સામાયિક : જૈનોની છ આવશ્યકોમાંની એક આવશ્યક ક્રિયા. આ સામાયિક ક્રિયાથી સમતાભાવની પ્રાપ્તિ થાય છે. આત્માને કષાયનો અભાવ થાય, રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય તે માટે સામાયિક કરવામાં આવે છે. શ્રાવક અને શ્રાવિકા તે સમયે સર્વ પ્રકારની સંસાર-ભાવના છોડીને આ ક્રિયા કરે છે. શુદ્ધ, પવિત્ર અને જ્ઞાનાદિ ગુણોના વાતાવરણવાળા સ્થળે બે ઘડી એટલે કે 48 મિનિટનું સામાયિક કરવામાં આવે છે. આ સામાયિકમાં મુખ્યત્વે સ્વાધ્યાય કરવાનો હોય છે. આત્માનું ભાન થાય, સંસારનો રાગ ઘટે, વૈરાગ્યની વૃદ્ધિ થાય તથા મોક્ષની અભિલાષા જાગે તેવાં અધ્યાત્મશાસ્ત્રો વાંચવામાં આવે છે. સામાયિક કરતી વખતે કટાસણું, મુહપત્તી, ચરવળો, પુસ્તક, શુદ્ધ વસ્ત્રો અને સ્થાપનાચાર્યજી રાખવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ