ઍરોમેટિક સંયોજનો : ઍરોમેટિક લાક્ષણિકતા (aromaticity) દર્શાવતાં ચક્રીય કાર્બનિક સંયોજનો. ઍરોમેટિક સંયોજનોમાંનું સાદામાં સાદું સંયોજન બેન્ઝિન હોઈ બેન્ઝિનનું માળખું ધરાવનાર સંયોજનોને ઍરોમેટિક સંયોજનો ગણવામાં આવે છે. આ શાખાના અભ્યાસની શરૂઆત તેનાથી થઈ હતી. આથી ઍરોમેટિસિટી એટલે બેન્ઝિનના ગુણધર્મોનો સરવાળો એમ સાદી ભાષામાં કહી શકાય. આ ઉપરાંત બેન્ઝિનનું માળખું નહિ ધરાવનાર ફેરોસીન જેવા અબેન્ઝિનૉઇડ (non-benzonoid) સંયોજનોને તથા કેટલીય વિષમ ચક્રીય પ્રણાલીયુક્ત સંયોજનોને બેન્ઝિન જેવી લાક્ષણિકતા ધરાવવાને કારણે ઍરોમેટિક સંયોજનોના વર્ગમાં સમાવવામાં આવે છે. બેન્ઝિનમાં ત્રણ દ્વિબંધ હોવા છતાં તે વિસ્થાપન-પ્રક્રિયા અને સ્થાયિતા દર્શાવે છે, જે ઍરોમેટિસિટીની પ્રમુખ લાક્ષણિકતા ગણાય. અણુકક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરીને સ્થાયિત્વના આ ગુણને p-ઇલેક્ટ્રૉનની સંખ્યા સાથે સાંકળવામાં આવે છે. n.m.r. વર્ણપટ ઉપરની અસરના સંદર્ભમાં પણ ઍરોમેટિક લાક્ષણિકતાને વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જ હોય તેવાં સંયોજનો ઍરોમેટિક હાઇડ્રૉકાર્બન તરીકે ઓળખાય છે. વલયમાં કાર્બનને બદલે N, S, O વગેરે તત્ત્વો વલયના સભ્ય તરીકે હોય તેવાં સંયોજનો વિષમચક્રીય સંયોજનો તરીકે ઓળખાય છે, દા. ત. પિરિડીન C6H5N.

બેન્ઝિન સૌપ્રથમ 1825માં ફૅરડેએ બળતણ વાયુમાંથી મેળવ્યું. તેનું સૂત્ર C6H6 નક્કી કરવામાં આવ્યું હતું. છ કાર્બનવાળા સંતૃપ્ત હાઇડ્રૉકાર્બનનું સૂત્ર C6H14 થાય. આ ઉપરથી સહેજે અનુમાનક્ષણિક પ્રક્રિયા હોવી જોઈએ. સામાન્ય અસંતૃપ્ત પદાર્થ 0o સે. પર પણ બ્રોમીન સાથે કરી શકાય કે બેન્ઝિન અસંતૃપ્ત પદાર્થ હોવો જોઈએ અને આ અસંતૃપ્તતાને કારણે તે ઘણો ક્રિયાશીલ પદાર્થ હોવો જોઈએ. તેનું ઉપચયન ત્વરિત થવું જોઈએ અને યોગશીલ પ્રક્રિયાઓ તેની લા યોગશીલ પ્રક્રિયા આપે છે અને પોટૅશિયમ પરમૅંગેનેટના આલ્કલીયુક્ત ઠંડા દ્રાવણ સાથે પણ પ્રક્રિયા કરે છે. આમાંની કોઈ પ્રક્રિયા બેન્ઝિન આપતું નથી. બેન્ઝિન-વલય પર ગરમીની અસર થતી નથી, તે સ્થાયી છે. તેનું વિઘટન કે તેમાં પુનર્વિન્યાસ (rearrangement) થતો નથી. કેટલાંય ચક્રીય સંયોજનોનું અવક્રમણ (degradation) કરતાં છેવટે બેન્ઝિન-વલયનું નિર્માણ સરળ છે. દા.ત., કૅમ્ફર(કપૂર)ને ફૉસ્ફરસ પેન્ટૉક્સાઇડ સાથે ગરમ કરતાં p-સાયમીન મળે છે. બેન્ઝિન યોગશીલના બદલે વિસ્થાપન-પ્રક્રિયાઓ આપે છે. બ્રોમીન સાથે બ્રોમોબેન્ઝિન, સલ્ફ્યુરિક ઍસિડ સાથે બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ તથા નાઇટ્રિક ઍસિડ સાથે નાઇટ્રોબેન્ઝિન બને છે. વળી બેન્ઝિન તેની સાથે જોડાયેલા સમૂહના ગુણધર્મો ઉપર પણ મૂળગામી અસરો કરે છે; દા. ત., બેન્ઝિન સાથે જોડાયેલો -OH સમૂહ ઍસિડિક ગુણો દર્શાવે છે. બેન્ઝિન-વલય સાથે જોડાયેલો હેલોજન લગભગ નિષ્ક્રિય હોય છે. -NH2 સમૂહ ઓછી બેઝિકતા દર્શાવે છે અને તેનું નાઇટ્રસ ઍસિડ સાથે ડાયાઝોનિયમ લવણમાં રૂપાંતર થઈ શકે છે. આ બધા ગુણો સંતૃપ્ત કે અસંતૃપ્ત એલિફેટિક અને એલિસાઇક્લિક સંયોજનોમાં માલૂમ પડતા નથી. આ બધી લાક્ષણિકતાઓનો સરવાળો એટલે ઍરોમેટિસિટી. આ બધી લાક્ષણિકતાઓને સમજાવી શકે તેવું બેન્ઝિન માટેનું યોગ્ય અણુ-બંધારણ શોધી કાઢવામાં અડધી સદી વીતી ગઈ હતી.

બેન્ઝિન અને તેની સાથે સંબંધિત સંયોજનો શરૂઆતમાં લોબાન અને તજનું તથા લવિંગનું તેલ જેવા સુગંધિત પદાર્થોમાંથી મેળવવામાં આવ્યાં હતાં. તેથી તેમના સમૂહને ઍરોમેટિક (aroma = સુગંધ) સમૂહ એવું નામ આપવામાં આવ્યું હતું.

1861માં લોશ્મિટ નામના ઑસ્ટ્રિયન રસાયણશાસ્ત્રીએ એવું તારવ્યું કે બધાં જ ઍરોમેટિક સંયોજનો બેન્ઝિનના અણુમાં આવેલાં એક કે વધુ હાઇડ્રોજનનું વિવિધ ક્રિયાશીલ સમૂહો વડે વિસ્થાપન કરીને મેળવી શકાય છે. આથી તેઓ બેન્ઝિનનાં વ્યુત્પન્નો તરીકે ઓળખાવા લાગ્યાં. 1930 પછી ઍરોમેટિક લાક્ષણિકતાનો ખ્યાલ વધુ વિસ્તૃત બન્યો અને બેન્ઝિન પ્રણાલીવાળા (benzenoid) અને બેન્ઝિન પ્રણાલી વગર(nonbenezenoid)ના ઉપરની લાક્ષણિકતા દર્શાવતા પદાર્થો પણ ઍરોમેટિક સંયોજનો તરીકે ઓળખાય છે.

બેન્ઝિનનું બંધારણ : જર્મન રસાયણશાસ્ત્રી ફ્રેડ્રિક ઑગસ્ટ કેકુલેએ 1865માં એવું સૂચવ્યું કે બેન્ઝિનનો દરેક કાર્બન નિયમિત સમતલીય ષટ્કોણના ખૂણા પર આવેલો હોય છે અને દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન સંયોજાયેલો હોય છે. કાર્બન ચતુ:સંયોજક છે અને તેની ચાર સંયોજકતા પૂર્ણ રીતે વપરાયેલી બતાવવા તેણે એકાંતરે ત્રણ દ્વિબંધવાળી નીચે પ્રમાણેની રચના દર્શાવી :

કેકુલે લખે છે કે બેન્ઝિનના છ કાર્બન ગોઠવવા અંગે ખૂબ માનસિક ગડમથલ કરતાં શ્રમને કારણે તેને ઝોકું આવી ગયેલું અને આ સ્વપ્નસ્થ અવસ્થામાં તેણે તેની નજર સામે સાપોલિયાંને રમતાં રમતાં એકબીજાનાં પૂંછડાં પકડતાં જોયાં. છેવટે એક સાપે છઠ્ઠા સાપનું પૂંછડું મોઢામાં લીધું અને આ ચક્ર તેની નજર સમક્ષ ફરવા માંડ્યું. તુરત તે ઝબકી ગયો અને ચક્રરૂપ ગોઠવણીના ગર્ભિતાર્થો સમજવામાં આખી રાત વિતાવી. બેન્ઝિનની આ બંધારણીય સંરચનામાં 6 કાર્બન ભૌમિતિક અને રાસાયણિક રીતે સમાન હોવાથી એક હાઇડ્રોજનના વિસ્થાપનથી જે નીપજ મળે તે ફક્ત એક જ હોય છે; દા. ત., મૉનોક્લોરોબેન્ઝિન, મૉનોબ્રોમોબેન્ઝિન વગેરે એક જ સમઘટક ધરાવે છે.

ઉપરનું સૂત્ર નીચેની બાબતો સમજાવી શકતું નથી. અન્ય અસંતૃપ્ત સંયોજનોની જેમ બેન્ઝિન સામાન્ય તાપમાને બ્રોમિન સાથે પ્રક્રિયા કરી તેનો રંગ દૂર કરી શકતું નથી તેમ જ તે બે ઑર્થોદ્વિવિસ્થાપિત સંયોજનો બનાવતું હોવું જોઈએ; કારણ કે તે સૂત્રમાં 1, 2 અને 1, 6 જગ્યાઓ એકસરખી નથી. પણ હકીકતમાં તે આવું એક જ સંયોજન આપે છે. 1872માં કેકુલેએ દર્શાવ્યું કે બેન્ઝિનમાંના એકાંતરે રહેલા ત્રણ દ્વિબંધ નીચે પ્રમાણે આંદોલન પામતા હોય છે :

1, 2 અને 1, 6 જગ્યાઓ એકસરખી બને છે અને તેથી એક જ 0-દ્વિવિસ્થાપિત સંયોજન મળે છે. બેન્ઝિનના બંધારણની આધુનિક સંકલ્પના, કેકુલેના બેન્ઝિનના બંધારણથી જુદી પડે છે. આમ છતાં તેણે આપેલું સૂત્ર હજુ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. બેન્ઝિનનો અણુ બે બંધારણોની આંદોલિત સ્થિતિમાં દર્શાવવાને બદલે તેને બંનેના સંસ્પંદન સંકરણ (resonance hybrid) તરીકે દર્શાવાય છે. બેન્ઝિનમાં બંધ અંતર (C-C, 1.39 Å) છે, જે એક બંધ (C-C, 1.54 Å) અને દ્વિબંધ(C-C, 1.39 Å)ની વચ્ચે છે અને બધા જ C-C બંધ એકસરખા છે. બધા જ કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓ સમતલીય છે અને બધા જ બંધ-ખૂણાઓ 120oના છે. બીજી રીતે જોતાં બેન્ઝિન-વલયના 6 કાર્બન પરમાણુઓ sp2 સંકરણ રચે છે. (sp2 hybridisation); જેમાં દરેક કાર્બન પરમાણુના ત્રણ sp² સંકર બંધમાંના બે પડોશી કાર્બન સાથે જોડાઈ બે બંધ રચે છે અને એક H સાથે σ બંધ એમ કુલ ત્રણ σ બંધ રચે છે. કક્ષક Pz, વલયના તલના કાટખૂણે આવેલ છે, જે π બંધ રચે છે. 6 Cના 6 p ઇલેક્ટ્રૉન બેન્ઝિનના તલના ઉપર-નીચે સમયિત ઇલેક્ટ્રૉન વાદળ રચે છે. આ અસરથી બેન્ઝિનમાં કોઈ પણ બે પડોશી કાર્બન વચ્ચે એકસરખું આકર્ષણ જોવા મળે છે, એટલે કે બે પડોશી C-C બંધ વચ્ચેનું અંતર એકસરખું એટલે કે 1.39 Å જેટલું થાય તે બાબત સ્પષ્ટ થાય છે. આ પ્રકારનું બેન્ઝિનનું સૂત્ર નીચે પ્રમાણે રજૂ કરી શકાય. આ સૂત્ર સામાન્ય વપરાશમાં ઉપયોગી નથી :

આકૃતિ

પરંતુ દરેક કાર્બન પર ઇલેક્ટ્રૉનભાર એકસરખો બતાવવા બેન્ઝિન ષટ્કોણ દોરી વચમાં વર્તુળ દોરવામાં આવે છે:

નામકરણ : બેન્ઝિન પ્રણાલીવાળા ઍરોમેટિક હાઇડ્રૉકાર્બનો ‘એરિન્સ’ (arenes) તરીકે પણ ઓળખાય છે. મોટાભાગનાં સંયોજનોને તેમના સામાન્ય નામથી ઓળખવામાં આવે છે :

દ્વિવિસ્થાપિત બેન્ઝિન સંયોજનાના ત્રણ સમઘટકો શક્ય છે; દા. ત., (o) ઑર્થો, (m) મેટા અને (p) પેરા – ડાયમિથાઇલ બેન્ઝિન. તેમને અનુક્રમે o-ઝાયલીન, m-ઝાયલીન અને p-ઝાયલીન કહેવામાં આવે છે :

ફિનાઇલ અને બેન્ઝાઇલ સમૂહો સાધારણ રીતે ઍરોમેટિક સંયોજનોનાં નામો સાથે વપરાય છે; જેમ કે,

ભૌતિક ગુણધર્મો : ઍરોમેટિક હાઇડ્રૉકાર્બન સંયોજનોમાં ઓછામાં ઓછા 6 કાર્બન પરમાણુ હોવાને લીધે સામાન્ય તાપમાને તે વાયુરૂપ હોતા નથી. બેન્ઝિન, p-ઝાયલીન, ડ્યુરીન અને હેક્ઝામિથાઇલ બેન્ઝિનમાં સમરૂપરચના હોવાથી તેમના ગ. બિંદુઓ અસમરૂપવાળાં ઍરોમેટિક સંયોજનો કરતાં ઊંચાં હોય છે. નીચે કોઠા(1)માં કેટલાંક ઍરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોનાં ગ.બિંદુ અને ઉ.બિંદુ આપેલાં છે :

       કોઠા નં. 1 : બેન્ઝિન અને મિથાઇલ બેન્ઝિનનાં .બિંદુ અને .બિંદુ

નામ સૂત્ર .બિંદુ

0o સે.

.બિંદુ

0o સે.

બેન્ઝિન C6H6 80.1 + 5.5
ટોલ્યુઇન C6H5CH3 110.6          – 95
o-ઝાયલીન 1, 2(CH3)2C6H4 144 – 25
m-ઝાયલીન 1, 3(CH3)2C6H4 139.1 – 48
p-ઝાયલીન 1, 4(CH3)2C6H4 138.4 + 13
હેમીમીલેટિન 1, 2, 3(CH3)3C6H3 176.1 – 25
સ્યૂડો ક્યૂમિન 1, 2, 4(CH3)3C6H3 169.4 – 44
મેસિટીલીન 1, 3, 5(CH3)3C6H3 164.7 – 45
ત્રિનીટીન 1, 2, 3, 4(CH3)4C6H2 205 – 6
આઇસોડ્યુરીન 1, 2, 3, 5(CH3)4C6H2 198 – 24
ડ્યુરીન 1, 2, 4, 5(CH3)4C6H2 197 + 80
પેન્ટામિથાઇલ બેન્ઝિન C6H(CH3)5 232 + 54
હેક્ઝામિથાઇલ બેન્ઝિન C6(CH3)6 265 + 166

આલ્કેન્સ કરતાં ઍરોમેટિક હાઇડ્રૉકાર્બનો વધુ પ્રમાણમાં દ્રાવક તરીકે વપરાય છે, પણ તેમના વપરાશ દરમિયાન ખૂબ કાળજી રાખવી જરૂરી છે. કારણ તે જ્વલનશીલ અને વિષાળુ હોય છે. બેન્ઝિનનું શરીરમાં ઉપચયન (oxidation) મુશ્કેલ હોઈ તે વધુ વિષાળુ હોય છે. તે રક્ત કૅન્સર કરે છે.

પ્રાપ્તિ અને સંશ્લેષણ : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ઇંગ્લૅન્ડ અને જર્મનીમાં ઍરોમેટિક સંયોજનોનાં સંશોધનોમાં સારું એવું કાર્ય થયું હતું; કારણ કે તે દેશોમાં કોલસાના કાર્બનીકરણથી કોલવાયુ અને કોક મેળવવામાં આવતો, જેની સાથે કોલસાનો ડામર પણ મળતો. તેમાં 25 % ઍરોમેટિક હાઇડ્રૉકાર્બન ઉપરાંત અન્ય સંયોજનો મળતાં. હાલમાં 80 % ઉપરાંત ઍરોમેટિક હાઇડ્રૉકાર્બન પેદાશો પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થાય છે. કેટલાંક આલ્કેન્સનું ઉદ્દીપકની હાજરીમાં વિહાઇડ્રોજનીકરણ કરતાં મેળવી શકાય છે.

અન્ય ઍરોમેટિક હાઇડ્રૉકાર્બન બેન્ઝિનમાંથી સંશ્લેષણ દ્વારા મેળવવામાં આવે છે :

રાસાયણિક પ્રક્રિયાઓ : ઍરોમેટિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયા ઇલેક્ટ્રૉન-અનુરાગી (electrophilic) વિસ્થાપન છે. તેમાં ઍરોમેટિક હાઇડ્રોજનનું પરમાણુ અથવા સમૂહથી વિસ્થાપન થાય છે. મુખ્ય વિસ્થાપન-પ્રક્રિયાઓ નીચે દર્શાવી છે :

ઉપરની પ્રક્રિયાઓને આગળ વધારી બીજા હાઇડ્રોજનોનું વિસ્થાપન કરી શકાય છે; દા. ત., ક્લૉરોબેન્ઝિનનું ક્લોરિનેશન અને નાઇટ્રેશન.

વિસ્થાપન-પ્રક્રિયાથી મળતાં ઍરોમેટિક સંયોજનો ઉદ્યોગમાં ઉપયોગી હોય છે. તેમાંથી સંશ્લેષિત રંગો, પ્લાસ્ટિક રેસાઓ, દવાઓ વગેરે બનાવી શકાય છે. ઍરોમેટિક હાઇડ્રૉકાર્બન સંયોજનો સાથે યોગશીલ પ્રક્રિયા પણ શક્ય છે.

બેન્ઝિન હેક્સાક્લોરાઇડનો γ – સમઘટક કીટનાશક ગુણો ધરાવે છે. તેથી મોટા પ્રમાણમાં કીટનાશક તરીકે વપરાય છે. (BHC, લિન્ડેન)

બહુવલયી ઍરોમેટિક હાઇડ્રોકાર્બન : એક કરતાં વધુ બેન્ઝિન વલયવાળાં ઍરોમેટિક સંયોજનોમાં એક વલય સીધા બીજા વલય સામે, અથવા વચમાં કાર્બન પરમાણુ પરમાણુઓ મારફતે અથવા સંઘનિત (condensed)રૂપે જોડાયેલ હોય છે :

ઉદ્યોગમાં સંઘનિત વલયયુક્ત સંયોજનો વધુ ઉપયોગી છે. તે સુંદર સ્ફટિકમય હોય છે અને કોલટારમાંથી મળે છે. નેપ્થેલીનનું પ્રમાણ 10 % અથવા કુલ મળતા ઍરોમેટિક હાઇડ્રૉકાર્બનના 40 % હોય છે. નેપ્થેલીનનો મુખ્ય ઉપયોગ પ્લાસ્ટિક અને રેઝિન ઉદ્યોગમાં થાય છે. તે ઉપરાંત આ સંયોજનો સંશ્લેષિત રંગકો, કીટનાશકો અને દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. એન્થ્રેસીન કોલસામાંથી મળે છે અને તે સંશ્લેષિત રંગો બનાવવામાં ઉપયોગી છે. ફિનેન્થ્રીન હાઇડ્રોજિનેટેડ સ્વરૂપમાં સ્ટેરોઇડ હોરમોન્સમાં મળી આવે છે. ડાયબેન્ઝએન્થ્રેસીનથી તથા બીજા વધુ સંઘનિત વલયો ધરાવતા હાઇડ્રૉકાર્બનથી ચામડીનું કૅન્સર થાય છે.

બેન્ઝિન પ્રણાલી વગરનાં ઍરોમેટિક હાઇડ્રૉકાર્બન સંયોજનો : છ કાર્બન પરમાણુવાળા વલયમાં એકાંતરે દ્વિબંધને લીધે ઍરોમેટિક ગુણધર્મ છે. તેમ નક્કી થયા પછી તેનાથી ઓછા અથવા વધુ કાર્બન પરમાણુવાળા વલયોમાં એકાંતરે દ્વિબંધ હોય તો તેમાં આ ગુણધર્મ હોય છે કે નહિ તે નક્કી કરવા આવાં સંયોજનોનું પ્રયોગશાળામાં સંશ્લેષણ થવા માંડ્યું. સાઇક્લોબ્યુટાડાઇન(4-કાર્બન પરમાણુનું વલય)નું સંશ્લેષણ હજુ સુધી શક્ય બન્યું નથી, પણ વિલસ્ટાટરે (1915ના નોબેલ પારિતોષિકવિજેતા) સાઇક્લોઑક્ટાટેટ્રાઇનનું પ્રયોગશાળામાં પ્રથમ વાર સંશ્લેષણ કર્યું અને પુરવાર કર્યું કે તે સ્થિર છે પણ તે બેન્ઝિનની જેમ સમતલીય સંરચના ધરાવતું નથી અને ઍરોમેટિક ગુણધર્મ પણ ધરાવતું નથી, કારણ કે તે બ્રોમિન સાથે સહેલાઈથી યોગશીલ પ્રક્રિયા કરી શકે છે. તેનો આકાર ટબ જેવો હોય છે.

ઍરોમેટિક ગુણધર્મ ધરાવતાં બેન્ઝિન-પ્રણાલી વગરના હાઇડ્રૉકાર્બન પણ જાણીતા છે. એરિક હ્યુકેલ નામના જર્મન રસાયણશાસ્ત્રીએ અણુકક્ષક સિદ્ધાંત ઉપરથી એવું પ્રમાણિત કર્યું કે સમતલીય ચક્રીય સંયોજનોમાં જો એકાંતરે દ્વિબંધયુક્ત પ્રણાલી હોય અને તે પ્રણાલીના π ઇલેક્ટ્રૉનનો સરવાળો (4n + 2) π જ્યાં n = 0, 1, 2, 3, 4 વગેરે હોય તો તે પ્રણાલી અચૂક ઍરોમેટિક વર્તણૂક બતાવશે. આથી સાઇક્લોઑક્ટાટેટ્રાઇન જે 8π ઇલેક્ટ્રૉન પ્રણાલીયુક્ત છે, તે ઍરોમેટિક ગુણધર્મ ધરાવતું નથી. બેન્ઝિનમાં 6π ઇલેક્ટ્રૉન છે. તેથી તે ઍરોમેટિક ગુણધર્મ ધરાવે છે. એઝ્યુલીન C10H8 જે નેપ્થેલીનનો સમઘટક છે અને જેમાં 10π ઇલેક્ટ્રૉન છે તે ઍરોમેટિક ગુણધર્મ ધરાવે છે.

સાઇક્લોડેકાપેન્ટેઇનમાં 10 p ઇલેક્ટ્રૉનની સમતલીય ચક્રીય રચના અને એકાંતરે દ્વિબંધ પ્રણાલી હોવાથી તે હ્યુકેલના નિયમ મુજબ ઍરોમેટિક વર્તણૂક બતાવે છે, પણ તેને પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવો અતિ મુશ્કેલ છે; કારણ કે વલયમાં વચ્ચેના બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે અવકાશીય અવરોધ હોય છે.

હવે જો આ રચનામાં બે હાઇડ્રોજનની જગ્યાએ બંધ હોય તો તે નેપ્થેલીનની રચના થાય, જે ઍરોમેટિક છે. તેવી જ રીતે જો બે હાઇડ્રોજનને બદલે મિથિલીન સમૂહ હોય તો જે સંયોજન બને તેમાં પણ 10p ઇલેક્ટ્રૉન રહે છે અને તે ઍૅરોમેટિક ગુણધર્મ બતાવે છે. મોટા સમતલીય ચક્રીય અને એકાંતરે દ્વિબંધ પ્રણાલીવાળાં સંયોજનો ઍન્યુલીન તરીકે ઓળખાય છે. 14 અને 18π ઇલેક્ટ્રૉન પ્રણાલીવાળાં હાઇડ્રૉકાર્બન પણ હ્યુકેલના નિયમ પ્રમાણે ઍરોમેટિક વર્તણૂક દર્શાવે છે અને 16થી 20p ઇલેક્ટ્રૉન પ્રણાલીવાળા હાઇડ્રૉકાર્બનથી વધારે સ્થિર છે.

હાઇડ્રૉકાર્બન સંયોજનોમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓ જ હોય છે છતાં તેમના પરમાણુઓની વિવિધ ગોઠવણીને લીધે તે કાર્બનિક સંયોજનોનો એક વર્ગ રચી શકે છે. તેના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોઈ શકે છે. આ હાઇડ્રૉકાર્બનના એક કે વધુ હાઇડ્રોજનનું વિવિધ ક્રિયાશીલ સમૂહો વડે વિસ્થાપન કરવાથી વિવિધ સમાનધર્મી શ્રેણીઓ રચાય છે; દા. ત., આલ્કાઇલ, હેલોજન, હાઇડ્રૉક્સિલ, કાર્બોનીલ, કાબૉર્ક્સિલિક, નાઇટ્રો, ઍમિનો, સલ્ફૉનિક વગેરે સમૂહોવાળાં સંયોજનોની સમાનધર્મી શ્રેણીઓ બને છે.

કુંજબિહારી નટવરલાલ ત્રિવેદી