ચૌધરી, સલિલ (જ. 19 નવેમ્બર, 1922; અ. 5 સપ્ટેમ્બર 1995, કૉલકાતા) : ચલચિત્રજગતના સંગીત-નિર્દેશક. કોઈ પણ જાતની સંગીતની તાલીમ વગર સ્વરરચનાની આગવી સૂઝ ધરાવતા આ સંગીતકારે બંગાળી તથા હિંદી ચલચિત્રો અને દૂરદર્શન પરની

સલિલ ચૌધરી

ધારાવાહિક શ્રેણીઓ ઉપરાંત અસમિયા, કન્નડ, તમિળ તથા તેલુગુ ચલચિત્રોમાં પણ સંગીતનિર્દેશન કર્યું છે. ‘પિંજરે કે પંછી’ (1966) નામક ચલચિત્રના સંગીતનિર્દેશન ઉપરાંત તેનું દિગ્દર્શન તથા 8 ચલચિત્રોનાં સંગીતનિર્દેશન સાથે તેનાં ગીતોની રચના પણ તેમણે જ કરી હતી. શરૂઆતનાં વર્ષો દરમિયાન બંગાળના ચોવીસ પરગણાં જિલ્લામાં કિસાન-ચળવળમાં તેમણે ભાગ લીધો હતો. બંગાળના ગ્રામવિસ્તારોમાં ડાબેરી વિચાસરણીનો પ્રચાર કરતી નાટ્ય મંડળીઓના તેમજ ભારતીય લોકનાટ્ય સંઘ – ‘ઇપ્ટા’(Indian People’s Theatre Association)ના પ્રયોગો સાથે પણ સંગીતનિર્દેશક તરીકે તેઓ સંકળાયેલા હતા. બંગાળી તથા હિંદી ચલચિત્રોના પ્રસિદ્ધ દિગ્દર્શક સત્યેન બોઝ (1916–93) સાથે સ્વરનિયોજક તરીકે ‘પરિવર્તન’ (1951) ફિલ્મથી ચલચિત્રવ્યવસાયમાં તેમણે પ્રવેશ કર્યો હતો. બિમલ રૉય (1909–66) દ્વારા નિર્દેશિત તથા ‘ફિલ્મ ફેર ઍવૉર્ડ’ પામેલા ‘દો બીઘા જમીન’ (1953) નામક હિંદી ચલચિત્રની સ્વરરચનાએ તેમને પ્રથમ પંક્તિના સંગીતનિર્દેશકની કક્ષા બક્ષી. આ ચલચિત્રની પટકથા પણ તેમણે જ લખી હતી. ત્યાર પછી બિમલ રૉય દ્વારા નિર્દેશિત બીજી લોકપ્રિય ફિલ્મો ‘મધુમતી’ (1958) અને ‘પરખ’(1961)ની સ્વરરચનાએ પણ તેમને ખૂબ ખ્યાતિ આપી. હૃષીકેશ મુખરજી દ્વારા નિર્દેશિત તેમની પ્રથમ ફિલ્મ ‘મુસાફિર’ (1957) તેમજ ‘આનંદ’ (1970), રાજકપૂર (1924–88) દ્વારા નિર્મિત આર. કે. ફિલ્મ્સની બહુચર્ચિત ‘જાગતે રહો’ (1956), બાસુ ચેટરજી દ્વારા નિર્દેશિત ‘છોટી સી બાત’ (1975) અને ‘રજનીગંધા’, મૃણાલ સેન દ્વારા નિર્દેશિત અને રાષ્ટ્રપતિ ઍવૉર્ડથી પુરસ્કૃત ‘મૃગયા’ (1976), ગુલઝાર દ્વારા નિર્દેશિત ‘અચાનક’ (1973) તથા ‘મેરે અપને’ (1971) અને અસિત સેન દ્વારા નિર્દેશિત ‘અન્નદાતા’ (1972) તેમની સ્વરરચનાનાં સીમાચિહ્ન ગણાય છે. બી. આર. ચોપરા દ્વારા નિર્દેશિત ‘કાનૂન’ (1960) તથા ‘ઇત્તેફાક’ અને ગુલઝાર દ્વારા નિર્દેશિત ‘મૌસમ’(1975)નું પાર્શ્વસંગીત તેમણે તૈયાર કર્યું હતું. 1951–95ના ગાળા દરમિયાન તેમણે કુલ 128 ચલચિત્રોમાં સંગીતનિર્દેશન કર્યું હતું, જેમાંથી 74 હિંદી તથા 54 અન્ય ભારતીય ભાષાઓનાં ચલચિત્રો છે. વિખ્યાત દિગ્દર્શક ઋત્વિક ઘટકે (1925–76) ‘કોમલ ગાંધાર’(1961)માં તથા મૃણાલ સેને ‘એ કાલેર સંધાની’(1980)માં બંગાળના ડાબેરી સંઘર્ષને વાચા આપવા માટે સલિલ દ્વારા નિયોજિત સ્વરરચનાનો અસરકારક ઉપયોગ કર્યો હતો. દક્ષિણ ભારતની ભાષાઓમાં નિર્મિત ચલચિત્રોમાં સંગીતનિર્દેશન કરનાર ઉત્તર ભારતના પ્રથમ કક્ષાના તે એકમાત્ર સ્વરરચનાકાર હતા. ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારિત સ્વરરચના ઉપરાંત જુદા જુદા પ્રદેશોનું લોકસંગીત, પશ્ચિમનું શાસ્ત્રીય સંગીત તથા રશિયાનું લોકસંગીત પણ તેમણે તેમની સ્વરરચનામાં વણી લીધું છે.

વર્ષો સુધી મુંબઈમાં નિવાસ કર્યા પછી તે કૉલકાતા પાછા ગયા હતા, જ્યાં તેમણે અદ્યતન સુવિધા સાથેનો પોતાની માલિકીનો સ્ટુડિયો ઊભો કર્યો હતો. તેમાં અવસાન સુધી અવનવા પ્રયોગો કરવાનું તથા ઊગતા કલાકારોને સંગીતનિર્દેશનની તાલીમ આપવાનું કામ તેઓ કરી રહ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે