રાખ્માનિનૉફ, સર્ગેઇ (જ. 1 એપ્રિલ 1873, ઓનેગ, રશિયા; અ. 28 માર્ચ 1943, બેવર્લી હિલ્સ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : પ્રસિદ્ધ રંગદર્શી રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. પિયાનોવાદનમાં તેમણે અભૂતપૂર્વ કૌશલ્ય પ્રદર્શિત કરેલું.

નૉવ્ગોરોડ જિલ્લાના ઇલ્મેન સરોવર કાંઠે આવેલ ઓનેગમાં તેમનો ઉછેર થયો. તેમના પિતા નિવૃત્ત લશ્કરી અધિકારી હતા અને માતા પણ લશ્કરી કારકિર્દી ધરાવતા કુટુંબમાંથી આવતાં હતાં. પિતાએ કારોબારમાં નડેલી ખોટમાં સઘળી સંપત્તિ ગુમાવી દીધી. કિશોર રાખ્માનિનૉફને પ્રસિદ્ધ પિયાનોવાદક નિકોલાઇ ઝ્વેરેવ પાસે સંગીતના અભ્યાસ માટે મૉસ્કોની મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં મોકલી દેવામાં આવ્યા.

19 વરસની ઉંમરે પુશ્કિનના કાવ્ય ‘ધ જિપ્સિઝ’ પર આધારિત એકાંકી ઑપેરા ‘ઍલેકો’ લખી. રાખ્માનિનૉફ મૉસ્કો કૉન્ઝર્વેટરીમાંથી સ્નાતક થયા. યુવાન-વયે સંગીત-નિયોજક (composer) તરીકેની ખ્યાતિ તેમની બે પિયાનો-રચના ‘પ્રિલ્યૂડ ઇન સીશાર્પ માઇનર’ અને  ‘ક્ન્સર્ટો નંબર ટુ ઇન સીમાઇનર’ પર આધારિત છે. ‘પ્રિલ્યૂડ ઇન સી-શાર્પ માઇનર’નું પ્રથમ વાદન 26 સપ્ટેમ્બર, 1892ના રોજ રાખ્માનિનૉફે જ કરેલું. ‘ક્ન્સર્ટો નંબર ટુ ઇન સી માઇનર’નું પ્રથમ વાદન 27 ઑક્ટોબર, 1892ના રોજ થયું. શ્રોતાગણમાં બંને સંગીતરચનાઓ પ્રીતિપાત્ર થઈ પડી હોવા છતાં નવસર્જન માટે રાખ્માનિનૉફને નિર્વેદ જાગ્યો.

તેમને નિરાશા તથા હતાશાના હુમલા વારંવાર આવવા લાગ્યા. તેમની પ્રથમ સિમ્ફની ઉત્કૃષ્ટ સર્જન હોવા છતાં તેના પ્રથમ વાદનમાં વાદકોએ વેઠ ઉતારી હોવાથી તે નિષ્ફળ નીવડી (માર્ચ 1897). રાખ્માનિનૉફના મૃત્યુ પછી વિવેચકોએ તેને રાખ્માનિનૉફની શ્રેષ્ઠ કૃતિ કહી તેનાં વખાણ કર્યાં. 1904માં રાખ્માનિનૉફ મૉસ્કોના પ્રસિદ્ધ બૉલ્શોઇ થિયેટરના એક સંગીતસંચાલક તરીકે નિમાયા. 1906માં રશિયામાં ક્રાંતિ થતાં તે પોતાનાં પત્ની નાતાલિયા સેટિન સાથે જર્મનીના ડ્રેસ્ડન શહેરમાં જઈ વસ્યા. અહીં તેમણે વાદ્યવૃંદ માટે ત્રણ ઉત્કૃષ્ટ રચનાઓ લખી : (1) સિમ્ફની નં. 2 ઇન ઈ માઇનર (1907); (2) સિમ્ફનિક પોએમ  ‘ધી આઇલ ઑવ્ ધ ડેડ’ (1909); પિયાનો કન્સર્ટો નં. 3 ઇન ડી માઇનર (1909).

1909માં રાખ્માનિનૉફે અમેરિકાની મુલાકાત લીધી. અહીં ન્યૂયૉર્ક, ફિલાડેલ્ફિયા અને શિકાગોમાં તેમના સંગીતને અભૂતપૂર્વ આવકાર મળ્યો. ન્યૂયૉર્કમાં ‘ન્યૂયૉર્ક સિમ્ફની’ના કન્ડક્ટર વૉલ્ટર ડેમ્રોશે તેમની આ ત્રણ કૃતિઓના કરેલા સંચાલનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા, જ્યારે ફિલાડેલ્ફિયા અને શિકાગોમાં રાખ્માનિનૉફે સ્વયં સંચાલન કર્યું. ‘બૉસ્ટન સિમ્ફની’ના કન્ડક્ટર તરીકે નિયુક્ત થવા માટેનું આમંત્રણ મળેલું, પણ તેનો સ્વીકાર ન કર્યો. 1910ના ફેબ્રુઆરીમાં તેઓ રશિયા પાછા ફર્યા.

રશિયામાં રાખ્માનિનૉફના સંગીતને ઉમળકાભર્યો આવકાર મળ્યો અને વિવિધ સંગીત-જલસામાં તેમાંની કેટલીક કૃતિઓનું વાદન થતું. રશિયન સંગીતકારો આ સમયે ત્રણ જૂથમાં વહેંચાયેલ હતા. સેન્ટ પીટર્સબર્ગ ખાતે ‘માઇટી હૅન્ડફુલ’ નામે ઓળખાતા જૂથમાં બાલાકિરેવ, બોરોદીન, કુઈ, મુસાર્ગ્સ્કી અને રિમ્સ્કીકોર્સાકૉવ હતા. મૉસ્કો ખાતેના જૂથમાં પ્રમાણમાં સંકુચિત પ્રણાલીને અનુસરનારા રંગદર્શી ચાઇકૉવ્સ્કી, એન્તૉન રુબિન્સ્ટીન અને ટાનાયેવ હતા. મૉસ્કો ખાતેના ત્રીજા જૂથમાં ઍલેક્ઝાન્ડર સ્ક્રીયાબીનના સંગીતના અત્યાધુનિક ઉત્સાહી સંગીતકારો હતા. રાખ્માનિનૉફ આમાંથી ચાઇકૉવ્સ્કીના જૂથમાં ગોઠવાયા.

રાખ્માનિનૉફે રશિયા પાછા ફરીને કરેલાં સર્જનોમાં કૉરલ (વૃંદગાનવાળી) સિમ્ફની ‘ધ બેલ્સ’ ખૂબ મહત્વની છે. એડ્ગર ઍલન પોના એક કાવ્યના કૉન્સ્ટેન્ટેન મિત્રિયેવિચ બાલ્મોન્ટે કરેલા રશિયન અનુવાદનું ગાન કૉરલ સિમ્ફનીના ગાયકો કરે છે. આ કૉરલ સિમ્ફની રશિયા તેમજ વિદેશમાં પણ લોકપ્રિય થઈ. 1917ની ક્રાંતિ પછી રાખ્માનિનૉફ ફરીથી સકુટુંબ અમેરિકા ગયા અને રશિયા કદી પાછા ફર્યા નહિ. આ સમય દરમિયાન તે ‘સિમ્ફની નં. 3 ઇન એ માઇનર’ (1936) અને ‘રહેપ્સોડી ઑન અ થીમ ઑવ્ પૅગૅનીની ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ એ બે કૃતિઓ સિવાય કોઈ નવસર્જન કરી શક્યા નહિ. પોતાની જૂની કૃતિઓનાં વાદન અને સંચાલન માટે તેઓ સમગ્ર અમેરિકા અને પશ્ચિમ યુરોપના પ્રવાસો કરતા રહ્યા. સિમ્ફની નં. 3માં પોતાના ઘર અને રશિયાની અતીતની સ્મૃતિ તથા ઘરઝુરાપો સંભળાય છે. ઉપર વર્ણવેલી તેમની કૃતિઓનું વાદન-સંચાલન આજે પણ યુરોપ અને અમેરિકામાં કરવામાં આવે છે.

અમિતાભ મડિયા