કીટક
શીર્ષ, ઉરસ અને ઉદર એવા ત્રણ ભાગોમાં વહેંચાયેલું શરીર, સામાન્ય રીતે પાંખની બે જોડ અને ચલનપાદોની ત્રણ જોડ ધરાવનાર સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ. પ્રાણીસૃષ્ટિમાં લગભગ 5/6 જાતનાં પ્રાણીઓ કીટકો હોય છે. હાલમાં કીટક વર્ગમાં આશરે 10,00,000 જાતના કીટકો વિજ્ઞાન-જગતમાં નોંધાયેલા છે. માનવહિત સાથે અત્યંત નિકટ સંબંધ ધરાવતા કીટકોનો અભ્યાસ કીટકશાસ્ત્રની ત્રણ પેટાશાખાઓ મારફત થાય છે : (i) કૃષિ-કીટકશાસ્ત્ર (Agricultural Entomology) – જેમાં કૃષિને લગતા ઉપયોગી અને હાનિકારક કીટકોનો અભ્યાસ થાય છે. (ii) વનકીટકશાસ્ત્ર (Forest Entomology) – જેમાં જંગલને લગતી વનસ્પતિ અને જંગલી પ્રાણીઓને અસર કરતા કીટકોના અભ્યાસનો સમાવેશ થાય છે. (iii) તબીબી કીટકશાસ્ત્ર (Medical Entomology) – જેમાં મનુષ્ય અને પાળેલાં પ્રાણીઓને ઉપદ્રવકારક કે રોગકારક કીટકોનો અભ્યાસ કરવામાં આવે છે. કીટકોની લાખો જાતિઓ હોવા છતાં જુદાં જુદાં ક્ષેત્રોના હાનિકારક કીટકોની સંખ્યા માંડ 20,000 જાતિઓ જેટલી છે. માનવસમાજ અને સજીવ સૃષ્ટિમાં કીટકોનું આગવું સ્થાન છે. મધ, રેશમ કે લાખ જેવી પેદાશો કીટકો દ્વારા મળે છે. સપુષ્પ વનસ્પતિમાં પરાગનયનક્રિયા કરવામાં કીટકોનો ફાળો મહત્વનો છે. હાનિકારક કીટકોમાં કૃષિ-પાકો ઉપરના પેસ્ટ (ઉપદ્રવ કારકો) અને રોગના વાહકોમાં કીટકોનો હિસ્સો મોટો છે. (જુઓ કીટક-નિયંત્રણ).
કીટકોની વિશિષ્ટ શરીરરચના, તેમની દેહધાર્મિક ક્રિયાવિધિ અને ઉત્ક્રાંતિ માટેની અનુકૂલનશક્તિને કારણે કીટક-વર્ગ પૃથ્વી ઉપરનો સૌથી મોટો અને વૈવિધ્યપૂર્ણ સફળ પ્રાણીસમૂહ છે.
શરીરરચના : કીટકમાં બાહ્ય કંકાલતંત્ર કાયટિનના અભેદ્ય સ્તરનું બનેલું હોય છે. આ મજબૂત અને બખ્તર જેવું હોવાથી અંત:સ્થ અંગોને બાહ્ય પર્યાવરણથી રક્ષણ મળે છે તેમજ તે શરીરમાંથી પાણીનું બાષ્પીભવન થતું રોકે છે, કીટકના શીર્ષપ્રદેશોમાં સ્પર્શકો, આંખો અને મુખાંગો આવેલાં હોય છે. સામાન્ય રીતે ઉરસ પ્રદેશ બીજા અને ત્રીજા ખંડની પાર્શ્વ બાજુમાંથી એક એક જોડ પાંખો નીકળે છે, જ્યારે તેના ત્રણેય ખંડોમાંથી પગની એક એક જોડ નીકળે છે. મોટાભાગના કીટકોના ઉદરપ્રદેશ ઉપાંગો ધરાવતા નથી.
કીટકોનું શીર્ષ 6 ખંડોનું બનેલું હોય છે અને તેમાંથી દરેક ખંડમાંથી એક એક જોડ ઉપાંગ તરીકે એક જોડ સ્પર્શક, એક જોડ સંયુક્ત આંખ અને ચાર જોડ મુખાંગો ઉદભવે છે. કીટકોમાં સ્પર્શકો વિવિધ પ્રકારના હોય છે અને તે પણ ખંડિકાઓમાં વહેંચાયેલા હોય છે. કેટલાકમાં સ્પર્શકો કશા કે ચાબુક જેવા તો કેટલાકમાં પીંછાકારના કે ફૂમતા આકારના હોય છે. કેટલાક કીટકોમાં નર અને માદા કીટક સ્પર્શક ઉપરથી જુદા પડે છે. (ઉદા. મચ્છર). કીટકો સાથીને ઓળખવા, ખોરાક શોધવા, સંદેશાવ્યવહાર કરવા કે ભય પારખવા સ્પર્શકોનો ઉપયોગ કરે છે. વર્ગીકરણ માટે પણ સ્પર્શકોની ભિન્નતા ખૂબ કામમાં આવે છે. કીટકોમાં સાદી અને સંયુક્ત – એમ બે પ્રકારની આંખો હોય છે. સાદી આંખ કે અક્ષિકા મુખ્યત્વે નેત્રમણિ(lens)ની બનેલી હોય છે. શીર્ષમાં કપાળની મધ્યમાં બે કે ત્રણની સંખ્યામાં જોવા મળે છે. (ઉદા. વંદો). સંયુક્ત આંખ નેત્રિકા (Ommatidium) નામે ઓળખાતા અનેક એકમોની બનેલી હોય છે. દરેક એકમ સ્વતંત્ર આંખ તરીકે કાર્ય કરે છે. દરેક નેત્રિકા પારદર્શક પટલ (cornea), પ્રકાશગ્રાહી ક્ષેત્ર રહેબ્ડૉમ (rhabdom) અને સંવેદી ચેતાના ઘટકોની બને છે. પ્રકાશગ્રાહી વિસ્તારમાં બે નેત્રિકાઓને છૂટો તો મેલેનિન રંજકકણોનો પટલ હોય છે. અજવાળામાં કે પૂરતા પ્રકાશમાં આ મેલેનિન રંજકકણોનો પટ્ટો નેત્રિકાઓને એકબીજીથી સંપૂર્ણ છૂટી પાડે છે અને પરિણામે દરેક નેત્રિકામાં પ્રકાશનાં કિરણો સીધી રેખામાં પ્રવેશ કરે છે અને તેથી કીટકની સંયુક્ત આંખમાં એકસાથે ઘણાં ચિત્રોનાં પ્રતિબિંબ પડે છે અને તેથી આ પ્રકારની ર્દષ્ટિને ચિત્રમય (mosaic) છાપ કહે છે. ઓછા પ્રકાશ કે અંધકારમાં રંજકકણનો પટલ નીચે ખસી જાય છે અને તેથી કીટકમાં પ્રતિબિંબ ઉપરાઉપરી આવરિત કે ‘super imposed’ પ્રતિબિંબો પડે છે. આમ અંધકારમાં બધી જ નેત્રિકાઓ એકબીજીની સાથે મળી પ્રકાશનાં કિરણોની અવરજવર થવા દે છે. સંયુક્ત આંખ (compound eye) ધરાવતા વિવિધ કીટકોમાં નેત્રિકાઓની સંખ્યા જુદી જુદી જોવા મળે છે; જેમ કે, કામગાર કીડી(worker ant)માં 500, ઘરમાખીમાં 4000, વાણિયા (dragonfly)માં 25,000, ફૂદાંમાં 15000 વગેરે. કેટલીક કીડીઓ, કામગાર ઊધઈ વગેરેમાં આંખો હોતી નથી.
કીટકોનાં મુખાંગો મુખ્યત્વે ખોરાક ગ્રહણ કરવા માટે અનુકૂલન પામેલાં હોય છે. કીટકોના શીર્ષના ખંડ 3, 4, 5, 6ના ઉપાંગ રૂપે મુખાંગો વિકસ્યાં છે. ત્રીજા ખંડનું પૃષ્ઠ ઓષ્ઠ (labrum) તરીકે ઓળખાય છે, ચોથા ખંડનું ઉપાંગ ચિબુક કે અધોહનુ (mandible) નામના મુખાંગ તરીકે ઓળખાય છે. આ જડબાં જેવાં મુખાંગ અંદરની અને પાર્શ્વ બાજુએથી કરવત જેવા દાંત ધરાવે છે. પાંચમા ખંડનાં ઉપાંગો પ્રથમ જંભ (1st maxilla) નામે ઓળખાય છે. છઠ્ઠા ખંડનાં ઉપાંગો અંશત: વિલયન પામી વક્ષ ઓષ્ઠ (labium) કે દ્વિતીય જંભ(second maxilla)ની રચના કરે છે. કીટકના તાળવાનો ભાગ અધિગ્રસની (epipharynx) તરીકે અને તળિયાનો જીભ જેવો ભાગ અધ:ગ્રસની (hypopharynx) કંઠનળીની ગડીઓ રૂપે વિકાસ પામેલા હોય છે. કીટકનાં મુખાંગો તેની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ મુજબ વિવિધ પ્રકારે રૂપાન્તરિત થયેલા જોવા મળે છે; જેમ કે, લોહી ચૂસનાર ઘોડામાખી(Horsefly-Tabanus)માં ચિબુક અને જડબાં ચામડી અને રુધિરવાહિનીને કાપવા દાંતવાળી બ્લેડ રૂપે રૂપાન્તર પામેલાં હોય છે, જ્યારે અધિગ્રસની અને અધોગ્રસની જોડાઈને લોહી ચૂસવા લાંબી નળી જેવો આકાર ધારણ કરે છે. માદા મચ્છરમાં ચિબુક, જડબાં, અધિગ્રસની અને અધોગ્રસનીનો આકાર સોય જેવો અણીદાર હોય છે અને તે ચામડી ભોંકીને લોહી ચૂસવાનું કામ કરે છે. નર મચ્છરમાં તીક્ષ્ણ ભોંકવાના ચિબુક અને જડબાં(પ્રથમ જંભ)નો અભાવ હોવાથી તે માણસને કરડી શકતા નથી; પરંતુ માત્ર નરમ વનસ્પતિપેશીઓમાંથી રસ ચૂસી શકે છે. બંનેમાં ઊંડી ખાંચવાળું નીચલું જડબું (દ્વિતીય જંભ) ઉપર્યુક્ત મુખાંગોને ઘેરીને તેમને સુરક્ષિત રાખે છે અને લોહી કે રસ ચૂસવામાં મદદરૂપ નીવડે છે. ઘરમાખીમાં વક્ષજંભની બનેલી સૂંઢ જાડી અને સંકોચનશીલ હોય છે. વક્ષજંભના દૂરના છેડે જંભકો (Labella) નામનું અંગ બનાવે છે, જેમાં સૂક્ષ્મ નલિકાઓનું જૂથ હોય છે, જે બહારના છેડે છિદ્રિષ્ઠ હોય છે. આ છિદ્રિષ્ઠ સપાટી દ્વારા વાદળી(sponge)ની માફક પ્રવાહી માખ શોષી લે છે. મધમાખીનાં મુખાંગો ચાવવા માટેના, એકઠું કરવા માટેના (chewing and lapping type) હોય છે. મધ ચૂસવા માટે પ્રથમ જંભ અને દ્વિતીય જંભના ભાગો નળી બનાવે છે. અધોહનુ પદાર્થોના વહન માટે અને મધપૂડામાં મીણનાં ખાનાં બનાવવા માટેનાં કાર્યો કરે છે. ચાંચડમાં મુખાંગો વેધન-ચૂષણ પ્રકારનાં હોય છે અને તે લોહી ચૂસે છે. પતંગિયાંનાં મુખાંગો મકરંદ (nectar) ચૂસવા માટે અનુકૂલિત થયેલાં હોય છે. તેનો મુખ્ય ભાગ પ્રથમ જંભના ગેલી નામના ભાગમાંથી બનતી સૂંઢનો હોય છે, જે બકનળીની માફક ફૂલોમાંથી રસ ચૂસવા માટે ઉપયોગી છે. મોલો અને ચૂસિયા(bugs)નાં મુખાંગો વેધન અને ચૂષણ કરનારાં હોય છે. તેમાં વક્ષજંભ સૌથી મોટું અને ઉપરથી ખુલ્લી નાળ જેવી રચના કરે છે. આ નાળની અંદર અધોજંભ અને પ્રથમ જંભની સંયુક્ત નાળ રચાય છે, જે ચૂસવાનું કામ કરે છે. આ રચના અંશત: મચ્છરનાં મુખાંગોને મળતી આવે છે. મોટાભાગના કીટકો વંદા, તીતીઘોડા, ઊધઈ, તમરાં (બીટલ્સ) વગેરેમાં મુખાંગો કરડવા અને ભૂકો કરવા માટેની રચના ધરાવે છે. તેથી તે લાકડું કે ઘન પદાર્થોનો ભૂકો કરી આહાર કરી શકે છે.
ઉરસપ્રદેશમાં આવેલા ત્રણ જોડ પગ અગ્ર, મધ્ય અને પશ્ચ ઉરસનાં ઉપાંગો છે. પ્રત્યેક પગ પાંચ ખંડિકાઓ(segments)નો બનેલો હોય છે. તેની ઉરસ સાથે જોડાયેલી પહેલી ખંડિકાને કક્ષા (coxa) કહે છે. બીજી ખંડિકા શિખરક (trochanter) ઘણી નાની હોઈ પહેલી અને ત્રીજી ખંડિકાને જોડે છે. ત્રીજી ખંડિકાને ઉર્વિકા (femur) કહે છે. તે લાંબી હોય છે. ચોથી અને પાંચમી ખંડિકાને અનુક્રમે અંતર્જંઘિકા (tibia) અને ગુલ્ફિકા (tarsus) કહે છે. ગુલ્ફિકાના છેડે બે નહોર અને તેમની વચ્ચે કેટલાકમાં ઍરોલિયમની ગાદી જેવો ભાગ હોય છે. ઍરોલિયમની ગાદી જેવા ભાગથી આવા કીટકો કાચ જેવી લીસી સપાટી ઉપર ચઢી શકે છે. કીટકના પગો ચાલવા (દા.ત., વંદા), દોડવા (દા.ત., ભમરા/મંકોડા) કૂદવા તથા અવાજ કરવા (દા.ત., તીતીઘોડા), તરવા (દા.ત., જળભમરો water bugs), ખોરાક પકડવા (દા.ત., praying mantis – ખડમાંકડી), લટકવા (દા.ત., માથાની જૂ – hair louse), પરાગકણ સંઘરવા (દા.ત., કામગાર મધમાખી) – એમ વિવિધ કાર્યો માટે અનુકૂલન પામેલા હોય છે. ચમરી (silver fish), માંકડ, ચાંચડ અને જૂ પાંખ વગરનાં હોય છે, માખી અને મચ્છર જેવા કીટકોને પાંખની એક જોડ હોય છે. મચ્છરમાં પાંખની બીજી જોડ સમતોલક અંગ(halters)માં રૂપાન્તર પામેલી હોય છે. ફૂદાં અને પતંગિયાં જેવા કીટકોને બે જોડ પાંખ હોય છે. તેમની પાંખો ઉપર કઠણ શલ્કકણો(stony scales)નું આવરણ હોય છે. આ કીટકોમાં આગલી પાંખોની જોડ લાંબી હોઈ બીજી જોડ ઉપર પ્રસરેલી હોય છે. ઘણાખરા કીટકોમાં બીજી પાંખની જોડ મોટી અને ઘડીવાળી હોય છે. મુખ્યત્વે ઊડવાની ક્રિયામાં તેનો ફાળો મહત્વનો હોય છે. પહેલી પાંખની જોડ જાડી, કડક અને આરામ અવસ્થામાં બીજી જોડની પાંખને ઢાંકે છે. તે કાઇટિનયુક્ત હોય છે (દા.ત., વંદા, તીતીઘોડા વગેરે). કેટલાક કીટકોમાં માત્ર નરકીટકો પાંખો ધરાવે છે; જ્યારે માદા પક્ષરહિત હોય છે (દા.ત., ભારતીય વંદો – Polyphaga indica); સ્ટ્રૅ્પ્ટોપ્ટેરા વર્ગના બધા જ નરકીટકો પાંખો ધરાવે છે. કીડી, મંકોડા અને ઊધઈમાં પ્રજનનકાળ દરમિયાન જ નર અને માદા પાંખો ધારણ કરે છે.
કીટકોનો ઉદરપ્રદેશ અગિયાર ખંડોનો બનેલો હોય છે. જોકે મોટેભાગે પહેલો અને છેલ્લો ખંડ પાસેના ખંડો સાથે ભળી જવાથી ખંડોની સંખ્યા ઓછી દેખાય છે. પુખ્ત કીટકોના ઉદરપ્રદેશમાં ઉપાંગો હોતાં નથી. વંદા કે તીતીઘોડા જેવાં પ્રાણીઓ ઉદરના છેડે પુચ્છશૂળ (anal cercus) ઉદરપ્રદેશના ઉપાંગ સ્વરૂપે જોવા મળે છે. નરવંદા જેવાં પ્રાણીઓમાં પુચ્છશૂળ (anal cercus) ઉપરાંત પુચ્છકંટિકા (anal style) જેવી અંગિકાઓ આવેલી હોય છે. ઇયળ અવસ્થામાં (caterpillars) ઉદરપ્રદેશમાં પગ જેવાં પણ ટૂંકાં ઉપાંગો દેખાય છે; પરંતુ સાચાં ઉપાંગો હોતાં નથી. ઉદરપ્રદેશના પાછલા ખંડો (8 અને 9મા ખંડો) ખાસ કરીને માદા પ્રાણીમાં પ્રજનન-અંગોની રચના કરે છે. નરમાં તે આશ્લેષાંગો (claspers) તરીકે પ્રજનનકાળ દરમિયાન માદાને પકડવામાં મદદરૂપ બને છે. જ્યારે માદામાં આ અંગિકાઓ અંડનિક્ષેપક (Ovipositor) બને છે. અંડનિક્ષેપક વડે માદા કીટક તેનાં ઈંડાં વનસ્પતિ-અંગોમાં કે અન્ય સ્થળે મૂકવા સફળ બને છે. મધમાખી, ભમરી (wasp) જેવા કીટકોમાં કે વંધ્ય માદામાં ડંખાંગ (sting gland) તરીકે તે વપરાય છે. કેટલાક સપક્ષ કીટકનાં અર્ભક કે ડિંભ ઉદરપ્રદેશનાં ઉપાંગો જેવા અવયવો ધરાવે છે; જેમ કે, મે ફ્લાય(May fly)માં ચૂઈ (Gills) અને ડિંભમાં ખોટાપગો (proleg); પરંતુ આ અવયવો સાચા ઉપાંગની વ્યાખ્યામાં બંધ બેસતા નથી.
કીટકોનો જીવનક્રમ : કીટકમાં ઈંડાથી પુખ્ત પ્રાણી થતાં સુધીનો વિકાસ બે ભાગમાં વહેંચી શકાય છે : જેમ કે (i) ઈંડાની અંદરનો ગર્ભવિકાસ અને (ii) ઈંડાની બહાર પશ્ચ-ગર્ભવિકાસ. આ બંને વિકાસના તબક્કા દરમિયાન વિકાસનો કાળ લંબાવવા કે ટૂંકાવવાની ક્ષમતા કીટકોમાં જોવા મળે છે. વિકાસને જરૂર પડે ત્યારે થંભાવવાની ક્રિયાને સ્થગિતાવસ્થા (diapause) કહે છે. કીટકજગતની આ એક વિશિષ્ટતા છે. ફલિતાંડખંડન, ગર્ભકોષ્ઠિ-અવસ્થા, આંત્રકોષ્ઠિ-અવસ્થા, અંગજનન જેવી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. ઈંડામાંથી પ્રથમ પ્રકારનો ડિંભ બહાર આવે તે અગાઉ તેમાં વિભેદનથી અંગોનો વિકાસ થઈ ચૂકેલો હોય છે. ઋતુમાનના ફેરફારો ઈંડાની અંદરની કે બહારની વિકાસપ્રક્રિયાઓ ઉપર મોટી અસર કરે છે અને તેથી જ ઋતુમાન કે હવામાનને અનુલક્ષીને કીટકોમાં જીવનક્રમ અને રૂપાન્તરણ (metamorphosis) પ્રક્રિયા લાંબીટૂંકી થાય છે.
રૂપાન્તરણ : કીટકોમાં રૂપાન્તર-ક્રિયાઓ વિવિધ પ્રકારની હોય છે. નિમ્ન કક્ષાના કીટકોમાં સ્પષ્ટ રૂપાન્તરણ જોવા મળતું નથી. આ પ્રકારના કીટકોમાં પુખ્ત અને બચ્ચાં કદ સિવાય આકારમાં લગભગ એકસરખાં જ હોય છે. થાયસેન્યુરા (દા.ત., ચમરી), કોલેમ્બોલા, પ્રોટ્યુરા અને ડાયપ્લૂરા (Diplura) શ્રેણીના કીટકો અરૂપાન્તરણવાળા કીટકો છે. રૂપાન્તરણનો બીજો પ્રકાર છે – અર્ધરૂપાન્તરણનો. અર્ધરૂપાન્તરણ (Hemimetabola) પામનારા કીટકોમાં પુખ્ત કીટકો પાંખોવાળા હોય છે, જ્યારે તેમનાં બચ્ચાં – ડિંભ પાંખો ધરાવતાં નથી, માત્ર શરીરના બહારના ભાગમાં બાહ્ય પંખ-કલિકાઓ (wing buds) ધરાવે છે. આ પ્રકારના કીટકો એફિમેરોપ્ટેરા, ઓડોનાટા (વાણિયા), પ્લેકોપ્ટેરા ડિક્ટિઓપ્ટેરા (વંદા), ઓર્થોપ્ટેરા (કંસારી) ડર્મેપ્ટેરા, આઇસોપ્ટેરા (ઊધઈ), એનોપ્લ્યુરા (માથાની જૂ), મેલૉફાગા, સોકોપ્ટેરા અને હેમિપ્ટેરા શ્રેણીમાં આવે છે. આ કીટકોનાં ડિંભો મુખાંગો અને સંયુક્ત આંખો પુખ્ત કીટકો જેવાં ધરાવે છે. પરંતુ પાંખો અને પ્રજનન અવયવો ધરાવતાં નથી. રૂપાન્તરણનો ત્રીજો પ્રકાર ઉચ્ચ કક્ષાના કીટકોમાં જોવા મળે છે. આમાં કીટકના જીવનક્રમમાં ઈંડું, ઇયળ, કોશેટો અને પુખ્ત કીટક એવા ચાર વિકાસના તબક્કાઓ જોવા મળે છે. આ રૂપાન્તરણ-પ્રકારને સંપૂર્ણ રૂપાન્તરણ(Holome-tabola)નો પ્રકાર કહે છે. આમાં ઈંડામાંથી બહાર આવનાર ઇયળ-અવસ્થામાં પ્રાણી પુખ્તના જેવાં પ્રજનન-અંગો કે સંયુક્ત આંખો અને મુખાંગો ધરાવતાં નથી હોતાં. પાંખોનો વિકાસ થયેલો હોતો નથી, પરંતુ તે અંત:સ્થ પક્ષ-કલિકાઓ ધરાવે છે. ઇયળ-અવસ્થા બાદ પ્રાણી-જીવનચક્ર સુષુપ્તાવસ્થામાં પ્રવેશે છે. આ અવસ્થા કોશેટા-સ્વરૂપમાં વિતાવે છે. આ અવસ્થા દરમિયાન ડિંભાવસ્થાનાં – ઇયળ-અવસ્થાનાં અંગો વિઘટન (demolish) પામે છે અને કેટલાંક અંગો પુન: રચાય છે. આ પ્રકારમાં મેકોપ્ટેરા, ન્યુરોપ્ટેરા, લેપિડોપ્ટેરા, ટ્રાયકોપ્ટેરા, ડિપ્ટેરા, કોલિયોપ્ટેરા, સ્ટ્રેપ્સિપ્ટેરા, હાયમેનોપ્ટેરા વગેરે શ્રેણીઓનો સમાવેશ થાય છે. રૂપાન્તરણના આ ત્રણ પ્રકારોમાંથી ઘણા પેટાપ્રકારો કીટકોનાં વિવિધ શ્રેણી કે સમૂહોમાં જોવા મળે છે. રૂપાન્તર અને પાંખોની ઉત્પત્તિ કીટકોના વર્ગીકરણમાં મોટો ભાગ ભજવે છે. તે જ મુજબ ઈંડાના પ્રકારો, ડિંભ, ઇયળ, પ્યુપા વગેરેના પ્રકારો પણ કીટકોના વિકાસ અને વર્ગીકરણમાં મહત્વનો ફાળો આપે છે.
નિર્મોચન : કીટકના જીવનક્રમમાં નિર્મોચન-પ્રક્રિયા મહત્ત્વની ઘટના છે. ઈંડામાંથી બહાર પડેલી કોઈ પણ અવસ્થાથી માંડી પુખ્ત પાંખોવાળું પ્રાણી પેદા થાય ત્યાં સુધી કીટક 6થી 8 વખત ચામડી ઉતારવાની ક્રિયા કરે છે. આ ચામડી ઉતારવાની ક્રિયા ખરેખર તેનું કાઇટિનયુક્ત નિર્જીવ બહિર્ આવરણ-તંત્ર ઉતારવાની પ્રક્રિયા છે. કીટક્ધો તેની શારીરિક વૃદ્ધિ કરવા માટે પુખ્તાવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં આ નિર્મોચન-ક્રિયા કરવી આવશ્યક હોય છે. નિર્મોચન બાદના ગાળા દરમિયાન કીટક વૃદ્ધિ પામે છે. પાંખો ફૂટ્યા બાદ નિર્મોચન-ક્રિયા થતી નથી અને પ્રજનન-અંગો ધારણ કરનાર પુખ્ત અવસ્થા પ્રાપ્ત થાય છે.
તંત્ર–વ્યવસ્થા
1. પાચનતંત્ર – કીટકનો અન્નમાર્ગ નળીરૂપ હોય છે. ઘણા કીટકમાં તે લાંબો હોઈ દેહગુહામાં ગૂંચળા રૂપે હોય છે. અન્નમાર્ગ ત્રણ ભાગોનો બનેલો હોય છે : અગ્રાંત્ર (stomodaeum), મધ્યાંત્ર (mesenteron) અને પશ્ચાંત્ર (proctodaeum). અગ્રાંત્રનું કાર્ય મુખ વાટે આવેલા ખોરાકને પાછળ ધકેલવાનું અને સંગ્રહ કરી રાખવાનું છે. આ ભાગની નળીનું અંદરનું આચ્છાદન અધિચ્છદીય કોષોનું હોય છે અને તેથી તે ભાગમાંથી અવશોષણ(absorption)ની ક્રિયા થતી નથી. કંઠનળી, નિગલ અને અન્નસંગ્રહાશય (crop) આ ભાગના ઘટકો છે. મધ્યાંત્રની અંદરની દીવાલો અંત:સ્તરના કોષોની બનેલી હોય છે અને તેથી તેના દ્વારા ખોરાકના ઘટકોનું અવશોષણ શક્ય બને છે. તો નાના આંતરડા તરીકે ઓળખાય છે. આ ભાગમાં પાચન અને શોષણ બંને થાય છે. અન્નનળી(મધ્યાંત્ર)ના પાછલા છેડે માલ્પિજિયન નલિકાઓનું મુખ્ય છિદ્ર ખૂલે છે. તે ભાગથી પાછળના વિભાગને પશ્ચાંત્ર કહે છે. પશ્ચાંત્રની અંદરની દીવાલ અધિચ્છદીય કોષોની બનેલી હોય છે અને તેથી આ વિસ્તારમાં પણ ખોરાકનું પાચન કે શોષણ થઈ શકતું નથી. આ વિભાગમાં મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર આવેલાં હોય છે.
કીટકના ખોરાકમાં ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. સૂકાં લાકડાં, ઊન, વાળ, પીંછાં, ઉપરાંત દરેક પ્રકારની વનસ્પતિનો આહાર તે કરે છે, ઝેરી વનસ્પતિનો પણ આહાર કરનારા કીટકો જોવા મળે છે. શિકારી, રુધિર-ભક્ષી કે પરોપજીવી કીટકો પણ જોવા મળે છે. આહારની ટેવો મુજબ તેમનાં મુખાંગો વિવિધ રીતે રૂપાન્તરિત થયેલા જોવા મળે છે. ઊધઈ જેવા કીટકમાં કાષ્ઠનું પાચન કરવા માટે તેના સંગ્રહાશય(crop)માં સહયોગી (symbiotic) પ્રજીવો (protozoans) જોવા મળે છે જે સેલ્યુલોઝનું પાચન કરવામાં મદદ કરે છે. સેલ્યુલોઝ ઉત્સેચક સેલ્યુલોઝને ગ્લુકોઝમાં ફેરવે છે. મધમાખીના પૂડામાં ઉપદ્રવ કરતી મીણના ફૂદા(wax moth)ની ઇયળ મધપૂડાના મીણને તેના પાચનતંત્રમાં રહેલા સહયોગી બૅક્ટેરિયાને કારણે પચાવી શકે છે. મીણના પાચન માટે આ બૅક્ટેરિયા લાયપેઝ પ્રકારના ઉત્સેચક ધરાવે છે. ફૂદાં અને પતંગિયાંનાં ડિંભની લાળગ્રંથિમાંથી થતા સ્રાવમાંથી રેશમના તાંતણા બને છે. માદા મચ્છરની લાળમાં રુધિર જામી જતું અટકાવવાના (એન્ટિકોએગ્યુલન્ટ) ખાસ ઉત્સેચકો હોય છે, જેથી તે યજમાનપ્રાણીના શરીરમાંથી લોહીને સહેલાઈથી ચૂસી શકે છે; તેવી જ રીતે કીડીની લાળમાં ફૉર્મિક ઍસિડ સ્રવે છે. કીડી કરડવાથી સોજો આવવાનું કારણ આ ફૉર્મિક ઍસિડ છે.
કીટકનું અભિસરણતંત્ર : કીટકનું અભિસરણતંત્ર (પરિવહનતંત્ર) ખુલ્લા પ્રકારનું હોય છે. (જુઓ અભિસરણ, ગુ. વિ. ખંડ 1). તેનું અભિસરણતંત્ર મુખ્યત્વે શરીરના પૃષ્ઠ ભાગમાં તેર ખંડો ધરાવતું હૃદય, અને અગ્ર ભાગમાં તેની સાથે સંકળાયેલી પૃષ્ઠવાહિની(dorsal aorta)નું બનેલું હોય છે. શરીરગુહામાં રુધિર એકઠું થતું હોય છે, તેથી કીટકોની શરીરગુહાને રુધિરગુહા (haemocoel) કહે છે. ચંબુ આકારના હૃદયના ખંડો પાર્શ્વ ભાગમાં વાલ્વ ધરાવે છે. પગ કે પાંખો જેવાં અંગોમાં આવેલાં સહાયક સ્પંદક (pulsating) અંગો રુધિરગુહાના લોહીને વાલ્વ મારફત હૃદયના ખંડોમાં મોકલે છે. એક ખંડમાંથી આગળના એમ લોહી પૃષ્ઠવાહિનીમાં પહોંચે છે અને ત્યાંથી લોહી રુધિરગુહામાં પાછું આવે છે. શરીરનાં અંત:સ્થ અંગો રુધિરગુહામાં છવાયેલાં રહે છે અને ત્યાંથી પોષક પદાર્થો મેળવે છે. કીટકનું લોહી રક્તકણો ધરાવતું નથી અને તેથી તે શ્વસનક્રિયામાં ભાગ ભજવતું નથી. માત્ર લસિકા પોષક પદાર્થો અને ઉત્સર્ગીય પદાર્થોની આપ લે કરે છે. શરીરગુહા(રુધિરગુહા)માંથી માલ્પિજિયન નલિકાઓ ઉત્સર્ગીય પદાર્થો શોષી મૂત્રાશય (uretor) મારફત મળદ્વારમાં શરીરગુહાનો કચરો ઠાલવે છે. હૃદયની સ્પંદનક્રિયા પર્યાવરણના ફેરફારો મુજબ વર્તે છે; જેમ કે, ચેતનસ્થિતિ(active form)માં કીટક દર મિનિટના 140 ધબકારા દાખવે છે, જ્યારે અતિશીત સ્થિતિમાં ધબકારા કલાકે એક્ધાા હિસાબે કરે છે.
કીટકોનું શ્વસનતંત્ર : મુખ્યત્વે શ્વાસનલિકાઓનું બનેલું હોય છે. આ શ્વાસનલિકાઓ ઉરસ અને ઉદરપ્રદેશની પાર્શ્વ બાજુએ આવેલાં વાયુરંધ્રો (spinacles) દ્વારા પર્યાવરણ સાથે હવાની આપ-લે કરે છે. શ્વાસનલિકાઓની શાખાઓ દ્વારા શરીરના બધા કોષોને હવા પહોંચાડવામાં આવે છે. તે જ પ્રમાણે કોષોમાં એકઠા થયેલ કાર્બન ડાયૉક્સાઇડનો શ્વાસરંધ્રો દ્વારા ત્યાગ કરવામાં આવે છે. શ્વાસનલિકાઓનું જાલક એટલું વ્યાપક હોય છે કે તે શરીરના સૂક્ષ્મ-કોષીય સ્તર સુધી O2 પહોંચાડવામાં અને CO2નું શોષણ કરી તેનો શરીરમાંથી ત્યાગ કરવાને સફળ બને છે. આ જ કારણથી રુધિરાભિસરણ-તંત્ર કીટકોમાં ખાસ વિકાસ પામ્યું નથી અને શ્વસનક્રિયામાં ભાગ ભજવતું નથી.
કીટકોનું પ્રજનનતંત્ર : કીટકો એકલિંગી પ્રાણી છે. પ્રત્યેક પુખ્ત કીટકમાં તેનું પ્રજનનતંત્ર જનનપિંડો (gonads), જનનનલિકાઓ (genital ducts) અને સહાયક ગ્રંથિઓ(Associated glands)નું બનેલું હોય છે. નરમાં શુક્રકોષો સમૂહમાં (spermatophore) વેષ્ટિત થયેલા હોય છે. સમાગમ દરમિયાન નર કીટક આ સમૂહને માદાનાં જનનાંગો સાથે જોડાયેલી શુક્રસંગ્રહાશય (spermatheca) નામની કોથળીમાં મૂકે છે. જનનમાર્ગમાં ઈંડાં ફલિત થાય છે. માદાના શુક્રસંગ્રહાશયમાં સંગ્રહાયેલા શુક્રકોષો ઘણા લાંબા સમય સુધી ક્રિયાશીલ રહે છે. કેટલાક કીટકોમાં માદા એક વાર સમાગમ થયા બાદ વર્ષો સુધી ફલિત અંડો પેદાં કરવાને સક્ષમ હોય છે; તેનું કારણ તેના શુક્રસંગ્રહાશયમાં અગાઉના સમાગમના શુક્રકોષોનો સંગ્રહ ક્રિયાશીલ અવસ્થામાં હોય છે. વંદા જેવા કીટકમાં માદા, ફલિતાંડોનો સમૂહ (ootheca) ચીપિયા જેવાં જનનાંગો વચ્ચી પકડી ફરતી જોવા મળે છે અને તે યોગ્ય જગ્યાએ તેનો ત્યાગ કરે છે. મોટાભાગના કીટકો અંડપ્રસવી (oviparous) હોય છે. મધમાખી, કીડી અને ભમરા જેવા કીટકો શુક્રકોષોના સંસર્ગમાં આવ્યા વિના સ્વયં ફલિત કે અફલિત અંડો પેદા કરે છે. આવા અલિંગી (asexual) પ્રજનનને અસંયોગીજનન (parthenogenesis) કહે છે. વિશિષ્ટ વાતાવરણમાં મોલૉ-મસી(Aphids)ના ફલિતાંડનો વિકાસ માદાના શરીરમાં થાય છે અને ઈંડાનો ત્યાગ કરવાને બદલે કીટશિશુ(nymph)ને જન્મ આપે છે. આમ મોલૉ-મસી ક્યારેક અપત્યપ્રસવી કીટક જેમ વર્તે છે. સામાન્ય રીતે કીટકોમાં પુખ્તાવસ્થામાં જ પ્રજનનતંત્ર વિકસે છે, પરંતુ કેટલાક ઢાલપક્ષ (coleoptera) કીટકોનાં ડિંભોમાં અંડકોષો (ovaries) સંપૂર્ણ રીતે વિકાસ પામે છે અને બચ્ચાંને જન્મ આપવાની ક્ષમતા ધરાવે છે. પ્રજનનના આ પ્રકારને ડિંભજનન (paedogenesis) કહે છે. તીડ, ફૂદાં, પતંગિયાં, સફેદ માખી જેવાંમાં ઈંડા દીઠ માત્ર એક બચ્ચા કે ડિંભનો વિકાસ થાય છે; પરંતુ ત્વક્-પક્ષ (hymeno ptera) શ્રેણીના કીટકોના માત્ર એક ઈંડામાંથી બે અથવા વધુ બચ્ચાં પેદાં થાય છે. પ્રજનનના આ પ્રકારને બહુભ્રૂણતા (polyembryoni) કહે છે. કીટકોમાં પર્યાવરણના ફેરફારો મુજબ જીવન-ચક્ર લાંબું કે ટૂંકું કરવાની ક્ષમતા હોય છે. રૂપાન્તરણ(metamorphosis)નો ગાળો બદલીને જીવન-ચક્રનું સાતત્ય સાચવી રાખવાની કીટકોમાં ક્ષમતા હોય છે.
કીટકોનું ચેતાતંત્ર : કીટકોનું ચેતાતંત્ર અપૃષ્ઠવંશી પ્રાણીઓના પ્રમાણમાં ખૂબ વિકસિત છે. સેપિયા, ઑક્ટોપસ જેવા મૃદુકાય સમુદાયનાં પ્રાણીઓ બાદ કરતાં આટલું સુવિકસિત ચેતાતંત્ર અપૃષ્ઠવંશીઓમાં ક્યાંય જોવા મળતું નથી. કીટકોમાં શીર્ષના ભાગમાં કંઠનળીની ઉપર અને નીચે ચેતાકંદો(ganglia)ના સમૂહ જોવા મળે છે, જેમને અનુક્રમે કંઠનાલોપરિ ચેતાકંદ (supra-oesophagal ganglia) અને અધોકંઠનાલીય ચેતાકંદ (sub-oesophalgal ganglia) કહે છે. કંઠનળીના ઉપરના ભાગમાં આવેલા ચેતાકંદો ત્રણ ચેતાકંદોના સમૂહના બનેલા છે અને તે શીર્ષની ત્રણ કડીઓમાં આવેલા ચેતાકંદોના વિલયનથી બને છે. તેને મસ્તિષ્ક ચેતાકંદ (cerebral ganalion) અથવા ‘મગજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મગજ મુખ્યત્વે સ્પર્શકો, આંખ, મુખાંગો વગેરે ભાગોનું ચેતાકરણ કરે છે. અધોઅન્નતાલીય કે અધોકંઠનાલીય ચેતાકંદ પણ શીર્ષની કડીઓના વિલયનથી સમૂહ-ચેતાકંદ બનાવે છે. આ સમૂહ-ચેતાકંદ અને ઉરસ અને ઉદરના ખંડોમાં આવેલા ખંડીય ચેતાકંદો અન્ય ભાગોનું ચેતાકરણ કરે છે. ઉરસપ્રદેશમાં ત્રણ અને ઉદરપ્રદેશમાં આઠ ખંડીય ચેતાકંદો આવેલા હોય છે. પ્રત્યેક ચેતાકંદ બે ચેતાકંદોના વિલયનથી બનેલા હોય છે અને પ્રત્યેક ચેતાકંદ તેના પછીના ખંડમાં ચેતા દ્વારા ચેતાકરણ કરે છે. સામાન્યપણે સમપક્ષ (Homoptera) અને વિષમપક્ષ (Heteroptera) શ્રેણીના કીટકોમાં બધા ઉદરીય ચેતાકંદો ઉરસપ્રદેશના છેલ્લા ચેતાકંદ સાથે વિલયન પામેલા હોય છે. કેટલાક કીટકોમાં બધા જ ચેતાકંદ ભળીને માત્ર એક ચેતાકંદસમૂહ બનાવે છે; ઉ. ત., સાઇક્લોપ્હાપાની ઇયળ.
કીટકો અન્ય ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓની માફક ચેતાતંત્ર-સંકલન, શિક્ષા-ગ્રહણ (learning), યાદદાસ્ત, સમજશક્તિ અને વર્તન(behaviour)નું નિયંત્રણ કરનારાં કેન્દ્રો ધરાવે છે. પૃષ્ઠવંશીઓમાં મનુષ્યનું મગજ અને ચેતાતંત્ર જેમ સૌથી વધુ વિકસિત છે તેમ અપૃષ્ઠવંશીઓમાં કીટકવર્ગમાં મગજનો વિકાસ ખૂબ ખીલ્યો છે. વસાહતી (colonial) જાતિઓમાં (ઊધઈ, કીડી, મધમાખી વગેરે) સંકલન, નિયંત્રણ અને બૌદ્ધિક વર્તન(ઉ.ત., મધમાખીમાં નૃત્ય દ્વારા માર્ગદર્શન કરવાની રીત)ના ઘણા પ્રકારો જાણવા મળ્યા છે. ચેતાતંત્ર ઉપરાંત ચેતાસ્રાવી કોષો દ્વારા અંત:સ્રાવો ઉપર નિયંત્રણ તેમજ બહિ:સ્રાવી ગ્રંથિઓ (exocrine glands) દ્વારા ફેરોમૉન્સનો સ્રાવ કીટકોની વિશિષ્ટ જીવનશૈલીનું સંચાલન કરે છે.
કીટકોમાં ખોરાકના ગ્રહણ, વહન તથા પચનના નિયમન માટે એક સ્વતંત્ર ચેતાતંત્ર હોય છે. તેને પૃષ્ઠવંશીઓના સ્વાયત્ત (autonomous) ચેતાતંત્ર સાથે સરખાવી શકાય. આ ઉપરાંત બધા કીટકોમાં વિશાળકાય તંતુતંત્ર(giant-fibre-system)ની ગોઠવણ પણ થયેલી હોય છે. શીર્ષપ્રદેશ સાથે સંકળાયેલું આ તંત્ર શીઘ્ર ગતિનું (ઉ.ત., મધમાખીમાં ઉડ્ડયન-ત્વરા) નિયમન કરે છે. કીટકોમાં ચેતાસ્રાવી (neurosecretory) કોષો પણ આવેલા હોય છે. જે અંત:સ્રાવોના સ્રાવ સાથે સંકળાયેલા હોય છે. શિશુ-અંત:સ્રાવો (juvenile hormones) કીટકમાં નિર્મોચનક્રિયા અને જીવનચક્રના સંચાલનમાં અગત્યનો ભાગ ભજવે છે.
કીટકો અને પર્યાવરણ : મોટાભાગના કીટકો સ્થળચર (terrestrial) પ્રાણી છે. જળવાસી કીટકો મીઠા પાણીનાં છીછરાં જળાશયોમાં ઉપલા સ્તરે રહી વાતાવરણ સાથે હવાની આપલે કરે છે (ઉ. ત., મચ્છરનાં ડિંભો), જમીન ઉપરના કીટકોની અતિઉષ્ણ અને અતિશીત તાપમાનમાં અનુકૂલિત થવાની ક્ષમતા ઘણી છે. રણનાં તીડ ઉનાળાની ઋતુ મોટેભાગે અંડાવસ્થામાં પસાર કરે છે. માદા તીડ જમીનમાં ઊંડાં દર કરી ઈંડાં ભરેલી કોથળી તેમાં મૂકી રાખે છે. ગરમીથી ઈંડાં સેવાય છે અને ચોમાસાની શરૂઆતમાં તેમાંથી બાળ-તીડ (nymphs) બહાર આવે છે. મોટાભાગના કીટકો ગ્રીષ્મસમાધિ (aestivation) અગર શીતસમાધિ(hibernation)-અવસ્થામાં અતિઉષ્ણ કે અતિશીત ઋતુમાનનો સામનો કરે છે. હિમાલયમાં 6096થી 6706 મીટરની ઊંચાઈએ જોવા મળતી કેટલીક બીટલ (વર્ગ – Coleoptera) સૂર્યપ્રકાશમાં દરમાંથી બહાર આવી સૂર્યપ્રકાશની ગરમી મેળવીને જીવંત રહે છે. ઉષ્ણ વાતાવરણમાં રહેનારા કીટકો નિર્જલન(dessecation)નો સામનો કરવા ટેવાયેલા હોય છે. શરીરમાં પાણીનો બચાવ કરવા માટે કીટકો ઉત્સર્જનમાં યુરિક ઍસિડનો (ઘનમૂત્ર સ્વરૂપ) ત્યાગ કરે છે. જેથી શરીરમાં પાણીનો બચાવ થઈ શકે. જલવાસી કીટકો મોટેભાગે પાણીના ઉપલા સ્તરે રહીને વાતાવરણ સાથે હવાની આપલે કરે છે. મચ્છરનાં ડિંભો શ્વાસોચ્છવાસમાં માત્ર ઉદરીય શ્વસનછિદ્રોની મદદ લે છે. ડિટિસ્કસ (Dytiscus) જેવા જલભૃંગો (water beetles) ઉદરપ્રદેશ અને પાછલા પગ વચ્ચે વાયુ સંઘરે છે; જલશ્વાસી (water breathing) કૅડિસ-માખી (caddis-fly) અને મે-માખી(May-fly)નાં ડિંભોની ઝાલરો શ્વાસનલિકાયુક્ત હોય છે.
પર્યાવરણમાં દુશ્મનોથી બચવા કીટકો વિવિધ અનુકૂલનો કરે છે. ઉદાહરણ રૂપે કેટલાક કીટકો શૃંગીય અથવા ચર્મીય આવરણ ધરાવે છે. પક્ષીઓનાં ભક્ષ્ય બનવામાંથી બચવા ફૂદાંના કાતરા ઘનિષ્ઠ રૂંછાંનું આવરણ ધરાવે છે. કેટલાક કીટકો ત્વકીય ગ્રંથિઓમાંથી અપાકર્ષક (repellant) અને ઝેરી પદાર્થોનો સ્રાવ કરે છે. કેટલાક કીટકો સ્વરક્ષણાર્થે ડંખ દેતાં અંગો ધરાવે છે. (ઉ. ત., મધમાખી). આ ઉપરાંત ઘણા કીટકો ભક્ષકથી પોતાને છુપાવવા આસપાસના પર્યાવરણ સાથે ભળતો રંગ કે આકાર ધારણ કરે છે. ખડમાંકડી સૂકી સળી જેવું શરીર ધારણ કરે છે. કેટીડીડ જાતના તીતીઘોડાની પાંખો અસલ લીમડાના પાન (પર્ણિકા) જેવી હોય છે. કેટલાક કીટકોનો બાહ્ય દેખાવ બિહામણો કે ભયજનક દેખાય છે. આમ કીટકોમાં અનુકરણ (mimicry), વર્ણ-અનુકૂલન (colour adaptation) કે અન્ય પ્રકારનાં અનુકૂલનો દ્વારા પર્યાવરણ સામે સંરક્ષણ મેળવે છે.
કીટકોની આદતો : સામાન્યપણે કીટકો કુદરતી ઉત્તેજનોની પ્રતિક્રિયા દ્વારા પોતાનું જીવન વિતાવતા હોય છે. જરૂરિયાતો મુજબ પ્રતિકૂળ સંજોગોમાં અનુકૂલનાત્મક આચરણ અપનાવીને કીટકો સ્વરક્ષણ કરે છે. મધમાખી, કીડી અને ઊધઈ જેવા વસાહતી કીટકોમાં સહજ પ્રવૃત્તિને અનુસરતી આદતો પણ અત્યંત જટિલ સ્વરૂપની હોય છે. વસાહતમાં સામૂહિક જીવન વિતાવનાર કીટકની પેટાજાતિઓમાં જરૂરિયાતોને અનુલક્ષીને વિશિષ્ટ પ્રકારનાં કાર્યો, કરવા માટેની સજ્જતા મેળવવામાં આવે છે. સંઘજીવી વસાહત(symbiotic colony)માં બધા સભ્યો સામાન્યપણે એક જ માદાનાં (રાણીનાં) સંતાનો હોય છે. વિશિષ્ટ પ્રકારના ફેરોમૉન મધમાખીની વસાહતમાં વર્તન(આદત)ના નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે. મધપૂડામાં જે ડિંભમાંથી ભવિષ્યની રાણી પેદા કરવાની છે તે ડિંભને મોટા ખાનામાં રાખવામાં આવે છે અને તેને વિશિષ્ટ શાહી પાક (Royal jelly) ખવડાવવામાં આવે છે. આ શાહી પાક કામગાર મધમાખીની અધોહન્વીય ગ્રંથિના સ્રાવથી પેદા થાય છે (mandibular gland). જ્યાં સુધી મધપૂડાની રાણી 9-કીટો-2-ડીસેનૉઇક ઍસિડ (9-keto-2-decenoic acid) ફેરોમૉનનો સ્રાવ કરતી રહે ત્યાં સુધી કામગાર મધમાખીમાં ડિંભમાંથી ઉછેરીને નવી રાણી પેદા કરવાની પ્રેરણા થતી નથી. રાણીમાં આ ફેરોમૉન ઉત્પન્ન કરવાની ક્ષમતા ઓછી થતાં કામગાર મધમાખીઓ નવી રાણી પેદા કરવાની પ્રેરણા પામે છે.
કીટકોનું વૈવિધ્ય અને વૈપુલ્ય : મોટાભાગના કીટકો 6 મિમી. કરતાં પણ ઓછા કદના હોય છે. વાંસ કોરી ખાનાર બીટલ અત્યંત સૂક્ષ્મ હોય છે. ઉષ્ણ કટિબંધમાં વાસ કરતો હરક્યુલસ ભમરો 160 મિમી. કરતાં પણ લાંબો હોય છે. ભારતમાં સામાન્ય રીતે મળી આવતા લક્કડ કીટક (stick-insect) 100 મિમી. કરતાં પણ લાંબા હોઈ શકે છે. તે જ પ્રમાણે એશિયા અને અમેરિકામાં વાસ કરતાં ઘણાં ફૂદાં કદમાં પણ મોટાં હોય છે. રેશમના કીડાની એક જાત (ફૂદું) 22થી 26 સેમી. લાંબી પાંખો ધરાવે છે.
કીટકોની એક ખાસિયત છે કે તે ઉપરનાં લગભગ બધાં જ સ્થળોએ રહેવાને અનુકૂળતા સાધી લે છે. હવાઈ શ્વાસ માટે અનુકૂલન પામેલા હોવા છતાં મીઠા પાણીનાં જળાશયો, હિમાવર્તો કે હિમનદીઓમાં પણ તેમને વાસ કરતાં જોઈ શકાય છે. જૂજ કીટકો તો દરિયાના પાણીમાં અને ક્રૂડ-પેટ્રોલિયમ હોય તેવાં ખાબોચિયાંમાં પણ જીવન વિતાવતા હોય છે. બાગ-બગીચા, ખેતરો કે અરણ્યોમાં કીટકો સવિશેષ જોવા મળે છે. રણમાં પણ કીટકો વાસ કરતા હોય છે.
કીટકોનું જીવનચક્ર સામાન્ય રીતે ટૂંકું હોય છે; આમ છતાં વિશિષ્ટ પરિસ્થિતિમાં તેના જીવનચક્રના કોઈ પણ તબક્કાનો સમયગાળો લંબાવી કે ટૂંકાવી જીવનચક્રને લાંબું-ટૂંકું કરી શકે છે. પુખ્ત મે-ફ્લાયનું આયુ બે કલાક કરતાં પણ ઓછું હોય છે, જ્યારે કીડી કે ઊધઈની રાણીઓ 15થી 50 વર્ષ સુધી જીવતી હોય છે. સિકાડાનું ડિંભ જમીનમાં લગભગ 15 વર્ષ સુધી નિષ્ક્રિય પડી રહ્યા બાદ પુખ્ત બગમાં પરિણમે છે. કીટકોની પર્યાવરણ સામે ઝૂઝવાની આ શક્તિને કારણે કીટકો પર્યાવરણની કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ટકી શકે છે.
કીટકોની વિપુલતા અને વિવિધતા માટે અનેક કારણો છે; જેમ કે, નાનાં કદ, સર્વભક્ષી આહાર અને પ્રબળ પ્રજનન-શક્તિ. વળી જમીન ઉપરનાં તમામ પ્રકારનાં રહેઠાણો, મીઠા કે સમુદ્ર સિવાયના ઓછી ખારાશવાળાં જળાશયો અને પર્વતીય પ્રદેશોમાં 6706 મીટર(22000 ફૂટ)ની ઊંચાઈ સુધી બરફ-આચ્છાદિત પ્રદેશોમાં પણ કીટકો (ખાસ પ્રકારની બીટલ) જીવન ગુજારી શકે છે. ભીનાશવાળી અનુકૂળ જમીન હોય ત્યાં કીટકોની સંખ્યા ચોરસ મીટર દીઠ 600થી 2,000 હોઈ શકે છે. પાકને નુકસાન કરનાર તીડો લાખોની સંખ્યામાં હોય છે. કીટકોમાં જેવી વિપુલતા છે તેવી ‘જૈવ-વિવિધતા’ (bio diversity) પણ ઘણી છે. તેની 23 શ્રેણીઓ પૈકી પાંચ શ્રેણીઓમાં મોટાભાગની જાતિઓ(species)નો સમાવેશ થાય છે. તે છે કૉલિયોપ્ટેરા, હાયમેનોપ્ટેરા, ડિપ્ટેરા, લેપિડોપ્ટેરા, હેમિપ્ટેરા વગેરે.
આર્થિક દૃષ્ટિએ કીટકોને બે ભાગમાં વહેંચી શકાય : (i) હાનિકારક કીટકો અને (ii) ઉપયોગી કીટકો.
હાનિકારક કીટકો : આ કીટકો ખેતીના વિવિધ પાકો ઉપર, જંગલોમાં વાંસ કે ઇમારતી લાકડાને કોચીને તેને નુકસાન પહોંચાડનારા, અને મનુષ્ય સહિત પાળેલાં પ્રાણીઓ અને વન્ય પશુપંખીઓ ઉપર પરોપજીવી કે રંજાડનારા (pest) કીટકો હોય છે. રોગના જંતુઓનો ફેલાવો કરનારા કીટકોમાં મચ્છર, ઘરમાખી, માંકડ, જૂ વગેરે છે.
ખેતી-પાકોના ઉપદ્રવકારક કીટકો વિવિધ પાકનાં પાન, ડૂંખ, થડ, મૂળ, શિંગ કે ધરુવાડિયાના રોપા ખાઈને પાકને નુકસાન પહોંચાડે છે. મોલો (Aphids) અને મસી (Whitefly) જેવી જીવાત લગભગ દરેક કૃષિપાકને નુકસાન પહોંચાડે છે. ફૂદાં(Moth)ની ઇયળો-કાતરા ધરુવાડિયાના રોપાઓ અને કુમળાં પાન ખાઈને પાકનો નાશ કરે છે. તીડનાં ટોળાં સર્વભક્ષી છે, તે જે પાક કે વનસ્પતિ ઉપર ઊતરી આવે તેને સફાચટ કરી નાંખે છે. પ્લાંટ બગ્સ વનસ્પતિ પાન ફૂલ કે ફળમાંથી રસ ચૂસી ફળફળાદિને નુકસાન પહોંચાડે છે. કેટલાક કીટકોની માદા શાકભાજી, ફળ કે વનસ્પતિના અન્ય ભાગોમાં અંડ-પ્રક્ષેપકથી છિદ્ર પાડી તેમાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી ઇયળ પેદા થતાં તે શાકભાજી કે ફળને કોરી ખાય છે અને પાકને નુકસાન પહોંચાડે છે. મૂળને કોરી ખાનાર કીટકોમાં ઊધઈ અને બીટલ(તમરાં)નાં ડિંભ – જે ‘ઘૈણ’ તરીકે ઓળખાય છે, તે મુખ્ય હોય છે. ઊધઈ સર્વભક્ષી હોઈ વનસ્પતિનાં મૂળ, પ્રકાંડ, ઇમારતી લાકડાં, કબાટ-ફર્નિચર વગેરે કોઈ પણ કાષ્ઠમય (woody) વનસ્પતિ કે વસ્તુને ચાવી ખાય છે. સંગ્રહ કરેલા અનાજમાં ધનેડાં અને ફૂદાં કે તેમની ઇયળોનો ઉપદ્રવ થાય છે. ઘરમાં કપડાં કે પુસ્તકોમાં ચમરી (silver fish) અને ફૂદાં પ્રવેશતાં ઘર-વખરીને નુકસાન પહોંચે છે. વિવિધ પાકો કે પ્રાણી-જીવોને હાનિ પહોંચાડનાર કીટકો વિવિધ પ્રકારનાં હોય છે અને તેમનાં મુખાંગો પણ વિવિધ પ્રકારનાં હોય છે. મચ્છર, મોલો, મસી, બગ્સ, ચૂસિયાં અને ફૂદાંનાં મુખાંગો પ્રવાહી ખોરાક ચૂસનારાં હોય છે; જ્યારે વંદા, બીટલ, તીડ, ચમરી, કાતરાં, ઘૈણ વગેરેનાં મુખાંગો પદાર્થના ટુકડા કરી તેને ચાવી ખાવા માટેનાં હોય છે. ઘરમાંખ, ઘોડામાંખ (Tabanus), ફળમાંખ વગેરેનાં મુખાંગો ઘા કરી તેમાંથી પ્રવાહી ચૂસી લેવા માટે વાદળીસશ સૂક્ષ્મ નલિકામય છિદ્રોવાળાં હોય છે. મચ્છર, મલેરિયા જેવા રોગોના જંતુઓના વાહક (carrier) છે. ઘરમાખી કૉલેરા અને ટાઇફૉઇડના જંતુઓની વાહક છે. 10,00,000 કીટક જાતિઓ પૈકી કુલ હાનિકારક જાતિઓની સંખ્યા માત્ર 20,000ની આસપાસની જ છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આ સૃષ્ટિમાં હાનિકારક કીટકો કરતાં ઉપયોગી અથવા નિરુપદ્રવી કીટકોનો હિસ્સો ઘણો મોટો અને અસરકારક છે.
વનની વનસ્પતિ ઉપર અનેક પ્રકારના હાનિકારક કીટકો મળી આવે છે, પરંતુ નિસર્ગમાં તેમનું નિયંત્રણ અન્ય જીવો – પક્ષીઓ, કાચિંડા, કીડીખાઉ (Ant eater) કે કીટકભક્ષી સસ્તનો દ્વારા સતત થતું રહે છે અને પરિણામે આ કીટકોનો ઉપદ્રવ કૃષિ-પાકો ઉપરના ઉપદ્રવકારક કીટકો જેટલો જોવા મળતો નથી. નિસર્ગમાં બધા જ જીવોની સમતુલા જળવાય છે.
ઉપયોગી કીટકો : કીટક વર્ગ ખૂબ મોટો અને વૈવિધ્યભરેલો હોવાથી મોટી સંખ્યાનાં પ્રાણી-જીવોનો તે મુખ્ય આહાર છે. પરાગનયન ક્રિયા કરવામાં કીટકોનો ફાળો ઘણો મોટો છે. સપુષ્પ વનસ્પતિ અને પરાગનયન કરનારા કીટકોની ઉત્ક્રાંતિ લગભગ સાથે જ થઈ છે. મોટાભાગના કૃષિ-પાકોની ફલનક્રિયામાં કીટકોનો ફાળો મહત્વનો છે. અંજીર, ઉમરા, વડના ટેટા વગેરેમાં બ્લાસ્ટોફાગા પ્રજાતિના કીટકો ફલીકરણ સુધી મહત્વની ભૂમિકા ભજવે છે. કીટકોની આર્થિક ઉપયોગિતા ઘણી છે. મધમાખી મધ અને મીણની પેદાશ આપે છે. રેશમના કીડા રેશમ અને લાખનાં જીવડાં લાખ આપે છે. ટ્રાયકોગ્રામા જેવા કીટક ટમેટાં, તુવેર, ચણા વગેરે પાકને નુકસાન કરતી લીલી ઇયળનો નાશ કરે છે. લીલી ઇયળનાં ફૂદાંનાં ઈંડાં ઉપર ટ્રાયકોગ્રામા નામના પરોપજીવી ઈંડાંનો નાશ કરે છે અને તેથી ઇયળનો ઉપદ્રવ કાબૂમાં આવે છે. એક જીવાતને બીજી જીવાત અગર અન્ય પ્રાણી મારફત નિયંત્રણમાં રાખવાની પ્રક્રિયાને જૈવિક નિયંત્રણ (biological control) કહે છે. કોબીજના પાન ઉપરના લીલી મોલો(Green aphids)ના ઉપદ્રવનું નિયંત્રણ એક લીલા માથાવાળી પણ પગ વગરની ઇયળની જાત દ્વારા થાય છે. લેડી બર્ડ બીટલ કાળા રંગના મોલો ઉપર જૈવિક નિયંત્રણ કરી પાપડી જેવા પાકનું રક્ષણ કરે છે. ક્રાયસોપા કપાસ ઉપરની સફેદ માખી અને લીલી ઇયળ ઉપર પરોપજીવી હોઈ તેમનો નાશ કરી કપાસના પાકનો બચાવ કરે છે. આવા ઘણા પરજીવી અને પરભક્ષી કીટકો પાકને નુકસાન કરનાર કીટક(જીવાત)નું જૈવિક નિયંત્રણ કરે છે. નીંદામણ(weed)નું જૈવિક નિયંત્રણ પણ કીટક કરતા હોય છે. ડ્રોસોફિલા (ફળમાખ) જેવા કીટકનો ઉપયોગ જનીનવિદ્યાના સંશોધન માટે ખૂબ થાય છે. પાણીમાં રહેતા સફાઈ કામદાર (scavenger beetle) પાણીમાં કહોવાતી વનસ્પતિ ખાય છે, જ્યારે જ્વેલ બીટલ સુકાઈ ગયેલા ઝાડ પર રહે છે. ચેફર બીટલ (dung rollers) અને કહોવાતી વનસ્પતિ પર જીવન ગુજારે છે. આમ આ સફાઈ કામદાર કીટકો ગંદકી ફેલાતી અટકાવીને તંદુરસ્ત વાતાવરણ રાખે છે.
ભારતમાં કીટકશાસ્ત્રની પ્રગતિ : અતિપ્રાચીન ભારતીય સાહિત્યમાં કીટકનો ઉલ્લેખ મળી આવે છે. મધમાખી દ્વારા મળનાર મધ વિશે તેમાં ઉલ્લેખ જોવા મળે છે. અથર્વવેદમાં કીટક-નિયંત્રણ વિશે માહિતી આપવામાં આવી છે. ભારતવાસીઓ રેશમના કીડામાંથી રેશમ તૈયાર કરવાની વિદ્યાના અતિ પ્રાચીન કાળથી જાણકાર હતા. ઈ. પૂ. 3870માં એક ભારતીય રાજાએ પર્શિયાના રાજાને રેશમી વસ્ત્રોની ભેટ મોકલ્યાના ઉલ્લેખ છે. પાંડવોના નાશ માટે કૌરવોએ લાક્ષાગૃહ (લાખનું ઘર) બનાવ્યાનો ઉલ્લેખ મહાભારતમાં સુપરિચિત છે. મહાભારતમાં બીજો એક ઉલ્લેખ માંડવ્ય મુનિનો છે. તેમણે બાવળની શૂળ ભોંકીને (વિચ્છેદન કરી) કીટકનો અભ્યાસ કર્યો હતો. આમ જગતમાં પ્રથમ કીટકશાસ્ત્રી બનવાનું બહુમાન માંડવ્ય મુનિને ફાળે જાય છે. ઉપયોગી કીટકોની બાબતોમાં માહિતી હોવા છતાં હાનિકારક કીટકો વિશેનું જ્ઞાન ત્યારે અતિઅલ્પ હતું. પાક ઉપર કીટકોનો ઉપદ્રવ થાય એ ઈશ્વરી પ્રકોપ તરીકે ગણાતો. તે જ પ્રમાણે જૈન ધર્મના આદિ આદેશો જેમાં લખાયાં છે તે આગમોમાં કીટકોની શાસ્ત્ર-શુદ્ધ માહિતી, વર્ગીકરણ, નામો આદિ જોવા મળે છે. મોટાભાગના આગમો ઈ. પૂ. લખાયાં છે. (મહાવીર સ્વામી પછીના સમયમાં – ઈ. પૂ. 600 પછી !) કીટકોની અવસ્થાઓ અને આયુષ્ય અંગેના ચોક્કસ ખ્યાલો આગમોમાં વર્ણવ્યા છે.
ભારતમાં આધુનિક કીટકશાસ્ત્રનો પાયો અઢારમી સદીમાં લિનિયસના શિષ્ય કનિંગે નાંખ્યો. દક્ષિણ ભારતના તેમના વસવાટ દરમિયાન તેમણે અનેક કીટકોનો અભ્યાસ કર્યો. 1875માં કલકત્તા (કોલકાતા) ખાતે ઇન્ડિયન મ્યુઝિયમ અને 1883માં મુંબઈ ખાતે બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીની સ્થાપના થવાથી આ વિષયના અભ્યાસને વેગ મળ્યો. ‘ફૉના ઑવ્ બ્રિટિશ ઇન્ડિયા’ એ ગ્રંથમાળાના ખંડો મારફત અને પરદેશી વૈજ્ઞાનિકોએ કીટકશાસ્ત્ર અને અન્ય પ્રાણીઓનો અભ્યાસ કર્યો. 1901માં બિહારમાં પૂસા ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં લાયોનેલ દ નાઇસવ્હિલ પ્રથમ કીટકશાસ્ત્રી તરીકે નિમાયા. 1903માં તેમની જગ્યા ઉપર લેફ્રૉયની નિમણૂક થઈ. 1909માં ‘ઇંડિયન ઇન્સેક્ટ લાઇફ’ નામનું લેફ્રૉયનું પ્રમાણભૂત પુસ્તક છપાયું. ફ્લેચરનું ‘કેટલૉગ ઑવ્ ઇન્ડિયન ઇન્સેક્ટસ્’ માલિકાઓમાં (series) કીટક-વિષયક સવિસ્તર માહિતી ઉપલબ્ધ થઈ. ‘સમ સાઉથ ઇંડિયન ઇન્સેક્ટસ્’ નામનું પુસ્તક 1914માં પ્રસિદ્ધ થયું. 1938માં ઍન્ટૉમૉલૉજિકલ સોસાયટી ઑવ્ ઇંડિયાની સ્થાપના થઈ અને 1939માં ઇંડિયન જરનલ ઑવ્ ઍન્ટૉમૉલૉજી’ નિયતકાલિક શરૂ થયું.
કીટક–વર્ગીકરણ : કીટક-વર્ગ તેની લાક્ષણિકતા મુજબ 26 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. કીટક-શ્રેણીઓની સંખ્યા બાબતમાં કીટકશાસ્ત્રીઓ એકમત નથી. કેટલાક કીટકશાસ્ત્રીઓ કીટકના અમુક સમૂહને એક જ શ્રેણીમાં મૂકે છે, જ્યારે કેટલાક તેના સમૂહને બે અગર વધારે શ્રેણીઓમાં મૂકે છે. આ કારણથી કીટક-વર્ગ 25થી 30 જેટલી શ્રેણીઓમાં સમાવવામાં આવ્યા છે. કીટક-વર્ગના શ્રેણીઓમાં વિભાજન માટે, પાંખની હાજરી; પાંખની ગેરહાજરી; પાંખોની રચના, મુખાંગો અને કાયાન્તરણ (metamorphosis) જેવાં લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે છે. અત્રે શ્રેણીઓનો ક્રમ ઉત્ક્રાંતીય વિકાસ મુજબ છે. આદ્ય શ્રેણીઓના કીટકો પાંખો વગરના હતા અને આદિકાળથી તેમાં ઘણા થોડા ફેરફારો થતા આવ્યા છે. તેમનો ક્રમ આગળ છે અને જે કીટક-શ્રેણીઓમાં ખૂબ વિકાસ જોવા મળે છે તે અનુક્રમે પાછળ જાય છે.
પૃથ્વી ઉપર કીટકોનો સૌથી પ્રથમ ઉદભવ 400 મિલિયન વર્ષ પહેલાં સમુદ્રમાં કૃમિ-સ્વરૂપનાં પ્રાણીઓમાંથી થયો. કાર્બોનિફેરસ-યુગ(400 મિલિયન)થી પરમિયન યુગ દરમિયાન ઉત્ક્રાંતિ પામેલા (290 મિલિયન) કીટકો પૈકી ઘણા પરમિયન યુગના અંત (240 મિલિયન) સુધીમાં અશ્મીભૂત બની ગયા અને બીજા ઉદભવ્યા. હાલના મોટાભાગના કીટકો જ્યુરેસિક યુગમાં (205-238 મિલિયન) ઉદભવ્યા અને આજે પણ અસ્તિત્વ ધરાવે છે. આધુનિક કીટક અને સપુષ્પ વનસ્પતિની ઉત્ક્રાંતિ અને વિકાસ સમાન્તર જોવા મળે છે. સમુદ્ર સિવાયના પૃથ્વી ઉપરના બધા જ પર્યાવરણમાં કીટકો જોવા મળે છે. દક્ષિણ ધ્રુવ જેવા મુલકમાં સીલ અને દરિયાઈ પક્ષીઓ ઉપર બાહ્ય પરોપજીવી રીતે પણ જીવન ગુજારતા કીટકો જોવા મળે છે.
રૂપાન્તરણ (metamorphosis) અને પાંખોની વિવિધતા અનુસાર કીટકોની શ્રેણીઓનું વર્ગીકરણ નીચે મુજબ છે :
- શ્રેણી – પ્રૉટ્યુરા (90)
- શ્રેણી – ડાયપ્લ્યુરા (જૂજ)
- શ્રેણી – થાયસેન્યુરા (700)
- શ્રેણી – કોલિમ્બોલા (2,000)
- શ્રેણી – એફિમેરૉપ્ટેરા (1,500)
ઉદા. મે – ફ્લાય
- શ્રેણી – ઑડોનેટા (લઘુશ્મશ્રુ) (4,870)
ઉદા. વાણિયા
- શ્રેણી – પ્લેકૉપ્ટેરા (1,490)
ઉદા. સ્ટોન-ફ્લાય
- શ્રેણી – ગ્રાયલોબ્લેટીડિયા
ઉદા. ગ્રાયલોબ્લાટા
- શ્રેણી – ઑર્થોપ્ટેરા (સરળ પક્ષ) [22,500]
ઉદા. ખડમાંકડી (stick-insect)
- શ્રેણી – ફૅસ્મિડા/(મેન્ટડી) દંડપાન પક્ષ
ઉદા. દંડપાન પક્ષ
- શ્રેણી – ડિક્ટિયૉપ્ટેરા – વાક્ પક્ષ
ઉદા. વંદા, તીતીઘોડા
- શ્રેણી – એમ્બિયૉપ્ટેરા (149)
ઉદા. વેબસ્પિનર્સ
- શ્રેણી – આઇસૉપ્ટેરા – ભંગુર પક્ષ (1,717)
ઉદા. ઊધઈ
- શ્રેણી – ઝૉરૉપ્ટેરા (19)
- શ્રેણી – સૉકૉપ્ટેરા (1,100)
ઉદા. સૉસિડ્ઝ
- શ્રેણી – સાઇફનફ્યુલેટા/એનોપ્લ્યુરા (250)
ઉદા. માથાની જૂ
- શ્રેણી – હેમિપ્ટેરા (હેટરોપ્ટેરા) – અર્ધપક્ષ (23,000)
ઉદા. બગ્સ – ચૂસિયાં
- શ્રેણી – હૉમૉપ્ટેરા (32,000)
ઉદા. સિકાડા, એફિડ્ઝ (1,100)
- શ્રેણી – ડર્મેપ્ટેરા – કર્ણપક્ષ
ઉદા. ઇયર-વિગ્સ
- શ્રેણી – મૅલૉફાગા-પીંછશ્લેષક (2,675)
ઉદા. પક્ષીઓની જૂ
- શ્રેણી – થાયસેનૉપ્ટેરા દર્વી પક્ષ (3,170)
ઉદા. થ્રિપ્સ
- શ્રેણી – ન્યૂરોપ્ટેરા-શિરાપક્ષ (4,670)
ઉદા. એન્ટલાયન – ધુધો
- શ્રેણી – મૅકૉપ્ટેરા (1,350)
ઉદા. સ્કેર્પિયન ફ્લાઇઝ (Scorpian flyes)
- શ્રેણી – ટ્રાયકૉપ્ટેરા (4,450)
ઉદા. કેડિસ ફ્લાય
- શ્રેણી – લેપિડૉપ્ટેરા – રોમપક્ષ (1,12,000)
ઉદા. પતંગિયાં, ફૂદાં
- શ્રેણી – ડિપ્ટેરા દ્વિપક્ષ (85,000)
ઉદા. મચ્છર, માખી
- શ્રેણી – હાયમેનૉપ્ટેરા – ત્વક્-પક્ષ (1,03,000)
ઉદા. કીડી, મંકોડા, મધમાખી
- શ્રેણી – કૉલિયૉપ્ટેરા (2,76,700)
ઉદા. બીટલ, તમરાં
- શ્રેણી – સાઇફૉનૉપ્ટેરા – ચૂસણપક્ષ (1,100)
ઉદા. ચાંચડ
- શ્રેણી – સ્પૅપ્સિપ્ટેરા (300)
ઉદા. સ્ટાયલોપિડ્ઝ
નોંધ : કૌંસમાં આપેલા આંકડા જે તે શ્રેણીમાં કીટકોની જાતિઓ(species)ની સંખ્યા બતાવે છે.
- શ્રેણી પ્રૉટ્યુરા : પાંખોનો અભાવ, કીટક સૂક્ષ્મ. સ્પર્શક અને સંયુક્ત આંખોનો અભાવ; ઉદરની કડીઓ 12; ઉદરની પ્રથમ ત્રણ કડીઓ એક એક જોડ નાનાં ઉપાંગો ધરાવે છે; મુખાંગો ભોંકવા માટે શ્વાસનલિકાઓ હોય છે, ક્યારેક અભાવ; રૂપાંતરણ નહિવત્; ઉદા. એસિરેંટોમૉન.
- શ્રેણી ડાયપ્લ્યુરા : 2 સ્પર્શક-બહુખંડીય, એકસરખા, સંયુક્ત આંખ અગર સામાન્ય સાદી આંખોનો અભાવ; ઉદરના ખંડો સાંકડા અને અણીદાર; પુચ્છિકાની એક જોડ; ઉદરખંડનાં ઉપાંગો સળી જેવા કંટિકામય; ઉદા. કૅમ્પોડિયા.
- શ્રેણી થાયસેન્યુરા : કીટકોની લંબાઈ 1.27 સેમી.ની આસપાસ. પાંખોનો અભાવ. ઉદર 11 ખંડોનું. તે પૈકીના કેટલાક ખંડો નાનાં ઉપાંગો ધરાવે છે. સંયુક્ત આંખ અગર નેત્રિકાનો કેટલાકમાં અભાવ. ઉદરના છેડે બે કે ત્રણ, બહુખંડીય પુચ્છિકાઓ. મુખાંગો કાપી ખાવા માટેનાં. પુસ્તકો, કપડાંમાં ભરાઈ રહે છે; ઉદા. ચમરી (ગુજ.), કસર (મરાઠી), લેપિસ્મા (અંગ્રેજી).
- શ્રેણી કોલિમ્બોલા : કીટકો નાના, સ્પર્શક ચાર ખંડોવાળા. સંયુક્ત આંખનો અભાવ. ઉદર ઉપર ઉપાંગોનો અભાવ; પરંતુ ઉદરની ઉપાન્ત્ય કડીમાંથી કૂદકો મારવા માટે ખાસ અંગ. શ્વસન-નલિકા તંત્રનો સામાન્ય રીતે અભાવ; ઉદા. ઑર્કિસેલા.
ઉપવર્ગ – ટેરિગોટા (સપક્ષ), વિભાગ-1, એક્ઝૉપ્ટેરિગોટા – બહિર્વિકાસી-પક્ષ-અર્ધરૂપાંતરણ. સોળ શ્રેણીઓ.
- શ્રેણી એફિમેરૉપ્ટેરા : આ સમૂહના કીટકોમાં પાંખોની જોડ 2. પાછલી જોડ ખૂબ નાની. આરામ અવસ્થામાં પાંખો પીઠ ઉપર ઊભી રહે છે. સ્પર્શક ટૂંકા. મુખાંગો અવશિષ્ટ બનેલાં. ઉદરના છેડે બે લાંબી પુચ્છિકા, ક્યારેક મધ્યમાં એક પુચ્છ-તંતુ હોય છે. રૂપાન્તરણ અપૂર્ણ. ડિંભ જલજ અને શ્વાસ માટે ઝાલર ધરાવે છે; ઉદા. મે-ફ્લાય.
- શ્રેણી ઑડોનેટા : પાંખોની બંને જોડ લગભગ એકસરખી. પાંખો પાતળી અને તેમાં શિરાઓનું જાળું ઘટ્ટ; સ્પર્શક ટૂંકા; મુખાંગો કરડી ખાવા માટેના; આંખો સંયુક્ત, અતિશય મોટી અને ઊપસી આવેલી. રૂપાન્તરણ અપૂર્ણ. ડિંભ જલજ અને મળદ્વાર-ઝાલર કે પુચ્છ-ઝાલર દ્વારા શ્વસન. વક્ષ-ઓષ્ઠ (વક્ષ-જંભ) મજબૂત – પક્કડ લઈ શકે તેવો નીચેનો ઓઠ; ઉદા. વાણિયા.
- શ્રેણી પ્લેકૉપ્ટેરા : કીટકસમૂહ મધ્યમ કે મોટા કદવાળા પાંખોની જોડ 2. વિશ્રાંતિ અવસ્થામાં પાંખો પીઠ ઉપર સપાટ ફેલાયેલી. પાંખોની પાછલી જોડ મોટેભાગે મોટી; સ્પર્શક લાંબા અને મુખાંગો કરડવાને માટે, પરંતુ નાજુક. ઉદરના છેડે મોટેભાગે લાંબી પુચ્છિકા; રૂપાન્તરણ અપૂર્ણ. ડિંભ જલજ, શ્વસન ઝાલર દ્વારા; ઉદા. સ્ટોન-ફ્લાય.
- શ્રેણી ગ્રાયલોબ્લેટીડિયા : શ્રેણી ઑર્થેપ્ટેરાની ગૌણ શ્રેણી – આંખો અતિશય નાની અગર અભાવ. સ્પર્શક તંતુમય, મુખાંગો કરડવા માટેનાં, માદામાં અંડનિક્ષેપક (Gonapophyois) સુવિકસિત. નરમાં જનનાંગો અસમાન સ્વરૂપનાં પુચ્છશૂળ લાંબાં અને 8 ખંડોવાળાં; ઉદા. ગ્રાયલો-બ્લાટા.
- શ્રેણી ઑર્થોપ્ટેરા : મૂળ ઑર્થોપ્ટેરા શ્રેણીમાં ગ્રાયલો-બ્લેટીડિયા, ડિક્ટિયૉપ્ટેરા, ફૅસ્મિડા, મેન્ટોડી વગેરે શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવતો હતો. હાલની આ શ્રેણીમાં કીટકો કદમાં મધ્યમ કે મોટા. મોટે ભાગે પાંખો 2 જોડ. આગલી પાંખ જાડી અને પાછલી પાંખ પાતળી, ઘડી વળેલી અને આગલી પાંખની નીચે ઢંકાઈ રહે છે. કેટલાકમાં પાંખો ટૂંકી તો કેટલાકમાં તેમનો સદંતર અભાવ (વિશેષ કરીને માદામાં). મુખાંગો કાપનારાં અને કરડનારાં. આંખો સંયુક્ત, સાદી આંખો (નેત્રિકા) 2 અગર 3, ચલનપાદ(પગ)ની પાછલી જોડ લાંબી અને કૂદકો મારવા પરિવર્તિત. પુચ્છકંટિકા લાંબી અગર ટૂંકી, ખંડોવાળી, રૂપાન્તરણ સાદું અગર અતિઅલ્પ; ઉદા. કંસારી, બાઘડ.
- શ્રેણી ફૅસ્મિડા : આ સમૂહમાં કીટકો કદમાં મોટા અને ખૂબ રૂપાંતરિત આકારો ધારણ કરે છે. કેટલાક સૂકી સળેકડી જેવા, તો કેટલાક લીલા કે સૂકા પાન જેવાં સ્વરૂપોમાં જોવા મળે છે. રૂપાંતરણ સાદું અગર અતિઅલ્પ. મુખાંગો કરડી ખાવા માટેનાં, સ્પર્શક લાંબા તંતુમય, ખંડોવાળા. આંખો સંયુક્ત, નાની નેત્રિકાનો અભાવ અથવા 2થી 3. પાંખો હાજર, ક્યારેક તેમનો અભાવ. આગલી પાંખ નાની. અને શલ્કીય. પુચ્છ-કંટિકા ખંડરહિત; ઉદા. ખડમાંકડી, પર્ણકીટક.
- શ્રેણી ડિક્ટિયૉપ્ટેરા (Dictyoptera) : આમાં મુખ્ય બે કુટુંબના કીટકોનો સમાવેશ થાય છે – બ્લેટિડી (Blattidae) અને મેન્ટિડી (Mantidae). બ્લેટિડી કુટુંબના કીટકોમાં શીર્ષ પૂર્વપૃષ્ઠ(pronotum)થી ઢંકાયેલું. બે સંયુક્ત આંખો અને બે નેત્રિકા (સાદી આંખો), પગની ત્રણેય જોડ એકસરખી. 3,500 ઉપરાંત જાતિઓ નોંધાયેલી છે. વંદા તરીકે ઓળખાતા કીટકો આ શ્રેણીમાં આવે છે; ઉદા., અમેરિકન વંદો (Periplaneta americana), પૂર્વનો વંદો (Blatta orientalis), જર્મન/યુરોપનો વંદો (Blatella germanica), ભારતનો વંદો (Polyphaga indica). પહેલા ત્રણ પ્રકારના વંદા માનવ-વસવાટ-રસોડા, ગટર, મોરી વગેરે સ્થળે જોવા મળે છે. જ્યારે ભારતીય વંદો અનાજના કોઠાર, લીંપેલાં મકાનોની દીવાલોમાં, અગર ખેતરાઉ જમીન ઉપર (નિસર્ગમાં) જોવા મળે છે. માદા કીટક 8 + 8 (16) ઈંડાં સમાય તેવી કોથળી(Ootheca)માં ઈંડાં મૂકી એ કોથળી અનુકૂળ સ્થળે મૂકી દે છે; જેમાંથી સમયાંતરે 10-12 પરિપક્વ ડિંભ પેદા થાય છે. મેન્ટિડી કુટુંબના કીટકોમાં શીર્ષ પૂર્વપૃષ્ઠકથી ઢંકાયેલું હોતું નથી. સંયુક્ત આંખો 2 અને નેત્રિકા ત્રણ ધરાવે છે. પગની આગળની જોડ શિકાર ઝડપી લેવા માટે વિકસિત હોય છે (Raptorial). ડિક્ટિયૉપ્ટેરામાં સ્પર્શક સૂત્રાકાર, ઘણા ખંડોવાળા, મુખાંગો કરડીને ચાવી ખાઈ શકે એવાં. આગલી પાંખ શૃંગીય. પાછલી પાંખ પાતળી ગડી વળેલી, મોટી. માદા કીટકમાં અંડ-નિક્ષેપક (Ovipositor) સાતમા ખંડથી છુપાયેલું.
- શ્રેણી એમ્બિયૉપ્ટેરા (Embioptera) : આ સમૂહના કીટકો રેશમનું અસ્તર બનાવી દરમાં સાથે રહે છે. મુખાંગો કરડવા અને ચાવવા માટેનાં, શીર્ષ મોટું, સ્પર્શક તંતુમય. સંયુક્ત આંખો માદા કરતાં નરમાં મોટી, નેત્રિકાનો અભાવ. ઉરસપ્રદેશ ઉદરપ્રદેશ જેટલો લાંબો. પગ ટૂંકા, મજબૂત, દોડવા માટે અનુકૂલિત. પહેલા પગનો પહેલો ગુલ્ફખંડ મોટો હોઈ તે રેશમના તાંતણા ઉત્પન્ન કરનાર ગ્રંથિ ધરાવે છે. નરમાં પાંખો, ક્યારેક ગેરહાજર; માદામાં તેમનો સદંતર અભાવ. પાંખો પાતળી, એકસરખી. નરમાં ધીમે ધીમે રૂપાન્તર. માદામાં રૂપાન્તર સિવાય વૃદ્ધિ; ઉદા. ઑલિગોટોમા.
- શ્રેણી આઇસૉપ્ટેરા (Isoptera) : નાના કે મધ્યમ કદના વસાહતી કીટકો. વસાહતમાં બહુરૂપી (Polymorphic) જાતિઓનો સમાવેશ. તેમાં અપક્ષ અને અપક્ષ લૈંગિક વ્યક્તિઓ (નર, માદા), અપક્ષ વંધ્ય, (કામગાર) અને સૈનિકો હોય છે. પાંખોની બંને જોડ બિલકુલ સરખી (ISO-ptera). પ્રજનનકાળ બાદ પાંખો ખરી પડે છે. મુખાંગો કરડવા અને ચાવવા માટેનાં. બંને લિંગોમાં જનન અવયવો અલ્પવિકસિત. રૂપાન્તરણ અતિઅલ્પ; ઉદા. ઊધઈ.
- શ્રેણી ઝૉરૉપ્ટેરા (Zoroptera) : કીટકો નાના કેટલાકને પાંખો મુખાંગો કરડવા માટેનાં. સ્પર્શક નવ ખંડોવાળા, મણકામય. અપક્ષ જાતિઓમાં આંખનો અભાવ. સપક્ષ જાતિઓમાં સંયુક્ત આંખો અને નેત્રિકા હોય છે. પાંખો લાંબી, ખરી પડતી. પાંખની પહેલી જોડ બીજી જોડ કરતાં ખૂબ લાંબી. પુચ્છ-કંટિકા ટૂંકી, ખંડોરહિત. માદામાં અંડનિક્ષેપકનો અભાવ. રૂપાન્તરણ અતિઅલ્પ; ઉદા. ઝૉરૉટાયપસ.
- શ્રેણી સૉકૉપ્ટેરા (Psocoptera) : કીટક નાના. સ્પર્શક તંતરૂપ; પાંખો હાજર કે ગેરહાજર હોય તો પાતળી અને પહેલી જોડ મોટી. મુખાંગો કરડવાનાં. રૂપાન્તરણ અપૂર્ણ. પુચ્છકંટિકાનો અભાવ. ઉદા. પુસ્તકની જૂ (ચોપડીઓની બાંધણીમાં વપરાયેલી કાંજીને ખાય છે.).
શ્રેણી મૅલૉફાગા (Mellophaga) : ઘણા નાના, ચપટા, અપક્ષ કીટક. મુખ્યત્વે પક્ષીઓનાં પીંછાં કે શરીર ઉપર બાહ્ય પરોપજીવી; ક્યારેક સસ્તનોના શરીર ઉપર. આંખો ખૂબ નાની, નેત્રિકાઓનો અભાવ. સ્પર્શક 3થી 5 ખંડોવાળા. મુખાંગો કરડવા માટેનાં. પુચ્છ-કંટિકાનો અભાવ. રૂપાન્તરણ નથી; ઉદા. પક્ષી ઉપરની જૂ (પૉલ્ટ્રીના પક્ષીઓને ઉપદ્રવકારક).
- શ્રેણી સાઇફનક્યુલેટા (Siphonculata)/એનોપ્લ્યુરા (Anoplura) : અપક્ષ કીટક. સસ્તન પ્રાણીઓના શરીર ઉપર બાહ્ય પરોપજીવી. આંખો અતિ ઝીણી અથવા તેમનો અભાવ. નેત્રિકાનો પણ અભાવ. સ્પર્શક 3–5 ખંડોવાળા મુખાંગો ખૂબ પરિવર્તન પામેલાં (વાસ્તવિક મુખાંગોનો અભાવ). અધોકંઠનાલી અને અધિકંઠનાલીના ભાગો મુખાંગની માફક ચૂસવાનું કાર્ય કરે છે. દરેક પગના છેડે નહોર હોય છે, જેનાથી વાળને પકડી રાખે છે. શ્વસનછિદ્રો પૃષ્ઠ બાજુએ. પુચ્છકંટિકાનો અભાવ. રૂપાન્તરણનો અભાવ; ઉદા. મનુષ્યના વાળ ઉપરની જૂ.
- શ્રેણી હેમિપ્ટેરા (Hemiptera) : (સબઑર્ડર) મૂળ શ્રેણી. હેપ્રોપ્ટેરા. કીટક મધ્યમ અગર મોટા આકારના. મોટેભાગે પાંખોની બે જોડ; આગલી જોડ જાડી. મુખાંગો ભોંકનારાં અને ચૂસનારાં. વક્ષ ઓષ્ઠમાંથી સૂંઢ બને છે. સૂંઢની અંદર વેધક અને ચૂષક અંગો હોય છે. રૂપાન્તર ક્રમે ક્રમે. આ શ્રેણીમાં 30,000થી વધુ જાતિઓ; ઉદા. માંકડ, વૉટરબગ, સાચાં સૂસિયાં.
- શ્રેણી હૉમૉપ્ટેરા (Homoptera) : કીટકો કદમાં મોટા (સિકાડા) અગર ખૂબ નાના (મોલો-એફિડ). મુખાંગો વનસ્પતિ-પેશીઓમાંથી રસ ચૂસનારાં. પાંખો હાજર અગર ગેરહાજર. પ્રજનનકાળમાં કેટલાંકમાં નર પાંખો ધરાવે છે. સિકાડામાં પાંખો વિકાસ પામે. આંખો સંયુક્ત. કુલ જાતિ 32,000; ઉદા., સિકાડા–જંગલમાં વૃક્ષનિવાસી, મોલો-એફિડ-પાક ઉપરની જીવાત, મશીવ્હાઇટ ફ્લાય–પાક ઉપરની મોલોની સાથે જોવા મળતી જીવાત. સ્કેલ ઇન્સેક્ટ (coccoids) લાખના જંતુ.
- શ્રેણી ડર્મેપ્ટેરા (Dermaptera) : કીટક કદમાં મોટા, લાંબા. પાંખોની 2 જોડ; આગલી જોડ ટૂંકી, ચર્મિલ, ઢાંકવા માટે પરિવર્તિત; પાછલી જોડ પાતળી અર્ધવર્તુળાકાર અને શિરાઓની ગોઠવણી અરીય (ત્રિજ્યામાં), કેટલાક કીટકો પક્ષવિહીન. મુખાંગો કરડવા માટેનાં. પુચ્છ-કંટિકાનું પરિવર્તન ચીપિયા જેવા ઉપાંગમાં. અંડનિક્ષેપક(Gonapophysis) નાનાં અથવા તેમનો અભાવ; ઉદા. ઇયર વિગ.
- શ્રેણી મૅલૉફાગા (Malophaga) : નાના અગર અતિસૂક્ષ્મ, ચપટા, અપક્ષ. મોટેભાગે પક્ષીઓનાં પીંછાં ઉપર બાહ્ય પરોપજીવી. ક્વચિત્ સસ્તન પ્રાણીઓ ઉપર બાહ્ય પરોપજીવી. આંખો નાની, નેત્રિકાનો અભાવ. સ્પર્શક ત્રણથી પાંચ ખંડોવાળું. મુખાંગો કરડવા માટેનાં. પુચ્છ-કંટિકાનો અભાવ; રૂપાન્તરણ નથી; ઉદા. ચિકન લાઉસ.
- શ્રેણી થાયસેનૉપ્ટેરા (Thysanoptera) Thrips : નાના કે સૂક્ષ્મ. સ્પર્શક નાના (કુંઠિત)-6-10 ખંડોવાળા. આંખો નાની. મુખાંગો વેધક, અસમમિત, કાનસ જેવાં. પાંખો અતિશય સાંકડી. માર્જિન લાંબા. ર્દઢ રોમ (રૂંછાં). પુચ્છ-કંટિકાનો અભાવ. રૂપાન્તરણ અપૂર્ણ. શરૂઆતમાં ડિંભ સ્વરૂપનાં હોય છે; ઉદા. થ્રિપ્સ–ફૂલ ઉપરની જીવાત.
વિભાગ 2 : (અંતર્વિકાસી-પક્ષ, પૂર્ણરૂપાંતરણી) આ વિભાગના કીટકોનું રૂપાન્તરણ જટિલ પ્રકારનું હોય છે, તેમાં અંડ, ડિંભ, કોશેટો અને પુખ્ત – એમ ચાર અવસ્થાઓનું જીવનચક્ર જોવા મળે છે. આ વિભાગમાં 9 શ્રેણીઓનો સમાવેશ થાય છે.
- શ્રેણી ન્યૂરોપ્ટેરા (Neuroptera) : આ શ્રેણીના કીટકો નાના અગર મધ્યમ કદના હોય છે. પાંખોની બંને જોડી પાતળી અને એકસરખી. સ્પર્શક લાંબા. મુખાંગો વેધક. પુચ્છકંટિકાનો અભાવ. ડિંભનાં મુખાંગો કીડી ખાનારાં અથવા ચૂસનારાં. જલીય ડિંભના ઉદરના ભાગમાં શ્ર્વસન માટે ઝાલરો; ઉદા. આલ્ડર ફ્લાય. ઘુઘો-કીડીઓનો વાઘ-ડિંભાવસ્થા.
- શ્રેણી મૅકૉપ્ટેરા (Macoptera) : નાના કદના નાજુક કીટક. સ્પર્શક લાંબા તંતુમય. પાંખની બંને જોડ પાતળી અને લાંબી. મુખાંગો કરડવા માટેના. પગ લાંબા, ઘણાખરા નરકીટકોમાં જનન-ખંડો ફૂલેલા અને વીંછીના ડંખને મળતા આવે છે. કીટક ભક્ષક. ઉદર લાંબું અને છેડે ટૂંકી પુચ્છકંટિકા. ડિંભ ઇયળ જેવું અને માંસાહારી; ઉદા. વૃશ્ચિક-મક્ષિકા (scorpion fly) કરોળિયાનું ભક્ષણ કરે છે.
- શ્રેણી ટ્રાયકૉપ્ટેરા (Trichoptera) : નાના કે મધ્યમ કદના, પાંખોની બંને જોડ પાતળી, તંતુમય અને વિષમ આકારની. મુખાંગ ચાટી ખાવા માટેનાં. જંભનો અભાવ અગર અવશિષ્ટ. ડિંભ જલીય. વિવિધ કણો ભેગા કરી ઘર બનાવી તેમાં ડિંભ રહે છે; ઉદા. કેડિસ ફ્લાય.
- શ્રેણી લેપિડૉપ્ટેરા (Lepidoptera) : નાના, મધ્યમ કે મોટા કદના રંગબેરંગી ઊડનારા કીટક. પાંખોની બંને જોડ સુવિકસિત. પાંખ, શરીર અને ઉપાંગો ઉપર કડક શલ્કોનું આવરણ, જડબાં અવશિષ્ટ અથવા તેમનો અભાવ. જંભિકાના પરિવર્તનથી એક લાંબી શોષણનલિકા તૈયાર થાય છે, જે કમાનના ગૂંચળા માફક લપેટાયેલી હોય છે. સ્પર્શકના છેડા જાડા-ગદાકાર અથવા પીંછાકારના (ફૂદાંમાં). આંખો સંયુક્ત, મોટી. રૂપાન્તરણ સંપૂર્ણ. ડિંભ ઇયળ તરીકે ઓળખાય છે. તેને વક્ષભાગમાં ત્રણ અને ઉદરના ભાગમાં પાંચ માંસલ પગની જોડો હોય છે. ઇયળનાં મુખાંગો કરડી ખાનારાં. કોશેટા અવસ્થામાં ઓછાવત્તા પ્રમાણમાં આવરણ (ફૂદામાં રેશમના તાંતણાનું આચ્છાદન ધરાવતો કોશેટો). મુખ્યત્વે બે જાતપતંગિયાં અને ફૂદાં.
- શ્રેણી ડિપ્ટેરા (Diptera) : નાના અગર મધ્યમ આકારના. પાંખોની માત્ર એક જોડ. અગ્ર ઉરસ સાથે જોડાયેલી. પાંખ અતિશય પાતળી અને પારદર્શક. મધ્ય ઉરસમાંથી ઉત્પન્ન થનાર પાંખની જોડનું સમતોલક(halters)માં રૂપાન્તર. આરામ-અવસ્થામાં આગલી પાંખની જોડ સમતોલક ઉપર ઠરે છે (ગોઠવાય છે). મુખાંગો વેધક અને ચૂસનારાં (શોષી લેનારાં). જંભ ભાગ્યે જ હાજર. અગ્રવક્ષ અને પશ્ચવક્ષ નાનાં અને મધ્ય વક્ષ સાથે જોડાયેલાં. ડિંભ પગ વગરનાં (apodus). માથું બિલકુલ નાનું. કોશેટો મોટો; ઉદા. ઘરમાખી, મચ્છર, ઘોડામાંખ.
- શ્રેણી હાયમેનૉપ્ટેરા (Hymenoptera) : નાના, મધ્યમ કે મોટા કદના. બંને પાંખોની જોડ પાતળી; પાછલી જોડ આગલી જોડ કરતાં નાની અને અંકુશ જેવા આંકડા વડે આગલી પાંખ સાથે જોડાયેલી. આંખો સંયુક્ત, મધ્યમ આકારની. નેત્રિકા સામાન્યપણે હાજર. નરમાં સ્પર્શક 12 ખંડોવાળો; માદામાં 13 ખંડોવાળો. મુખાંગો કરડવા માટેનાં, ચૂસવા માટેનાં કે ચાટવા માટેનાં. ઉદરની કેટલીક કડીઓ આકુંચિત. પહેલો ખંડ પશ્ચ વક્ષ સાથે જોડાયેલો અંડનિક્ષેપક હંમેશાં હાજર અને તેનું કરવતની માફક કાપવા માટે, ભોંકવા માટે કે ડંખ મારવા માટે રૂપાન્તરણ. ડિંભો પગ ધરાવતાં નથી. કોષ્ઠાવસ્થા કોથળી (ગુટિકામાં) સુરક્ષિત; ઉદા. મધમાખી, કીડી, કાંડેર, ભમરી, ઇક્ન્યુમન માખી વગેરે.
- શ્રેણી કૉલિયૉપ્ટેરા (Coleoptera) : ઢાલપક્ષ કીટક (beetles), સૌથી મોટી શ્રેણી 2,80,000 જાતો. જુદી જુદી ખાસિયત ધરાવતા કીટક, કેટલાક જમીનમાં, કેટલાક કોહવાતી વનસ્પતિ, છાણ કે લાકડાની બખોલોમાં રહે છે. કેટલાક સંગ્રહ કરેલા અનાજ, લોટ કે ખાદ્ય પદાર્થો સાથે મળી આવે છે. નાનામાં નાની બીટલ 0.5 મિમી.થી ઓછી, જ્યારે મોટામાં મોટી (કુળ-સિરેમ્બિસિડી) 155 મિમી. જેટલી હોય છે. બે પાંખોની જોડ : પહેલી જોડ જાડી, સુંવાળી, આકર્ષક રંગોવાળી, પૃષ્ઠ મધ્ય ભાગમાં એકબીજાને ચીપકી (આરામ અવસ્થામાં) રહે છે, આ જોડને એલિટ્રા (Elytra) કહે છે. બીજી જોડ પહેલી પાંખની નીચે ગડીઓવાળી ગોઠવાયેલી. ક્યારેક નાની થયેલી અથવા અભાવ. મુખાંગો કરડી ખાનારાં અને ચાવી ખાનારાં. કાયાન્તરણ (રૂપાન્તરણ) પૂર્ણ. ડિંભ કૅમ્પોડિફૉર્મ અથવા એર્યુસિફૉર્મ. સ્પર્શક 11 ખંડોવાળા. અગ્ર ઉરસ મોટું ચલન-શીલ. મધ્ય અને પશ્ચ ઉરસ ઉદર સાથે જોડાયેલાં. પ્યૂપા ભાગ્યે જ કોશેટોમાં જોવા મળે. તેના પ્રકાર એડિકટિકસ અને ઍક્સરેટ. આ શ્રેણીમાં ત્રણ ઉપશ્રેણી છે :
ઉપશ્રેણી – એડિફાગા : ઉદરનો પહેલો ખંડ (કડી) પશ્ચ કોક્સી (hind coxae) દ્વારા 2-3 ભાગમાં વિભાજિત થાય છે. ડિંભને 3 જોડ પગ. દરેક પગમાં પાંચ ખંડો અને 2 નહોર; ઉદા. ટાયગર બીટલ, ડંગ બીટલ, ડાયટિસ્કસ (જલીય), ગાયરિનસ વગેરે.
ઉપશ્રેણી – પૉલિફાગા : ઉદરનો પહેલો ખંડ (કડી) અખંડ. ડિંભના પગો 4થી વધુ ખંડો ધરાવતા નથી અને પગના છેડે એક નહોર; ઉદા. લેડિબર્ડ બીટલ, આગિયા, ક્લિક બીટલ, બ્લિસ્ટર બીટલ, મેઢ, વિવિલ, ધનેડું, ગેડાં બીટલ વગેરે.
- શ્રેણી સાઇફૉનૉપ્ટેરા (Siphonoptera) : શરીર પાર્શ્ર્વ સપાટીએ દબાયેલું. મજબૂત પાંખોનો અભાવ. મુખાંગો ભોંકનારાં-ચૂસનારાં. સ્પર્શક ટૂંકા ખાંચમાં. આંખો સાદી અથવા તેમનો અભાવ. પગ લાંબા, કૂદકો મારવાને અનુકૂલિત. કોકસી મોટી, ટર્સી 5 ખંડોવાળી. ઈંડાં રહેઠાણના સ્થળે અગર આશ્રયદાતાના શરીર ઉપર મૂકે છે. ડિંભ નાનાં, પગ સિવાયનાં. ગરમ લોહીવાળાં પ્રાણીઓ ઉપર પરોપજીવી, લોહી ચૂસનારાં. રૂપાન્તરણ પૂર્ણ. 1,100 જાતિઓ; ઉદા. ચાંચડ Xenopsylla cheopis-Indian rat fleas.
- શ્રેણી સ્ટ્રેપ્સિપ્ટેરા (Strepsiptera) : stylop સૂક્ષ્મ. પશ્ચ ઉરસ (metathorax) વિસ્તૃત. મુખાંગો ચાવવા માટે. નરમાં પંખાકાર પશ્ચ પાંખો; અગ્ર પાંખ અવશિષ્ટ. ગદાકાર સમતોલક(halters)માં રૂપાન્તરિત, ચલનશીલ. આયુષ્ય 1 કે 2 દિવસ. માદા ડિંભ-સરખી. મધમાખી કે ભમરા (wasp) ઉપર કાયમી પરોપજીવી; ઉદા. સ્ટાયલોપ, ઍન્ડ્રિના (મધમાખી ઉપર પરોપજીવી માદા), ઝેનોસ–ભમરા ઉપર પરોપજીવી.
જિતેન્દ્ર રાવજીભાઈ પટેલ
મ. શિ. દૂબળે
રા. ય. ગુપ્તે