સાતારા : મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 05´થી 18° 11´ ઉ. અ. અને 73° 33´થી 74° 54´ પૂ. રે. વચ્ચેનો 10,484 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પુણે, પૂર્વમાં સોલાપુર, દક્ષિણમાં સાંગલી, પશ્ચિમમાં રત્નાગિરિ તથા વાયવ્યમાં રાયગઢ જિલ્લા આવેલા છે. જિલ્લામથક જિલ્લાની મધ્યમાં પશ્ચિમ તરફ આવેલું છે.

સાતારા જિલ્લો

ભૂપૃષ્ઠ જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સહ્યાદ્રિ હારમાળા અને મહાદેવ ટેકરીઓથી બનેલું છે. સહ્યાદ્રિ હારમાળા ઉત્તર-દક્ષિણ અને મહાદેવ ટેકરીઓ પૂર્વ અને અગ્નિ તરફ પથરાયેલી છે. મહાબળેશ્વર અને કોયના ખીણને બાદ કરતાં બીજી બધી ટેકરીઓ નીચી, ખરબચડી અને ઉજ્જડ છે. 1436 મીટર ઊંચાઈ ધરાવતું મહાબળેશ્વર આ જિલ્લાનું સર્વોચ્ચ સ્થળ છે.

કૃષ્ણા આ જિલ્લાની મુખ્ય નદી છે. અન્ય નદીઓમાં કોયના, નીરા, માન, વીણા, કુદાલી, ઉરમોડી, વાસણા, યેરલા, તરાલી વગેરેનો સમાવેશ થાય છે. તે પૈકી કોયના સૌથી મોટી નદી છે, જ્યારે માન અને નીરા આ જિલ્લામાં થઈને પસાર થતી હોવા છતાં ભીમાની સહાયક નદીઓ છે.

ખેતી : જુવાર અહીંનો મુખ્ય કૃષિપાક છે. તે ઉપરાંત ડાંગર, નાચણી (રાગી), બાજરી અને ઘઉં પણ થોડા પ્રમાણમાં થાય છે. જિલ્લાનો 70 %થી વધુ ભાગ ખેડાણયોગ્ય છે, તે પૈકીની 13 % જમીનોને સિંચાઈ ઉપલબ્ધ થાય છે. કૂવા અને તળાવો સિંચાઈના સ્રોત છે. અહીંની કાયમી નદીઓની કુલ લંબાઈ 184 કિમી. જેટલી છે, 28 જેટલાં તળાવો છે, નદીઓ અને તળાવોમાંથી માછલીઓ મેળવવામાં આવે છે.

ઉદ્યોગ-વેપાર : જિલ્લામાં કેટલાક ઉદ્યોગો આવેલા છે, તે પૈકી મહારાષ્ટ્ર સ્કૂટર લિ. (સાતારા), ઓગલે ગ્લાસ વકર્સ (ઓગલેવાડી), કૂપર ઑઇલ એંજિન (સાતારા), જુદાં જુદાં સંકર બીજનું ઉત્પાદન કરતું નિમ્બાકર સીડ્ઝ ઍસ્ટાબ્લિશમૅન્ટ તથા સિમેન્ટનાં કારખાનાં મહત્ત્વનાં છે.

જિલ્લામાં ઉત્પન્ન થતી પેદાશો સાતારા, કરાડ, કોરેગાંવ અને ફલ્તન નગરો ખાતે આવે છે. જિલ્લામાં ઉત્પન્ન થતી અનાજ, તેલીબિયાં હળદર, કપાસ, ગોળ, ખાંડ જેવી પેદાશો જિલ્લાની જરૂરિયાતોને પહોંચી વળે છે, બાકીનો ભાગ નિકાસ થાય છે, જ્યારે મીઠું, નાળિયેર, સોપારી, ખજૂર, કરિયાણું, તાંબા-પિત્તળનાં વાસણો તથા કાપડની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : જિલ્લાનાં આશરે 75 % ગામોમાં બસ અને રેલમાર્ગની સગવડો ઉપલબ્ધ છે. 48 % ગામોમાં પાકા રસ્તા છે; જિલ્લામથક અને શહેરી વિસ્તારો ગામડાંઓ સાથે રસ્તાઓથી સંકળાયેલાં છે.

મહાબળેશ્વર અને પંચગની વિહારધામો આ જિલ્લાનાં મહત્ત્વનાં પ્રવાસ-મથકો છે. અહીં ઔંધના સંગ્રહસ્થાનનું અને શિવાજી સંગ્રહસ્થાનનું પુરાતત્ત્વીય મહત્ત્વ ઘણું છે. એ જ રીતે યેમાઈ, મહાદેવ, રામદાસ અને પરલી ખંડોબા જેવા મેળાઓનું ધાર્મિક મહત્ત્વ છે. સાતારા, ફલ્તન, ઔંધ અને પ્રતાપગઢ અહીંનાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળો છે. વારતહેવારે જુદા જુદા ઉત્સવો અહીં યોજાતા રહે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 27,96,906 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોનું સંખ્યાપ્રમાણ લગભગ એકસરખું છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. અહીં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે બૌદ્ધો અને જૈનોનું વસ્તીપ્રમાણ બીજા ક્રમે તથા ખ્રિસ્તી અને શીખોનું ત્રીજા ક્રમે આવે છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 55 % જેટલું છે. અહીં ઉચ્ચશિક્ષણની 21 જેટલી સંસ્થાઓ આવેલી છે. અહીંનાં 30 % જેટલાં ગામડાંને તબીબી સેવાની સગવડો ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 11 તાલુકા, 11 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 11 નગરો અને 1573 (26 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : અનુશ્રુતિ મુજબ આ જિલ્લાનું ગામ વાઈ પ્રાચીન વિરાટનગરી છે, જ્યાં પાંડવો વનવાસના તેરમા વર્ષે ગુપ્ત રહ્યા હતા. આશરે ઈ. પૂ. 200 જેટલા પ્રાચીન અભિલેખો પરથી જાણવા મળે છે કે સાતારા જિલ્લામાં સૌથી પ્રાચીન સ્થળ કરાડ છે.

દખ્ખણમાં મૌર્યો પછી સાતવાહન વંશના રાજાઓએ શાસન કર્યું હતું. આશરે ઈ. સ. 550થી 750 સુધીના બસો વર્ષમાં દક્ષિણ મહારાષ્ટ્રની જેમ ત્યાં બાદામીના ચાલુક્યો અને તે પછી રાષ્ટ્રકૂટો, શિલાહારો, દેવગિરિના યાદવો, બહમનીઓ, આદિલશાહી વંશના સુલતાનો, શિવાજી, શાહૂ, રામરાજા, પ્રતાપસિંહ વગેરે છત્રપતિઓ રાજ્ય કરી ગયા. છત્રપતિઓનું પાટનગર સાતારા હતું. શાહૂ 1749માં મરણ પામ્યો પછી, છત્રપતિઓનું મહત્ત્વ ઘટી ગયું. શાહૂ બીજો 1808માં મૃત્યુ પામ્યો પછી, સાતારાની ગાદીએ પ્રતાપસિંહ બેઠો. 10 ફેબ્રુઆરી, 1818ના રોજ સાતારાનું રાજ્ય બ્રિટિશ આધિપત્ય હેઠળ આવ્યું. ઈ. સ. 1848માં સાતારાના રાજાનું મૃત્યુ થયું. તેને પુત્ર ન હોવાથી, બ્રિટિશ સરકારે સાતારાનું રાજ્ય ખાલસા કર્યું. 1857માં સાતારામાં વિપ્લવ થયો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળ વખતે સાતારાના લોકોએ વિદેશી સરકાર સામે સમાંતર સરકારની રચના કરી અને તેને ‘પત્રી સરકાર’ નામ આપ્યું હતું. નાના પાટિલ ‘પત્રી સરકાર’નો વડો બન્યો અને તે સરકારે મહિનાઓ સુધી રાજ્ય ચલાવ્યું. તે પછી બ્રિટિશ સરકારે સાતારાના લોકો ઉપર બેસુમાર જુલમ ગુજાર્યો. બ્રિટિશ પોલીસે 2,000 માણસોની ધરપકડ કરી, તેમાંના છ માણસો જેલમાં મરણ પામ્યા. પોલીસના ગોળીબારથી 13 જણ માર્યા ગયા. પોલીસોએ ત્યાંની મહિલાઓ સાથે પણ અયોગ્ય વ્યવહાર કર્યો. જેલમાંના કેદીઓને મીઠામાં બોળેલા ચાબખા મારવામાં આવ્યા હતા.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ