ચૌધરી, શિશિર કોણાધર

January, 2012

ચૌધરી, શિશિર કોણાધર (જ. 27 ડિસેમ્બર 1937 શિલોંગ; અ. 9 માર્ચ 2021, ગુરગાંવ, હરિયાણા) : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરામાં ઊછરેલા તથા ધ્રુપદ શૈલીમાં વાયોલિન વગાડનારા જાણીતા વાયોલિનવાદક. તેઓ મૂળ આસામના વતની પરંતુ જીવનના મોટા ભાગનો સમયગાળો કૉલકાતામાં પસાર કર્યો. માત્ર સાત વર્ષની વયે તેમણે વાયોલિનવાદનની તાલીમ ઉસ્તાદ મોતીમિયાં પાસેથી લેવાનો પ્રારંભ કર્યો અને સમયાંતરે તેમણે વિખ્યાત વાયોલિનવાદક વી. જી. જોગ તથા આચાર્ય ટી. એલ. રાણા પાસેથી તેની ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. સાથોસાથ તેમણે લગભગ દસ વર્ષ સુધી મહાન સરોદવાદક ઉસ્તાદ અલીઅકબરખાં પાસેથી પણ તાલીમ મેળવી. તેમનું નામ બાબા અલ્લાઉદ્દીન ઘરાના સાથે સંકળાયેલું રહ્યું છે. 1953માં તેમણે ‘તાનસેન  વિષ્ણુ દિગંબર’ સ્પર્ધામાં પ્રથમ સ્થાન અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યાં પછી તેમની શાસ્ત્રીય વાદનની કારકિર્દીમાં ઝડપથી વિકાસ થતો ગયો. તેમને ‘ભવતારિણી’ સુવર્ણપદક પણ પ્રાપ્ત થયું છે. તેમના વાયોલિનવાદનના જાહેર કાર્યક્રમોમાં તેમને તબલા પર ઉસ્તાદ ઝાકિર હુસેન, સ્વપન ચૌધરી, શંકર ઘોષ અને મહાપુરુષ મિશ્રા જેવા દિગ્ગજોએ સંગત કરી છે. 1954માં તેઓએ બી. મ્યુઝ.ની પરીક્ષા પસાર કરી.

1971માં શિશિર કોણાધર ચૌધરી રવીન્દ્રનાથ ભારતી યુનિવર્સિટીમાં વાયોલિનવાદનના અધ્યાપક તરીકે જોડાયા હતા. તે જ અરસામાં આ શિક્ષણસંસ્થામાં મૅસૅચૂસેટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)ના વિખ્યાત પાશ્ર્ચાત્ય વાયોલિનવાદક પ્રોફેસર જૉર્જ સ્કર્ટ પણ વાયોલિનના પ્રાધ્યાપકના પદ પર કાર્યરત હતા. બંને માટે  આ એક સુયોગ ગણાય.

શિશિર કોણાધર ચૌધરી વાયોલિન પર વિલંબિત, પરંપરાગત આલાપ વગાડવામાં માહેર ગણાય છે. સ્વર તથા લય પર તેઓ ઉત્તમ કાબૂ ધરાવે છે. તે કૉલકાતાના આકાશવાણી તથા દૂરદર્શનના ઉચ્ચકક્ષાના વાયોલિનવાદક છે.

1963માં તેમણે વિદેશયાત્રા કરી હતી.

બટુક દીવાનજી