારસાપરીલાની અવેજીમાં લૈંગિક રોગોની ચિકિત્સામાં વપરાય છે. તે સંધિવા પર લગાડવામાં આવે છે. મૂળનો ઉપયોગ મરડામાં અને મૂત્રસંબંધી ફરિયાદોમાં પણ થાય છે. તેના મૂળને દળીને અછત વખતે ખાવાના ઉપયોગમાં લેવાય છે. ફળ પણ ખાદ્ય છે. પ્રકાંડના રેસાઓ બ્રશ બનાવવામાં અને તેની નરમ શાખાઓનો ઊલિયા તરીકે ઉપયોગ થાય છે.
S. perfoliata Lour. syn. S. prolifera Roxb. મજબૂત શાખાઓવાળી આરોહી જાતિ છે અને તે S. ovalifolia સાથે થાય છે. તેનાં સ્થાનિક નામો S. ovalifolia જેવાં જ છે. S. perfoliata-નો ઉપયોગ સ્થાનિક ઔષધ તરીકે S. ovalifoliaની જેમ જ થાય છે. પ્રકાંડમાંથી મજબૂત રેસો ઉત્પન્ન થાય છે. તેને કેટલીક વાર શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.
S. aspera Linn. લીસી કે છાલશૂળવાળી, કોણીય શાખાઓ ધરાવતી વેલ છે. તેનાં પર્ણો કનક (Dioscoria sp.) જેવાં હોય છે. તેનો શુકીધર (spicate) પ્રકારનો પુષ્પવિન્યાસ હોય છે અને કાશ્મીર, સિક્કિમ અને આસામથી દક્ષિણ ભારત સુધીમાં થાય છે. તેનો ઉપયોગ ‘ભારતીય સારસાપરીલા’ની અવેજીમાં થાય છે.
તેના મૂળમાં ટેનિન દ્રવ્યનું પ્રમાણ ઊંચું હોય છે. મૂળ અને પ્રકાંડમાં પેરિલિન (જટિલ ફિનૉલિક ઍસિડ અને વધારે પ્રમાણમાં પોટૅશિયમ નાઇટ્રેટ) હોય છે. તેની મૂત્રલ પ્રક્રિયા પોટૅશિયમ નાઇટ્રેટને આભારી છે. મૂળમાં 31-નૉરસાઇક્લોઆર્ટેનોલ અને β-સિટોસ્ટેરોલ હોય છે. સેપોનિનના ઘટકનું જલાપઘટન કરતાં ત્રણ સ્ફટિકી સેપોજેનિન ઉત્પન્ન થાય છે. સારસાસેપોજેનિન (C27H44O3), એસ્પરેજેનિન (C27H44O5) અને અન્ય સ્ટૅરૉઇડ સેપોજેનિન (C27H42O3). ઍસ્પરજેનિન 25-હાઇડ્રૉક્સિસ્ટૅરૉઇડીય સેપોજેનિનનો ભાગ્યે જ જોવા મળતો પ્રકાર છે.
S. zeylanica પાતળી ચતુષ્કોણીય શાખાઓ ધરાવતી આરોહી જાતિ છે અને ઉષ્ણકટિબંધીય પહાડી પ્રદેશોમાં હિમાલયથી માંડી કેરળ સુધી થાય છે. પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. મૂળ લૈંગિક રોગો અને ચામડીના રોગોમાં વપરાય છે. તેનાં કંદમય મૂળનો કાઢો વ્રણ અને ગૂમડાંઓમાં આપવામાં આવે છે.
સારસાપરીલાની ભારતમાં થતી અન્ય જાણીતી જાતિઓમાં S. glaucophylla syn. S. parviflora, S. megacarpa syn. S. extensa અને S. ocreata syn. S. roxburghianaનો સમાવેશ થાય છે.
ઉત્તર અમેરિકામાં જંગલી સારસાપરીલા (Aralia nuclicaulis) અને આભાસી કે ઢલોમી સારસાપરીલા (Aralia hispida) થાય છે. તેમનાં અત્યંત સુગંધિત મૂળ સારસાપરીલાની અવેજીમાં વાપરવામાં આવે છે.
યોગેન્દ્ર કૃષ્ણલાલ જાની
બળદેવભાઈ પટેલ