ખનન (mining) : ભૂગર્ભમાં રહેલ ખનિજસંપત્તિને બહાર લાવવાની કાર્યવહી. ખનિજસંપત્તિ એ એવા પ્રકારની અસ્કામત છે જેમાં સમય જતાં ઘટાડો થતો હોય છે, આથી ખનન વૈજ્ઞાનિક તથા શાસ્ત્રીય પદ્ધતિથી બને તેટલી કરકસરયુક્ત રીતે, પર્યાવરણ-સંતુલન તથા કામદારો અને કર્મચારી વર્ગની સુખાકારી વગેરે બાબતો ઉપર ધ્યાન આપીને યોજવું જરૂરી છે.
(1) ભારતમાં ખનનવિજ્ઞાન : ખૂબ જૂની નોંધો પ્રાપ્ય નથી; પરંતુ પુરાતત્વીય તથા પુરાલેખીય સાબિતીઓ સૂચવે છે કે ખનનવિજ્ઞાન તથા ધાતુકર્મ અંગેનું જ્ઞાન તથા પ્રાયોગિક રીતો તે સમયે સારા પ્રમાણમાં વિકસી હતી. મહાભારતકાળમાં બધી ધાતુઓ(કીમતી તથા સામાન્ય)નું જ્ઞાન નોંધાયેલું છે. લોખંડના શિરસ્ત્રાણ તથા લોખંડના બખ્તરનો ઉપયોગ ઈ. પૂ. 1400-900માં નોંધાયો છે. તે સમયનાં યુદ્ધો ગજવેલની તલવારો તથા ભાલાઓથી તેમજ લોખંડનાં ફણાંવાળાં તીરોથી લડાયેલાં. આ ઉપરાંત અલિક-અસ્ત્ર (બંદૂક), શતાગ્નિ-અસ્ત્ર (તોપ) વગેરે અંગે પણ નોંધ મળે છે. આ બધી માહિતી દર્શાવે છે કે તે સમયે લોહ-ધાતુકર્મ અંગે ભારતના લોકોને જ્ઞાન હતું. આ તો જ શક્ય બને જો કોલસાનો ઉપયોગ જાણીતો હોય. વેદકાળ તથા પૂર્વ-વેદકાળમાં કોલસાનું ખનન અગ્નિની શોધ માટે કરવામાં આવતું તેમ યજુર્વેદ(ઈ. પૂ. 1100-1000)માં નોંધાયું છે.
પૂર્વવેદકાળ(ઈ. પૂ. 4000-1600)માં સોનું, ચાંદી, તાંબું, કીમતી રત્નો વગેરેનું ખનન થતું તેવી માહિતી મળે છે. પૂર્વ-હડપ્પા સંસ્કૃતિ (ઈ. પૂ. 4000-2000) તથા હડપ્પા-મોંહે-જો-દડો-સિંધુખીણ સંસ્કૃતિ(ઈ. પૂ. 3000-1500)માં તાંબાની મિશ્રધાતુઓ – કાંસું, પિત્તળ, આર્સેનિકમય તાંબું. ઍન્ટિમનીમય તાંબું વગેરે – જાણીતી હતી તથા આવી મિશ્રધાતુઓ બહોળા પ્રમાણમાં વપરાતી. ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં તાજેતરમાં થયેલા ખોદકામ દ્વારા આ હકીકતને પુષ્ટિ મળે છે તથા પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા હડપ્પા સંસ્કૃતિની સાબિતી મળે છે. બિહાર તથા બંગાળમાં મોટા ભાગનાં કોલસાક્ષેત્રો દામોદર નદીની ખીણમાં આવેલ છે.
ખનન અંગે સામાન્ય પરિચય : (क) ભૂસ્તરશાસ્ત્ર તથા ખાણની શોધખોળ : ખનિજોની શોધ હંમેશાં આકસ્મિક હોતી નથી. આ માટે પ્રત્યેક વિસ્તારનું ભૂસ્તરશાસ્ત્રીઓ વડે કાળજીપૂર્વકનું તથા શ્રમયુક્ત ક્ષેત્ર-અધ્યયન (field work) કરવામાં આવે છે જેમાં વિવૃતિ (outcrop) શોધી કાઢવાનું તથા માનચિત્રણ (mapping) વગેરેનો સમાવેશ થાય છે.
ખનિજના જથ્થા સામાન્ય રીતે અગ્નિકૃત, વિકૃત (metamorphic) તથા જળકૃત (sedimentary) ખડકોમાં મળે છે. ભારતમાં લોહના ખનિજ (અયસ્ક) તથા ઍલ્યુમિનિયમના ખનિજ(દા.ત. બૉક્સાઇટ)ના સામાન્યત: ખૂબ મોટા જથ્થા ટેકરીઓ જેવાં ભૂમિસ્વરૂપોમાંથી મળે છે. તે ખૂબ નીચે સુધી વિસ્તરેલા હોય છે. સીસું-જસત-કલાઈનાં ખનિજો અગ્નિકૃત તથા વિકૃત ખડકોમાં અંતર્ભેદન પામેલી વચ્ચેની શિરાઓમાંથી મળે છે. આ બધાં ખનિજો લગભગ એકસાથે જ મળતાં હોય છે. ભારતમાં આ પ્રકારનાં ખનિજોની શોધખોળ ભારત સરકારે રાજસ્થાનમાં કરી છે. આવાં ખનિજોમાં અલ્પ માત્રામાં ચાંદી પણ મળે છે. ગુજરાતમાં અંબાજી નજીક ગુજરાત સરકારે આવાં ખનિજો શોધ્યાં છે તથા તેનું ખનન તથા શોધન વિકસાવ્યું છે. સોનાનાં ખનિજો ભૂમિના ઉપરના સ્તરમાં તેમજ ભૂગર્ભમાં મળી આવે છે. ભારતમાં કર્ણાટકમાં હત્તી નજીક આવી જૂની સોનાની ખાણ છે. કોલારની સોનાની ખાણ તો જગમશહૂર છે. કોલારની ખાણ ધંધાકીય ર્દષ્ટિએ બહુ લાભદાયી નથી કારણ કે ખનનકાર્ય ખૂબ મુશ્કેલ છે. બિહારની સુવર્ણરેખા નદીના પટમાંની રેતીમાં પણ અલ્પ પ્રમાણમાં સુવર્ણકણો મળે છે. બિહારમાં ઘાટશિલામાં તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખેતરી તથા અન્ય જગ્યાએ તાંબાની ખાણ મળી છે.
તાલીમ પામેલો અનુભવી ભૂસ્તરશાસ્ત્રી ભૂમિની ઉપરના સ્તરનાં ચિહનો પરથી ખનિજદ્રવ્યો તરત પારખી શકે છે. કેટલીક વાર તે પ્રદેશમાં ઊગતી વનસ્પતિ પણ આમાં માર્ગદર્શક બને છે. ઊના પાણીના ઝરા નજીક હંમેશાં ગંધકના સ્તર મળી આવે છે. ભારતમાં મધ્યપ્રદેશમાં પન્ના નજીક તથા દક્ષિણ ભારતમાં ગોવલકોંડા નજીક હીરાની ખાણો મળી છે. આ માટે આધુનિક ભૂ-ભૌતિક સંશોધન- પદ્ધતિઓ વપરાય છે.
(2) ખનનકાર્ય તથા અનામતનો અંદાજ કાઢવો : ખનિજોનાં સ્થાન નક્કી થયા બાદ બીજા તબક્કામાં ખનિજપિંડના જથ્થાનો પ્રાથમિક અંદાજ કાઢવો, ખનન આર્થિક રીતે પોષાય તેમ છે કે નહિ વગેરે બાબતો આવશ્યક છે. આ માટે કેટલીક ચોક્કસ રીતો વપરાય છે.
માટી કે શૈલ-આચ્છાદિત ખનિજો અથવા ખાબોચિયા કે પાણીની નીચે રહેલ ખનિજોના પૂર્વેક્ષણીય અન્વેષણ અને અંદાજ કાઢવા માટે પરીક્ષણ-ખાડા, નાળિયો કે શારકાર્ય કરવા અંગે વિચારણા કરવામાં આવે છે. જ્ઞાત અયસ્કપિંડના સ્તરનિર્દેશન (strike) અથવા લંબ દિશામાં થયેલ વિસ્તારના અન્વેષણ માટે બીજા સમાંતર અયસ્કપિંડ, સ્તરભંગો (faults), જલયુક્ત સ્તરો અને અન્ય ભૂસ્તરીય વિચિત્રતાઓનાં સ્થાનનિર્ધારણ માટે પણ આ રીતો વિચારાય છે. આધુનિક ભૂસ્તરીય અન્વેષણમાં દૂરસંવેદન (Remote Sensing) દ્વારા ભૂસ્તરીય સ્તરરચના, ટેક્ટૉનિક્સનો અભ્યાસ કરવામાં આવે છે.
પૂર્વેક્ષણની આ પદ્ધતિ હંમેશાં ઓછી ખર્ચાળ હોતી નથી અને તેને મર્યાદાઓ પણ છે. ઉત્ખનનપટ્ટા (lease) લીધેલ ક્ષેત્રના આકાર અને વિસ્તાર તથા ખનિજ આધારિત શારકામ અંગેનો નકશો તૈયાર કરવો જરૂરી છે. વિગતવાર અન્વેષણ માટે પરીક્ષણ-ખાડા કરવા, નાળીઓ ખોદવી આવશ્યક છે.
અયસ્કપિંડની પ્રકૃતિ, ખર્ચ, ઝડપ, કાર્યનો હેતુ, ઝડપના સંદર્ભમાં ખર્ચ, પરિવહન જેવાં ઘણાં પરિબળોના આધારે પદ્ધતિની પસંદગી કરવામાં આવે છે.
અન્વેષણનાં પરિણામો ચોકસાઈપૂર્વક તપાસી તેમાંથી કાઢેલ નમૂનાનું પૃથક્કરણ કરી ખનિજની વિશિષ્ટ ઘનતા વગેરે શોધી તેના આધારે ચોક્કસ જથ્થાનો (ટનમાં) તથા ગુણવત્તાનો અંદાજ કાઢવામાં આવે છે.
ખનિજનો કુલ જથ્થો ખનિજ ધરાવતી જમીનનો વિસ્તાર, ખનિજ મળવાની ઊંડાઈ, ખનિજના ઘટત્વ વગેરે ઉપર આધાર રાખે છે.
(3) ખાણનું આયોજન તથા ખનનની શરૂઆત (mineopening) : ખાણનું આયોજન ખનનની રીત અને ઉપયોગ કરનાર ઉદ્યોગમાં ખનિજની કેટલી માગ રહેશે તે ઉપર અવલંબે છે. જો માગ ઓછી હોય તો યાંત્રિક નહિ પણ માનવીય શ્રમવાળી રીતો વપરાય છે. જો માગ વધુ હોય તો યાંત્રિક રીતો વપરાય છે. જમીનની સપાટીથી કેટલી ઊંડાઈએ ખનિજ આવેલું છે તે પણ આમાં અગત્યનું પરિબળ છે. જો અયસ્ક-શિરાચ્છાદિત જથ્થા વચ્ચેનું પ્રમાણ (stripping ratio) અનુકૂળ હોય તો બિનભૂગર્ભીય (ખુલ્લી ખાણ) વિધિ વપરાય છે. જો ઊંડાઈ વધુ હોય તો ભૂગર્ભીય રીતો વપરાય છે. ખનિજ કાઢવા માટે તેનો કુલ વિસ્તાર, વિસ્તારપટ્ટાનો આકાર, નિયમિત રીતે ખનિજ મળી શકશે કે કેમ, તે બધી વસ્તુનો વિચાર કરવો જરૂરી બને છે.
(4) ખાણનું સર્વેક્ષણ (surveying) : ખનન માટે ખાણનો ચોકસાઈપૂર્વક સરવે કરવો આવશ્યક છે. એક ચોક્કસ જગ્યાથી જુદી જુદી દિશામાં તથા ભૂગર્ભમાં કેટલો ખનિજજથ્થો રહેલો છે તે શોધીને ભૂગર્ભમાં કેવા રસ્તા બનાવવા પડશે, વચમાં જલાક્રાંત (water logged) વિસ્તાર ક્યાં છે, ભૂગર્ભવિક્ષેપો વગેરે બાબત વિચારવી જરૂરી છે. ભૂગણિતીય (geodetic) સર્વેમાં પૃથ્વીની વક્રતા (curvature) ધ્યાનમાં લેવાતી નથી કારણ કે પૃથ્વીના ક્ષેત્રફળના પ્રમાણમાં ખાણનો વિસ્તાર ઘણો નાનો હોય છે. ખાણના સર્વે માટે આધુનિક GPS ઉપકરણો અમલમાં આવ્યાં છે. આ ઉપકરણથી નકશામાં ખાણનું સ્થાન, રેખાંકન, ઊંચાઈ સૅટેલાઇટના આધારે તાત્કાલિક નક્કી કરાય છે. જમીનસ્તરથી 45થી 60 મીટર ઊંચાઈએ આવેલ ખનિજોની સ્થિતિ તથા જથ્થાના અંદાજ આ પદ્ધતિથી આવે છે. વધુ ઊંડાઈ ન હોય તેવાં ખનિજોના અન્વેષણમાં આ પદ્ધતિ ઝડપી બનેલ છે. ખાણવિભાગમાં આ માટે અનુભવી અને યોગ્ય લાયકાત ધરાવનાર તજ્જ્ઞો કામ કરે છે.
પ્રવર્તમાન મિનરલ કન્શેશન નિયમ-1960ની સુધારેલ જોગવાઈના આધારે ખાણકાર્ય માટે રાજ્યસરકારની મુખ્ય ખનિજ ઉત્ખનન પૂર્વસંમતિ બાદ માગેલ ઉત્ખનનપટ્ટા વિસ્તાર માટે, જો વિસ્તાર પાંચ હેક્ટરથી વધુ હોય તો ઉત્ખનન-આયોજનના પંચવર્ષીય પ્લાન, પર્યાવરણ અસર અહેવાલ તથા પર્યાવરણ સંતુલન વ્યવસ્થાના અહેવાલો બનાવી રાજ્યસરકારને મોકલી ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ, કેન્દ્રસરકાર તથા પર્યાવરણ-મંત્રાલય પાસે મંજૂર કરાવી પ્રમાણપત્ર મેળવવાનાં રહે છે. કેન્દ્રસરકારના 10-4-2003ના ઠરાવથી ‘ઉત્ખનન આયોજન પ્લાન’માં પ્રોગ્રેસિવ ખાણબંધ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ખાણબંધ યોજના સાથે ઓછામાં ઓછી એક લાખની બૅન્કની નાણાકીય ખાતરીનું સર્ટિફિકેટ પણ આપવું આવશ્યક બનેલ છે. ખાણબંધ યોજના માટે હેક્ટરદીઠ રૂ. 15,000નો દર નિયત થયેલ છે.
ભારતની કોલસા-ખાણોમાં બિહારમાં ચાસનાલા મુકામે થયેલી હોનારત ક્ષતિયુક્ત આયોજનનું ઉદાહરણ છે. આ હોનારતમાં 400 માણસો ભૂગર્ભમાં મૃત્યુને શરણે થયેલ અને ખાણ છોડી દેવી પડેલી. આ ખાણમાંથી પાછળથી પાણી કાઢી લીધા બાદ ખાણ ફરી કાર્યરત બનાવી શકાઈ અને ફરી સર્વે કર્યા બાદ થયેલી ભૂલો શોધી શકાઈ.
(5) ખાણમાં જલનિગ્રહ (drainage) તથા સંરક્ષણ : ખાણમાં ખોદકામ જેમ જેમ આગળ વધતું જાય તેમ તેમ પરિસ્થિતિ અનુસાર ઓછાવધતા પ્રમાણમાં પાણીનો પ્રવાહ મળે છે. ખાણ ઊંડી ખોદાતી જાય તેમ આ ભૂગર્ભજળપ્રમાણ અમુક ઊંડાઈ સુધી વધતું જાય છે. આ ભૂગર્ભજળનો મૂળ સ્રોત વરસાદનું પાણી છે, જે ખડકોની છિદ્રાળુતા પર નિર્ભર છે અને તેને લીધે પાણી ભૂગર્ભમાં ઊતરી જઈને ખડકોમાં તથા ખનિજોમાં ભેગું થાય છે. આ પાણીના પ્રશ્નને હલ કરવા માટે ભૂગર્ભમાં ગોઠવવામાં આવતા વિદ્યુતસંચાલિત પંપ મારફત વિવિધ સોપાને (stages) ઊંડેથી પાણી સપાટી ઉપર લાવવામાં આવે છે. ખનનકાર્યના વિસ્તાર ઉપર આધારિત પંપિંગ વ્યવસ્થા ત્રણ તબક્કે સ્થાપવામાં આવે છે : (i) ફલક (face) પંપિંગ, (ii) મધ્યસ્થ અવસ્થાનું પંપિંગ, (iii) ખાણના તળિયેથી સપાટી ઉપરનું પંપિંગ.
(i) ફલક પંપ ફેરવી શકાય તેવા નાના 10થી 25 હૉર્સપાવરની ક્ષમતા ધરાવતા હોય છે. (ii) દ્વિતીય અવસ્થાએ વપરાતા પંપ દ્વારા ફલક પંપમાંથી કૂપક(shaft)ના તળિયાથી પંપિંગ સ્ટેશન સુધી પાણી પહોંચાડાય છે. આ બધા વિદ્યુતસંચાલિત પંપો હોય છે. કેટલીક વાર ભૂગર્ભ જળ ઍસિડિક હોવાથી ચોક્કસ પ્રકારના (સ્ટેનલેસ સ્ટીલ) પંપ વાપરવા જરૂરી બને છે. આ ભૂગર્ભ પંપ 50 મીટરથી 500 મીટર સુધીનું પાણી ખેંચી શકે છે. આ પંપની શોષણશક્તિ 10 મીટર ઊંડાઈ સુધીની તથા પાણી ચડાવવાની શક્તિ ખૂબ વધુ હોય છે. પંપિંગ માટે આવશ્યક હૉર્સપાવર શક્તિ નીચેના સમીકરણથી દર્શાવી છે :
જેમાં G = પ્રત્યેક મિનિટે ખેંચવાનું પાણી લિટરમાં,
H = મીટરમાં કુલ લંબાઈ (total Head) [કુલ લંબાઈ = total Head = શોષણ હેડ (ચૂસણ) + નિકાસ હેડ + ઘર્ષણ હેડ વગેરે.]
ખાણમાં સંવાતન : ભૂગર્ભ ખાણોમાં સંવાતનનો ઉદ્દેશ ખાણિયાઓને સ્વાસ્થ્યાનુકૂલ હવા તથા નુકસાનરહિત કામની સગવડ પૂરી પાડવાનો છે. મુખ્ય ઉદ્દેશો : (i) શ્વાસ માટે ચોખ્ખી હવા પૂરી પાડવી, (ii) ભૂગર્ભમાંના ઝેરી વાયુઓને મંદ પાડી દઈ નુકસાનરહિત બનાવવા, (iii) ભૂગર્ભમાંના વાતાવરણને ઠંડું રાખવું, (iv) ખોદકામ દરમિયાન થતી ધૂળને દૂર કરવી.
સંવાતન માટેનાં ચોક્કસ ધોરણો જાળવવાં માટે કાયદાકીય જોગવાઈઓ છે, જેમાં ખોદકામની જગ્યાએ જાળવવું પડતું આવશ્યક ભેજ-પ્રમાણ પણ છે. ભૂગર્ભખાણમાં કામ કરતા ખાણિયાઓની સંખ્યા, કોલસા કે ખનિજનું રોજનું કુલ ઉત્પાદન, ઝેરી વાયુનું પ્રમાણ વગેરેનો ખ્યાલ સંવાતન માટે રાખવો આવશ્યક છે. આ માટે કુદરતી સંવાતન પૂરતું નથી હોતું તેથી કૃત્રિમ રીતો યોજવી જરૂરી છે. આ અંગેની જોગવાઈ કરવાનું કાયદાકીય રીતે ફરજિયાત છે. આધુનિક ખાણમાં યોગ્ય પ્રમાણમાં ચોખ્ખી હવા મળી રહે તે ખાસ જોવામાં આવે છે. આ સંવાતન માટે જુદાં જુદાં સ્થળે વિદ્યુતપંખાઓ રાખવામાં આવે છે. આ પંખાઓ જુદાં જુદાં સ્થળે ગોઠવવા માટે ખાણનો વ્યવસ્થિત સર્વે કરીને સ્થળો નક્કી કરવામાં આવે છે. આવા પંખા મુખ્યત્વે (i) અપકેન્દ્રી (centrifugal) અને (ii) અક્ષીય પ્રવાહ (axial flow) પ્રકારના હોય છે. ભૂગર્ભમાં મુખ્યત્વે બીજા પ્રકારના પંખા વપરાય છે; કારણ કે તે ઓછી જગ્યા રોકે છે.
ભૂગર્ભમાં હવાનો પ્રવાહ ચોક્કસ દિશામાં વહેતો રાખવા માટે સંવાતન-અવરોધન (stripping), હવાની અવરજવર (air crossing) વગેરેને લગતી યુક્તિઓ ધરાવતા વાયુપરિપથ(air circuit)ની રચના કરવી પડે છે. પ્રત્યેક મહિને ચોક્કસ બિંદુએ આ અંગે સંવાતન-સર્વેક્ષણ કરવું જરૂરી બને છે જેથી વાયુ ગળતર શોધી શકાય. આ સર્વેનો અહેવાલ ચોક્કસ રજિસ્ટરમાં નોંધવાનું કાયદાકીય રીતે ફરજિયાત છે.
(6) ભૂગર્ભ ખનન : કોલસા અથવા ખનિજદ્રવ્યો સપાટીથી ઘણે ઊંડે હોય તથા ખુલ્લા ખનનની પદ્ધતિ આર્થિક રીતે પોષાય તેમ ન હોય ત્યારે ભૂગર્ભ ખનનની રીતો અપનાવવામાં આવે છે.
ઊંડાઈએ રહેલ ખનિજો સુધી પહોંચવા માટે અપવાહ, ઢાળ, શાફ્ટનો ઉપયોગ કરાય છે. ડ્રિફ્ટિંગ તથા શાફ્ટ તૈયાર કરવાની રીતો ચોક્કસ નિષ્ણાત દ્વારા થઈ શકે છે અને તે માટે નિષ્ણાતો દ્વારા શારકામ કે ભૂગર્ભ ધડાકા કરવા પડે છે. આ માટે ખૂબ સ્ફોટક દ્રવ્યો વાપરવાં પડે છે, જેથી રોજનું ખનિજ-ઉત્પાદન વધુ મેળવી શકાય. વાયુઓ ધરાવતી કોલસાની ખાણમાં માત્ર માન્ય સ્ફોટકો જ વપરાય છે. આવરણવાળા સ્ફોટકો ભૂગર્ભ સ્ફોટન માટે વધુ સલામત ગણાય છે. આવા સ્ફોટકો સંઘરવા માટેનાં સાધનો કાયદાકીય આવશ્યકતાઓ મુજબ રખાય છે તથા તે માટે લાઇસન્સની જરૂર રહે છે. આવું લાઇસન્સ મહારાષ્ટ્રમાં નાગપુરમાંથી સ્ફોટક દ્રવ્યોના મુખ્ય નિયામક પાસેથી મળે છે. પૃષ્ઠખનન (surface mining) માટેના સ્ફોટક પદાર્થો પ્રબળ તથા ભૂગર્ભ સ્ફોટન માટે વપરાતા સ્ફોટકો કરતાં ઓછા ખર્ચાળ હોય છે. ભૂગર્ભમાંનાં ખનિજ કે કોલસાના સ્તર સુધી પહોંચ્યા બાદ ભૂગર્ભમાં સંવાતન અને હેરફેર માટે, ખનિજ બહાર કાઢવા તથા પંપિંગ વગેરે માટે રસ્તાઓ બનાવવાનું કાર્ય મુખ્ય રહે છે. આ રસ્તાઓ બનાવવાના કામકાજ દરમિયાન ખનનકાર્ય ચાલુ રહે છે.
ભૂગર્ભ ખનન માટે છતના ટેકા બનાવવા સલામતીની ર્દષ્ટિએ જરૂરી છે, જેથી છત તૂટી ન પડે અને અકસ્માત ન સર્જાય. છત ઉપર તથા બાજુમાં રાખવા પડતા ટેકા – સ્ટીલના તથા લાકડાના એમ બેઉ પ્રકારના – પરિસ્થિતિ મુજબ વપરાય છે.
ભૂગર્ભમાંથી ખનિજને સપાટી ઉપર લાવવા માટે ભૂગર્ભમાં પાટા નાખીને (ભૂગર્ભ) રેલગાડી (નાનાં 1થી 2 ટનની ક્ષમતાવાળાં વૅગનો) ગોઠવવી પડે છે.
(7) ખાણઉદ્યોગમાં સલામતી વ્યવસ્થા તથા તે અંગેના નિયમો : ખાણઉદ્યોગ ખરેખર જોખમી ઉદ્યોગ છે, ખાસ કરીને જ્યારે ખાણમાં ભૂગર્ભમાં કામ કરવાનું હોય ત્યારે તો ખાસ. અહીં છતનો પ્રત્યેક હિસ્સો તથા બાજુની દીવાલો સતત જોખમી હોય છે. અહીં કામદારો માટેના તથા ટૅકનિકલ જ્ઞાન ધરાવતા માણસો માટેના કાયદાકીય નિયમો હોય છે. આમ ખાણમાં સલામતી સૌથી પ્રથમ આવશ્યક છે અને કામદારોની સલામતી તથા કલ્યાણ માટે કાયદાકીય સગવડો પણ કરવામાં આવી છે.
કામદારોને પગમાં, આંખમાં વગેરે ઠેકાણે થતી ઈજાઓ રોકવા માટે ચોક્કસ પ્રકારનાં પગરખાં, ગૉગલ્સ વગેરે વપરાય છે. ખાણમાં થતી પ્રત્યેક ઈજા, અકસ્માત્ વગેરે નોંધવામાં આવે છે તથા ડૉક્ટરો દ્વારા તેની સારવાર અપાય છે. કેટલીક વાર સ્થાનિક પરિસ્થિતિઓને લીધે અકસ્માતો થતા હોય છે, જેના ઉપર કોઈ નિયમન થઈ શકતું નથી; પરંતુ માનવીય ભૂલોને કારણે થતા અકસ્માતો ચોક્કસ નિયમનો દ્વારા અટકાવી કે ઘટાડી શકાય છે.
ખાણ અંગેના નિયમો : ખાણના પ્રત્યેક વિભાગ માટે નિયમો બનાવાયા છે. આના પ્રથમ સોપાનમાં ખનિજની શોધખોળ છે, જે માટે ચોક્કસ લાઇસન્સ મેળવવું આવશ્યક છે. ખાણને અમુક સમયના પટ્ટા માટે રાજ્ય સરકાર પાસેથી મેળવવી જરૂરી બને છે. ખાણની અંદરની બધી રીતો, પ્રક્રિયાઓ મધ્યસ્થ સરકારના નિયમોને અધીન છે. ખાણ અંગેનો કાયદો, નિયમનો, પેટા નિયમો, અંતિમ સોપાનમાં વપરાશ પૂરી થઈ ગયા બાદ ખાણ બંધ કરવાની પ્રક્રિયા તથા તેને છોડી દેવાની પ્રક્રિયા પણ કેન્દ્ર સરકારના નિયમો અનુસાર કરવામાં આવે છે. આ બધા નિયમો ખાણની સલામતી માટે તથા તેમાં કામ કરતા કામદારોની સલામતી માટે બનાવેલા હોય છે. ખાણના કામ માટે 18 વર્ષથી નીચેનાં બાળકોની ભરતી ગેરકાયદે છે. ભૂગર્ભ ખાણમાં સ્ત્રીઓ દ્વારા કામ લેવાનું પણ ગેરકાયદે છે.
(8) ખોદી કાઢેલ ખનિજોનું બજાર (marketing) : દરેક ઔદ્યોગિક નીપજના વેચાણમાં નફાનું ધોરણ જળવાય છે; તે રીતે ખાણઉદ્યોગ તથા ખનિજના ઉત્પાદનવેચાણમાં પણ હોય છે. ખાણમાંથી કાઢેલાં ખનિજો/કોલસાનો ઉપચાર (treatment), સજ્જીકરણ (beneficiation), તથા ગુણવત્તા-ઊર્ધ્વીકરણ (upgrading) વગેરે વેચાણ અગાઉ કરવામાં આવે છે જેથી તેનું સારું વેચાણ થાય અને ઊંચી કિંમત મળી શકે. ધાતુઓનાં ખનિજો ઉપર રાસાયણિક, ભૌતિક, વિદ્યુત-રાસાયણિક વગેરે વિધિઓ કરવામાં આવે છે. આ ધાતુઓની કિંમત તેના વિશ્વબજારમાંના ભાવ અનુસાર નક્કી થાય છે. કોલસા તથા પેટ્રોલિયમ નીપજોના ભાવ મધ્યસ્થ સરકારના નિયંત્રણમાં હોય છે.
(9) ખાણનો કર્મચારી વર્ગ તથા ઔદ્યોગિક સંબંધો : ખાણની જુદી જુદી યોજના વિવિધ પ્રદેશોમાં ફેલાયેલી હોઈ તથા વસ્તીથી દૂર સગવડ વગરની જગ્યાએ હોય છે તેથી તેના માટે આવશ્યક માનવબળની સગવડ ઊભી કરવી જરૂરી છે. જુદા જુદા સ્તરના ખાણઉદ્યોગના નિષ્ણાતો તૈયાર કરવાના હોય છે. શરૂઆતમાં ખાણઉદ્યોગનો અભ્યાસ કૉલકાતા યુનિવર્સિટી, ધનબાદ(બિહાર)માં આવેલી ઇન્ડિયન સ્કૂલ ઑવ્ માઇન્સ, બનારસ હિન્દુ યુનિવર્સિટી વગેરે સ્થળોએ કરાવવામાં આવતો. હવે ઘણી યુનિવર્સિટીઓમાં ખાણઉદ્યોગના અભ્યાસક્રમો દાખલ થયા છે તથા પશ્ચિમ બંગાળમાં ખડગપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં પણ ખાણ-ઇજનેરી શીખવવામાં આવે છે.
ઔદ્યોગિક સંબંધો : ખાણઉદ્યોગમાં માનવબળ વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરાયું છે. ખાણની મુખ્ય પ્રવૃત્તિઓ – કોલસો, લિગ્નાઇટ, સોનું, તાંબું, જસત, કિરણોત્સર્ગી (radioactive) ખનિજો વગેરે સરકારી અંકુશ હેઠળ છે. બૉક્સાઇટ, લોહનું અયસ્ક, મૅંગેનીઝનું અયસ્ક વગેરે મધ્યસ્થ/રાજ્ય સરકારો દ્વારા સંચાલિત છે. આથી નિયમાનુસાર ઔદ્યોગિક સંબંધો તથા સામૂહિક સોદાની પદ્ધતિ સ્વીકારાય છે. આ રીતે જ્યારે પણ સંચાલકો તથા શ્રમિક સંઘ વચ્ચે કોઈ પણ ઉદ્યોગમાં કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે તેની દેશવ્યાપી અસર પડે છે. આ માટે કેટલાંયે મધ્યસ્થ યુનિયનો, રાજ્યમાંનાં યુનિયનો વગેરે સાથે સાથે કામ કરતાં હોય છે.
(10) કલ્યાણપ્રવૃત્તિઓ (welfare measures) : ઔદ્યોગિક એકમના સંચાલકોની એ ફરજ છે કે તેઓ ખાણઉદ્યોગ માટે જરૂરી માનવબળ પૂરું પાડતા રહે, જેથી નિયત જથ્થામાં ખનિજો/કોલસો મળતાં રહે. આ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ (nationalization) થયું તે અગાઉ આ વસ્તુ ઉપર પૂરતું ધ્યાન અપાયું ન હતું; પરંતુ સરકારે અંકુશ મેળવ્યા બાદ ઔદ્યોગિક ઉત્પાદનમાં મજૂરોની કલ્યાણપ્રવૃત્તિઓ પણ આવશ્યક રીતે ધ્યાનમાં લેવાય છે. જેમાં મજૂરોને રહેઠાણની, પાણીની, દાક્તરી સારવાર, અભ્યાસ માટે સગવડ, મનોરંજનપ્રવૃત્તિ, રમતગમત, કૅન્ટીન, સ્નાનગૃહો, આરામગૃહો વગેરે સગવડો આપવા અંગે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે.
(11) ખાણઉદ્યોગમાં સંશોધન (સંશોધન તથા વિકાસ) : શરૂઆતનાં વર્ષોમાં ખનનઉદ્યોગ ખાનગી ક્ષેત્રમાં હતો અને તેના વિકાસનો આધાર માગ અને ઉત્પાદન પર આધારિત હતો. આથી સંશોધન અને વિકાસ માટે જરૂરિયાત અને અવકાશ ઘણો ઓછો હતો. સંશોધન અને વિકાસની ખરી જરૂરિયાત જ્યારે ઉત્પાદનક્ષમતા કરતાં માગ વધે ત્યારે સ્પષ્ટપણે દેખાઈ આવે. અમુક સમયમર્યાદામાં ઉત્પાદન વધારવા જતાં સલામતી અને અવતલન(subsidence)ના પ્રશ્નો સર્વોચ્ચ મહત્વના બન્યા.
રાષ્ટ્રીયકરણ થયા પહેલાં કોલાર ગોલ્ડફીલ્ડે (KGFએ) ઊંડાં ખનન, શૈલ-સ્ફોટ (rock burst), સંવાતન વગેરે પ્રશ્નો હાથ ધર્યા હતા. ભારતના કોલસાક્ષેત્રમાં કોલસાની ખાણમાં રેતીપુરાણ (sand- stowing) અને અવતલન, સ્વત:તાપન અને આગ વગેરે પ્રશ્નો ઉપર થોડું સંશોધન હાથ પર લેવામાં આવ્યું હતું.
સરકારે સ્થાપેલ કોલ માઇન્સ સ્ટોવિંગ બોર્ડે દ્રવચાલિત (hydraulic) રેતીપૂરણ-પદ્ધતિ ઉપર સંશોધન કર્યું હતું. આ પછી 1947માં ધનબાદમાં સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(CFRI)ની સ્થાપના કરવામાં આવેલી. ત્યાં 1955માં સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ સ્ટેશન (CMRS) સ્થાપવામાં આવેલ. કોલસાની ખાણોના રાષ્ટ્રીયકરણ પછી કોલ ઇન્ડિયાની તેની વિવિધ શાખાઓ સાથે સ્થાપના કરવામાં આવી હતી. આમાંની એક શાખા સેન્ટ્રલ માઇન પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ(CMPDIL)માં ઇન્ડિયન સ્કૂલ ઑવ્ માઇન્સ, બનારસ હિંદુ યુનિવર્સિટી અને આઇ.આઇ.ટી.ના સહકારમાં સંશોધન તથા વિકાસપ્રવૃત્તિઓ ચાલે છે.
કોઈ પણ ઉદ્યોગને ટકવા માટે, વિકાસ માટે, સંશોધન તથા વિકાસ-પ્રવૃત્તિ ઉત્પાદન જેટલું જ મહત્વ ધરાવે છે.
નીચેની સંસ્થાઓનાં પ્રકાશનો આ વિષયમાં વિશેષ અભ્યાસ માટે ઉપલબ્ધ છે : (1) ડિરેક્ટર જનરલ ઑવ્ માઇન્સ સેફ્ટી (ધનબાદ), (2) સેન્ટ્રલ રિસર્ચ સ્ટેશન (ધનબાદ), (3) CMPDIL (રાંચી), (4) ઇન્ડિયન સ્કૂલ ઑવ્ માઇન્સ (ધનબાદ), (5) કોલ ઇન્ડિયા લિમિટેડ તથા તેની શાખાઓ, (6) MGMI(કૉલકાતા), (7) નૅશનલ કાઉન્સિલ ફૉર સેફ્ટી ઇન માઇન્સ (ધનબાદ), (8) માઇનિંગ એન્જિનિયર્સ હૅન્ડબુક – રૉબર્ટ પીલ.
કનૈયાલાલ બાલાશંકર ભટ્ટ
અનુ. જ. પો. ત્રિવેદી