ડિજિટાલિસ : હૃદયની ઘટેલી કાર્યક્ષમતાને વધારવા વપરાતું એક મહત્વનું ઔષધ છે અને હૃદય શરીરમાં બધે લોહી ધકેલવાનું મુખ્ય કાર્ય કરે છે. તેમાં જ્યારે નિષ્ફળતા ઉદભવે ત્યારે તેને હૃદયકાર્ય-નિષ્ફળતા અથવા હૃદઅપર્યાપ્તતા (cardiac failure) કહે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારીને ડિજિટાલિસ લોહી ધકેલવાનું હૃદયનું કાર્ય વધારે છે. હૃદયનાં સંકોચનોનું બળ વધારતાં ઔષધોને સંકોચન-બલવર્ધક (inotropic) ઔષધો કહે છે. જુદી જુદી અનેક વનસ્પતિઓમાં ડિજિટાલિસ ગ્લાઇકોસાઇડ નામનું દ્રવ્ય મળે છે; પરંતુ ફૉક્સગ્લૉવના છોડના સૂકા પાનમાંથી મેળવાતા દ્રવ્યને પ્રમાણિત ગણેલું છે.

આ ઉપરાંત ડિ. લાનાટાના પાનમાંથી પણ આ જ ગ્લાઇકોસાઇડ મળે છે. લગભગ 200 વર્ષથી તેનો હૃદયની કાર્યનિષ્ફળતાની સારવારમાં ઉપયોગ થાય છે; કેમ કે, દર્દી તેને મોં વાટે લાંબા સમય સુધી લઈને હરતો ફરતો રહી શકે છે. તેનાં બે મુખ્ય દ્રવ્યો છે: ડિગૉક્સિન અને ડિજિટૉક્સિન. ડિગૉક્સિને બીજાં બધાં હૃદયલક્ષી ગ્લાઇકોસાઇડ્સ(cardiac glycosides)ને પાછળ પાડી દીધાં છે.

આકૃતિ 1 : ડિજિટાલિસ (ડિજિટાલિસના ઑક્સાઇડવાળી વનસ્પતિ (અ) ફૉક્સગ્લૉવ(ડિજિટાલિસ પર્યુરીઆ)નો છોડ, (આ) ફૉક્સગ્લૉવનું પાન, (ઇ) ડિજિટાલિસ)

મૂળભૂત ક્રિયાપ્રવિધિ (basic mechanism of action) : ડિજિટાલિસ ગ્લાઇકોસાઇડ્સ ‘સોડિયમ પંપ’ અથવા ‘સોડિયમ’ પોટૅશિયમ-એટિપિએઝ (Na-K-Atpase) સાથે જોડાય છે. જોડાવા માટેનું સ્થાન પંપની બાહ્યકોષીય બાજુ (extracellular aspect) છે. આ પંપ વડે સોડિયમ અને પોટૅશિયમનાં આયનો કોષપટલની આજુબાજુ આવેલા ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાંથી વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાં એટલે કે વિપરીત દિશામાં વહન કરી શકે છે. તેને સક્રિય વહન (active transport) કહે છે. જ્યારે ડિજિટાલિસ હૃદયના સ્નાયુકોષના Na-K-Atpase સાથે જોડાય છે ત્યારે હૃદયના સ્નાયુકોષમાં સોડિયમનાં આયનો (Na+)નું પ્રમાણ વધે છે અને તેથી Na+ અને Ca++ (કૅલ્શિયમનાં આયનો) વચ્ચે વિનિમય શક્ય બને છે. તેને કારણે કોષની અંદર Ca++નું પ્રમાણ વધે છે, જે સ્નાયુકોષના સંકોચનની ક્રિયાને શરૂ કરે છે. સ્નાયુકોષમાં કૅલ્શિયમનો સંગ્રહ વધે ત્યારે તે સામાન્ય કે નિષ્ફળ જઈ રહેલા સ્નાયુકોષમાં સંકોચનશીલતાનું સર્જન કરે છે.

વીજદેહધાર્મિક (electrophysiological) અસર : હૃદયના ચારે ખંડોના સ્નાયુનાં સંકોચનોનો તાલક્રમ નિશ્ચિત કરવા માટે તેમાં તંતુમય (fibrous) વીજવાહક યંત્ર આવેલું  છે. તે ઉપરાંત હૃદયના સ્નાયુકોષોમાં પણ વીજપ્રવાહ વહે છે. ડિજિટાલિસ હૃદયના સ્નાયુકોષમાંનો વીજવહન વેગ અથવા વહનવેગ (conducting velocity) વધારે  છે, જ્યારે વીજવાહક યંત્રનો વહનવેગ ઘટાડે છે. અગાઉના વીજ-આવેગ(impulse)નું વહન થાય ત્યારપછી થોડા સમય સુધી જો બીજો વીજ-આવેગ આવે તો તેનું વહન થતું નથી. આ સમયને અવજ્ઞાકાળ (refractory period) કહે છે. ડિજિટાલિસ સ્નાયુકોષોનો અવજ્ઞાકાળ ઘટાડે છે; પરંતુ વિશિષ્ટ વીજવાહક યંત્રનો અવજ્ઞાકાળ વધારે છે. આમ હૃદયના સ્નાયુકોષો અને વીજવાહકયંત્ર પર તેની અસર જુદી જુદી છે. આ અસરો બહુવિસ્તારી ચેતા (vagus nerve) નામની દસમી કર્પરી (cranial) ચેતા દ્વારા થાય છે :

આકૃતિ 2 : હૃદયનું આવેગ-વહન તંત્ર
(1) જમણું કર્ણક, (2) જમણું ક્ષેપક, (3) ડાબું કર્ણક, (4) ડાબું ક્ષેપક, (5) ત્રિદલ વાલ્વ, (6) દ્વિદલ વાલ્વ, (7) મહાધમની વાલ્વ, (8) મહાધમની, (9) વિવર-કર્ણક ગંડિકા (sinoatrial-SA – node, (10) કર્ણક-ક્ષેપકીય ગંડિકા (atrioventrialar–AV – node), (11) હિઝનું તંતુજૂથ, (12) જમણી તંતુજૂથશાખા, (13) ડાબી તંતુજૂથશાખા

રુધિરગતિકીય (haemodynamic) અસરો : ડિજિટાલિસની હૃદયના સ્નાયુઓનું સંકોચનબળ વધારવાની બળવર્ધક અસર સ્નાયુઓ પર સીધેસીધી થાય છે. સામાન્ય વ્યક્તિમાં સ્નાયુની સંકોચનશીલતા પરની આવી અસર હૃદય દ્વારા બહાર ઠલવાતા લોહીના પુરવઠા પર થતી નથી. પરંતુ ફક્ત જ્યારે  હૃદય-સ્નાયુના રોગો કે વિકારોમાં સંકોચનશીલતા ઘટે છે ત્યારે ડિજિટાલિસની મદદથી લોહીનો પુરવઠો વધારી શકાય છે. હૃદય દ્વારા મહાધમની(aorta)માં ધકેલાતા લોહીના પુરવઠાને હૃદયી રુધિર-નિર્ગમન (cardiac output) કહે છે. આમ ડિજિટાલિસ હૃદયના સ્નાયુઓનો વિકાર હોય ત્યારે લોહીનું નિર્ગમન વધારે છે. આ સાથે તે હૃદયના બંને ક્ષેપકોમાં ઠલવાતા લોહી સાથેનું દબાણ પણ ઘટાડે છે. તેને નિવેશન-દાબ(filling pressure)નો ઘટાડો કહે છે. તેથી જે દર્દીઓનું હૃદય પહોળું થયું હોય, હૃદયના સ્નાયુઓની સંકોચનશીલતા ઘટી હોય તથા જેમને S3 અશ્વતાલધ્વનિ(gallop)નું ચિહન ઉદભવ્યું હોય તેમને જ ડિજિટાલિસના ઉપયોગથી લાભ થાય છે. હૃદય પહોળું થાય તેને હૃદ્-વિસ્ફારણ (cardiomegaly) કહે છે. હૃદયના સંકોચન-વિકોચનના ચક્રમાં મુખ્યત્વે બે પ્રકારના ધબકારા ઉદભવે છે. તેને હૃદયનો પહેલો (S1) અને  બીજો (S2) ધ્વનિ કહે છે. ઉપરાંત  હૃદયમાં ક્યારેક ત્રીજો  (S3) અને ચોથો (S4) એમ વધારાના બીજા બે પ્રકારના ધબકારા પણ થાય છે. જ્યારે પહેલો, બીજો તથા વધારાના બેમાંથી એક એમ 3 ધબકારા થાય ત્યારે ક્યારેક ઘોડા દોડતા હોય તેવો અશ્વતાલધ્વનિ સંભળાય છે. જો તેમાં વધારાનો ધ્વનિ ત્રીજા પ્રકારનો (S3) હોય તો તેને S3-અશ્વતાલધ્વનિ કહે છે. તે હૃદયની નિષ્ફળતા અથવા અપર્યાપ્તતા સૂચવતું અગત્યનું ચિહન છે. આવા અશ્વતાલધ્વનિવાળા દર્દીમાં ડિજિટાલિસ ઉપયોગી ઔષધ છે.

વારંવાર સતત ઉપયોગ કરવાથી કેટલીક દવાઓની અસરકારકતા ઘટે છે. તેને ઔષધસહ્યતા (drug-tolerance) કહે છે. ડિજિટાલિસના સતત લાંબા ગાળાના ઉપયોગ છતાં તેની અસરકારકતા ઘટતી નથી. તેથી ડિજિટાલિસ સતત અને લાંબા ગાળા સુધી હૃદયના સ્નાયુનું સંકોચનબળ વધારે છે. અને રુધિરાભિસરણતંત્રને અન્ય પૂરક પ્રક્રિયાઓ પર આધાર રાખવો પડતો નથી.

ઔષધશાસ્ત્રીય માહિતી : ડિજિટૉક્સિન અને ડિજૉક્સિનને મુખમાર્ગે તથા નસ વાટે આપી શકાય છે. તેમનો અવશોષણ-દર (rate of absorption), ક્રિયારંભ (onset of action), ક્રિયાટોચ (peak effect), સરાસરી અર્ધ સાંદ્રતાકાળ (average half life), પ્રમુખ ચયાપચયી માર્ગ, ઉત્સર્ગ (excretion) તથા ઔષધીય માત્રા સારણી-1માં દર્શાવ્યાં છે.

સારણી 1 : ડિજિટાલિસની ઔષધશાસ્ત્રીય માહિતી

ક્રિયા

દ્રવ્યો

અન્નમાર્ગ

માંથી

અવશોષણ

ક્રિયારંભ ક્રિયાટોચ સરાસરી

અર્ધસાંદ્રતા

કાળ

ચયાપચયી

માર્ગ અને

ઉત્સર્ગ

મુખ

માર્ગી

માત્રા

નસ વાટે

માત્રા

સ્તર

ધારક

માત્રા

ડિજૉક્સિન 55–75% 13–30

મિનિટ

1–5

કલાક

36–48

કલાક

મૂત્રપિંડ 1–25–1.5

મિગ્રા

0.75–3

મિગ્રા

0.25–0.5

મિગ્રા

ડિજિટૉક્સિન 90–100% 25–120

મિનિટ

4–12

કલાક

4–6

દિવસ

યકૃત

મિત્રપિંડ

0. 7–1.2

મિ.ગ્રા

1

મિ.ગ્રા

0.1

મિગ્રા.

રોજેરોજના જેટલા પ્રમાણમાં ડિજિટાલિસનાં ક્રિયાશીલ દ્રવ્યોનો શરીરમાંથી વ્યય થાય છે તેટલા પ્રમાણમાં તેમની સ્તરધારક માત્રા (maintenance dose) લાંબા સમય સુધી અપાય છે. જો મૂત્રપિંડનું કાર્ય સામાન્ય હોય તો ડિજિટાલિસનો ઉત્સર્ગ શરીરમાં થયેલા સંગ્રહના 57 % જેટલો હોય છે અને જો મૂત્રપિંડનું કાર્ય અપૂરતું હોય તો તે 14 % કે તેથી ઓછો હોય છે. ડિજિટાલિસનો શરીરમાં સંગ્રહ થતો હોવાથી  તેની સંચિત (cumulative) આડઅસરો જોવા મળે છે. તેથી સામાન્ય રીતે અઠવાડિયામાં પાંચ કે ઓછા દિવસો માટે તે દવા આપવામાં આવે છે.

ચિકિત્સાકીય ઉપયોગો : તે હૃદયની કાર્યનિષ્ફળતાના વિકારમાં ઉપયોગી છે. તેમાં શરીરના અવયવો અને નીચેના ભાગોમાં લોહી અને તેમાંનું પ્રવાહી ભરાઈ રહે છે  યકૃત તથા અન્ય અવયવોમાં ભરાઈ રહેતા રુધિર અને તેના પ્રવાહીને રુધિરભારિતા (congestion) કહે છે. અને આવી હૃદયની કાર્યનિષ્ફળતાને રુધિરભારિત હૃદીય અપર્યાપ્તતા (congestive cardiac failure, ccf) કહે છે. તેમાં દર્દીના શરીરમાં પાણી ભરાય છે અને તેથી પગે સોજા આવે છે. શરીરના અન્ય અવયવોમાં પણ પાણી ભરાય છે. ગળાની બહાર નસો ફૂલે છે. પેટ પર દબાણ કરતાં ગળાની નસો વધુ ફૂલે છે. તેને યકૃત-કંઠીય વિપરીત વહેણ (hepatojugular reflux) કહે છે. રુધિરભારિતાને કારણે યકૃત  (liver) મોટું થાય છે અને તેને અડવા કે દબાવવાથી તે દુખે છે. તેને યકૃત-સ્પર્શવેદના (hepatic tenderness) કહે છે. ફેફસાં તથા તેની આસપાસની પરિફેફસીગુહા (pleural cavity) નામના પોલાણમાં પણ પ્રવાહી ભરાય છે. તેમને અનુક્રમે ફેફસીશોફ (pulmonary oedema) અને પરિફેફસી નિ:સરણ (pleural effusion) કહે છે. ડિજિટાલિસ હૃદયના ખંડમાં પ્રવેશતા લોહી સામેનો  અંતર્નિવેશન (input) દાબ ઘટાડીને હૃદય તરફ પાછા આવતા લોહીનો માર્ગ મોકળો કરે છે અને હૃદયમાં પ્રવેશેલા લોહીને બળવત્તર સંકોચનો વડે વધારે પ્રમાણમાં મહાધમની તથા અન્ય નસોમાં ધકેલે છે. આમ તે હૃદયનું રુધિરનિર્ગમન (output) વધારીને રુધિરાભિસરણને વેગવંત અને પર્યાપ્ત કરે છે. લોહીનું ભ્રમણ સામાન્ય બનવાથી રુધિરભારિતાના સોજા ઘટે છે. વિવિધ રોગો અને વિકારોમાં CCF થાય છે. તેમાંના કેટલાક વિકારોમાં તે ઉપયોગી ઔષધ બન્યું છે.

સારણી 2 : ડિજિટાલિસના ઉપયોગો

ક્રમ રોગ કે વિકાર
1. અરુધિરી (ischaemic) અથવા મુફુટધમની (coronary

artery)જન્ય હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy).

2. હૃદય-કપાટ(વાલ્વ)ના વિકારોથી થતો હૃદયરોગ.
3. લોહીના ઊંચા દબાણને કારણે થતો હૃદયરોગ.
4. જન્મજાત કુરચના(congenital anomaly)ને કારણે થતો

હૃદયરોગ.

5. હૃદય પહોળું થાય તેવી બધા જ પ્રકારની હૃદ્-સ્નાયુરુગ્ણતાઓ.
6. કેટલાક ફેફસી રોગજન્ય હૃદયરોગ(corpulmonale)ના

દર્દીઓ અને જમણાક્ષેપક (ventricular)ની અપર્યાપ્તતાનો

સુસ્પષ્ટ (overt) વિકાર.

ડિજિટાલિસ પ્રત્યેની વ્યક્તિગત અતિસંવેદિતા અને ઝેરી અસરો : જ્યારે વ્યક્તિના શરીરમાં પોટૅશિયમ (K+), મૅગ્નેશિયમ (Mg++)નાં આયનોની ઊણપ થાય કે કૅલ્શિયમ(Ca++)નાં આયનોનો વધારો થાય ત્યારે ડિજિટાલિસની ઝેરી અસરો થાય છે. કૉલેસ્ટીરેમાઇન, નિઓમાયસિન, આંતરડામાંથી અવશોષણ ન થાય તેવાં પ્રત્યામ્લો (antacids) તથા ઝાડાની સારવારમાં વપરાતા કેઓલિન-પૅક્ટિન જેવાં ઔષધોની સાથે ડિજિટાલિસ લેવાય તો ડિજિટાલિસનું અવશોષણ ઘટે છે અને તેથી તેની અસર ઓછી જણાય છે. જ્યારે ક્વિનિડિન, વેરાપામિલ અને એમીઓડેરોન જેવી હૃદય  પર અસર કરતી દવાઓ ડિજિટાલિસનું લોહીમાંનું પ્રમાણ વધારીને તેની ઝેરી અસરો વધારે છે. હૃદયના કેટલાક રોગોમાં પણ ડિજિટાલિસની ઝેરી અસરો જોવા મળે છે. હૃદયની મુકુટધમની(coronary artery)માં લોહીનું ભ્રમણ અટકે ત્યારે ક્યારેક તેના સ્નાયુનો કેટલોક ભાગ મરે છે. તેને  આંશિક નાશ (infarction) કહે છે. જો ઉગ્ર હૃદ્-સ્નાયુ આંશિક નાશ અથવા  સામાન્ય ભાષામાં જેને  હૃદયરોગનો હુમલો કહે છે તેવો વિકાર થયો હોય તો ડિજિટાલિસની ઉપયોગિતા ઓછી હોય છે. મોટી ઉંમરે કોઈ વધારાની ઝેરી અસર થતી નથી. રુધિર-પારગલન (haemodialysis) પછી લોહીમાંનાં આયનો-(electrolytes)ની સપાટી બદલાય છે. અને તે સમયે પણ ડિજિટાલિસની ઝેરી અસર જોવા મળે છે. જો ગલગ્રંથિનું કાર્ય વધે તો ડિજિટાલિસની અસર ઘટે છે. અને જો ગલગ્રંથિનું કાર્ય ઓછું થતું હોય તો ડિજિટાલિસની ઝેરી અસરો વધુ થાય છે. તેવી જ રીતે જો ફેફસાના લાંબા સમયના રોગો હોય તોપણ ડિજિટાલિસની ઝેરી અસર વધુ જણાય છે. વિકિરણલક્ષી પ્રતિરક્ષાકીય આમાપન(radioimmunoassay, RIA)ની પદ્ધતિ દ્વારા લોહીમાંની ડિજિટાલિસની સાંદ્રતા માપી શકાય છે. સામાન્ય રીતે તે 2.0 નેનોગ્રામ/મિ. લિટરથી ઓછી રખાય છે; પરંતુ તે વ્યક્તિ વ્યક્તિએ બદલાતી રહે છે.

જ્યારે પણ ડિજિટાલિસની સાંદ્રતા (concentration) વધે ત્યારે તેની વિવિધ અવયવી તંત્રો પર ઝેરી અસરો જોવા મળે છે. હૃદયસ્નાયુની સ્વયંસંકોચનશીલતા વધે છે અને આવેગવહનશીલતા (conduction) ઘટે છે. તેથી હૃદયના સંકોચન-વિકસનના ક્રમમાં અને ધબકારાના તાલ(rhythm)માં વિવિધ પ્રકારના વિકારો થાય છે. તેને અતાલતા (arrhythmia) કહે છે. તેમાં હૃદયના ધબકારા તાલબદ્ધ રહેતા નથી. ક્ષેપકનાં સંકોચનો યોગ્ય સમય કરતાં વહેલાં થાય છે. તેને ક્ષેપકીય પૂર્વસંકોચનો (ventricular premature contraction – VPC) કહે છે. તેનાથી ઓછા અને ઊતરતા ક્રમે થતા અતાલતાના વિકારોમાં કર્ણક-ક્ષેપકીય વહનરોધ (atrio ventricular – block, A-V block), કર્ણકીય અતાલતા (atrial arrhythmia), વિવર-કર્ણકીય અતાલતા (sinoatrial arrhythmia), કર્ણક-ક્ષેપકીય અસંગતતા (A-V dissociation), કર્ણકક્ષેપકીય જોડાણલક્ષી અતિવેગી તાલ (accelerated junctional rhythm) મુખ્ય છે. આ સર્વે અતાલતાના વિકારોમાં કર્ણક અને ક્ષેપક વચ્ચેના આવેગવહનમાં અટકાવ ઉદભવવાથી હૃદયના ઉપલા અને નીચલા ખંડો અલગ અલગ અને જુદા જુદા વેગથી સંકોચાય છે. હૃદયના ડાબા કર્ણકમાં આવેલા વિવિરગંડ(sinus node)માં આવેગો ઉત્પન્ન થાય છે. તે હૃદયના ધબકારાનો સામાન્ય તાલ નક્કી કરે છે. તેને વિવરતાલ (sinus rhythm) કહે છે. ડિજિટાલિસ તેની સ્વયંસંચાલિતા ઘટાડે છે તથા વિવરગંડ અને કર્ણક વચ્ચેના વેગવહનમાં અવરોધ થાય છે. તેને વિવર-કર્ણક-વહનરોધ કહે છે. તેને કારણે હૃદયના ધબકારાની ગતિ મંદ પડે છે. તેને અલ્પવેગીતાલતા (bradycardia) કહે છે. ડિજિટાલિસ કર્ણક-ક્ષેપક ગંડ(atrio–ventricular–node)નો અવજ્ઞાકાળ વધારે છે અને તેમનો વહનવેગ પણ ઘટાડે છે. વળી તે ક્ષેપકના સ્નાયુઓની સ્વયંસંકોચનશીલતા વધારે છે. તેથી ક્ષેપકનાં પૂર્વસંકોચનો  (CVPC), ક્ષેપકીય પૂર્વસંકોચનનાં જોડકાં તથા ક્ષેપકીય અતિવેગીતાલતા (ventricular tachycardia) થાય છે.

આ ઉપરાંત ડિજિટાલિસની અન્નમાર્ગ પરની ઝેરી અસરોને કારણે ઊબકા, અરુચિ (anorexia) તથા મગજના વમનકેન્દ્ર પર અસર થવાથી ઊલટીઓ થાય છે. તેની ચેતાતંત્રીય આડઅસરોને કારણે વ્યક્તિને માથાનો દુખાવો, થાક, અશક્તિ, માનસિક ગૂંચવણ, સનેપાત (delirium), આંચકી અથવા ખેંચ તથા રંગ ન પારખી શકવાનો વિકાર વગેરે વિવિધ વિકારો થાય છે. જો ખૂબ વધુ માત્રામાં દવા અપાઈ હોય તો ક્ષેપકીય અતિતંતુલ સંકોચનતા (ventricular fibrilation) થાય છે. તેને કારણે મૃત્યુ પણ નીપજે છે.

ડિજિટાલિસની ઝેરી અસરોની સારવાર માટે સૌપ્રથમ દવા આપવાનું બંધ કરીને સતત વીજહૃદ્-આલેખ (electrocardiogram, ECG) લેવામાં આવે છે. લોહીમાં ડિજિટાલિસની સાંદ્રતા કેટલી છે તે જાણી લેવાય છે. તેનાથી થતા અતાલતાના વિકારોની સારવાર કરાય છે. અલ્પવેગી અતાલતાના  વિકારોમાં હૃદયના ધબકારા ધીમા અને નિયમિત હોય છે. એટ્રોપિન અને જરૂર પડ્યે તાલસર્જક(pace maker)ની સારવાર અપાય છે. અતિવેગી અતાલતાના વિકારમાં  હૃદયના ધબકારા ઝડપી અને અનિયમિત  (તાલ વગરના) હોય છે. તેમાં પોટૅશિયમ, લિડોકેઇન, ફેનિટોઇન તથા જરૂર પડ્યે પ્રતિ-આઘાત(counter shock)ની સારવાર અપાય છે. હવે ડિજિટાલિસ સામે શુદ્ધ Fab ઉપખંડોવાળાં પ્રતિદ્રવ્યો (antibodies) ઉપલબ્ધ છે. તેના વડે ડિજિટાલિસની ઝેરી અસરોની સારવાર કરી શકાય છે.

ડિજિટાલિસ (ઔષધશાસ્ત્ર) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની પ્રજાતિ. તે યુરોપ અને એશિયાની મૂલનિવાસી છે. તેની કેટલીક જાતિઓ વિશ્વના ઘણા ભાગોમાં ઉગાડાય છે. Digitalis purpurea, Linn. (સામાન્ય–ફૉક્સગ્લવ) અને D. lanata Ehrh. (વુલી ફૉક્સગ્લવ) ચિકિત્સીય (therapeutic) મૂલ્ય ધરાવે છે.

ડિજિટાલિસ પુરપુરિયા

D. purpurea દ્વિવર્ષાયુ શાકીય જાતિ છે. તેનાં પર્ણો અંડાકારથી ભાલાકાર, 10 થી 40 સેમી. લાંબાં, 4 થી 10 સેમી. પહોળાં અને તેની કિનારી દંતુર (serrate) હોય છે. તેનો શિરાવિન્યાસ જાલાકાર હોય છે. તેનું પર્ણાગ્ર ગોળાકાર અને પર્ણ-સપાટી રોમમય હોય છે. આ રોમ ગ્રંથીય હોય છે અને 3 થી 5 કોષોના બનેલા હોય છે. વાયુરંધ્ર અસંમિત કોષી (anomocytic) હોય છે. પર્ણો કડવો સ્વાદ ધરાવે છે.

તેનાં પર્ણોમાં હૃદયબલ્ય ગ્લાઇકોસાઇડ્ઝ પરપરિયા ગ્લાઇકોસાઇડ ‘એ’ અને ‘બી’ હોય છે. આ ઉપરાંત ઓડોરોસાઇડ, ગ્લુકોવેરોડૉક્સિન, ડિજિટૉક્સિન, ગીટોટૉક્સિન અને ગીટાલૉક્સિન મળી આવે છે. ડિજિટેલિનના જલવિભાજનથી ગ્લુકોઝ, ડિજિટૉક્સોઝ અને ડિજિટાલોઝ જેવી શર્કરાઓ પ્રાપ્ત થાય છે. ડિજિટાક્સોઝ અને ડિજિટાલોઝ ડીઑકસી શર્કરા હોવાથી તે કેલરકીલિયાની કસોટીમાં જાંબલી વલય અને ભૂરો રંગ આપે છે. ગ્લાયકોસાઇડ્ઝ લીગલ, કેડે, રેમોન્ટ અને બાલ્જેટની કસોટીઓમાં વિવિધ રંગ આપે છે.

D. lanataનાં પર્ણો D. purpurea કરતાં ત્રણથી ચારગણી વધારે સક્રિયતા ધરાવે છે. તે ઇંગ્લૅન્ડ, હોલૅન્ડ, દક્ષિણ કૅલિફૉર્નિયા અને ભારતમાં કાશ્મીરમાં થાય છે. તેનાં પર્ણો અવૃંત (sessile) રેખાકારથી ભાલાકાર, લગભગ 30 સેમી. લાંબાં અને 4 સેમી. જેટલાં પહોળાં હોય છે. તેની પર્ણકિનારી અખંડિત હોય છે. તેનાં પર્ણોમાં લેનેટોસાઇડ એ, બી, સી, અને ઈ હોય છે; જે પરપરિયા ગ્લાયકોસાઇડ્ઝ જેવાં હોય છે. લેનેટોસાઇડ સીના જલવિભાજનથી ડીગૉક્સિન મળે છે. તે તૈયાર ડિજિટાલિસ કરતાં લગભગ 300 ગણું વધારે શક્તિમાન હોય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

શિલીન નં. શુક્લ

સંજીવ આનંદ