સામાન્ય રોગો (પશુ) : પાળેલાં પ્રાણીઓમાં સામાન્યપણે અવારનવાર થતા રોગો. આ રોગોમાં આફરો, શરદી, કરમોડી જેવા રોગોનો સમાવેશ થાય છે. સામાન્ય રોગોથી પશુસ્વાસ્થ્ય જાળવવું એ પશુપાલનના વ્યવસાયમાં મહત્વની કામગીરી છે. સ્વસ્થ પશુ દ્વારા જ વધારે ઉત્પાદન અને તંદુરસ્ત ઓલાદ મેળવી શકાય છે. પશુપાલન-વ્યવસાયના અર્થતંત્રનો સીધો આધાર પશુના સ્વાસ્થ્ય ઉપર રહેલો છે. સમજદાર પશુપાલકો પશુના આરોગ્યની જાળવણી માટે કેટલાક ચેપી રોગો સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક રસી પણ મુકાવતા હોય છે; આમ છતાં, પશુઓમાં થતા કેટલાક રોગોને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આ પ્રકારના રોગો વિશેની પ્રાથમિક જાણકારી પશુપાલકોને હોય તો તે રોગો થતા અટકાવી શકાય છે અને કોઈ કારણોસર રોગ થાય તો ઘરગથ્થુ ઉપચાર કરીને પશુને તાત્કાલિક રાહત આપી શકાય છે. પશુઓને થતા સામાન્ય રોગોની માહિતી આ પ્રમાણે છે :

(1) આફરો : વાગોળનારાં પશુઓમાં જોવા મળતો આ સામાન્ય રોગ છે. આમાં પશુના જઠરમાં વાયુનો વધારે પડતો ભરાવો થઈ જાય છે, જેને લીધે કેટલીક વખત જો સમયસર સારવાર ન મળે તો પશુ મોતને ભેટે છે.

કારણો : પશુને તાજા રજકા જેવો કઠોળવર્ગનો લીલો ચારો વધારે પડતો ખવડાવવાથી; ચોમાસામાં ભેજવાળો લીલો ચારો કે નીઘલ્યા વગરની લીલી જાર વધુ પ્રમાણમાં આપવાથી; ખોરાકમાં સૂકો ચારો ન આપવાથી; સડેલા બટાટા, કોબીજ કે વટાણા ખવડાવવાથી અથવા એંઠવાડ આપવાથી; અન્નનળીમાં અવરોધ થયાને કારણે અને ઘાસચારામાં ખીલી, તાર કે સોય જેવી લોખંડની ધારદાર વસ્તુઓ કે પ્લાસ્ટિકના ટુકડા ખવાઈ જવાથી થતા રોગને કારણે આફરો ચઢે છે.

લક્ષણો : પશુ પેટની ડાબી તરફ વારંવાર જોયાં કરે છે. તેનાં પેટનું ડાબું પડખું ફૂલી જાય છે. જો તેના પર થાપટ મારવામાં આવે તો ઢોલના જેવો અવાજ સંભળાય છે. પશુ ખાવા-પીવાનું બંધ કરે છે અથવા અરુચિ દાખવે છે અને તે બેચેન રહે છે. પેટમાં વધુ પીડા થાય ત્યારે પશુ ઊઠ-બેસ કર્યાં કરે છે, અથવા જમીન પર આળોટવા માંડે છે અને પોતાના પેટ પર લાતો માર્યાં કરે છે. પશુ મોંમાંથી જીભ બહાર કાઢે છે, શ્વાસોચ્છવાસમાં તકલીફ પડે છે. શ્વાસોચ્છવાસ વધી જાય છે. ગંભીર અવસ્થામાં છાતીના ભાગમાં વધુ દ્બાણ આવવાથી શ્વાસોચ્છવાસ બંધ થઈ જાય છે અને પશુ મૃત્યુ પામે છે.

ઉપચાર : અન્નનળીના અવરોધનથી તેમજ ધારદાર વસ્તુ ખાવામાં આવી ગઈ હોય તો આફરાની સારવાર માટે પશુચિકિત્સકનો સંપર્ક કરવો જરૂરી છે. પ્રાથમિક આફરાના ઘરગથ્થુ ઉપચાર માટે 500 ગ્રા. ખાવાના તેલમાં 25 ગ્રા. હિંગ, 50 ગ્રા. અજમો, 50 ગ્રા. સંચળ અને 50 ગ્રા. સૂંઠનું ચૂર્ણ; અથવા 500 ગ્રા. ખાવાના તેલમાં 50 ગ્રા. ટર્પેન્ટાઇનનું તેલ મિશ્ર કરી નાળ વાટે પિવડાવાય છે. આ માત્રા પુખ્ત વયના પશુ માટેની છે. પશુના વજન પ્રમાણે માત્રા અપાય એ ઇષ્ટ છે.

(2) સામાન્ય અપચો : દુધાળાં પશુઓમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે.

કારણો : આ રોગ ખોરાકમાં અચાનક ફેરફાર કરવાથી; હલકા પ્રકારનું ઘાસ કે સડેલો અથવા ફૂગવાળો ખોરાક ખવડાવવાથી; પીવાના પાણીના અભાવથી; વધારે પ્રમાણમાં અનાજ, પચવામાં ભારે ખોરાક કે વધારે પડતો ઠંડો ખોરાક અથવા વધારે દિવસો સુધી પ્રતિજૈવિક ઔષધો આપવાથી થાય છે.

લક્ષણો : પશુ સુસ્ત રહે છે. તે ખોરાક લેવામાં અરુચિ દાખવે છે અને થોડું ખાય – ન ખાય તેવું કર્યાં કરે છે. તેનાં ફોરણાં સૂકાં થઈ જાય છે. પશુને મધ્યમ પ્રકારનો આફરો રહે છે અને તે બેચેન જણાય છે. તેનો પોદળો કઠણ આવે છે અને કબજિયાત જણાય છે; પરંતુ સડેલો કે ફૂગવાળો ખોરાક લીધો હોય તો પોદળો ઢીલો પણ આવે છે.

ઉપચાર : જો કબજિયાત જણાય તો 500 ગ્રા. દિવેલમાં 50 ગ્રા. દળેલી સૂંઠ નાખી મિશ્ર કરીને પિવડાવાય છે. આ માત્રા પુખ્ત વયના પશુ માટેની છે. કબજિયાતના કિસ્સામાં પશુને હૂંફાળું પાણી અને લીલો ચારો અપાય છે. જો પશુને કબજિયાતની તકલીફ ન હોય તો 50 ગ્રા. દળેલી સૂંઠ 250 ગ્રા. ગોળમાં ભેળવી, પ્રમાણસર ઘી નાખી તેના લાડુ બનાવી ખવડાવાય છે. આ પ્રકારે 23 દિવસ ખવડાવવાથી પશુ ખાતું-પીતું થઈ જાય છે.

(3) મોઢામાં ચાંદાં પડવાં : આ રોગમાં પશુઓનાં મોંમાં છાલાં પડી જતાં હોય છે.

કારણો : પશુઓને ચરતી વખતે મોંમાં કાંટા કે તીક્ષ્ણ વસ્તુઓ વાગવાથી; ખરવા, મોવાસા અને બળિયા જેવા ચેપી રોગો થવાથી; મોંમાં બળતરા થાય તેવાં રસાયણ કે ઔષધ (ટર્પેન્ટાઇન) પિવડાવવાથી; વધારે પડતો ગરમ ખોરાક કે પાણી આપવાથી; દાંત બરાબર ન હોવાથી કે રોગજન્ય જીવાણુઓ દ્વારા ચાંદાં પડે છે.

લક્ષણો : શરૂઆતમાં પશુના મોંમાંથી લાળ પડે છે. તે વારંવાર જીભ હલાવ્યાં કરે છે અને ‘ચપ’ ‘ચપ’ અવાજ આવે છે. તેનું મોં ખુલ્લું રહે છે અને તેમાંથી દુર્ગંધ આવે છે. તેની લાળમાં ક્યારેક તૂટેલા કોષો અને લોહી આવે છે. તેને ખાવામાં તકલીફ થાય છે. પશુ ચેપી રોગથી પીડાતું હોય તો તાવ પણ આવી શકે છે.

ઉપચાર : પોટૅશિયમ પરમૅંગેનેટના મંદ દ્રાવણ(1 : 1000)થી દિવસમાં બેથી ત્રણ વખત પશુનું મોં સાફ કરવું જરૂરી છે. મોં સાફ કર્યા પછી મધ અને કાથાનું ચૂર્ણ મિશ્ર કરી ચાંદા પર ચોપડવામાં આવે છે. મધની જગાએ ગ્લિસરીન પણ વાપરવામાં આવે છે. લોહી નીકળતું હોય તો ફૂલેલી ફટકડીનો ભૂકો ગ્લિસરીનમાં ભેળવી દિવસમાં બે વખત લગાડાય છે. વધારે તકલીફ હોય તો પશુચિકિત્સક દ્વારા ચોક્કસ સારવાર કરાવાય તે ઇચ્છનીય છે. ખોરાકમાં કુમળું લીલું ઘાસ, બાફેલી દાળ અને થોડું ગોળનું પાણી આપી શકાય છે.

(4) શરદી : પશુને શ્વસનતંત્રના ઉપરના ભાગમાં સોજો આવવાથી શરદી થતી હોય છે. શરદી એ રોગનું લક્ષણ છે.

કારણો : પશુ ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં વધુ ખુલ્લું રહેવાથી; ધૂળ અને કચરાના બારીક રજકણો, પરાગરજ અને ધુમાડો શ્વાસમાં જવાથી અને તેની ઍલર્જીને કારણે; ક્લોરાઇડ અને સલ્ફર જેવાં રસાયણોનો વાયુ શ્વાસમાં જવાથી; સૂક્ષ્મ જીવાણુઓ અને વિષાણુઓથી અને વાતાવરણમાં આકસ્મિક ઠંડી કે ભેજ આવી જવાથી શરદી થાય છે.

લક્ષણો : પશુના નાકમાંથી પાતળું પ્રવાહી નીકળે છે; જે ધીરે ધીરે પીળું તથા જાડું થાય છે અને ક્યારેક છીંક પણ આવે છે. પશુ સુસ્ત અને બેચેન રહે છે. તેને ખોરાક પ્રત્યે અરુચિ રહે છે. તેના નાકના માર્ગમાં રુકાવટ આવવાથી શ્વાસોચ્છવાસમાં તકલીફ પડે છે. તેને ચેપ લાગેલો હોય તો ઝીણો તાવ આવી જાય છે.

ઉપચાર : અજમો અને લીમડાનાં પાન પાણીમાં નાખી, ઉકાળી તેની વરાળથી પશુને નાસ આપવામાં આવે છે. ઊકળતા પાણીમાં ટિંક્ચર બેન્ઝોઇન કે નીલગિરિના તેલનાં થોડાં ટીપાં નાખીને પણ નાસ આપી શકાય છે. તે વખતે પશુ દાઝી ન જાય તેની કાળજી રાખવી જરૂરી છે. શક્ય હોય તો પશુને હૂંફાળું પાણી પિવડાવવામાં આવે છે અને આરામ અપાય છે. પશુને ભેજરહિત જગાએ ઠંડીથી રક્ષણ મળી રહે તે રીતે બાંધવું ઇષ્ટ છે. તુલસી અને અરડૂસીનાં પાનનો રસ મધ કે ગોળમાં આપવાથી રાહત રહે છે.

(5) ન્યુમોનિયા : શરદીની અસર પશુના શ્વસનતંત્રના ઉપરના ભાગ સુધી સીમિત રહે છે; પરંતુ ન્યુમોનિયાનો રોગ ફેફસાંમાં પહોંચી ચેપ લગાડે છે; જેથી ફેફસાંમાં સોજો ચઢે છે.

કારણો : આ રોગ ઠંડી, પવન અને વરસાદી વાતાવરણમાં પશુ વધુ રહેવાથી; જીવાણુ, વિષાણુઓ અને ફૂગ જેવા પરોપજીવીઓના ચેપથી; પ્રવાહી ખોરાક કે ઔષધનો શ્વાસનળીમાં પ્રવેશ થવાથી; રસાયણમાંથી ઉત્પન્ન થતો વાયુ શ્વાસમાં જવાથી અને પૌષ્ટિક આહારની ઊણપ અને કામના બોજથી થાય છે.

લક્ષણો : પશુના નાકમાંથી જાડું, ચીકણું પ્રવાહી નીકળે છે. તેને વારંવાર ઉધરસ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને મોં ખુલ્લું રાખીને કેટલીક વખત શ્વાસ લે છે. પશુ ખોરાક લેવાનો બંધ કરે છે, સુસ્ત રહે છે અને તેને તાવ આવે છે. તેનું દૂધનું ઉત્પાદન ઘટે છે. બળદ હોય તો તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.

ઉપચાર : પશુને હવા-ઉજાસવાળી સ્વચ્છ જગામાં બાંધવું જરૂરી છે. વળી તેની છાતીનો ભાગ કોથળા કે ગરમ કપડાથી ઢાંકી રાખવો જોઈએ. રોગિષ્ઠ પશુને અલગ બાંધવું હિતાવહ છે. ટિંક્ચર બેન્ઝોઇન કે ટર્પેન્ટાઇન અથવા નીલગિરિના તેલનાં થોડાં ટીપાં ગરમ પાણીમાં નાખી તેનો નાસ આપવો જોઈએ. પશુચિકિત્સક દ્વારા પશુની પૂરેપૂરી સારવાર કરાવવી જોઈએ.

(6) અતિસાર : અતિસાર કે ઝાડા બધાં પશુઓમાં કોઈ પણ ઉંમરે થાય છે; પરંતુ નાનાં બચ્ચાંઓમાં તેનું પ્રમાણ વધારે હોય છે. કેટલીક વખત રોગની ગંભીર સ્થિતિમાં બચ્ચાનું મૃત્યુ પણ થાય છે.

કારણો : આ રોગ ખોરાકમાં એકાએક ફેરફાર થવાથી; દૂષિત ખોરાક અને પાણીથી; વધારે પડતો લીલો ચારો કે ફૂગવાળો ચારો આપવાથી; જીવાણુ, વિષાણુ, ફૂગ અને પાચનતંત્રના કૃમિઓના ચેપથી; હવામાનમાં થતા આકસ્મિક ફેરફારથી; લેડ અને આર્સેનિક જેવાં રસાયણોની ઝેરી અસરથી; કેટલાંક પોષક તત્ત્વોની ઊણપથી અને ઍલર્જીને કારણે થાય છે.

લક્ષણો : પશુને ઝાડા થઈ જાય છે. કેટલીક વખત તેને ઢીલા તો કોઈ વાર પાણી જેવા પાતળા થાય છે. આ ઝાડા સફેદ, લીલા કે પીળા રંગના હોય છે. ક્યારેક તે બહુ ગંધાય છે. કોઈક વખત ઝાડામાં લોહી પણ પડે છે. ઝાડા વારંવાર થતા રહે છે.

ઝાડા વાટે શરીરમાંથી ઘણું પાણી અને ક્ષારો નીકળી જવાથી નિર્જલીકરણ(dehydration)ની અસર થાય છે. તેમાં ચામડી સૂકી બની જાય છે, આંખો ઊંડી ઊતરી જાય છે અને પશુ અશક્ત બને છે. તે ખાવામાં અરુચિ દાખવે છે. તેનું દૂધ ઘટી જાય છે. તે એક જગાએ બેસી રહેવાનું પસંદ કરે છે.

ઉપચાર : ઝાડા થવાનું કારણ જાણ્યા પછી તેનો ઉપચાર કરવામાં આવે તો તેનો પ્રતિભાવ સારો મળે છે. વધારે ઝાડા થઈ ગયા હોય તો 20 કલાક સુધી ખોરાક આપવામાં આવતો નથી. પશુને માત્ર પાણી કે પ્રવાહી પર રાખવામાં આવે છે. પ્રાથમિક ઉપચાર તરીકે નાનાં બચ્ચાંઓને 10 ગ્રા. મીઠું, 10 ગ્રા. ખાવાનો સોડા અને 50 ગ્રા. સાકર થોડા પાણીમાં ઓગાળી પિવડાવવામાં આવે છે. મોટા પશુને ડોલ પાણીમાં 200 ગ્રા. ગોળ અને 20 ગ્રા. મીઠું ઓગાળીને પિવડાવી શકાય છે. ઘરગથ્થુ ઉપચાર તરીકે ચૉક, કાથો, ભૂતડો માટી (એક પ્રકારની ધોળી માટી) અને કોલસાનો ભૂકો સરખા ભાગે (15 ગ્રા.) લઈને આપવાં જોઈએ. બજારમાં પશુઓ માટે મળતું સ્તંભક (astringent) ચૂર્ણ 50 ગ્રા. જેટલું આપી શકાય છે. નેબલોન નામનું આયુર્વેદિક ચૂર્ણ દરરોજ 50 ગ્રા. જેટલું છાશમાં મિશ્ર કરી પશુને પિવડાવી શકાય છે.

(7) અન્નનળીમાં અવરોધ : પશુઓમાં અન્નનળીનો અવરોધ આકસ્મિક રીતે થઈ જતો હોય છે ત્યારે પશુપાલક મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

કારણો : બટાટા, કોબીજ, સફરજન, કેરી, કેરીનો ગોટલો કે તરબૂચ જેવા ખાદ્ય પદાર્થો, અથવા દડો, જૂના તૂટેલા ચંપલ કે બૂટ અને લાકડાનો કે પ્લાસ્ટિકનો ટુકડો અન્નનળીમાં ફસાઈ જવાથી અવરોધન થાય છે.

લક્ષણો : પશુ ખાવાનું બંધ કરી દે છે. તે જીભ બહાર કાઢી રાખે છે અને લાળ પાડ્યાં કરે છે. માથું અને ગરદન ખેંચીને તે સીધી રાખે છે અને આજુબાજુ તથા ઉપર હલાવ્યાં કરે છે. તે ખૂબ જ બેચેન બની જાય છે. પશુના પેટમાં ધીરે ધીરે વાયુનો ભરાવો વધતો જાય છે અને ખૂબ આફરો ચઢે છે અને શ્વાસોચ્છવાસમાં પણ તકલીફ પડે છે.

ઉપચાર : ગળામાં જે ભાગમાં અવરોધ લાગે ત્યાં બહારથી માલિસ કરતાં કરતાં ફસાઈ ગયેલા પદાર્થને ઉપર તરફ ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવે છે; પરંતુ આફરો વધારે ચઢ્યો હોય અને પશુને તકલીફ હોય ત્યારે પશુચિકિત્સક દ્વારા જ આ રોગની સારવાર કરાવવી હિતાવહ છે. તે કુનેહપૂર્વક અવરોધને દૂર કરી જરૂરી ઔષધ આપશે. આફરાની અસર વધારે હોય ત્યારે ડાબા પડખે સોય નાખીને વાયુ બહાર કાઢવામાં આવે છે અને પશુને રાહત રહે છે.

(8) કાંધ આવવી : ખાસ કરીને નવા બળદને પલોટતી વખતે કાંધ ઉપર સોજો આવે છે. તેને ‘કાંધ આવવી’ કહે છે.

કારણો : બળદની જોડીમાં બંને બળદની ઊંચાઈ એકસરખી ન હોવાથી; કાંધે રાખવામાં આવતો ધૂંસરીનો ભાગ બરાબર લીસો ન હોવાથી; રસ્તો એકદમ ખાડાટેકરાવાળો હોવાથી અને ગજા ઉપરાંત બળદ પાસેથી કામ લેવાથી કાંધ ઉપર સોજો આવે છે.

લક્ષણો : કાંધ પર સોજો આવે ત્યારે તે ખૂબ જ પીડાદાયક હોય છે. ચામડી પર સતત ઘસારો થવાથી સોજો વધતો જાય છે. આ ભાગ કઠણ થતાં ગાંઠ જેવું લાગે છે. આવી પરિસ્થિતિમાં આરામ આપવામાં ન આવે તો ગાંઠ ઉપર ચાંદું પડી જાય છે અને તેની રૂઝ પછી જલદી આવતી નથી. કોઈ વાર ચેપ લાગવાથી પરુ પણ થઈ જાય છે.

ઉપચાર : સૌપ્રથમ પશુને સંપૂર્ણ આરામ આપવામાં આવે છે અને વહેલી તકે સારવાર કરવામાં આવે છે. જો સોજો તીવ્ર હોય તો બરફ ઘસવામાં આવે છે. કાંધ આવ્યે અમુક સમય વીતી ગયો હોય અને કાંધ કઠણ થઈ ગઈ હોય તો તેની ઉપર ગરમ પાણીમાં મીઠું નાખી ઝારવામાં આવે છે. લાંબા સમયના સોજામાં લિનિમેંટ અથવા આયોડિનના મલમ(કાળો મલમ)થી માલિસ કરી શકાય છે.

(9) લૂ લાગવી : પશુઓને ગરમી સામે રક્ષણ મળવાની સુવિધા ઘણી જ મર્યાદિત હોવાથી તેઓને ગરમી વધુ પડતી સહન કરવી પડે છે. તેથી પશુઓ લૂનો ભોગ બને છે. વધુ ચરબીવાળા, વૃદ્ધ તેમજ નાનાં બચ્ચાંઓ અને પરદેશી ઓલાદની ગાયોને લૂની ઘણી ગંભીર અસર થાય છે. તેને કારણે તેઓ કેટલીક વખત મોતને ભેટે છે.

કારણો : ઉનાળામાં તડકાથી રક્ષણ ન મળતું હોય તેવા રહેઠાણમાં પશુને રાખવાથી; સખત ગરમીમાં કામ લેવાથી; અયોગ્ય સગવડમાં ઉનાળામાં પશુને ગાડી, ટ્રક અથવા ટૅમ્પા દ્વારા એક જગાએથી બીજી જગાએ સ્થળાંતર કરવાથી લૂ લાગે છે.

લક્ષણો : પશુને બેચેની જણાય છે તથા તેનું શરીર ખૂબ ગરમ થઈ જાય છે. તેના શ્વાસોચ્છવાસ ઝડપી થઈ જાય છે અને તે મોઢેથી શ્વાસ લેતું હોય છે. તે જીભ બહાર કાઢે છે અને ફીણવાળો સ્રાવ ઝરે છે. તેની આંખ લાલ થઈ જાય છે અને તેના હૃદયના ધબકારા વધી જાય છે. ગાભણું પશુ તરવાઈ જાય છે. તકલીફ વધતાં પશુ નીચે પડતું મૂકે છે, તેને આંચકી આવે છે અને બેભાન થઈ જાય છે. પશુને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ પામે છે.

ઉપચાર : પશુને છાંયડામાં લઈ જવું જોઈએ, અથવા પશુ જ્યાં હોય ત્યાં છાંયડાની વ્યવસ્થા કરવી જોઈએ. તેને ઠંડા પાણીથી નવડાવવું જોઈએ અથવા શરીર ઉપર બરફ ઘસવો જોઈએ. ત્યારબાદ તેના શરીર પર ઠંડા પાણીનું પોતું મૂકવું જોઈએ. વળી તેને પાણી પિવડાવવું જોઈએ અને શક્ય હોય તો તેને પવન મળે એવું કરવું જોઈએ.

(10) આંચળ ફાટવા : દુધાળાં પશુઓમાં આ તકલીફ અવારનવાર જણાય છે.

કારણો : ઠંડીની ઋતુમાં પશુના આંચળને બરાબર રક્ષણ ન મળવાથી; સ્વચ્છતા ન રાખવાથી અને જીવાણુઓના ઉપદ્રવથી પશુના આંચળ ફાટે છે.

લક્ષણો : પશુને આંચળની ચામડી પર ચીરા પડે છે. કેટલીક વખત આંચળ વધુ ફાટી જવાથી તેમાંથી લોહી પણ નીકળે છે. પશુને ખૂબ જ પીડા થાય છે. પશુપાલક દોહવા જાય ત્યારે લાતો મારે છે અને તોફાન મચાવે છે; તેથી પશુપાલક મુશ્કેલીમાં મુકાય છે.

ઉપચાર : આંચળને સ્વચ્છ પાણીથી અને ત્યારબાદ પોટૅશિયમ પરમૅંગેનેટના મંદ દ્રાવણથી (1 : 1000) સાફ કરી ચીરામાં દિવેલ લગાવવામાં આવે છે. ઝિંક ઑક્સાઇડનો મલમ પણ અસરકારક હોય છે. દોહનાર વ્યક્તિએ પોતાના નખ જો મોટા હોય તો કાપી નાખવા જોઈએ અને દોહતી વખતે વીંટીઓ ન પહેરવી જોઈએ. પશુપાલકે માયાળુ વર્તન દાખવીને કાળજીપૂર્વક દોહનકાર્ય કરવું જોઈએ.

(11) કરમોડી : શિંગડાના કૅન્સરને કરમોડી કહેવામાં આવે છે. તે બળદોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. કાંકરેજ અને ગીરની ઓલાદની ગાયોમાં પણ આ રોગ અવારનવાર જોવા મળે છે. આ રોગમાં શિંગડાના મૂળના અંદરના ભાગમાં બિનજરૂરી કોષોની વૃદ્ધિ થાય છે અને શિંગડું અંદરથી કોહવાઈ જાય છે.

કારણો : કેટલાક પશુપાલકો શિંગડાંને શણગારવા માટે ચપ્પાથી છોલીને તેના ઉપર તેલ ચોપડે છે. તેથી તે ચમકમાં આવે છે તથા ઘાટીલાં અને દેખાવડાં બને છે; પરંતુ આમ કરવા જતાં કરમોડી થઈ શકે છે. શિંગડાના મૂળમાં મારવાથી; ગાડા કે ધૂંસરી સાથે શિંગડાં વારંવાર અથડાવાથી અને નાની ઉંમરે પશુની ખસી કરાવવાથી અંત:સ્રાવમાં ઊભી થતી અસમતુલાને કારણે કરમોડીનો રોગ થાય છે.

લક્ષણો : શરૂઆતમાં શિંગડાનું મૂળ સહેજ ગરમ લાગે છે અને પશુ તે બાજુ ઢળતું માથું રાખે છે. શિંગડાના મૂળમાં પથ્થર કે અન્ય કોઈ નક્કર વસ્તુ વડે મારવાથી બોદો અવાજ સંભળાય છે. કરમોડી થઈ હોય તે બાજુના નાકમાંથી ચીકણું લોહીવાળું અને દુર્ગંધ મારતું પ્રવાહી બહાર આવે છે. રોગના છેલ્લા તબક્કામાં શિંગડાનું મૂળ એકદમ નરમ પડી જાય છે અને જખમ ખુલ્લો થઈ જાય છે; જેમાંથી દુર્ગંધ મારતું ચીકણું પ્રવાહી બહાર આવે છે. કેટલીક વખત બેદરકારીને લીધે આ જખમમાં જીવડાં પડી જાય છે. સમયસર સારવાર કરવામાં ન આવે તો પશુ ધીમે ધીમે નબળું પડતું જાય છે અને અંતે રિબાઈને મૃત્યુ પામે છે.

ઉપચાર : કરમોડીનો ઑપરેશન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કરમોડીવાળા શિંગડાને તેના મૂળમાંથી કાપી નાખવું પડે છે. આમ અન્ય ઉપચાર કરીને વિલંબ ન કરતાં રોગના શરૂઆતના તબક્કામાં જ જો ઑપરેશન કરવામાં આવે તો તે ફરી થવાની શક્યતા રહેતી નથી અને પશુ બચી જાય છે.

ઘનશ્યામ ચતુરભાઈ મંડલી