સાબુદાણા : કેટલાક તાડ અને અન્ય વનસ્પતિઓનાં અંગમાં સંચિત કાર્બોદિત દ્રવ્યમાંથી તૈયાર કરેલ સ્ટાર્ચના ખાદ્ય દાણા. તેનો મુખ્ય સ્રોત Metroxylon rumphi Mart. અને M. sagu Rottb. નામના સેગો તાડ તરીકે ઓળખાવાતા તાડ છે. તેઓ ઇન્ડોનેશિયાઈ દ્વીપસમૂહ(archipelago)ના મૂલનિવાસી છે અને ભારતીય ઉદ્યાનોમાં કેટલીક વાર ઉછેરવામાં આવે છે.
M. sagu 9-12 મી. ઊંચું, અશાખિત અને મલાયાનું સ્થાનિક છે અને ઘણી વાર ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં ઉગાડવામાં આવે છે. તે જાડું નળાકાર પ્રકાંડ ધરાવે છે, જેનો ઘેરાવો 1.25-1.50 મી. જેટલો હોય છે. આ તાડ તેના જીવન દરમિયાન એક જ વાર 10-15 વર્ષની ઉંમરે પુષ્પનિર્માણ કરે છે. તે પછી તે મૃત્યુ પામે છે.
તે નીચાણવાળી પંકિલ (marshy) ભૂમિમાં થાય છે અને અંત:ભૂસ્તારી (suckers) દ્વારા તેનું વાનસ્પતિક પ્રજનન થાય છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા પણ થાય છે; પરંતુ સારાં અને જીવનક્ષમ (viable) બીજ મેળવવાં મુશ્કેલ હોય છે. ઉછેરેલા રોપાઓ મૂળ પ્રકારના હોતા નથી. કેટલાક રોપાઓનાં આવરકો (sheath) લીસાં અને કેટલાકનાં કંટકીય હોય છે; જે દર્શાવે છે કે આ ઉછેરેલ તાડ M. sagu (લીસાં આવરકો) અને M. rumphii(કંટકીય આવરકો)નો સંકર છે.
સેગો તાડ 9-15 વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે અને પુષ્પવિન્યાસ ઉત્પન્ન કરે છે. આ દરમિયાન પ્રકાંડના ગરમાં સ્ટાર્ચ એકત્રિત થાય છે. આ તબક્કે થડને પાડવામાં આવે છે અને 1.0થી 1.2 મી.ના ટુકડા કરી ચીરવામાં આવે છે અને ગરને છીણીને જાડો લોટ બનાવવામાં આવે છે અને પાણી સાથે ચાળણી પર ગૂંદવામાં આવે છે. સ્ટાર્ચ નીચેના પાત્રમાં એકઠો થાય છે અને રેસાઓ ચાળણીમાં રહી જાય છે. ત્યારબાદ સ્ટાર્ચને ઠરવા દેવામાં આવે છે. એક કે બે વાર તેને પાણીથી ધોવામાં અને સૂકવવામાં આવે છે. વધારે વાર ધોવાથી સ્ટાર્ચની ગુણવત્તા સુધરે છે. ઊંચી ગુણવત્તાવાળો સ્ટાર્ચ સાબુદાણા બનાવવામાં વપરાય છે. આ માટે સ્ટાર્ચની લૂગદી તૈયાર કરવામાં આવે છે અને ચાળણી પર ઘસવામાં આવે છે, જેથી તેના દાણા નીચેના પાત્રમાં એકઠા થાય છે. બીજા એક પાત્રમાં તેમને ભૂંજવામાં આવે છે અને તેલ લપેડવામાં આવે છે; જેથી દાણા શ્લેષી (gelatinized) બને છે. એક તાડનું વૃક્ષ 113 કિગ્રા.થી 299 કિગ્રા. સાબુદાણા આપે છે. બહુ ઓછા કિસ્સામાં 544 કિગ્રા. જેટલા સાબુદાણા ઉત્પન્ન થાય છે.
સાબુદાણાનો ખાસ કરીને રોગોપશમ (convalescence) દરમિયાન ખોરાક તરીકે, આંતરડાંની તકલીફોમાં અને તાવમાં ઉપયોગ થાય છે. જઠરના શ્લેષ્મસ્તર માટે તે ઉત્તેજક નથી અને સહેલાઈથી પચી જાય છે. સાબુદાણાનો સ્ટાર્ચ શીરો અને પૂરણપોળી બનાવવામાં, રોટલીના ઘટક તરીકે અને વિવિધ ખોરાકની વાનગીઓ બનાવવામાં ઉપયોગી છે. તેનો સ્ટાર્ચ વસ્ત્ર-ઉદ્યોગમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) અને કાપડની કરચલી કે ત્રાંસ દૂર કરવામાં વપરાય છે. મકાઈના સ્ટાર્ચના દ્રાવણ કરતાં તેના સ્ટાર્ચના દ્રાવણની સ્નિગ્ધતા (viscosity) વધારે હોય છે, છતાં તેની સ્નિગ્ધતા ટૅપિયોકા સ્ટાર્ચ જેટલી હોતી નથી. સ્નિગ્ધતા વિસ્તૃત તાપમાન-પરિસર(range of temperature)માં પણ જળવાઈ રહે છે.
સાબુદાણાનું કદ પ્રમાણસરનું મોટું (20-60 માઇક્રોન) હોય છે. તેનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 12.2 %, પ્રોટીન 0.2 %, મેદ 0.2 %, સ્ટાર્ચ 87.1 % અને ખનિજદ્રવ્ય 0.3 %; કૅલ્શિયમ 10 મિગ્રા., ફૉસ્ફરસ 10 મિગ્રા., આયર્ન 1.3 મિગ્રા. અને નિકોટિનિક ઍસિડ 0.2 મિગ્રા./100 ગ્રા..
ફિલિપાઇન્સમાં આ તાડના તાજા ગરને ભૂંજીને ખાવામાં આવે છે. ગરનો લોટ ભુંડ, ઘોડા અને મરઘાં-બતકાંને ખોરાક તરીકે અપાય છે. ભુંડને આપવામાં આવતા જવના લોટની તે અમુક પ્રમાણમાં અવેજી પૂરી પાડે છે. ગરના લોટ અને તેના અવશેષનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ગરનો લોટ – પાણી 22.7 %, પ્રોટીન 2.1 %, મેદ 0.2 %, કાર્બોદિતો 51 %, રેસો 7.8 % અને ખનિજદ્રવ્ય 16.2 %, પાચ્ય (digestible) પ્રોટીન 1.2 %, પાચ્ય કાર્બોદિતો 50.5 % અને સ્ટાર્ચ તુલ્યાંક (equivalent) 0.642 %, પોષણ-ગુણોત્તર (nutritive ratio) 45.0; અવશેષ પાણી 73.5 %, પ્રોટીન 0.5 %, મેદ 0.1 %, કાર્બોદિતો 23.5 %, રેસો 1.6 % અને ખનિજદ્રવ્ય 0.8 %; પાચ્ય પ્રોટીન 0.3 %, પાચ્ય કાર્બોદિતો 20.1 %, સ્ટાર્ચ તુલ્યાંક 0.215%, પોષણ-ગુણોત્તર 70.7.
થડનાં બહારનાં સ્તરો ભોંયતળિયા માટે અને ડોલ બનાવવામાં ઉપયોગી છે. પર્ણો સાદડી અને ટોપલાઓ ગૂંથવામાં વપરાય છે.
પહેલાં ભારતમાં સાબુદાણાની મલાયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત કરવામાં આવતી હતી. હવે તે મુખ્યત્વે ભારતમાં ઉગાડવામાં આવતા Manihot escutenta(કૅસાવા)માંથી પ્રાપ્ત કરવામાં આવે છે.
સાબુદાણાના અન્ય સ્રોતોમાં ગોમટી તાડ (Arenga pinnata), શિવજટા (Caryota urens) અને કૅબેજ તાડ(Orypha umbra- culifera)નો સમાવેશ થાય છે. બે દક્ષિણ અમેરિકાના તાડ Mauritia flexuosa અને Guilielma gasipaesમાંથી પણ સાબુદાણા બનાવાય છે.
બળદેવભાઈ પટેલ