આલાલેર ઘરે દુલાલ (1858) : પ્યારીચાંદ મિત્રે લખેલી પહેલી બંગાળી નવલકથા. શીર્ષકનો અર્થ છે – ‘ધનિક કુટુંબનો લાડકો દીકરો’. કથાનક મૌલિક છે. એ કથા લેખકના જ ‘એક આનાર માસિક’માં 1855થી 1857સુધીના સમયગાળામાં ધારાવાહિક રૂપે પ્રગટ થતી રહેલી. ગ્રંથાકારે તે 1858માં પ્રગટ થઈ હતી. એમાં એક ધન મેળવનાર, પણ શિક્ષણ અને સંસ્કારના અભાવવાળા વૃદ્ધ પુરુષના દીકરાની સ્વચ્છંદતાનું ચિત્રણ છે. માબાપનો અંકુશ નહિ, અઢળક પૈસો. એથી દીકરો વિનાશને પંથે વળ્યો. સદભાગ્યે, એનો નાનો ભાઈ સમજુ અને સંસ્કારી હતો તેથી કુનેહથી એણે મોટા ભાઈને વિનાશને પંથેથી પાછો વાળ્યો. કથા બોધાત્મક છે. આ પ્રથમ કૃતિ હોવાથી એમાં ઘટનાસંયોજનમાં થોડી કચાશ હોવા છતાં, પાત્રનિરૂપણ કુશળતાથી થયું છે. કથોપકથનમાં વિનોદનો અંશ હોવાથી કથા સુવાચ્ય અને આહલાદક બની છે. ઓગણીસમી સદીના પ્રારંભમાં મધ્યમ વર્ગના બંગાળીનું એમાં તાદૃશ ચિત્રણ છે. એ કથાનું એક પાત્ર ‘ઠગચાચા’ બંગાળી કથાસાહિત્યનું એક અમર ખલપાત્ર છે. એમ છતાં, એને અવગુણોનો ભંડાર બતાવવાને બદલે એનામાં પણ માનવતાના ગુણો દર્શાવી એ પાત્રને જીવંત બનાવ્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા