સાત શણગાર (1958)

January, 2008

સાત શણગાર (1958) : કાશ્મીરી લેખક અખ્તર મોહ્યુદ્દીન(જ. 1928)નો વાર્તાસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી 1961ના વર્ષનો પુરસ્કાર અપાયો છે. આ સંગ્રહ ચૌદમી સદીનાં કાશ્મીરી કવયિત્રી લાલ દેદને સમર્પિત કરાયો છે. અખ્તર મોહ્યુદ્દીન કાશ્મીરીમાં પ્રથમ પ્રકાશિત નવલકથા અને વાર્તાસંગ્રહના લેખક તરીકે અનોખું સ્થાન ધરાવે છે. કાશ્મીરી ભાષામાં ટૂંકી વાર્તાના લેખનનો પ્રારંભ દીનાનાથ નદીમ તથા એસ. એન. ઝુત્સીથી થયો; પણ ‘સાત શણગાર’નું મહત્ત્વ એ છે કે તે ટૂંકી વાર્તાઓનો સર્વપ્રથમ સંગ્રહ છે. અનેક વાર્તાલેખકોએ આ પુસ્તકનો પ્રભાવ ઝીલ્યો છે. તેમાંની 7 વાર્તાઓ 1955 દરમિયાન લખાઈ છે.

તે વખતે કાશ્મીરમાં પ્રચલિત બનેલ પ્રગતિવાદી આંદોલનના પ્રભાવ હેઠળ તેમણે તત્કાલીન સમાજનું તાદશ ચિત્રણ કર્યું છે અને આ વાર્તાજગતમાં તેઓ શોષિત તથા પદદલિત વર્ગના પ્રવક્તા બની રહે છે. એ સમૂહની વ્યથા-વ્યગ્રતામાં તેઓ સહભાગી બને છે અને તેમની જ ભાષામાં વાત કરતા જણાય છે. કાશ્મીરની સાંસ્કૃતિક તથા સામાજિક-આર્થિક પશ્ર્ચાદભૂમિકામાં લખાયેલી આ વાર્તાઓને સામાજિક વાસ્તવવાદના નમૂના તરીકે ઓળખાવાઈ છે. એસ. એસ. તોશાખાનીએ આ વાર્તાસંગ્રહનો કરેલો હિંદી અનુવાદ જમ્મુ અને કાશ્મીરની કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને ભાષાની અકાદમીએ પ્રગટ કર્યો છે.

મહેશ ચોકસી