આયર્લૅન્ડ, ઉત્તર

January, 2002

આયર્લૅન્ડ, ઉત્તર : આયર્લૅન્ડના ટાપુમાં ઈશાને આવેલો યુનાઇટેડ કિંગ્ડમ(U.K.)નો એક પ્રદેશ. તેની દક્ષિણે આયર્લૅન્ડનું પ્રજાસત્તાક, પૂર્વે આયરિશ સમુદ્ર અને સેન્ટ જ્યૉર્જની ખાડી, ઉત્તરે અને પશ્ચિમે ઍટલાંટિક મહાસાગર આવેલાં છે. ઉત્તર આયર્લૅન્ડને અલ્સ્ટર પ્રાંત તરીકે ઘણી વાર ઓળખવામાં આવે છે, જોકે આયર્લૅન્ડની રચનામાં ઐતિહાસિક રીતે મહત્વનો ભાગ ભજવનાર નવ પરગણાંઓ(counties)માંથી તે માત્ર છનો જ સમાવેશ કરે છે. વિસ્તાર : 14,121  ચોકિમી. વસ્તી : 70 % શહેરી વિસ્તારમાં અને 30 % ગ્રામવિસ્તારમાં રહે છે. 2010 માં તેની વસ્તી 16,10,000 અંદાજવામાં આવી છે. પાટનગર : બેલફાસ્ટ.

ઉત્તર આયર્લૅન્ડ

ભૌગોલિક રીતે ઉત્તર આયર્લૅન્ડ રકાબી જેવી ધરતી ધરાવે છે. મધ્યમાં નીઘ સરોવર આવેલું છે અને તેની આસપાસ એન્ટ્રીમનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ભૂતપૂર્વ છ કાઉન્ટીઓમાંથી પાંચ – એન્ટ્રીમ, ડાઉન, આર્માઘ, ટાયરોન અને લંડનડેરી  આ સરોવરને સ્પર્શે છે. એન્ટ્રીમનો ઉચ્ચ પ્રદેશ 300 થી 400  મીટર ઊંચાઈ ધરાવે છે. સૌથી ઊંચું શિખર મૉર્ન પર્વતમાળામાં સ્લીવ ડોનાર્ડ (930  મી.) છે. તાપમાન સામાન્ય રીતે 50 થી 100 સેન્ટિગ્રેડ જેટલું રહેતું હોય છે.

Mourne Mountains

મૉર્ન પર્વતમાળા

સૌ. "Mourne Mountains" | CC BY-SA 3.0

આર્થિક રીતે તે યુનાઇટેડ કિંગડમ સાથે જોડાયેલું છે. તેની 73 % આયાતો અને 86 % નિકાસોનો વ્યવહાર તેની સાથે જ છે. આયર્લૅન્ડની સરખામણીએ ઉત્તર આયર્લૅન્ડ વધુ ઉદ્યોગો ધરાવે છે. લંડન ડેરી તૈયાર વસ્ત્રોના ઉત્પાદન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પાટનગર બેલફાસ્ટના જહાજવાડાઓ પણ વિશ્વવિખ્યાત છે. ઇજનેરી, રસાયણ, કાપડ, વહાણ-બાંધકામ તથા વાહન-ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસેલાં છે. બેલફાસ્ટ ઉપરાંત લાર્ને અને લંડન ડેરી બંદરો પણ છે.

ઉત્તર આયર્લૅન્ડમાં ખનિજની અનામતો બહુ ઓછી છે. વીજળીના ઉત્પાદન માટે તેણે આયાતી કોલસા અને ખનિજતેલ ઉપર જ આધાર રાખવો પડે છે. ખેતી સૌથી મોટો વ્યવસાય છે. 1970 ના દાયકા પછી ખેતરોની સંખ્યા ઘટી છે અને તે મોટાં બન્યાં છે.

ઇતિહાસ : ઉત્તર આયર્લૅન્ડના પ્રાચીન રાજ્યનું નામ અલ્સ્ટર (Ulster – પ્રાચીન આયરિશ ભાષામાં ઉલેઇડ – Ulaid) હતું. 16 મી સદીમાં અલ્સ્ટર નવ કાઉન્ટીઓમાં વહેંચાઈ ગયું. ત્યારબાદ ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડના પ્રૉટેસ્ટંટ વસાહતીઓ ઉત્તર આયર્લૅન્ડમાં આવીને વસ્યા. 19મી સદીમાં ‘હોમરૂલ’ ચળવળ અથવા બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ પણ સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ થયું. અનેક પ્રયાસો બાદ મે 1914 માં બ્રિટનની આમસભાએ હોમરૂલ ખરડો પસાર કર્યો. પરંતુ ઉત્તર આયર્લૅન્ડના લોકોએ સર એડ્વર્ડ કાર્સનના નેતૃત્વ હેઠળ તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધના આગમને પરિસ્થિતિમાં વળાંક આણ્યો અને ખરડો કાયદો બની ગયો, પરંતુ તે કદી અમલમાં ન આવ્યો.

1911-12 માં ‘હોમરૂલ વૉલન્ટિયર્સ’ની સશસ્ત્ર પ્રતિકાર માટે સ્થાપના થઈ હતી. આથી આયરિશ કૅથલિકો અને તેમની વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારે સશસ્ત્ર સંઘર્ષો થયા અને આતંકવાદ તેની ટોચ ઉપર પહોંચ્યો. જુલાઈ 1920 થી જૂન 1922 સુધી બેલફાસ્ટમાં ભીષણ ખૂનરેજી થઈ હતી. 1920 માં ‘ગવર્નમેન્ટ ઑવ્ આયર્લૅન્ડ ઍક્ટ’ થયો અને તે મુજબ 22 જૂન, 1921 ના રોજ ઉત્તર આયર્લૅન્ડની પ્રથમ સંસદ અસ્તિત્વમાં આવી. સર જેમ્સ ક્રેગ વડાપ્રધાન બન્યા. તેમ છતાં 1923  સુધી મોટા પ્રમાણમાં હિંસક કૃત્યો ચાલુ રહ્યાં અને જાનમાલની ભારે હાનિ થતી રહી. 1925 માં ઉત્તર આયર્લૅન્ડ, દક્ષિણના આયરિશ ફ્રી સ્ટેટ અને યુનાઇટેડ કિંગ્ડમ વચ્ચે ત્રિપક્ષી સંધિ થયા બાદ નવો રાજકીય તબક્કો શરૂ થયો. 1932થી આયરિશ ફ્રી સ્ટેટે ઉત્તર આયર્લૅન્ડ પર પોતાનો દાવો મૂકવાનું ભારપૂર્વક શરૂ કર્યું.

StormontGeneral

સ્ટ્રોમોન્ટ, બેલફાસ્ટ ખાતે આવેલ સંસદભવન

સૌ. "StormontGeneral" | CC BY 2.0

1949 માં દક્ષિણ આયર્લૅન્ડના પ્રજાસત્તાકે રાષ્ટ્રસમૂહમાંથી પોતાની જાતને પાછી ખેંચી લેતાં યુ. કે.ની પાર્લમેન્ટે આયર્લૅન્ડ ધારો પસાર કર્યો અને ઉત્તર આયર્લૅન્ડને પોતાનો ભાગ જાહેર કર્યો. ઉત્તર આયર્લૅન્ડમાં આશરે 55 % પ્રૉટેસ્ટંટ અને 35 % રોમન કૅથલિક ખ્રિસ્તીઓ છે. રોમન કૅથલિકો આયરિશ રાષ્ટ્રવાદીઓ છે અને તેઓ પોતાનો સામાજિક-આર્થિક દરજ્જો ઉત્તર આયર્લૅન્ડમાં દ્વિતીય કક્ષાનો છે તેમ માને છે. તેમણે 1968માં નાગરિક અધિકારો માટેની ચળવળ શરૂ કરી. ત્યારપછી આયરિશ રિપબ્લિકન આર્મી (I. R. A.) જેવા આતંકવાદી સંગઠન હેઠળ લડાયક પ્રવૃત્તિ શરૂ થઈ. માર્ચ 1972 માં આયર્લૅન્ડનું બંધારણ વડાપ્રધાન એડ્વર્ડ હીથે સ્થગિત કર્યું હતું. 1982માં આમ ચૂંટણીઓ યોજાઈ. પરંતુ ઇંગ્લૅન્ડ સાથે ઉત્તર આયર્લૅન્ડના જોડાણનો વિરોધ કરનારા સભ્યોએ નવી ધારાસભામાં પોતાની બેઠકો સ્વીકારવાની ના પાડી. 1985 માં યુ. કે.ની સરકારે એક સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેના દ્વારા આયર્લૅન્ડ પ્રજાસત્તાકનો ઉત્તર આયર્લૅન્ડની બાબતોમાં સલાહકાર તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો; પરંતુ યુનિયનિસ્ટ પક્ષે આ સંધિનો સખત વિરોધ કર્યો. પરિણામે 1986 માં ઉત્તર આયર્લૅન્ડની ધારાસભાનું વિસર્જન કરવામાં આવ્યું. સપ્ટેમ્બર 1991 માં ઉત્તર આયર્લૅન્ડના રાજકીય ભવિષ્ય અંગે મંત્રણાઓ યોજવામાં આવી, પરંતુ તેનાં કોઈ નક્કર પરિણામો આવ્યાં ન હતાં. સપ્ટેમ્બર 1993 માં કૅથલિક નૅશનાલિસ્ટ સોશિયલ ડેમૉક્રૅટિક લેબર પાર્ટી (SDLP) અને આઇરિશ રિપબ્લિકન આર્મી(IRA)ની રાજકીય પાંખ સિન ફેઇન વચ્ચે રાજકીય સમાધાન માટે મંત્રણાઓ થઈ. ડિસેમ્બર 1993 માં લંડન અને ડબ્લિન દ્વારા શાંતિ માટે બધા જ પક્ષોની વિચારણા માટે સંયુક્ત દરખાસ્ત પ્રસ્તુત કરવામાં આવી, જેને ‘ડાઉનિંગ સ્ટ્રીટ ડેકલરેશન’ નામથી ઓળખવામાં આવે છે.

ઉત્તર આયર્લૅન્ડની રાજકીય સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના હેતુથી ઑગસ્ટ 1994 માં આયરિશ રિપબ્લિકન આર્મીએ એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી અને તેના પગલે ફેબ્રુઆરી 1995 માં શાંતિ મંત્રણાઓ માટે નક્કર સૂચનો રજૂ કરવામાં આવ્યાં. મે 1995 માં સિન ફેન અને બ્રિટિશ સરકાર વચ્ચે 1973 પછી પહેલી જ વાર મંત્રણાઓ થઈ, પરંતુ તેમાં કોઈ પ્રગતિ ન થતાં આયરિશ રિપબ્લિકન આર્મીએ યુદ્ધવિરામનો અંત આણ્યો અને ફેબ્રુઆરી 1996 માં ફરી હિંસક પ્રવૃત્તિઓ ચાલુ કરી. તે જ માસના અંતમાં એક સમજૂતી કરવામાં આવી, જેના દ્વારા, આયરિશ રિપબ્લિકન આર્મી જો યુદ્ધવિરામ ફરી સ્વીકારે તો તેના વતી પ્રયોજિત ચૂંટણીમાં તેની રાજકીય પાંખ સિન ફેન ભાગ લઈ શકશે એવી દરખાસ્ત રજૂ કરવામાં આવી. 1997 માં થયેલ ચૂંટણીમાં રાષ્ટ્રવાદી જૂથોને બહુમતી મળતાં ઉત્તર આયર્લૅન્ડને સ્વાયત્તતા બક્ષવામાં આવી છે. રોમન કૅથલિક અને પ્રૉટેસ્ટન્ટ વચ્ચે શાંતિ જાળવવાની પ્રક્રિયા 2001  સુધી ગૂંચવાડામાં રહી હતી. તેમ છતાં આયરિશ રિપબ્લિકન આર્મીએ પોતાનાં શસ્ત્રો ઘટાડ્યાં ત્યારે બંને આયર્લૅન્ડ અને ઉત્તર આયર્લૅન્ડે સંયુક્ત રાજ્ય કરવાનું કબૂલ્યું. ઈ. સ. 2003 માં બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર અને આયરિશ વડાપ્રધાને ધારાસભાની ચૂંટણી માટે મંત્રણા કરી. ડેમૉક્રૅટિક યુનિયોનિસ્ટ પાર્ટીના નેતા તરીકે રેવરન્ડ લાન પેસલી 2007 માં ઉત્તર આયર્લૅન્ડના પ્રથમ મંત્રી (First Minister) બન્યા. 2008 માં રેવરન્ડ પેસલી નિવૃત્ત થયા.

હેમન્તકુમાર શાહ