સામાન્ય વીમો (General Insurance)
અકસ્માતના જોખમ સામે વળતરનો કરાર.
વીમાનું કાર્ય દુર્ઘટનાથી થનાર નુકસાનના ખર્ચની અનિશ્ચિતતા સામે વળતર પૂરું પાડવાનું છે. તેમાં વીમાકંપની નિશ્ચિત સમયગાળા દરમિયાન, મુકરર પ્રીમિયમ સામે, અકસ્માતથી થયેલ નુકસાનનું ખર્ચ, કરારની શરતો અનુસાર ભરપાઈ કરી આપવા વચનબદ્ધ થાય છે. વીમાનો સિદ્ધાંત સરાસરીના નિયમ (Law of averages) પર આધારિત હોય છે. તે અનુસાર વીમાકંપની વિશાળ સમાન (Homogeneous) જનસંખ્યામાં અકસ્માતો અથવા મૃત્યુના આવર્તનનો અંદાજ લઈને તર્કાનુમોદિત ચોકસાઈથી નુકસાનનું મૂલ્યાંકન કરી શકે છે. વધુ સંખ્યા હોય ત્યાં વધુ ચોકસાઈથી અંદાજ મેળવી શકાય છે.
વીમાકંપની અકસ્માતનું જોખમ આ પૂર્વસિદ્ધાંતો પર આધાર રાખીને સ્વીકારે છે : (1) અકસ્માતોના આવર્તન અને નુકસાનના વિવેકયુક્ત અંદાજ માટે સમાન વિશાળ સંખ્યા હોવી આવશ્યક છે. (2) તેનો સાગમટે વિનાશ કે પાયમાલી થાય તેવી શક્યતા હોવી ન જોઈએ. (3) નુકસાન ફક્ત અકસ્માતને પરિણામે અને વીમો ઉતરાવનારની નુકસાન ખમવાની હેસિયત બહાર હોવું આવશ્યક છે. (4) નુકસાન તેમજ તેનો નાણાકીય અંદાજ થઈ શકવો જરૂરી છે. તે ઉપરાંત વીમો લેનારને પ્રીમિયમ અનાકર્ષક ન લાગે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ.
વીમો વ્યક્તિ, તેનું કુટુંબ, સંસ્થા, વ્યવસાય વગેરેને વિવિધ જોખમો સામે વળતરનું આરક્ષણ પૂરું પાડે છે. તે વીમાકંપની અને ગ્રાહક વચ્ચેનો કાયદેસરનો વ્યાપારી કરાર છે. તેમાં ઉભયપક્ષે અરસપરસને પૂર્ણ વિશ્વાસથી સઘળી માહિતી પૂરી પાડે તે આવશ્યક છે.
વીમાકંપનીઓ કરોડો ગ્રાહકો પાસેથી એકત્ર કરેલ પ્રીમિયમના વિપુલ નાણાભંડોળનું વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરી દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે. વળી તે વ્યાપારીઓ તેમજ ઉદ્યોગપતિઓને ભવિષ્યના જોખમની અનિશ્ચિતતાથી ઉત્પન્ન થતાં ભય, મૂંઝવણ અને ચિંતા સામે વળતરનો વિશ્વાસ આપી વિકાસને પ્રોત્સાહન આપે છે.
સામાન્ય વીમો જીવનવીમા કરતાં અલગ હોય છે. તે આગ, વ્યક્તિગત અકસ્માત, ચોરી, લૂટફાટ, મોટરમાર્ગ, હવાઈ જહાજ, દરિયાઈ પરિવહન, ધરતીકંપ, વાવાઝોડાં, પૂર, સ્વાસ્થ્ય, ઋણ વગેરેથી થતા નુકસાન સામે વળતર પૂરું પાડે છે.
માનવ સંસ્કૃતિના આરંભકાળથી અકસ્માતથી થતા નુકસાન સામે આરક્ષણનું આયોજન કરતો આવ્યો છે. ઈ. પૂ. 4000થી 3000ના અરસામાં બૅબિલોનમાં નૌ-જામીન (bottomry) તરીકે પ્રચલિત એક વીમાયોજના હતી. તેમાં ચાંચિયાગીરીના ભયને કારણે સફળ દરિયાઈ સફરની આશંકા રહેતી હતી. તેના જોખમ સામે શાહુકારો ભારે પ્રીમિયમ લઈને નાણાંનું ધિરાણ કરતા હતા. તેમાં વહાણ પરત આવે તો જ ઋણ ચૂકવવાનો કરાર કરવામાં આવતો તેવો રિવાજ હતો તેમ જાણવા મળે છે.
ચીનથી રેશમમાર્ગ દ્વારા વહન થતા માલસામાનનો પણ વીમો ઉતારવામાં આવતો હતો. ઈ. પૂ. 600ના શતકમાં ભારતમાં અને ઈ. પૂ. 400ના શતકમાં ગ્રીસમાં પણ દરિયાઈ વીમો ઉતારવામાં આવતો હતો. રોમમાં એક દફનમંડળ તેના સભ્યો પાસેથી માસિક પ્રીમિયમ ઉઘરાવી મૃત્યુ પામનાર સભ્યના અંત્યેષ્ટિ-સંસ્કારનો ખર્ચ ભોગવતું હતું તેવી માહિતી મળે છે. આમ છતાં સત્તરમી સદી સુધી કોઈ વ્યવસ્થિત વીમાયોજના અસ્તિત્વમાં હોય તેવી માહિતી ઉપલબ્ધ થતી નથી.
ઈ. સ. 1666માં લંડનમાં લાગેલી પ્રચંડ આગમાં પારાવાર નુકસાન થયું હતું; પરંતુ તે સમયે વીમાની સવલત ન હતી. ઈ. સ. 1711ના તરંગી યુગ(bubble era)માં ઇંગ્લૅન્ડમાં આગના વીમાવ્યવસાયની કંપનીઓ અસ્તિત્વમાં આવી હતી; પરંતુ તે અવિશ્વસનીય નીવડતાં બંધ પડી હતી. ત્યારબાદ ધ લંડન એસ્યૉરન્સ કૉર્પોરેશન અને ધ રૉયલ એક્સચેન્જ એસ્યૉરન્સ નામની મિલકત તેમજ ઋણના વીમા ઉતારતી વીમાકંપનીઓ અસ્તિત્વમાં આવી હતી.
સત્તરમી સદીમાં લંડનના એક કૉફીગૃહમાં વ્યાપારીઓ, બૅંકરો તેમજ વીમાદલાલો એકત્ર થતા હતા. તે જ કૉફીઘર દરિયાઈ વીમા-દલાલોનું વીમાવ્યવસાયનું સ્થાન બન્યું હતું. તે સમયે એડવર્ડ લૉઇડ ડક્કા પર આવતાં-જતાં વહાણોની માહિતી તેના ગ્રાહકોને પૂરી પાડવાનું કાર્ય કરતા હતા, જે પાછળથી લૉઇડની યાદી તરીકે પ્રચલિત થઈ હતી. આજે પણ તે દૈનિક યાદી પ્રકાશિત થાય છે. ત્યારબાદ લૉઇડે દરિયાઈ વીમા લેવાનો આરંભ કર્યો હતો. ઈ. સ. 1769માં તેમની વીમાકંપનીને સ્વીકૃતિ મળી હતી. અંગ્રેજોના વધતા જતા દરિયાઈ આધિપત્યને પરિણામે લૉઇડને વિશ્વભરમાં ઠીક ઠીક પ્રસિદ્ધિ તેમજ ધંધો મળ્યાં હતાં. ક્રમશ: તે દરિયાઈ વીમો લેનાર વિશ્વની અગ્રગણ્ય કંપની તરીકે પ્રસિદ્ધ થઈ હતી. વ્યવસાયમાં સુદૃઢ થયા પછી તેમણે આગ વગેરે બીજા વીમા તેમજ વીમાના પુનર્વીમાકરણ(Reinsurance)નું કાર્ય શરૂ કર્યું હતું. તે પછી ઈ. સ. 1752માં અમેરિકા અને ક્રમશ: રશિયા, જાપાન અને વિશ્વના બીજા દેશોમાં વીમાવ્યવસાયની શરૂઆત થઈ હતી.
ભારતમાં દરિયાઈ વીમાની પ્રથા ઠીક ઠીક પુરાણી કહેવાય છે; પરંતુ ઈ. સ. 1555માં ‘સાંતાક્રૂઝ’ નામના વહાણમાં ઇંગ્લૅન્ડ મોકલવામાં આવેલ માલનો વીમો ઉતારવામાં આવ્યો હતો તેવી પ્રથમ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ થાય છે. ઈ. સ. 1850માં ભારતમાં પોતાના વહાણવટાનાં હિતો જાળવવા અંગ્રેજોએ ટ્રીટોન ઇન્સ્યૉરન્સ કંપની લિમિટેડની કોલકાતામાં સ્થાપના કરી હતી.
ઈ. સ. 1907માં પ્રથમ ભારતીય વીમાકંપની મર્કન્ટાઇલ ઇન્સ્યૉરન્સ કંપની લિમિટેડ, મુંબઈમાં શરૂ કરવામાં આવી હતી. ઈ. સ. 1919માં શ્રી દોરાબજી તાતાએ મુંબઈમાં ન્યૂ ઇન્ડિયા એસ્યૉરન્સ કંપની લિમિટેડની સ્થાપના કરી હતી.
ઈ. સ. 1912માં ભારત સરકારે જીવનવીમાના લવાજમના દર અને માલસામાનનું મૂલ્યાંકન કરવા ધી ઇન્ડિયન ઇન્સ્યૉરન્સ ઍક્ટ પસાર કર્યો હતો. તે સમયે દરિયાઈ વ્યવહાર, વાહન-અકસ્માત, કામદારોને વળતર વગેરેને લગતી વીમા યોજનાઓ પ્રચલિત હતી. ચોરી, લૂંટફાટ, હુલ્લડ, ભૂકંપ વગેરેના વીમા જવલ્લે જ અને આફતના સમયમાં જ લેવામાં આવતા હતા. વીમાનું કામકાજ વિવિધ પ્રદેશોમાં વહેંચાયેલું હતું. તેનું સંચાલન મુખ્યત્વે બિનભારતીયોના પ્રભુત્વ હેઠળનાં સ્થાનિક મંડળોને હસ્તક રહેતું. પ્રીમિયમના દરો મનસ્વી રીતે નક્કી કરવામાં આવતા હતા. દલાલી પણ ઊંચી ચૂકવવામાં આવતી હતી. વીમાનો વ્યવસાય એક પ્રકારનો સટ્ટો ગણાતો હતો. પૂરતી માહિતી એકત્ર કરી પ્રીમિયમના દર નક્કી કરવા માટે અને વીમાવ્યવસાય પર અંકુશ રાખવા કોઈ કેન્દ્રીય સંસ્થા અસ્તિત્વમાં ન હતી.
ઈ. સ. 1938માં વીમાના વ્યવસાયમાંથી સટ્ટાને દૂર કરવા નિરંકુશ કંપનીઓ પર અંકુશ લાવવા અને ભારતીયોનાં હિતો જાળવવા સરકારે વીમા કાયદામાં ગણનાપાત્ર ફેરફારો કરી વીમા કાયદો, 1938 (The Insurance Act, 1938) બહાર પાડ્યો હતો. તે સમયે બહુમતી બૅંકોનું સંચાલન બિનભારતીયોના હાથમાં હોવાથી ભારતીય કંપનીઓને ધિરાણ મેળવવામાં મુશ્કેલી અનુભવવી પડતી હતી. એપ્રિલ, 1945માં વીમાકંપનીઓના નાણાકીય ભંડોળોની ગોલમાલ તેમજ બૅંકોના અનિચ્છનીય વ્યવહાર પર અંકુશ લાવવા સરકારે સર કાવસજી જહાંગીરના અધ્યક્ષપણા નીચે એક કમિટીની નિમણૂક કરી હતી. તેની ભલામણોને અનુસરીને ઈ. સ. 1950માં વીમાના કાયદામાં નોંધપાત્ર સુધારા દાખલ કરવામાં આવ્યા હતા.
ઈ. સ. 1956માં ભારતીય વીમાકંપનીઓના પરદેશમાં ખેંચાઈ જતા પુનર્વીમાકરણના વ્યવસાયને સીમિત કરવા ભારતીય કંપનીઓએ પોતાની આવકના 10 % રકમ ફાળવીને ભારતીય પુનર્વીમાકરણ કૉર્પોરેશન લિમિટેડ(Reinsurance Corporation of India Ltd.)ની સ્થાપના કરી હતી. ઈ. સ. 1957માં ઇન્સ્યૉરન્સ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાની એક શાખા ધ જનરલ ઇન્સ્યૉરન્સ કાઉન્સિલે ભારતમાં સામાન્ય વીમાવ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓ માટે આચારસંહિતા ઘડી તેમને તર્કશુદ્ધ વ્યાવહારિક અભિગમ અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું. ઈ. સ. 1961માં સરકારે પુનર્વીમાકરણની યોજનાને કાયદાનું સ્વરૂપ આપી ભારતીય બાંયધરી અને ધ જનરલ ઇન્સ્યૉરન્સ કંપની લિમિટેડ (The Indian Guarantee and General Insurance Co. Ltd.) નામની કંપનીની શરૂઆત કરી હતી. તેમાં દરેક વીમાકંપનીએ આગ તેમજ દરિયાઈ માલસામાનના વીમાના પ્રીમિયમના 20 %, વહાણો તેમજ બીજા વીમાના 10 % અને શાખ અને કરજ ફેડવાના વીમાના 5 % પ્રીમિયમની રકમ પુનર્વીમાકરણ કંપનીના ભંડોળ માટે ફાળવવી તેમ નક્કી કર્યું હતું. આ રીતે ભારતમાં પુનર્વીમાકરણ વ્યવસાયમાં બે કંપનીઓ પ્રવૃત્ત થઈ હતી.
ઈ. સ. 1968માં વીમાકંપનીઓ પર સામાજિક અંકુશ વધારવા વીમા કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. તેમાં અસ્કામતોમાં મૂડીરોકાણના નિયમનો નિમ્નતમ ઋણગાળો, વીમાનું જોખમ સ્વીકારતાં પહેલાં પ્રીમિયમની ચુકવણી, સર્વેયરને પરવાના વગેરેને આવરી લેવામાં આવ્યાં હતાં. તેમાં જકાત સમિતિ (Tarriff Committee) નીમવાની પણ ભલામણ હતી. કાયદામાં વીમા-નિયંત્રક(Controller of Insurance)ને વીમાકંપનીઓની તમામ અન્વેષણ-સંશોધન કરવાની, હિસાબો તપાસવાની તેમજ ચોપડા કબજે કરવાની સત્તા આપવામાં આવી હતી.
ઈ. સ. 1971માં કેન્દ્ર સરકારે સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવાની નીતિ જાહેર કરી હતી. તેને માટે સામાન્ય વીમાવ્યવસાય (રાષ્ટ્રીયકરણ) કાયદો, 1972 [General Insurance Business (National-isation) Act, 1972] પસાર કરવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી, 1973ના દિવસે જનરલ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. સામાન્ય વીમાવ્યવસાય સાથે સંકળાયેલ 107 ભારતીય તેમજ વિદેશી વીમાકંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેમનો વહીવટ જનરલ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન હેઠળની ચાર પેટા કંપનીઓ (1) ધ ન્યૂ ઇન્ડિયા એસ્યૉરન્સ કંપની લિમિટેડ, મુંબઈ. (2) ધ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યૉરન્સ કંપની લિમિટેડ, ચેન્નઈ, (3) ધ ઑરિયેન્ટલ ઇન્સ્યૉરન્સ કંપની લિમિટેડ, મુંબઈ અને (4) ધ નૅશનલ ઇન્સ્યૉરન્સ કંપની લિમિટેડ, ન્યૂ દિલ્હીને ફાળવવામાં આવ્યો હતો. તેનો હેતુ વીમાવ્યવસાયનું નિયમન કરી, અંકુશ સાથે વિકાસ કરવાનો હતો.
આ જાહેર ક્ષેત્રની કંપનીઓ લોકહિતમાં પૂરી ક્ષમતાથી સેવા પૂરી પાડી શકશે તેવા વિશ્વાસથી સરકારે વીમા-નિયામક(Controller of Insurance)ની મહત્તમ સત્તાઓ ક્રમશ: જનરલ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન અને તેની ચાર પેટા કંપનીઓને તબદીલ કરી હતી, જેને પરિણામે વીમાકંપનીઓ પરનો વીમા-નિયામકનો અંકુશ તેમજ મોભો ઘટી ગયા હતા; જ્યારે રાષ્ટ્રીયકરણ કરેલ કંપનીઓમાં મૂકેલો વિશ્વાસ નિરાશાજનક નીવડ્યો હતો. તેમની સેવાની ગુણવત્તામાં ભારે ઘટાડા સાથે નાણાંની અવ્યવસ્થા તેમજ ઇજારાશાહી જોવા મળી હતી.
રાષ્ટ્રીય વીમાકંપનીઓના વહીવટમાં સુધારા કરવા માટે સરકારે રિઝર્વ બૅંકના નિવૃત્ત નિયામક શ્રી આર. એન. મલહોત્રાના અધ્યક્ષપણા નીચે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ કંપનીઓની ઇજારાશાહી નાબૂદ કરી, ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપી, ગ્રાહકોને વધુ સારી સેવા અને સવલતો મળે તેવાં સૂચનો કર્યાં હતાં. તેમણે પૂરા વીમાવ્યવસાય પર કડક અંકુશ અને નિયમનો લાદવા અનુરોધ કર્યો હતો.
જેને પરિણામે કેન્દ્ર સરકારે ઈ. સ. 1999માં વીમા-નિયમન અને વિકાસ કાયદો 1999 (Insurance Regulatory and Development Act, 1999) પસાર કર્યો હતો. તેનું ધ્યેય વીમા-વ્યવસાયનું નિયમન કરી તેના પર કડક અંકુશ રાખવાનો હતો. તે ઉપરાંત ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવી ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપી, બહુરાષ્ટ્રીય વીમાકંપનીઓને આમંત્રી વીમા-વ્યવસાયને વધુ સક્ષમ અને લોકાભિમુખ બનાવી વિકાસ કરવાનો હતો. આ હેતુઓ સાધવા માટે સરકારે 19 એપ્રિલ, 2000ના દિવસે વીમાનિયમન અને વિકાસશાસન(The Insurance Regulatory and Development Authority, IRDA)ની સ્થાપના કરી હતી. તેને વીમા કાયદા 1938 અને ત્યારપછીના વીમાને લગતા સઘળા કાયદાઓની સત્તા તબદીલ કરવામાં આવી હતી. જનરલ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશનની ચારેય પેટા કંપનીઓનો વહીવટ સીધો જ સરકાર હસ્તક મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીયકરણ કરેલી કંપનીઓની વીમાની ઇજારાશાહી નાબૂદ કરવામાં આવી હતી. આ કાયદો જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની વીમાકંપનીઓ બંનેને બંધનકર્તા હતો.
ઇરડા(IRDA)નું ધ્યેય ભારતના વીમાવ્યવસાયનું નિયમન કરી, અંકુશ રાખી વિકાસ સાધવાનું હતું. તેની મુખ્ય ફરજો, સત્તા તેમજ કામગીરી સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે :
(1) વીમાકંપનીઓને નોંધણીનાં પ્રમાણપત્રો આપવાં, તેમાં ફેરફારો સૂચવવા તેમજ આવશ્યક લાગે ત્યારે કંપનીઓને સ્થગિત કે રદ કરવી.
(2) વીમાધારકોનાં હિત જાળવવાં તેમજ વીમાધારકો અને કંપનીઓ વચ્ચેના મતભેદમાં લવાદી કરવી.
(3) વીમાકંપનીના દલાલોની લાયકાત નક્કી કરી તેમની નોંધણી, આચારસંહિતા તેમજ તાલીમની વ્યવસ્થા કરવી.
(4) સર્વેયર તેમજ નુકસાનનો અંદાજ કરનાર માટેની તેમજ વ્યવસાય સાથે સંકળાયેલ સંસ્થાઓની નોંધણી કરી તેમની આચારસંહિતા નક્કી કરવી.
(5) વીમાકંપની અને મધ્યસ્થીઓ પર નિરીક્ષણ રાખવું. તેમના હિસાબોની પદ્ધતિ નક્કી કરવી તેમજ તેની સમયાંતરે તપાસ કરવી.
(6) ભારતના વીમાવ્યવસાયનું લોકહિતમાં નિયમન કરી અંકુશ રાખવો વગેરે.
વીમાનો વ્યવસાય કરતી કંપની પુનર્વીમાકરણ ન કરી શકે તેવો શિરસ્તો હોવાથી જનરલ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશનને ફક્ત પુનર્વીમાકરણનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. ઈ. સ. 2002માં સામાન્ય વીમા (સુધારા) કાયદા (The General Insurance Ammend-ment Act) દ્વારા સહકારી સોસાયટીઓને પણ બીજી વીમાકંપનીઓ સમકક્ષ ગણી વીમાવ્યવસાય માટે યોગ્ય ઠરાવવામાં આવી હતી.
ભારતની વીમાકંપનીઓ સામાન્ય વીમાની આશરે 150થી વધુ યોજનાઓ પ્રસ્તુત કરે છે. તેમાંથી કેટલાક પ્રચલિત વિષયોની યાદી સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે : (1) આગ, (2) માર્ગ, દરિયાઈ અને હવાઈ પરિવહન, (3) મોટર, (4) વ્યક્તિગત અકસ્માત, (5) સ્વાસ્થ્ય, (6) ચોરી-લૂંટફાટ વગેરે, (7) ઋણ વીમો, (8) હુલ્લડ, ધરતીકંપ, પૂર વગેરે, (9) હક કે માગણી(claims)નો દાવો, (10) ગ્રામ વીમાયોજના (ઢોરો, બાગાયત, ખેતી, સિંચાઈ, પ્રાણીથી ખેંચાતાં વાહનો વગેરે), (11) કામદાર વળતર યોજના, (12) રાજરાજેશ્રી મહિલા કલ્યાણ યોજના (નબળા વર્ગો માટે), (13) યુનિવર્સલ આરોગ્ય-વીમો (નબળા વર્ગો માટે), (14) ભાગ્યશ્રી બાળક સુખાકારી યોજના, (15) આદિવાસી યોજના વગેરે.
મોટર વાહન કાયદા 1939 (Motor Vehicles Act, 1939) નીચે અકસ્માતના દાવાના ઝડપી ઉકેલ માટે સરકારે મોટર અકસ્માત દાવા ન્યાયપંચ(Motor Accident Claim Tribunal, MACT)નું આયોજન કર્યું હતું. તેમનું કાર્ય જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ મૅજિસ્ટ્રેટ અથવા હાઈકોર્ટ-ન્યાયાધીશના પ્રમુખપદ નીચે ન્યાયપંચની નિમણૂક કરી ત્રાહિત વ્યક્તિનાં અકસ્માત, મૃત્યુ તેમજ મિલકતને લગતા દાવાઓની સુનાવણી કરી ચુકાદો આપવાનું હતું. ઈ. સ. 1988માં અગાઉના કાયદામાં સુધારો કરી વાહન ચલાવનારની કે રાહદારીની ભૂલ ન હોય તોપણ ત્રાહિત વ્યક્તિને વળતરને યોગ્ય ઠરાવવામાં આવી હતી. મોટર-માલિકો માટે વળતર ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ દાવા માટે નજીવી ફી ભરવામાં આવતી હતી અને તેને દાવાની રકમ સાથે કોઈ નિસબત રાખવામાં આવી ન હતી.
આ વ્યવસ્થામાં ઠીક ઠીક વિલંબ થતો હોવાથી સરકારે વીમાકંપનીની જવાબદારી માટે શંકા ન હોય તેવા દાવા ઝડપથી ચલાવવા માટે લોકઅદાલતો સ્થાપવાનો નિર્ણય લીધો હતો. તેને માટે જિલ્લા કાયદા સહાયક સમિતિઓ (District Legal Aids Committees) અને રાજ્ય કાયદા સહાયક સમિતિઓ(State Legal Aids Committees)ની રચના કરવામાં આવી હતી. તેમાં અદાલતો બંને પક્ષોને બોલાવી ચુકાદો આપે છે. આવા દાવામાં તકનીકી મુદ્દાઓને અગત્ય આપવામાં આવતી નથી. તેમાં દાવો કરનાર કે તેના પ્રતિનિધિને જ હાજર રહેવા દેવામાં આવે છે, વકીલોને નહિ. તેમાં અદાલતો કરતાં ઓછો સમય અને ખર્ચ થાય છે. બંને પક્ષોને એકંદરે સંતોષજનક ચુકાદો મળી રહે છે. વીમા-કંપની ચુકાદા સામે કોર્ટમાં જઈ શકતી નથી.
ઈ. સ. 1986માં સરકારે ગ્રાહકોનાં હિત જાળવવા તથા દાવાના ઝડપી ઉકેલ માટે ગ્રાહક સુરક્ષા કાયદો, 1986 (Consumer Protection Act, 1986) ઘડ્યો હતો. તેમાં જાહેર, ખાનગી તેમજ સહકારી ક્ષેત્રની વીમાકંપનીઓને આવરી લેવામાં આવી હતી. તેમાં જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે યોગ્ય ન્યાયાધીશોના અધ્યક્ષપણા નીચે નિમાયેલી સમિતિઓ મોટરવાહન અકસ્માતના વળતરના કેસો સાંભળી ચુકાદો આપે છે. તેમાં જિલ્લા સમિતિને રૂ. 25 લાખ સુધીના, રાજ્ય સમિતિને રૂ. 1 કરોડ સુધીના અને રાષ્ટ્રીય સ્તરે રૂ. 1 કરોડથી વધુ રકમના દાવા ચલાવવાની સત્તા આપવામાં આવી હતી. રાષ્ટ્રીય સમિતિને પ્રારંભિક (original) અપીલો (appellate) તેમજ સમગ્ર દેશના દાવાઓની દેખરેખ રાખવાની હતી. આ વ્યવસ્થામાં પણ ચુકાદો આવતાં ત્રણથી પાંચ વર્ષનો ગાળો થતો હતો.
તેથી ઈ. સ. 1998માં સરકારે જાહેર ફરિયાદ-નિવારણ નિયમનો, 1998 હેઠળ અધિકારીઓ(ombudsman)ની નિમણૂકો કરવાનો નિર્ણય લીધો હતો. તેમનું કાર્ય વીમાકંપનીઓ સામેના રૂ. 20 લાખ સુધીના જીવનવીમા તેમજ સામાન્ય વીમાના દાવાઓની સુનાવણી કરી ત્રણ માસમાં ચુકાદો આપવાનું હતું. આમાં ફક્ત વ્યક્તિગત વીમાધારકોને જ આવરી લેવાયા હતા. ધંધાદારી ભાગીદારી પેઢી કે કૉર્પોરેટ કંપનીઓનો તેમાં સમાવેશ કરાયો નથી. તેમનો ચુકાદો બંને પક્ષોને બંધનકર્તા હતો. તેમાં દાવો કરનાર કે તેમના પ્રતિનિધિ અને વીમાકંપનીના પ્રતિનિધિઓ જ હાજર રહી શકતા હતા. વકીલોને તેમાં અવકાશ ન હતો. દાવો કરનાર 15 દિવસની અંદર ચુકાદાનો સ્વીકાર ન કરે તો તેનો અમલ મોકૂફ રાખવામાં આવતો હતો અને દાવેદાર વળતર માટે કોર્ટમાં જઈ શકતો હતો. ઈ. સ. 2002માં આ કાયદામાં જાહેર, ખાનગી તેમજ સહકારી ક્ષેત્રોની વીમાકંપનીઓને આવરી લેવામાં આવી હતી.
સ્વાસ્થ્ય-વીમાના ખર્ચના દાવાની આકારણી અને ચુકવણી માટે ઇરડા(IRDA)એ તૃતીય પક્ષ સંચાલક (Third Party Administrator) તરીકે અનેક કંપનીઓને સરકારે પરવાનગી આપી છે. વીમાધારક ઇસ્પિતાલ વગેરેનો ખર્ચ કરી તેનું વળતર માગી શકે છે અથવા તો અગાઉથી ખર્ચના અંદાજની મંજૂરી મેળવી ઇસ્પિતાલમાં સારવાર લઈ શકે છે; પરંતુ અગાઉથી મંજૂરી મેળવી હોવાથી વીમાકંપની ઇસ્પિતાલને બારોબાર ખર્ચની ચુકવણી કરે છે અને દર્દીએ ફક્ત નામનો જ ખર્ચ વેઠવો પડે છે. આ પદ્ધતિ બિનરોકડ (cashless) પદ્ધતિ તરીકે પ્રચલિત છે.
ભારતના સામાન્ય વીમાવ્યવસાયમાં વ્યસ્ત ખાનગી તેમજ જાહેર ક્ષેત્રની વીમાકંપનીઓએ ઈ. સ. 1958ના ફક્ત રૂ. 25 કરોડના પ્રીમિયમ સામે ઈ. સ. 2005-06માં રૂ. 20,378 કરોડનું પ્રીમિયમ એકત્ર કર્યું હતું. તેનું શ્રેય ભારત સરકારની બિનનિયંત્રીકરણ તેમજ ઉદારીકરણની નીતિને ફાળે જાય છે. આ નીતિને પરિણામે પરદેશની બહુદેશીય (multinational) કંપનીઓએ ભારતની અગ્રગણ્ય કંપનીઓના સહયોગમાં જીવન તેમજ સામાન્ય વીમાકંપનીઓની સ્થાપના કરી છે. સામાન્ય વીમાકંપનીઓએ ઈ. સ. 2005-06માં એકત્ર કરેલ પ્રીમિયમની માહિતી નીચેની સારણીમાં આપી છે :
સારણી : ભારતની સામાન્ય વીમાકંપનીઓ
કંપનીનું નામ | એકત્ર કરેલ પ્રીમિયમ (રૂ. કરોડમાં) 200506 |
|
(1) | રૉયલ સુંદરમ્ એલાયન્સ વીમા કું. લિ. | 453.57 |
(2) | ટાટા એ. આઇ. જી. જનરલ ઇન્સ્યૉ. કું. લિ. | 612.38 |
(3) | રિલાયન્સ જનરલ ઇન્સ્યૉ. કું. લિ. | 162.33 |
(4) | ઇફ્કો-ટોકિયો જનરલ ઇન્સ્યૉ. કું. લિ. | 896.10 |
(5) | આઇ.સી.આઇ.સી.આઇ. લૉમ્બાર્ડ જનરલ ઇન્સ્યૉ. કું. લિ. | 1591.99 |
(6) | બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યૉ. કું. લિ. | 1287.67 |
(7) | ચોલામંડલમ્ જનરલ ઇન્સ્યૉ. કું. લિ. | 220.42 |
(8) | એચ.ડી.એફ.સી. જનરલ ઇન્સ્યૉ. કું. લિ. | 202.37 |
(9) | ન્યૂ ઇન્ડિયા ઍસ્યૉરન્સ કું. લિ. | 4762.12 |
(10) | નૅશનલ ઇન્સ્યૉરન્સ કું. લિ. | 3524.00 |
(11) | યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યૉરન્સ કું. લિ. | 3146.98 |
(12) | ઑરિયેન્ટલ જનરલ ઇન્સ્યૉ. કું. લિ. | 3518.64 |
કુલ રૂ. 20,378.47 |
ઉપરની સારણીમાંથી જાણી શકાશે કે સામાન્ય વીમાક્ષેત્રમાં જાહેર વીમાકંપનીઓનો ફાળો રૂ. 14,951.74 (73.37 ટકા) અને ખાનગી ક્ષેત્રનો રૂ. 5426.86 (26.63 ટકા) હતો.
ભારતમાં વીમાનો પ્રસાર વિકસિત દેશોની સરખામણીમાં નિમ્ન કહી શકાય. આશરે 100 કરોડની વસ્તીમાંથી ફક્ત 3.5 કરોડ માણસોએ જ જીવન તેમજ સામાન્ય વીમામાં રસ દર્શાવ્યો છે અને તે પણ મહદ્અંશે શહેરો પૂરતો સીમિત રહ્યો છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગ્રામવિસ્તારમાં વીમાપ્રસારના પ્રયાસ કરવામાં આવે છે. ઈ. સ. 2005-06ના વર્ષમાં વીમાના પ્રીમિયમનો હિસ્સો રાષ્ટ્રીય આવક(gross domestic product)ના ફક્ત 3 ટકા જ હતો જેમાં જીવનવીમાનો ફાળો 2.3 ટકા અને સામાન્ય વીમાનો 0.7 ટકા હતો; જ્યારે જાપાનમાં આ હિસ્સો 12 ટકા, ઇંગ્લૅન્ડમાં 14 ટકા, કોરિયામાં 11 ટકા અને મલેશિયામાં 5 ટકા જેટલો અંદાજવામાં આવ્યો હતો. માથાદીઠ પ્રીમિયમમાં પણ ભારતના વાર્ષિક રૂ. 500(રૂ. 405 જીવનવીમો + રૂ. 95 સામાન્ય વીમો)ની સરખામણીમાં જાપાનમાં રૂ. 1,57,000; ઇંગ્લૅન્ડમાં રૂ. 1,50,000; અમેરિકામાં રૂ. 1,45,000 અને મલેશિયામાં રૂ. 9000નું વાર્ષિક પ્રીમિયમ અંદાજવામાં આવે છે.
વિશ્વની સરખામણીમાં ઘણું ઓછું પ્રસારણ હોવા છતાં પણ ભારતની વીમાકંપનીઓ રાષ્ટ્રીય બચતમાં વર્ષે આશરે 10થી 11 ટકા ફાળો આપે છે, જે ગણનાપાત્ર કહી શકાય. વીમાકંપનીઓની આવક તેમની શૅરમૂડીના રોકાણ તેમજ પ્રીમિયમમાંથી થાય છે. તેમાં પણ 45 ટકા રકમનું ઇરડા(IRDA)ના નિદર્શન મુજબ બૅંકો કોષાગાર, વ્યાપારી પ્રમાણપત્રો, રાજ્ય સરકારો, સામાજિક સંસ્થાઓ વગેરેમાં કરવું આવશ્યક છે. વળી તેમને શૅરબજારમાં 15 ટકા સુધી જ રોકાણ કરવાની સીમા આપવામાં આવી છે. આ સઘળું ધ્યાનમાં રાખતાં વીમાકંપનીઓએ કુશળતા અને સમજદારીથી સહીસલામતી અને તરલતા વચ્ચે સમન્વય સાધી ટૂંકા તેમજ લાંબા ગાળાનાં રોકાણોનું આયોજન કરવું આવશ્યક બને છે.
વીમાના વળતરનો દાવો : એ દાવો કરનારે આ વિગતોની નોંધ લેવી આવશ્યક છે : (1) વળતરનો દાવો વીમાકરારની શરતો અનુસાર છે કે નહિ તેની ચોકસાઈ કરવી (યોગ્ય લાગે તો કાયદાકીય/દલાલની સલાહ લેવી). (2) અકસ્માત અને નુકસાનથી વીમાકંપનીને તત્કાલ માહિતગાર કરવી. (3) અકસ્માત થયે પોલીસ, ડૉક્ટર, અગ્નિશામક, વાયુશાસ્ત્રી, રેલવે પરિવહન કંપની વગેરેમાંથી યોગ્ય લાગે ત્યાં ફરિયાદ નોંધાવી પ્રમાણપત્ર મેળવવું; જેથી દાવો મજબૂત રીતે કરી શકાય. (4) વળતરના દાવાને પુષ્ટિ આપવા અકસ્માતનાં કારણો, નુકસાનનો અંદાજ વગેરેને લગતાં બિલો, દસ્તાવેજો સાથે શક્ય તેટલા ટૂંકા સમયમાં વીમાકંપનીના પત્રકમાં અરજી કરવી. (5) વીમાકંપની નાની રકમના દાવાની તેના અફસરો દ્વારા તપાસ કરી ચુકવણીનો નિર્ણય લે છે. (6) મોટી રકમના દાવા માટે વીમાકંપની સર્વેયરની નિમણૂક કરી, તેના અહેવાલનું મૂલ્યાંકન કરી, વળતરની રકમનો અંદાજ તૈયાર કરે છે. (7) ઉભય પક્ષે સંમતિ ન સધાય તો વીમાધારક લોકઅદાલત, ગ્રાહક-સુરક્ષા સમિતિ કે લવાદની સહાય લઈ શકે છે તેમજ કોર્ટમાં પણ જઈ શકે છે. (8) વળતરની રકમ ચૂકવ્યા બાદ વીમાકંપની નુકસાન થયેલ માલ-મિલકતનો કબજો લઈ તેમાંથી શક્ય તેટલાં નાણાં ઉપજાવે છે. ક્વચિત્ કંપનીઓ નુકસાન પામનાર વ્યક્તિ/સંસ્થાનું અવેજીકરણ કરી (Law of Arbitrage), રેલવે, પરિવહન કંપની વગેરે સામે દાવા કરી, વળતર મેળવવા પ્રયત્ન કરે છે.
સરકારે બિનનિયંત્રીકરણ અને ઉદારીકરણની નીતિને દોહરાવી સ્વતંત્ર વીમા દલાલો(consultant)ને વીમાવ્યવસાયમાં પ્રવૃત્ત થવાની પરવાનગી આપી છે. તે મુજબ સ્વતંત્ર દલાલ પોતાના ગ્રાહકના સલાહકાર તરીકે વિવિધ વીમાકંપનીઓ સાથે તેમની પૉલિસીઓ પ્રીમિયમ, સવલતો વગેરે માટે પરામર્શ કરી ગ્રાહક્ને શક્ય તેટલી ફાયદાકારક વીમાપૉલિસી લેવાની સલાહ આપી શકે છે. તેવી જ રીતે તેમના વળતરના દાવા માટે વીમાકંપનીઓ સાથે પરામર્શ કરી શકે છે. ઇરડા(IRDA)એ અત્યાર સુધીમાં આશરે 150થી વધુ સ્વતંત્ર દલાલોને આ વ્યવસાય કરવાનાં પ્રમાણપત્રો આપ્યાં છે.
ઇરડાએ હવે ફક્ત સ્વાસ્થ્ય-વીમાના કામની અગત્ય ધ્યાનમાં રાખીને કેટલીક વીમાકંપનીઓને સ્વાસ્થ્ય-વીમાનું કાર્ય કરવાની મંજૂરી આપી છે. નબળા વર્ગો માટે વિશિષ્ટ લઘુ યોજનાઓ (micro insurance) શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેત-વીમાકંપની-(Agricultural Insurance Co. Ltd.)ની સ્થાપના કરવામાં આવી છે, જેનું કાર્ય ગ્રામીણ વિસ્તારના ખેડૂતોની ખેતપેદાશોના વીમા લેવાનું હોય છે. બૅંકોએ પણ વીમાકંપનીઓના સહયોગ અને સહકારથી વીમાની કામગીરી (Bank-assurance)નો આરંભ કર્યો છે.
1 જાન્યુઆરી, 2007થી ઇરડાએ બિનનિયંત્રીકરણની નીતિને વધુ ઉદાર બનાવી સામાન્ય વીમાવ્યવસાયમાં સંકળાયેલ વીમાકંપનીઓને આગ, ઇજનેરી અને મોટરવાહન વીમાના પ્રીમિયમના દરો જાતે જ નક્કી કરવાની સત્તા આપવાની જાહેરાત કરી છે. તે મુજબ કંપની પોતે જ પ્રીમિયમના દરો તેમજ ગ્રાહકને શું સેવાઓની સવલત આપશે તે નક્કી કરશે. આ નીતિને પરિણામે ગ્રાહકોને કિફાયત પ્રીમિયમે વધુ સારી સેવાઓનો લાભ મળશે તેવી આશા રખાય છે. વીમાકંપનીઓ હરીફાઈમાં ઘણાં નીચાં પ્રીમિયમો રાખી નુકસાન ન કરે તે માટે ઇરડા (IRDA) દર મહિને વીમાકંપનીઓની આર્થિક સધ્ધરતા(solvancy)-ની તપાસ કરશે.
વિદેશી વીમાકંપનીઓને ભારતના વીમાવ્યવસાયમાં ગણનાપાત્ર અવકાશ લાગે છે. તેમણે વીમાકંપનીઓમાં 26 ટકા મૂડીફાળાને બદલે 49 ટકા ફાળા માટે સરકારને વિનંતી કરી છે, જેથી તેઓ વિદેશી મૂડી તેમજ તેમના અનુભવનો લાભ ભારતના વીમાવ્યવસાયને આપી શકે; જ્યારે આર્થિક વિકાસ વધુ બચતને પ્રોત્સાહન આપી દેશના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપી શકે છે.
જિગીષ દેરાસરી