મોરપંખ : અનાવૃતબીજધારી વિભાગમાં આવેલા ક્યુપ્રેસેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thuja orientalis Linn. syn. Biota orientalis Endl. (હિં. મયૂરપંખ, મોરપંખી; ગુ. મયૂરપંખ; અં. ઑરિયેન્ટલ આર્બર-વાઇટી) છે.

વિતરણ : તે ઉત્તર અને ઉત્તર-પૂર્વ ચીન, કોરિયા અને જાપાનની મૂલનિવાસી છે. તે તાઇવાન અને મધ્યએશિયામાં વિતરણ પામેલી છે. 18મી સદીના પૂર્વાર્ધથી તેનું યુરોપમાં વાવેતર થઈ રહ્યું છે. ઉષ્ણકટિબંધીય આફ્રિકાના ઠંડા પ્રદેશોમાં તેને શોભન વનસ્પતિ તરીકે ઉગાડાય છે. ભારતમાં બિહારનાં જંગલોમાં તેનો સફળતાપૂર્વક ઉછેર થયો છે. સમગ્ર ભારતમાં ખાસ કરીને હિલ-સ્ટેશનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઘણી વાર ઉગાડવામાં આવે છે.

બાહ્ય લક્ષણો : તે ક્ષુપ કે નાનકડું વૃક્ષ-સ્વરૂપ ધરાવતી અને 9 મી.થી 10 મી. ઊંચી વનસ્પતિ છે અને ગીચ પર્ણમુકુટ અને રતાશપડતી બદામી પાતળી છાલ ધરાવે છે. તેનાં પર્ણો સંમુખ ચતુષ્ક(opposite decussate), સખત રીતે ચોંટેલા, ચપટાં, 3 મિમી. લાંબાં, ચતુષ્કોણી-અંડાકાર (rhombic-ovate) ઘેરા લીલા રંગનાં અને અણીદાર હોય છે. T. orientallis var. compactaનાં પર્ણો ખીચોખીચ ગોઠવાયેલાં હોય છે અને છોડને કાપ્યા વગર જ અથવા બહુ ઓછી કાપકૂપ કરીને શંકુ આકાર મેળવી શકાય છે. કેટલીક જગાએ તેનું અવારનવાર કૃંતન કરીને ગોળ અથવા અન્ય કોઈ પણ આકાર આપવામાં આવે છે. આ જાત પ્રમાણમાં નાની રહે છે. નરશંકુઓ 23 મિમી. લાંબા, સફેદ રંગના હોય છે અને કક્ષીય શાખાની ટોચે ઉદભવે છે; જ્યારે માદા શંકુ શાખાના તલભાગેથી ઉત્પન્ન થાય છે. આ શંકુઓ આકર્ષક હોતા નથી; ઉપરાંત તે પર્ણો વડે ઢંકાઈ જતા હોય છે. તે 2–2.5 x 1.0–1.8 સેમી. ગોળ કે અંડાકાર હોય છે. તેનાં બીજ અંડાકાર, ચપટાં, 5–7 મિમી. x 4 મિમી. અને પાંખવિહીન હોય છે.

તેને સુંદર અને ગાઢ પર્ણસમૂહ અને શંકુ આકારનો આકર્ષક દેખાવ હોવાથી શોભનક્ષુપ તરીકે શીતળ અને ભેજવાળાં સ્થળોએ ઉગાડવામાં આવે છે. તે વાડ કે ઉદ્યાનોમાં વૃક્ષવીથિ (avenue)  બનાવવા માટે ઉછેરવામાં આવે છે. T. orientalis var. compacta મોટાં કૂંડાંઓમાં પણ વાવી શકાય છે. તેના ઉછેર માટે ખાતર-પાણી સાધારણ કરતાં વધારે જોઈએ છે.

પ્રસર્જન બીજ અથવા કટકારોપણ દ્વારા થાય છે. કટકારોપણ માટે ઊભી શાખાઓની પસંદગી કરવામાં આવે છે. આડી શાખાઓનું રોપણ કરવાથી તેમાંથી થતા છોડ આડા વધે છે. આઠ કલાક પાણીમાં રાખવાથી ડૂબી જતાં બીજ સારાં ગણાય છે.

રાસાયણિક બંધારણ  પર્ણો રહોડોઝેન્થિન, ઍમેન્ટોફલૅવૉન, હીનોકીફ્લૅવૉન, ક્વિર્સૅટિન, માયરીસેટિન, કૅરોટિન (20.8 મિગ્રા./100 ગ્રા.), ઝેન્થોફિલ (137.7 મિગ્રા./100 ગ્રા.) અને એસ્કૉર્બિક ઍસિડ (68 મિગ્રા./ 100 ગ્રા.) ધરાવે છે.

તાજાં પર્ણોનો જલીય નિષ્કર્ષ ગ્લાયકોસિડિક બંધ વડે જોડાયેલાં બાષ્પશીલ સંયોજનો ધરાવે છે : સિસ-3-હૅક્ઝેનૉલ, 1-ઑક્ટેન-3-ઑલ, 3-ઑક્ટેનૉલ, બેન્ઝાઇલ આલ્કોહૉલ, ટેરિનેન-4-ઑલ અને α-ટર્પીનીઑલ.

શંકુઓ અને મૂળ અત્યંત સુરભિત (aromatic) હોય છે. શુષ્ક મૂળના બાષ્પનિસ્યંદનથી 9.5 % જેટલું બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. બીજમાંથી 5.6 % જેટલું પીળાશપડતું તેલ મેળવવામાં આવે છે.

તેના ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ.20° 0.971, વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન [α]D, – 22.50, વક્રીભવનાંક (nD)20° 1.5055; ઍસિડ આંક 2.1, ઍસ્ટર આંક 26.27, એસિટાઇલીકરણ પછી ઍસ્ટર આંક 89.39, કાર્બોનીલો (C10H16O તરીકે) 5.65 % અને 95 % આલ્કોહૉલના 78 કદમાં દ્રાવ્યતા 50 %. તેલના બંધારણમાં નવો દ્વિચક્રીય (bicyclic) સેસ્ક્વિટર્પીન 51.10 %, 1-બોર્નીઑલ 17.10, બોર્નીલ ઍસિટોન 9.1, α-થુજોન અને કૅમ્ફર 5.6 અને નવો સેસ્ક્વિટર્પીન આલ્કોહૉલ 1.2 % હોય છે.

શંકુમાંથી પ્રાપ્ત કરેલાં બીજ શુષ્કન (drying) તેલ(17.2 %) ઉત્પન્ન કરે છે. તેની ભૌતિક-રાસાયણિક (physico-chemical) લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ.ગુ. 0.9765; વક્રીભવનાંક, nD25°, 1.4735, ઍસિડ આંક 2.5, સાબૂનીકરણ આંક 143.8, આયોડિન આંક 154.7 અને અસાબૂનીકરણ આંક 0.96 %.

બીજ 5.6 % પીળા રંગનું મેદીય તેલ ઉત્પન્ન કરે છે(સાબુનીકરણ આંક 187.1, આયોડિન આંક 178.0). તેનું ફૅટીઍસિડ બંધારણ આ પ્રમાણે છે : પામિટિક 5.28 %, સ્ટીઅરિક 7.3 %, C18 અસંતૃપ્ત ફૅટી ઍસિડો 81.29 % (લિનોલેનિક 44.6 %) અને C10 અસંતૃપ્ત ફૅટી ઍસિડો 6.10 %.

અંત:કાષ્ઠ(heartwood)માં ઍરોમાડેન્ડ્રિન, ટેક્સિફોલિન, વિડડ્રેન, સિડ્રોલ, યુજોપ્સેડાઇન, ડીહાઇડ્રો- α – કરકુમિન, β-આઇસોબાયૉટોલ અને કરકુમિનઇથર હોય છે. તે બાષ્પશીલ તેલ પણ ધરાવે છે; જે સેસ્ક્વિટર્પીન હાઇડ્રોકાર્બનો (ક્યુપેરીનો) 40 %, આલ્કોહૉલ (સિડ્રૉલ, વિડ્રૉલ, ક્યુપેરીનોલો) 50 %, મોનોટર્પીનિક ઍસિડો 4 % અને કીટોનો 4 %નું જટિલ મિશ્રણ છે.

શંકુ અને પર્ણોમાંથી પ્રાપ્ત થતા બાષ્પશીલ તેલમાંથી અનુક્રમે 19 અને 28 સંયોજનો મળી આવ્યાં છે. શંકુના તેલમાં α પિનીન 52.4 %, 3-કેરીન 14.2 %, α-સિડ્રૉલ 6.5 % અને ફેલેન્ડ્રીન 5.1 % હોય છે, જ્યારે પર્ણના તેલમાં α-પિનીન 21.9 %, α-સિડ્રૉલ 20.3 %, 3-કેરીન 10.5 % અને લિમોનીન 7.2 % મુખ્ય ઘટકો તરીકે હોય છે.

સારણી 1 અને 2 : શંકુ અને પર્ણના તેલનું રાસાયણિક બંધારણ.

સારણી 1 : શંકુના તેલનું રાસાયણિક બંધારણ સારણી 2 : પર્ણના તેલનું રાસાયણિક બંધારણ
સંયોજન ટકાવારી સંયોજન ટકાવારી
ટ્રાઇસાયક્લિન 0.4 µ-યુજીન 0.7
µ-પિનીન 52.4 µ-પિનીન 21.9
-પિનીન 3.3 µ-ફ્રેંચીન 2.6
D-3-કેરીન 14.2 સેબીનીન 0.8
માય્ર્સીન 3.6 પિનીન 1.6
-ફેલેન્ડ્રિન 5.1 માય્ર્સીન 2.6
g-ટર્પીનીન 0.1 µ-ફેલેન્ડ્રિન 1.3
µ-ટપીનૉલિન 4.0 D-3-કેરીન 10.5
µ-ટર્પીનીઑલ 0.1 P-સાયમીન 2.2
ટર્પીનીન-4-ઑલ 0.3 લિમોનીન 7.2
બોર્નીલ ઍસિટેટ 1.2 ટર્પીનીન 0.2
µ-ટર્પીનીલ ઍસિટેટ 0.5 µ-ટર્પીનૉલિન 3.2
-એલીમીન 0.3 લિનેલૂલ 0.2
-કૅર્યોફાયલિન 2.6 ટર્પીનીન-4-ઑલ 0.2
થુજોપ્સીન 0.6 થાયમોક્વિનૉન 0.2
µ-હ્યુમ્યુલિન 1.2 બોર્નીલ ઍસિટેટ 1.0
જર્મેક્રોન-D 1.0 જિરાનીલ ઍસિટેટ 0.4
એલીમૉલ 0.5 -એલિમીન 0.3
µ-સીડ્રોલ 6.5 -સીડ્રીન 1.2
-કેર્યોફાઇલિન 3.0
થુજોપ્સીન 2.2
µ-હ્યુમ્યુલિન 1.7
જર્મેક્રીન-D 0.8
હિમોચેલીન 0.3
D-કેડિનીન 0.4
એલીમૉલ 1.6
µ-સીડ્રોલ 20.3
µ-કેડિનૉલ 0.9

થુજોન કીટોન અને મોનૉટર્પીન સંયોજન છે અને તેનાં કુદરતમાં α-અને β-થુજોન એમ બે સ્વરૂપો મળી આવે છે.

ઉપયોગો –

(1) કાષ્ઠનો ઉપયોગ – મોરપંખનું કાષ્ઠ સુગંધિત, પૂરતા પ્રમાણમાં મજબૂત, હલકું (વજન–535 કિગ્રા./ઘમી.), સંકુલિત કણવાળું (close-grained), ગાંઠાળું છતાં ટકાઉ હોય છે. તે રાચરચીલામાં, ઘરના બાંધકામમાં અને વાડના થાંભલા બનાવવામાં ઉપયોગી છે.

(2) ઔષધીય ઉપયોગો – મોરપંખનો કફ, રક્તસ્રાવો (haemorrhages), અતિશય ઋતુસ્રાવ, શ્વસનીશોથ (bronchitis), દમ, ત્વચાના રોગો, ગાલપચોળું, જીવાણુ દ્વારા થતો મરડો, અમનરક્તા (amensia), સંધિવાની પીડા અને કાલપૂર્વ (premature) ટાલપણાની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. પર્ણો જ્વરહર (antipyretic), સ્તંભક (astringent), મૂત્રલ (diuretic), આર્તવજનક (emmenagogue), મૃદુકારી (emollient), કફોત્સારી (expectorant), શીતક (refringent) અને ક્ષુધાવર્ધક (stomachic) હોય છે. તેઓ વાળની વૃદ્ધિમાં ઉપયોગી છે. બીજ મૃદુવિરેચક (aperient) અને શામક (sedative) હોય છે. તેનો ઉપયોગ ધડકન (palpitation), અનિદ્રા (insomnia), ચેતાતંત્રના વિકારો અને વૃદ્ધોમાં થતી કબજિયાતમાં થાય છે. છાલનો ઉપયોગ દાઝ્યા ઉપર અને લપ્તદ્વદાહ (scald) માટે કરવામાં આવે છે. પ્રકાંડ કફ, શરદી, મરડો, આમવાત અને ત્વચાના પરોપજીવી રોગોમાં ઉપયોગી છે.

(3) ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો – તે પ્રતિજીવાણુક (antibacterial), ફૂગરોધી (antifungal) પ્રતિવિષાણુક (antiviral), શોથહર (anti-inflammatory), બલ્ય (tonic), કાસરોધી (antitussive) પ્રતિ-કૅન્સર (anticancer), ઇયળનાશક (larvicidal), કીટનાશક (insecticidal), કૃમિનાશક (nematicidal), મૃદુકાયનાશક (molluscicidal), જ્વરહર (antipyretic), કોષવિષાળુતા (cytotoxicity), પ્રતિ-ઉપચાયી (antioxidant), વિપુલોદભદવરોધી (antiproliferative).

ચીનની ચિકિત્સાપદ્ધતિમાં તેનો ઉપયોગ તેના પ્રતિ-કૅન્સર અને રક્તસ્રાવરોધી ગુણધર્મ માટે થાય છે. ઇથેનૉલીય અને જલીય નિષ્કર્ષો મદાત્યય (alcoholism), અપસ્મારી મૂર્છા (epileptic seizure) કે અન્ય ચેતા સંબંધી રોગો દ્વારા ઉત્પન્ન થતી માહિતી સંપાદન (learning performance) તથા યોગ્ય સ્મૃતિની ત્રુટિઓ ઉપર સ્પષ્ટ લાભદાયી અસરો ઉત્પન્ન કરે છે.

પર્ણોના એસિટોન, ઇથેનૉલ અને મિથેનૉલ નિષ્કર્ષો Curvularia lunata, Asper gillus ochraceous  સામે; આલ્કોહૉલીય નિષ્કર્ષ A. miger, A. ochraceous, Cunninghamella sp. અને Absiclia sp. સામે ફૂગરોધી સક્રિયતા દર્શાવે છે. મોરપંખનો અશોધિત નિષ્કર્ષ Bordetella bronchiseptica, Micrococcus flavus, Bacillus cereus, Sarcina lutea વગેરે સામે મધ્યમ પ્રતિજીવાણુક સક્રિયતા દાખવે છે. મૂળ, પ્રકાંડ, પર્ણો અને શંકુઓનો જલીય નિષ્કર્ષ મૂળ ઉપર ગાંઠો ઉત્પન્ન કરતાં સૂત્રકૃમિઓ પર કૃમિનાશક અસર ઉત્પન્ન કરે છે.

પર્ણોનું બાષ્પશીલ તેલ થુજોન ધરાવે છે. તે એબ્સિન્થતા(absinthism)નો રોગ ઉત્પન્ન કરે છે(એબ્સિન્થના મદ્યપાનનું વ્યસન). તેથી દર્દીને શારીરિક અને માનસિક હાનિ પહોંચે છે. તે પ્રાણીઓ અને મનુષ્યમાં થતા દાદરનો ત્વચાનો રોગ કરતી ફૂગ Trichophyton mentagrophytes અને Microsporum audoniiની વૃદ્ધિ અવરોધે છે.

મોરપંખની આડઅસરો – મોરપંખનો ઔષધ તરીકે ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાત ચિકિત્સકની સલાહ લેવી દર્દીના હિતમાં હોય છે, કારણ કે કેટલીક ઔષધિ કે વનસ્પતિનિષ્કર્ષો દર્દીના શરીર માટે પ્રતિકૂળ કે હાનિકારક હોઈ શકે છે. મોરપંખની આડઅસરો આ પ્રમાણે છે :

* મોટી માત્રામાં લેવામાં આવે તો મોરપંખ વિષાળુ (toxic) છે.

* તેની ઝેરી અસરોમાં માથાનો દુ:ખાવો, ઊલટી, અતિસાર, આંચકી, અધીરતા (nervousness) વગેરેનો સમાવેશ થાય છે.

* થુજોન રાસાયણિક ઘટક માટે વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે. થુજોન ચેતાવિષાળુ (neurotoxic) તરીકે કાર્ય કરે છે અને તેનાથી સ્નાયુ તાણ, મૂર્છા અને વિભ્રમ (hallucination) થઈ શકે છે. તેનાં પર્ણો કે શાખાઓ ઔષધ તરીકે લેવાથી દર્દી મૂર્છા પામે છે. તથા યકૃત અને મૂત્રપિંડોને હાનિ પહોંચે છે. ઉગ્ર કિસ્સાઓમાં મૃત્યુ પણ નોંધાયાં છે.

* મોરપંખના કાષ્ઠ સાથે કામ કરતા લોકોમાં દમ, વિષાક્તતા (poisoning) અને વિસ્ફોટો (rashes) થયા હોવાનાં ઉદાહરણો પણ મળ્યાં છે.

* મોરપંખનાં વિષારીકરણ(intoxication)નાં લક્ષણોમાં જઠરાંત્રીયશોથ (gastroenteritis), અતિસાર, જઠરમાં દુ:ખાવો વગેરેનો સમાવેશ થાય છે.

* ઉગ્ર કિસ્સાઓમાં મૂત્રપિંડ વિષાળુતા, પિત્તયકૃતશોથ (yellow liver atrophy), અતાલતા (arrythmia), હૃદ્સ્નાયુ રક્તસ્રાવ (myocardial bleeding)નાં લક્ષણો જોવા મળે છે.

* સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ મોરપંખનો ઔષધ તરીકે ઉપયોગ કરવો નહિ.

* બહુસૃત કાઠિન્ય (multiple sclerosis), આમવાત-સંધિશોથ (rheumatoid arthritis) અને ત્વચારક્ષણ (lupus) સ્વપ્રતિરક્ષી (autoimmune) રોગો છે. આ રોગના દર્દીઓએ મોરપંખનાં ઔષધોથી દૂર રહેવું જરૂરી છે; કારણ કે તે ઉત્તેજક (stimulant) છે. તેથી પ્રતિરક્ષાતંત્ર વધારે સક્રિય બને છે અને સ્વપ્રતિરક્ષી રોગોનાં લક્ષણો વધારે ઉગ્ર બની શકે છે. મૂર્છાની તકો વધારી શકે તેવાં બીજાં ઔષધોની સાથે મોરપંખનો ઉપયોગ કરવો નહિ.

T. plicate D. Don syn. T. gigantea Nutt. જાયન્ટ આર્બર વાઇ´ટી જાતિ પિરામિડ આકારનું 60 મી. જેટલી ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે. મોરપંખની અન્ય જાતિઓમાં T. occidentalis Linn. (શ્વેત દેવદાર, અમેરિકી આર્બર-વાઇ´ટી), T. standishii Carr. syn. T. japonica Maxim (જાપાની આર્બર-વાઇ’ટી)નો સમાવેશ થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ