રાગ : સ્વર તથા વર્ણથી વિભૂષિત થઈ મનનું રંજન કરે તેવો, અથવા તો મનોરંજન અને રસ નિર્માણ કરે તેવો સ્વરસમૂહ . એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે ‘रञजयति इति रागः’ દરેક રાગનું વિશિષ્ટ બંધારણ હોય છે, જેને અનુસરીને રાગ ગાવા કે વગાડવામાં આવે છે અને ત્યારે તે શ્રોતાના મનનું રંજન કરવામાં સફળ નીવડે છે.
योडसौ ध्वनिविशेषस्तु स्वरवर्णविभूषितः।
रज्जको जनचित्तानां स रागः कथ्यते बुधैः।
(अभिनवरागमज्जरी)
અહીં ધ્વનિવિશેષ એટલે ધૂન. સ્વરવર્ણ એટલે સ્વરોના ચારેય વર્ણોમાં સ્વરોનો વિવિધ રૂપે વિસ્તાર કરવો તે વર્ણ. સ્વરોના વર્ણ આ પ્રમાણે છે : સ્થાયી – એક જ સ્વર એકથી વધુ વખત લેવામાં આવે તે; આરોહી સ્વરોને ક્રમબદ્ધ રીતે ચઢતા ક્રમમાં ગાવામાં આવે તે; અવરોહી – સ્વરોને ક્રમબદ્ધ રીતે ઊતરતા ક્રમમાં ગાવામાં આવે તે; અને સંચારી – સ્થાયી, આરોહી, અવરોહી – આ ત્રણેય વર્ણોનું મિશ્રણ. આમ આ બધી ક્રિયાઓથી ધૂનને વિભૂષિત કરીને ગાવામાં આવે અને લોકોના મનની રંજકતા જો વધારે તો તેને રાગ કહેવામાં આવે છે.
ભારતીય શાસ્ત્રીય સંગીતમાં, પછી તે હિન્દુસ્તાની હોય કે કર્ણાટકી, બન્નેમાં શાસ્ત્ર-શુદ્ધતા પર ભાર મૂકવામાં આવે છે. શાસ્ત્ર-શુદ્ધતા જળવાઈ રહે તે માટે ગુણીજનોએ રાગનાં કેટલાંક નિયમો કે લક્ષણો બનાવ્યાં છે; જેવાં કે
રાગ કોઈ પણ થાટમાંથી ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. થાટ એટલે સાત સ્વરોનો એવો સમૂહ, જેમાંથી રાગ ઉત્પન્ન થઈ શકે. રાગમાં ઓછામાં ઓછા પાંચ સ્વરો હોવા જોઈએ. ચાર સ્વરો દ્વારા રાગનિર્માણ શક્ય નથી. રાગમાં આવતા સ્વરો પરથી રાગની જાતિ નક્કી કરવામાં આવે છે. પાંચ સ્વરવાળા રાગને ઓડવ જાતિનો રાગ કહેવામાં આવે છે; દા. ત., ભૂપાલી, દુર્ગા, સારંગ વગેરે. છ સ્વરવાળા રાગને ષાડવ જાતિનો રાગ કહેવામાં આવે છે; દા. ત., મારવા, પૂરિયા વગેરે. અને સાત સ્વરવાળા રાગને સંપૂર્ણ જાતિનો રાગ કહેવામાં આવે છે; દા. ત., ભૈરવ, કલ્યાણ, કાફી વગેરે. કેટલાક રાગના આરોહમાં પાંચ સ્વર અને અવરોહમાં સાત સ્વર આવે છે. તેને ઓડવ-સંપૂર્ણ રાગ કહેવામાં આવે છે; દા. ત., ભીમપલાસી, ખમાજ વગેરે. કેટલાક રાગના આરોહમાં છ સ્વર અને અવરોહમાં સાત સ્વર આવે છે તેને ષાડવ-સંપૂર્ણ રાગ કહેવામાં આવે છે; દા. ત., માલગુંજી, નટ બિહાગ, નંદ વગેરે. આવા રાગ મિશ્ર જાતિના રાગ તરીકે પણ ઓળખાય છે.
રાગમાં વાદી અને સંવાદી સ્વરોનું વિશેષ મહત્વ હોય છે. દરેક રાગમાં એક સ્વર મુખ્ય હોય છે, જેનો પ્રયોગ રાગમાં વારંવાર કરવામાં આવે છે અને તેને વાદી સ્વર કહેવામાં આવે છે, એમ પણ કહી શકાય કે વાદી સ્વર રાગરૂપી સામ્રાજ્યમાં ‘રાજા’નું સ્થાન ધરાવે છે. વાદી પછીના બીજા મહત્વપૂર્ણ સ્વરને સંવાદી સ્વર અથવા ‘પ્રધાન’ તરીકે ઓળખવામાં આવે છે; જે વાદી સ્વરને અનુસરે છે. વાદી-સંવાદી સ્વરો સિવાય રાગમાં આવતા અન્ય સ્વરોને અનુવાદી સ્વર તરીકે ઓળખવામાં આવે છે. રાગમાં જે સ્વરો લેવામાં આવતા નથી તેવા સ્વરોને વર્જ્ય સ્વર તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક ઊંચી કોટિના કલાકારો પોતાના ગાયનમાં રંજકતા વધારવા માટે કુશળતાપૂર્વક, રાગને હાનિ ન પહોંચે તે રીતે, વર્જ્ય સ્વરનો પ્રયોગ કરે છે. તેને વિવાદી સ્વર કહે છે.
એ સિવાય ‘પકડ’ એ રાગનું એક મહત્વનું લક્ષણ કે નિયમ ગણાય છે. પકડ એટલે એક એવો નાનો સ્વરસમૂહ જેના દ્વારા રાગની ઓળખ તુરત જ થઈ જાય છે. આ પકડમાં કણસ્વર, મીંડ વગેરેનો સમાવેશ થાય છે. કણસ્વર એટલે કોઈ એક સ્વર ગાતી કે વગાડતી વખતે આગળપાછળના સ્વરોને સૂક્ષ્મરૂપે સ્પર્શ કરીને ગાવું કે વગાડવું. તે જ પ્રમાણે કોઈ એક સ્વરની આગળ કે પાછળના બે કે તેથી વધારે સ્વરોને ધ્વનિ ખંડિત ન થાય એ રીતે ગાવા કે વગાડવા તેને મીંડ કહે છે. આમ જાણકાર શ્રોતાજનોને પકડ દ્વારા રાગ ઓળખવામાં સરળતા પડે છે.
પકડની જેમ રાગમાં આરોહ-અવરોહનું હોવું પણ જરૂરી છે. રાગનો આરોહ-અવરોહ ગાતાં જ રાગનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે અને રાગની ઓળખ આપોઆપ થાય છે.
એક જ સ્વર બંને રૂપોમાં પાસે પાસે ન આવવા જોઈએ તે પણ રાગ માટેનો એક મહત્વનો નિયમ ગણાય છે. એક સ્વરનાં બે રૂપ એટલે કોમલ અને શુદ્ધ, તથા તીવ્ર અને શુદ્ધ. રે, ગ, ધ, ની આ ચાર સ્વરો કોમલ થઈ શકે છે; દા. ત., કોઈ પણ રાગમાં બે ગાંધાર(ગ)નો પ્રયોગ થતો હોય તો શુદ્ધ ગાંધાર અને પછી તુરત જ કોમલ ગાંધાર બંને પાસે પાસે ન આવી શકે. આરોહમાં શુદ્ધ અને અવરોહમાં કોમલ એ રીતે લઈ શકાય. એ જ પ્રમાણે કોઈ રાગમાં બંને મધ્યમનો ઉપયોગ થતો હોય ત્યારે શુદ્ધ મધ્યમ અને તીવ્ર મધ્યમ પાસે પાસે ન લઈ શકાય. આમ કરવાથી રાગને હાનિ પહોંચે છે.
શાસ્ત્રીય સંગીતમાં ષડ્જ-(સા)ને આદિ સ્વર માનવામાં આવે છે. તેને કારણે કોઈ પણ રાગમાં આ સ્વરને વર્જ્ય કરી શકાય નહિ. તે જ રીતે મધ્યમ-(મ) અને પંચમ-(પ) બંને સ્વરો પણ એકસાથે વર્જ્ય ન કરી શકાય. આમ કરવાથી રાગની રંજકતાને હાનિ પહોંચે છે.
હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સમય પ્રમાણે રાગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વિવિધ થાટમાંથી ઉત્પન્ન થતા રાગોને ગાવાનો સમય જુદો જુદો નક્કી કરવામાં આવ્યો છે. દિવસના ચાર પ્રહર અને રાત્રિના ચાર પ્રહર એમ 24 કલાકના આઠ પ્રહરમાં રાગોને ગાવાનો-વગાડવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રાત:કાળે ગવાતા રાગોને પ્રાત:કાલીન સંધિપ્રકાશ રાગ તરીકે ઓળખવામાં આવે છે; જેમાં રે – ધ કોમલ અને શુદ્ધ મધ્યમનો પ્રયોગ કરવામાં આવે છે. દા. ત., ભૈરવ, કાલિંગડા વગેરે. એ જ રીતે સંધ્યાસમયે ગવાતા રાગોને સાયંકાલીન સંધિપ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે; જેમાં રે – ધ શુદ્ધ અને તીવ્ર મધ્યમનો પ્રયોગ કરવામાં આવે છે; દા. ત., કલ્યાણ, બિલાવલ વગેરે. ત્રીજા વર્ગમાં ગ અને ની કોમલવાળા રાગોનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે બપોરે અથવા મધ્યરાત્રિ દરમિયાન ગાવા-વગાડવામાં આવે છે. આ બધા રાગોનો સમય સાથે સીધો સંબંધ હોવાને કારણે જો સમયને અનુસરીને રાગ ગાવા-વગાડવામાં આવે તો તે રાગ દ્વારા રસોત્પત્તિ સંભવ છે અને શ્રોતાજન ઉપર તેની ઘેરી અસર પાડી શકાય છે. ભૈરવી રાગ પ્રાત:કાલીન રાગ ગણાય છે; પરંતુ ગુણીજનો દ્વારા તે સર્વકાલિક રાગ મનાય છે અને ગમે તે સમયે તે ગાઈ-વગાડી શકાય છે. ભૈરવી માટે ‘भैरवी सर्वदासुखदायिनी’ એમ કહેવાય છે. સામાન્ય રીતે મહેફિલનું સમાપન ભૈરવી રાગ દ્વારા કરવામાં આવે છે.
આમ રાગનિર્માણ માટે ઉપર્યુક્ત નિયમો મહત્વના બની રહે છે.
વૈજયંતી વિલાસ ચિટનીસ