આયર્લૅન્ડ : ગ્રેટ બ્રિટનની પશ્ચિમે આવેલા ટાપુનો મોટો ભાગ ધરાવતો દેશ. તેનું આયરિશ નામ આયર (Eire) છે. તે 51 0 30´ અને 550 30´ ઉત્તર અક્ષાંશ તથા 50 30´ અને 10 0 30´ પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલો છે. ઉત્તરથી દક્ષિણ સૌથી વધુ લંબાઈ 475 કિમી. અને પૂર્વથી પશ્ચિમ સૌથી વધુ પહોળાઈ 272  કિમી. છે. વિસ્તાર : 70,282  ચોકિમી. પાટનગર : ડબ્લિન. આ ટાપુમાં જ ઈશાને આવેલું ઉત્તર આયર્લૅન્ડ તેનું એકમાત્ર પડોશી છે જે ગ્રેટ બ્રિટનનો ભાગ છે.

ભૂપૃષ્ઠ : આયર્લૅન્ડનો મોટા ભાગનો પ્રદેશ દરિયાની સપાટીથી 60થી 120 મી. સરેરાશ ઊંચાઈએ છે. ઉત્તર મધ્યનો આ વિસ્તાર લગભગ સપાટ મેદાનો જેવો છે. દરિયાકિનારે ઉચ્ચ પ્રદેશો છે, જોકે સમગ્ર દેશની 15  ટકા કરતાં ઓછી જમીન 210 મી.થી વધુ ઊંચાઈ ધરાવે છે. 32  કિમી. લાંબો અને 6 થી 8  કિમી. પહોળો બેન્ટ્રી ઉપસાગર પશ્ચિમ યુરોપના વહાણવટા માટે જાણીતો છે. તે આ દેશમાં દક્ષિણે આવેલો છે. આ ઉપસાગરમાં આવેલો વ્હીડી ટાપુ મોટાં જહાજોની આવનજાવન માટે ઘણો જ ઉપયોગી છે. દેશનો પૂર્વીય દરિયાકિનારો દક્ષિણ અને પશ્ચિમના દરિયાકિનારા કરતાં ઘણો ઓછો ખાંચાવાળો છે.

આયર્લૅન્ડની સૌથી મોટી નદી શૅનોન છે, જે ઉત્તરમાં સ્લીગો ઉપસાગર પાસેથી નીકળે છે અને મધ્યનાં મેદાનોમાં 256  કિમી. સુધી વહે છે. દેશમાં અનેક નાનાંમોટાં સરોવરો પણ આવેલાં છે. દેશનો કોઈ પણ ભાગ દરિયાથી 112 કિમી.થી વધારે દૂર નથી એટલે આયર્લૅન્ડની આબોહવા હૂંફાળી છે. આયર્લૅન્ડની આઠમા ભાગ કરતાં પણ ઓછી જમીન ખેડાણલાયક છે. પરંતુ તેમાંની મોટા ભાગની અત્યંત ફળદ્રુપ છે. 5 %  કરતાં પણ ઓછી જમીનમાં જંગલો છે. દેશમાં સરેરાશ 750  મિમી. અને પશ્ચિમમાં 1500  મિમી. કરતાં વધુ વરસાદ પડે છે. પર્વતીય વિસ્તારોમાં થોડી બરફવર્ષા થાય છે. આયર્લૅન્ડ ખનિજ સંપત્તિમાં સમૃદ્ધ નથી. જોકે તાંબું, સીસું, જસત અને ચાંદી થોડા પ્રમાણમાં મળી આવે છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુની અનામતો ઘણી જ થોડી છે.

આયર્લૅન્ડના કાઉન્ટી ક્લેર વિસ્તારમાં આવેલા સમુદ્ર ખડકો જે ‘ક્લોફ ઑફ મોહર’ નામથી પ્રસિદ્ધ પામ્યા છે. આ ખડકો ઉપર હેરી પોટરસહિત અનેક હોલીવૂડ ફિલ્મોનું શુટીંગ થયું છે. જૈવ વિવિધતાને કારણે 20થી પણ વધુ દુર્લભ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. આશરે 230મી. ઉંચા આ ખડકો પ્રવાસીઓનું સૌથી પ્રિય સ્થળ બન્યું છે. 

લોકો : વસ્તી : આશરે 44,70,700 (2010). ગીચતા : 1  ચોકિમી. દીઠ 50, આયર્લૅન્ડમાં કોઈ પ્રસ્થાપિત દેવળ નથી, પરંતુ 94 % રોમન કૅથલિકો છે. જ્યારે 4  ટકા ઍંગ્લિકન અને બાકીના 2 % છે (1983). થોડાક યહૂદીઓ પણ આયર્લૅન્ડમાં વસે છે. બંધારણ દ્વારા ધર્મપાલનની સ્વતંત્રતાની ખાતરી અપાયેલી છે.

આયર્લૅન્ડની પ્રથમ સત્તાવાર ભાષા આયરિશ અને બીજી સત્તાવાર ભાષા અંગ્રેજી છે. આયર્લૅન્ડમાંથી મોટા પ્રમાણમાં લોકો સ્થળાંતર કરી ગયા છે. તેમની સંખ્યા આયર્લૅન્ડની વસ્તીના 50  ટકા જેટલી થવા જાય છે. યુરોપમાં સ્થળાંતરનો આ સૌથી મોટો દર છે. આ ઉપરાંત આંતરિક સ્થળાંતર પણ મોટા પ્રમાણમાં થયું છે. કૃષિગત ઉત્પાદન ઘટતાં ગ્રામવિસ્તારોમાંથી લોકો શહેરોમાં આવી વસવા માંડતાં શહેરી વસ્તીનું પ્રમાણ વધ્યું છે.

Cliffs of Moher coastal walk, County Clare, Ireland

નૈર્ઋત્ય આયર્લૅન્ડનો ભૂપ્રદેશ

સૌ. "Cliffs of Moher coastal walk, County Clare, Ireland" | CC BY-NC-ND 2.0

આયરિશ ભાષામાં બહુ ઓછું પ્રભાવશાળી સાહિત્ય રચાયું છે. પરંતુ આયરિશ લેખકોએ અંગ્રેજી ભાષામાં લખેલા સાહિત્યે સમગ્ર અંગ્રેજી સાહિત્ય પર ઘેરો પ્રભાવ પાડેલો છે. આયરિશ ભાષાનાં મોટા ભાગનાં લક્ષણો આયર્લૅન્ડમાં અંગ્રેજીભાષી પ્રજાએ અપનાવી લીધાં છે. આયરિશ અને અંગ્રેજી ભાષાના સંમિશ્રણે અંગ્રેજી સાહિત્યની ઉત્કૃષ્ટ સેવા બજાવી છે. આથી જ આટલા નાના દેશે અનેક પ્રતિભાઓને જન્મ આપ્યો; જેમાં વિખ્યાત વ્યંગકથાકાર જોનાથન સ્વિફ્ટ, રાજ્યશાસ્ત્રી એડમંડ બર્ક, નવલકથાકાર જ્યૉર્જ ઑગસ્ટસ મૂર, કવિ વિલિયમ બટલર યેટ્સ, આધુનિક સાહિત્યકારો જેમ્સ જૉઈસ, લિયામ ઓ’ફ્લાહર્ટી, ફ્રૅન્ક ઑ’કોનોર, સીન ઓ’ફાઓલેઇન અને સૅમ્યુઅલ બેકેટનો સમાવેશ થાય છે. નાટ્યકળામાં પણ આયરિશ પ્રતિભાએ વિશ્વભરમાં નામના મેળવી છે. તેમાં ખાસ કરીને વિલિયમ કોન્ગ્રીવ, ઑલિવર ગોલ્ડસ્મિથ, રિચાર્ડ બ્રિન્સ્લે શેરિડન, ઑસ્કર વાઇલ્ડ, જ્યૉર્જ બર્નાર્ડ શૉ અને સીન ઓ’કેસી અને જૉન મિલિંગ્ટન સિંજ વિશેષ ઉલ્લેખનીય છે.

National Museum of Ireland

રાષ્ટ્રીય મ્યુઝિયમ, આયર્લેન્ડ

સૌ. "National Museum of Ireland" | CC BY-SA 4.0

આયર્લૅન્ડમાં નાટ્યપ્રવૃત્તિને લોકોનો ભારે ટેકો સાંપડતો રહ્યો છે. ડબ્લિનનું ઍબી થિયેટર વિશ્વવિખ્યાત છે. દર વર્ષે દેશમાં વેક્સફર્ડ નાટ્યમહોત્સવ થાય છે, જે દુનિયાભરમાં પ્રખ્યાત છે. વળી અનેક સાંસ્કૃતિક સંસ્થાઓ પ્રણાલીગત રાષ્ટ્રીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓને લોકપ્રિય બનાવવા અને તેની જાણકારી લોકો સુધી પહોંચાડવા તથા એ સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રયાસો કરે છે. લલિતકળાઓમાં યુવાન પેઢીના ઘણા કલાકારોએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ડબ્લિન 18મી સદીનાં યુરોપમાં સચવાયેલાં શ્રેષ્ઠ શહેરોમાંનું એક છે.

અર્થતંત્ર : આયર્લૅન્ડનું અર્થતંત્ર મિશ્ર બજાર અર્થતંત્ર છે, જે મહદંશે કૃષિ, રાસાયણિક ઉદ્યોગો અને સેવાઓ પર આધારિત છે. આયર્લૅન્ડનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન 2,176  કરોડ અમેરિકન ડૉલર છે અને અને માથાદીઠ વાર્ષિક આવક 6,030 અમેરિકન ડૉલર છે (1987).

આયર્લૅન્ડનો મોટા ભાગનો વ્યાપાર ડબ્લિન અને વૉટરફર્ડ બંદરોથી થાય છે. વળી ડનલોગહાયર, ડબ્લિન, રોઝલેર અને કૉર્ક બંદરોએથી બ્રિટન સાથે મુસાફરી સેવા ચાલે છે. તે સૌથી વધુ આયાત બ્રિટન, અમેરિકા, જર્મની અને ફ્રાન્સ પાસેથી કરે છે. તેની નિકાસોમાં વીજળી અને વીજાણુ યંત્રસામગ્રી, માંસ અને ડેરી પેદાશો, રસાયણો અને સંબંધિત પેદાશો, કાપડને લગતી વસ્તુઓ, જીવતાં પશુઓનો સમાવેશ થાય છે. તે સૌથી વધુ નિકાસ બ્રિટન, જર્મની, ફ્રાન્સ, અમેરિકા અને નેધર્લૅન્ડ્ઝમાં કરે છે. આયર્લૅન્ડ યુરોપીય આર્થિક સમુદાય(E. E. C.)માં જોડાયું (1973) તે પછી તેની કૃષિપેદાશો માટે મોટું બજાર મળ્યું.

રાજકીય : આયર્લૅન્ડ એકતંત્રી બહુપક્ષીય પ્રજાસત્તાક છે. ત્યાં બે ધારાગૃહો છે, સેનેટ અને પ્રતિનિધિગૃહ. તેમની સભ્યસંખ્યા અનુક્રમે 60 અને 166 છે. દેશ કોનેક્ટ, લિન્સ્ટર, મુનસ્ટર અને અલ્સ્ટર – એમ ચાર પ્રાંતોમાં વહેંચાયેલો છે, જે વળી 132 કાઉન્ટીઓમાં વહેંચાયેલા છે. તે સંસદીય લોકશાહી ધરાવે છે. તેની પાસે લિખિત બંધારણ છે. રાષ્ટ્રપ્રમુખ દેશના વડા અને પ્રથમ નાગરિક હોય છે. તેઓ પુખ્ત લોકોના મતદાન દ્વારા સાત વર્ષ માટે ચૂંટાય છે અને બીજી મુદત માટે પણ ચૂંટાઈ શકે છે. પ્રતિનિધિગૃહમાં બહુમતી ધરાવનાર વડાપ્રધાન બને છે. આ ગૃહની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. રાષ્ટ્રપ્રમુખે વડાપ્રધાનની સલાહ મુજબ વર્તવાનું હોય છે, પરંતુ કેટલાક સંજોગોમાં તેઓ સંસદ દ્વારા પસાર કરાયેલા ખરડાઓને પ્રજા પાસે લોકમત માટે મોકલી શકે છે. આયર્લૅન્ડમાં ત્રણ મોટા રાજકીય પક્ષો છે : ફિયાના ફેઈલ (રિપબ્લિકન પાર્ટી), ફાઈને ગાયેલ (યુનાઇટેડ આયર્લૅન્ડ પાર્ટી) અને લેબર પાર્ટી. કાઉન્ટીઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થાય છે.

Daniel O'Connell statue 1998

આયર્લૅન્ડનું સ્વાતંત્ર્ય સ્મારક, ડબ્લિન

સૌ. "Daniel O'Connell statue 1998" | CC BY-SA 4.0

આયર્લૅન્ડના લશ્કરે લેબેનૉન, મધ્યપૂર્વ, ભારત અને પાકિસ્તાન, ઝૈરે તથા સાયપ્રસ વગેરે સ્થળોએ સંયુક્ત રાષ્ટ્રો(U. N.)નાં શાંતિરક્ષક દળો તરીકે કામ કર્યું છે. લશ્કરના સૈનિકો માટે વિદેશોમાં કામ કરવા જવાનું પણ મરજિયાત છે.

આયર્લૅન્ડમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત છે. અક્ષરજ્ઞાન 99.5 %. 1591 માં ડબ્લિન યુનિવર્સિટીની અને 1909 માં નૅશનલ યુનિવર્સિટી ઑવ્ આયર્લૅન્ડની સ્થાપના કરાઈ હતી. માધ્યમિક શાળાઓ ખાનગી માલિકીની છે. પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓ લગભગ સંપૂર્ણતયા ધાર્મિક અંકુશો હેઠળ છે.

બંધારણ અખબારી સ્વાતંત્ર્યની બાંયધરી આપે છે, પરંતુ રોમન કૅથલિક ધર્મની વિરુદ્ધના લખાણ પર પ્રતિબંધ મૂકતો કાયદો પણ અસ્તિત્વમાં છે.

ભૌગોલિક રીતે આયર્લૅન્ડ પશ્ચિમ યુરોપને કિનારે આવેલું હોવાથી 15મી અને 16મી સદીમાં યુરોપની ક્ષિતિજો વિસ્તરતાં તેનું મહત્વ વધી ગયું. પરંતુ તે અગાઉ જ આયર્લૅન્ડે ખ્રિસ્તી ધર્મ, કળા અને જ્ઞાનની બાબતમાં નોંધપાત્ર અને માનનીય સ્થાન મેળવી લીધું હતું. મધ્યયુગ બાદ તે બ્રિટનને આધીન થતાં આયર્લૅન્ડની મોટા ભાગની તાકાત સ્વતંત્રતા મેળવવામાં જ ખર્ચાતી રહી. અંગ્રેજ રાજ હેઠળના સમય દરમિયાન સાતમીથી નવમી સદીમાં ખ્રિસ્તી ધર્મ વિસ્તારનાર અને તેને બળવાન બનાવનાર તથા યુરોપની પ્રજાને જ્ઞાન આપનાર વિદ્વાનો અને મિશનરીઓના આયરિશ અનુગામીઓએ આધુનિક અમેરિકાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અંગ્રેજ ઇતિહાસમાં પણ અંગ્રેજ-આયરિશ મિશ્ર પ્રજાના સૈનિકોએ તથા મુત્સદ્દીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે અને આયર્લૅન્ડની પ્રગાઢ અસર બ્રિટન ઉપર સતત રહેવા પામી છે.

ઇતિહાસ : ઈ. સ.ની 6,000 વર્ષો અગાઉ આયર્લૅન્ડમાં માનવવસવાટ થયો હતો. સેલ્ટિક પ્રજા ઈ. સ. 300 માં આયર્લૅન્ડમાં આવી હતી. તે પછી અલ્સ્ટર, મિથ, લિન્સ્ટર, મુન્સ્ટર અને કોનેક્ટનાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં હતાં. પાંચમી સદીમાં સેન્ટ પૅટ્રિક આયર્લૅન્ડમાં આવ્યા અને તેમણે સમગ્ર આયરિશ પ્રજાને ખ્રિસ્તી બનાવી દીધી.

ઈ. સ. 795 માં નૉર્સ પ્રજા આયર્લૅન્ડમાં આવી. 838માં તેમણે અન્નાગસાન અને ડબ્લિન કબજે કર્યાં. ત્યારબાદ તેમનું સામ્રાજ્ય વૉટરફર્ડ અને લિમરિક સુધી વિસ્તર્યું. 11મી અને 12મી સદી દરમિયાન યુરોપમાં જે સુધારાવાદી ચળવળ ચાલી રહી હતી, તેની અસર આયર્લૅન્ડમાં પણ થઈ. દેવળના વહીવટની સ્થાપના થઈ. તેની સરહદો મોટે ભાગે વર્તમાન રાજ્યોની સરહદો સાથે બંધબેસતી હતી. એડ્રિયન-4  અને એલેક્ઝાંડર-3  એ બે પોપની પ્રેરણાથી અંગ્રેજ રાજા હેન્રી ત્રીજાએ 117 1માં આયર્લૅન્ડ પર આક્રમણ કર્યું અને સમગ્ર ટાપુના રાજા તરીકે પોતાની જાતને ઘોષિત કરી દીધી. દેવળના પાદરીઓએ હેન્રી ત્રીજાના કૃત્યને માન્યતા પણ આપી. આમ આયર્લૅન્ડના સ્વાતંત્ર્યનો અંત આવ્યો. 1210 માં આયર્લૅન્ડની મુલાકાત લેનાર રાજા જૉને સામંતશાહીથી સ્વતંત્ર હોય એવી નાગરિક સરકાર આયર્લૅન્ડમાં સ્થાપી. 13 મી સદીમાં તે સંપૂર્ણપણે સુસંગઠિત થઈ. વહીવટી હેતુઓ માટે દેશને કાઉન્ટીઓમાં વહેંચી દેવાયો અને અંગ્રેજ કાયદો દાખલ કરાયો.

1541 માં ડબ્લિનની સંસદે ઇંગ્લૅન્ડના રાજા હેન્રી આઠમાને આયર્લૅન્ડનો રાજા ઘોષિત કર્યો. તેના પુરોગામીઓ આયર્લૅન્ડના ઉમરાવ તરીકે ઓળખાતા હતા. આમ ઇંગ્લૅન્ડના રાજા પોપના આધિપત્યમાંથી છૂટ્યા, પરંતુ તેના પરિણામે ધાર્મિક નેતાઓ રોષે ભરાયા અને આંતરિક સંઘર્ષોને લીધે મધ્યયુગીન આયર્લૅન્ડ થોડુંક નબળું પડ્યું હતું. એ દરમિયાન કિલ્ડેરના ઉમરાવો જ આયર્લૅન્ડના સાચા શાસકો રહ્યા હતા. આ વ્યવસ્થા 16મી સદી સુધી ચાલુ રહી હતી. આ વખતે ઇંગ્લૅન્ડમાં સુધારાવાદી આંદોલનો ચાલતાં હતાં, જેની અસરો આયર્લૅન્ડ ઉપર પણ પડી. 1542માં સૌપ્રથમ જઝ્વીટ મિશન આયર્લૅન્ડ આવી પહોંચ્યું હતું. 15 મી અને 16મી સદીઓનાં લગભગ 150 વર્ષોના ગાળા દરમિયાન આયર્લૅન્ડે યુરોપમાં પાદરીઓની અને સૈનિકોની મોટા પાયે નિકાસ કરી હતી. જ્યારે અંગ્રેજ અને સ્કૉટ સ્થળાંતરિતો પણ આ ગાળામાં મોટા પ્રમાણમાં આયર્લૅન્ડ આવ્યા હતા.

બોઈનની લડાઈમાં રાજા જેમ્સ બીજાની હારથી 1691 સુધીમાં પ્રૉટેસ્ટંટોની ચડતીનો અંત આવ્યો. દેશની માત્ર 10 ટકા અંગ્રેજ પ્રજાએ જમીન ઉપર કબજો મેળવ્યો અને રાજકીય સત્તા પણ પ્રાપ્ત કરી. તેમણે બાકીની પ્રજાને મૂળભૂત નાગરિક અધિકારોથી પણ વંચિત બનાવી દીધી હતી, જેમાં રોમન કૅથલિકોનો પણ સમાવેશ થઈ જતો હતો. 18 મી સદીમાં આયરિશ પ્રૉટેસ્ટંટોએ અંગ્રેજોના નિયંત્રણ વિરુદ્ધ આંદોલનો કર્યાં. કૅથલિકોને પણ કેટલાક નાગરિક અધિકારો ત્યારબાદ અપાયા. 1798માં બળવો થયો.

1801 ના ઍક્ટ દ્વારા ડબ્લિનમાંથી આયરિશ પાર્લમેન્ટ નાબૂદ કરવામાં આવી અને યુનાઇટેડ કિંગ્ડમ ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ અસ્તિત્વમાં આવ્યું. બ્રિટિશ પાર્લમેન્ટમાં આયરિશોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. પછીની સદીમાં આયરિશોએ પોતાની પાર્લમેન્ટ માટે ને સ્વતંત્રતા માટે ગ્રેટબ્રિટન સામે યુદ્ધ કર્યું. મોટા ભાગના આયરિશો કૅથલિક હતા અને અંગ્રેજો પ્રૉટેસ્ટંટ હતા. ઍંગ્લિકન ચર્ચને ટેકો આપવા આયરિશોને કર ભરવા પડતા. 1829 સુધી જે આયરિશો ઍંગ્લિકન પ્રૉટેસ્ટન્ટ ચર્ચના હતા તેઓ જ પાર્લમેન્ટના સભ્ય થઈ શકતા. 1829માં આયરિશ કૅથલિક ડૅનિયલ ઓ’કૉનેલ પાર્લમેન્ટના સભ્ય તરીકે ચૂંટાયો. 1829માં પાર્લમેન્ટે ‘કૅથલિક ઇમૅન્સિપેશન ઍક્ટ’ પસાર કરીને કૅથલિકોને પાર્લમેન્ટમાં જાહેર સેવામાં ભાગ લેવાની છૂટ આપી. 1869 ના ‘ડિસએસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ’ દ્વારા ઍંગ્લિકન ચર્ચ માટે આયરિશોને કર ભરવામાંથી મુક્ત કરવામાં આવ્યા. મોટા ભાગના આયરિશો અંગ્રેજ જમીનદારોના ગણોતિયાઓ હતા અને આ જમીનદાર ઉમરાવો ઇંગ્લૅન્ડમાં રહેતા. 1845-47  માં બટાટાનો પાક નિષ્ફળ જવાથી દુષ્કાળ પડ્યો અને ઘણા આયરિશો યુનાઇટેડ સ્ટેટ્સમાં અને બીજે સ્થળાંતર કરી ગયા. 1879 માં ચાર્લ્સ પારનેલે લૅન્ડ લીગની સ્થાપના કરીને યોગ્ય ભાડું, ચોક્કસ જમીનની માલિકી અને જમીનવેચાણમાં સ્વતંત્રતા માટે લડત ચલાવી. 1881 માં વડાપ્રધાન ગ્લૅડસ્ટન દ્વારા પાર્લમેન્ટમાં જમીન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. 1885 અને 1903 ના સમયગાળામાં બ્રિટિશ લોકોએ ફંડ ભેગું કરીને ખેડૂતો પૈસા ઉધાર લઈ શકે, ખેતીલાયક જમીનો પોતાના જમીનદારો પાસેથી ખરીદી શકે અને સરકારને નાના નાના હપતાઓ દ્વારા તે રકમ ચૂકવી શકે તેવી વ્યવસ્થા કરી હતી. આમ થવાથી જમીનદારોનું વર્ચસ્ તૂટ્યું.

આયરિશોને પોતાની પાર્લમેન્ટ કે સ્વશાસન જોઈતું હતું. 1888 માં ગ્લૅડસ્ટને હોમરૂલ બિલ દાખલ કર્યું, પણ પાર્લમેન્ટે તે પસાર ના કર્યું. 1893 માં તેણે બીજું હોમરૂલ બિલ દાખલ કર્યું, પરંતુ ઉમરાવગૃહે તે પસાર ના કર્યું. 1912-14  ત્રીજું હોમરૂલ બિલ દાખલ કરવામાં આવ્યું, જે આમસભાએ ત્રણ વાર પસાર કર્યું હતું, પરંતુ તે અમલમાં ના આવ્યું. અલ્સ્ટરના પ્રૉટેસ્ટંટોએ અને તે જ પ્રમાણે સિન ફેઇન પક્ષે પણ તેનો વિરોધ કર્યો. આ અરસામાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, એટલે આ પ્રશ્ન બાજુએ મુકાઈ ગયો.

પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં સિન ફેઇનોએ 1916 માં બળવો કર્યો પરંતુ તે દાબી દેવામાં આવ્યો. 1918 માં સિન ફેઇનોના નેતા એમન દ વેલેરાએ આયરિશ પ્રજાસત્તાકની સ્થાપના કરી. પછીનાં ત્રણ વર્ષ સુધી આયરિશ પ્રજાસત્તાકવાદીઓ અને બ્રિટિશરો વચ્ચે યુદ્ધ ચાલ્યું. 1921 માં વડાપ્રધાન ડેવિડ લૉઇડ જ્યૉર્જે સમાધાન કરાવ્યું. તેથી આયરિશ ફ્રી સ્ટેટ અસ્તિત્વમાં આવ્યું. તેને આંતરિક પાર્લમેન્ટ આપવામાં આવી અને તેઓ તેમની આંતરિક બાબતો ઉપર કાબૂ ધરાવે તેમ નક્કી થયું. ઉત્તર અલ્સ્ટર ઇંગ્લૅન્ડ સાથે જોડાયેલું રહ્યું.

1938માં આયરિશ ફ્રી સ્ટેટે નવું નામ આયર ધારણ કર્યું અને બ્રિટિશ ગવર્નરને સ્થાને આયરિશોએ ચૂંટેલા પ્રેસિડન્ટ દ્વારા કારભાર શરૂ કર્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આયર તટસ્થ રહ્યું. 1948માં બ્રિટિશ સામ્રાજ્ય સાથેનાં બધાં બંધનો તેણે તોડી નાખ્યાં, આયર નામ પણ દૂર કર્યું અને ‘રિપબ્લિક ઑવ્ આયર્લૅન્ડ’ નામ ધારણ કર્યું.

ઈ. સ. 1949 માં આયર્લૅન્ડ કૉમનવેલ્થની બહાર પ્રજાસત્તાક રાજ્ય બન્યું. 1955માં તે યુનોમાં જોડાયું. 1959માં ડિ વલેરા (De Valera) તેના પ્રમુખ થયા (1959-73) 1973 માં તે યુરોપિયન કૉમ્યુનિટી(EC)માં સામેલ થયું. 1985 માં ઍંગ્લો-આઇરિશ સમજૂતી થઈ. 1990ની ચૂંટણીમાં મૅરી રોબિન્સન આયર્લૅન્ડનાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં. 1995 માં રોમન કૅથલિક ચર્ચ અને છૂટાછેડા બાબતે રાજ્ય વચ્ચે સંઘર્ષ થયો. 13  મે, 1996 ના રોજ અદાલતે એબોર્શન ઇન્ફર્મેશન બિલને માન્ય રાખ્યું અને તેણે કાયદાનું સ્વરૂપ લીધું. 1998 ના ‘ગુડ ફ્રાઇડે કરાર’ પ્રમાણે પ્રજાસત્તાક આયર્લૅન્ડે ઉત્તર આયર્લૅન્ડ અને પોતાના બંધારણીય દાવાને જતો કર્યો અને ઉત્તર-દક્ષિણ મિનિસ્ટિરિયલ કાઉન્સિલની સ્થાપના થઈ. 1996નું વર્ષ આયર્લૅન્ડ માટે ભયંકર વર્ષ તરીકે સાબિત થયું. મૅડ કાઉ(Mad Cow)નો રોગ ફેલાયો અને ગોમાંસના બજાર પર તેની ઘણી અસર પડી. ડ્રગ સાથે સંકળાયેલ ગુનાખોર ગેંગને ખુલ્લી પાડવા બાબત વેરોનિકા જેરીનની 26 જૂન, 1996 ના રોજ થયેલી હત્યાના ઘણા પ્રત્યાઘાત દેશની પ્રજા પર અને રાજકીય પક્ષો પર પડ્યા હતા. વૈશ્વિક આર્થિક કટોકટીના સંદર્ભે 2009નું વર્ષ કોઈ નક્કર પગલાં ન ભરવાની બાબતે પૂરું થયું. વડાપ્રધાન બ્રિઅન કોવેનને દેશના આર્થિક પ્રશ્નો વિશે આક્ષેપોનો સામનો કરવો પડ્યો.

યતીન્દ્ર  દીક્ષિત

હેમન્તકુમાર શાહ