‘જ્ઞાનદીપક’ : સ્ત્રીકેળવણી અને સમાજસુધારાનો ઉદ્દેશ ધરાવતું ઓગણીસમી સદીનું સૌરાષ્ટ્રનું ગુજરાતી માસિકપત્ર. મણિશંકર કીકાણીની સુધારાલક્ષી અને કેળવણીપ્રસારની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ, રૂપશંકર ઓઝા – ‘સંચિતે’ જૂનાગઢમાં સુમતિપ્રકાશ સભાની સ્થાપના કરી અને એના ઉપક્રમે 1883માં ‘જ્ઞાનદીપક’ માસિકનો પ્રારંભ કર્યો. સભા અને સામયિકના સંચાલન માટે એક સંચાલનમંડળની સ્થાપના કરેલી, જેમાં જૂનાગઢના અગ્રણી નાગરિકો સામેલ હતા. ત્યારે સામયિકમાં બાર પાનાંનું વાચન અપાતું. એનું કદ 19 × 11.43 સેમી.નું હતું. પ્રથમ પૃષ્ઠ ઉપર ઈશ્વરસ્તુતિ છપાતી. મોટા ભાગના લેખો ‘સંચિત્’ના પોતાના જ લખેલા છપાતા. એમના પિતા ઉદયશંકર ઓઝા પણ ક્યારેક લખતા. પોતાના લેખોમાં લેખક તરીકે સંચિત્ ‘આર’ એવો ટૂંકો ઉલ્લેખ કરતા. લેખોનો સ્તર મોટે ભાગે બોધપ્રદ રહેતો. ‘આળસ’, ‘હિંમત’, ‘સંપ’ વગેરે લેખો પ્રારંભના અંકોમાં છપાયા હતા. ‘જ્ઞાનદીપક’નો હેતુ પણ ‘સૌરાષ્ટ્રદર્પણ’ની જેમ સૌરાષ્ટ્રમાં સ્ત્રીકેળવણીના પ્રસારનો તથા સમાજસુધારાનો હતો, પણ મણિશંકર કે રૂપશંકરનો સુધારાવાદી અભિગમ નર્મદ, દુર્ગારામના અભિગમના પ્રમાણમાં સંરક્ષક હતો; ઉદ્દામવાદી કે આક્રમક નહિ. ‘જ્ઞાનદીપક’ એક-દોઢ વર્ષ જ ચાલ્યું, પણ એણે એ સમયે સૌરાષ્ટ્રના રજવાડી વાતાવરણમાં બંધિયારપણા અને સ્થગિતતાની આબોહવાને બદલવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ‘જ્ઞાનદીપક’ બંધ પડ્યા પછી, રૂપશંકર ઓઝાએ ફરીથી ‘સૌરાષ્ટ્રદર્પણ’માં લખવાનું શરૂ કર્યું હતું.

યાસીન દલાલ