એનોનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – રાનેલિસ, કુળ – એનોનેસી. આ કુળમાં લગભગ 75 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ મોટેભાગે ઉષ્ણકટિબંધમાં થતી હોવા છતાં કેટલીક જાતિઓ સમશીતોષ્ણ આબોહવામાં પણ જોવા મળે છે. Annona squamosa (સીતાફળ), A. muricata (મામફળ), A. reticulata (રામફળ), Artabotrys odoratissima (લીલો ચંપો), Polyalthia longifolia (આસોપાલવ), Cananga odorata (કનંગ), Millusa velutina (ઊભો) વગેરે આ કુળની જાણીતી વનસ્પતિઓ છે.

આ કુળની વનસ્પતિઓ મુખ્યત્વે વૃક્ષ, ક્ષુપ કે કાષ્ઠીય આરોહી (દા. ત., Uvaria, Artabotrys) હોય છે. પ્રકાંડમાં આવેલી તૈલી નલિકાઓને કારણે તેમનું કાષ્ઠ સુગંધિત હોય છે. દ્વિતીય બાહ્યક(secondary cortex)માં મૃદુ રસવાહિની(soft bast)ની સાથે એકાંતરે ગોઠવાયેલા ર્દઢોતક(sclerenchyma)નાં વલયો જોવા મળે છે. જલવાહિની(tracheid)માં અસ્પષ્ટ પરિવેશિત ગર્તો (bordered pits) હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, અનુપપર્ણીય (exstipulate) અને અખંડિત હોય છે. પર્ણો તૈલી નલિકાઓ ધરાવે છે.

પુષ્પવિન્યાસ મોટેભાગે એકાકી પરિમિત હોય છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી (hypogynous), સુગંધિત અને ત્રિઅવયવી હોય છે. Monodoraમાં પુષ્પ અનિયમિત હોય છે. પરિદલપુંજ ત્રણ કે તેથી વધારે ચક્રોનો બનેલો હોય છે અને પ્રત્યેક ચક્રમાં સામાન્યત: ત્રણ પરિદલપત્રો જોવા મળે છે. બહારનાં ચક્રો વજ્રસશ (sepaloid), મખમલી, મુક્ત અથવા તલસ્થ ભાગેથી જોડાયેલાં, અને ધારાસ્પર્શી (valvate) હોય છે. અંદરનાં ચક્રો દલાભ (petaloid) ધારાસ્પર્શી કે કોરછાદી (imbricate) હોય છે.

એનોનેસી : લીલો ચંપો (Artabotrys odoratissima) : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પ, (ઇ) વજ્રપત્રો, (ઈ) દલપત્રો, (ઉ) બાહ્ય અને અંત:દલપત્ર, (ઊ) પુંકેસર, (ઋ) સ્ત્રીકેસર, (એ) ફળ, (ઐ) પુષ્પીય આરેખ

પુંકેસરચક્ર અસંખ્ય મુક્ત પુંકેસરોનું બનેલું હોય છે. આ પુંકેસરો શંકુ આકારનાં પુષ્પાસન ઉપર કુંતલાકારે ગોઠવાયેલાં જોવા મળે છે. તેમના તંતુઓ ટૂંકા અને જાડા હોય છે. પરાગાશયો લાંબા અને બહિર્મુખી (extrose) હોય છે. તેઓ વિશિષ્ટ લાંબી છિન્નત (truncate) યોજી ધરાવે છે. સ્ત્રીકેસરચક્ર અસંખ્ય કે થોડાં મુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. તેઓ પુષ્પાસન ઉપર કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે. Monodoraમાં યુક્ત સ્ત્રીકેસરચક્ર હોય છે. પ્રત્યેક સ્ત્રીકેસર એક અથવા વધારે અધોમુખી (anatropous) અંડકો ધરાવે છે.

ફળ અનષ્ઠિલ સમૂહફળ (aggregate of berries) પ્રકારનું હોય છે. સીતાફળમાં ફલિકાઓ પરસ્પર જોડાઈ એક સંયોજિત ફળ બનાવે છે. બીજ મોટાં, ચળકતાં, સફેદ માંસલ, ગરમાં ખૂંપેલાં અને ભ્રૂણપોષી (endospermic) હોય છે. ભ્રૂણપોષ રેસાભેદિત (ruminated)  અથવા કરચલીયુક્ત હોય છે.

આ કુળ મૅગ્નોલિયેસી કુળ સાથે સંબંધ ધરાવે છે. પરંતુ અનુપપર્ણીય પર્ણો, ધારાસ્પર્શી દલપુંજ, બહિર્મુખી પરાગાશયો અને રેસાભેદિત ભ્રૂણપોષ દ્વારા મૅગ્નોલિયેસી કુળથી અલગ તારવી શકાય છે. આ કુળ દ્વિદળીનાં આદ્ય કુળો પૈકીમાંનું એક છે.

આ કુળની Annona પ્રજાતિનાં ફળો ખાદ્ય છે. સીતાફળના રસમાંથી શરબત, પીણાં, જેલી વગેરે બનાવવામાં આવે છે. Asimina triloba તેનાં ખાદ્ય ફળો માટે ઉગાડવામાં આવે છે. કનંગ(Cananga odorata)માંથી કનંગ તેલ મળે છે. Artabotrys odoratissima અને Annona discolor તેમનાં સુગંધિત પુષ્પો માટે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. Monodora myristica કેટલીક વાર જાયફળ તરીકે વાપરવામાં આવે છે.

અનુપમા ચિંચલીકર

જિજ્ઞા ત્રિવેદી

બળદેવભાઈ પટેલ