ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધો : ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં શર્કરાસમૂહયુક્ત ફ્લેવોનૉઇડ સંયોજનો. સેન્ટ જૉર્જ તથા તેમના સાથીદારોએ જોયું કે કુદરતી સ્રોતમાંથી પ્રાપ્ત કરેલા વિટામિન-સીની એક બનાવટ રક્તવાહિનીની દીવાલોને વિટામિન-સી કરતાં વધુ મજબૂતાઈ પૂરી પાડે છે. આ બનાવટમાં રહેલો અજાણ્યો પદાર્થ લીંબુમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યો અને તેને સાઇટ્રિન નામ આપવામાં આવ્યું. તે પછી આ ક્રિયાશીલ પદાર્થનો પેપરિકા નામનો એક અન્ય સ્રોત પણ શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા પણ આવા પદાર્થો શોધી કાઢવામાં આવ્યા છે. આ ક્રિયાશીલ પદાર્થો રક્તવાહિનીની મજબૂતાઈ, તેની રક્ત વહન કરવાની શક્તિ અથવા પારગમ્યતા (permeability-P) વધારતા હોવાથી તેમને વિટામિન-સીથી અલગ કરવા જરૂરી હતા. આ પદાર્થોને શરૂઆતમાં વિટામિન-પી તરીકે ઓળખાવવામાં આવ્યા.
જેમ વિટામિન-સીની ઊણપથી સ્કર્વી નામનો રોગ થાય છે તેમ વિટામિન-પીની ઊણપથી પણ આ રોગ થઈ શકે છે. સ્કર્વીમાં મુખ્યત્વે પેઢામાં રક્તસ્રાવ થાય છે તથા શરીર પર ચામઠાં પડી જાય છે અને ઘૂંટણના સાંધામાં સોજો આવે છે. આ તકલીફોનું મૂળ આંતરિક રક્તસ્રાવ છે. રોગને લીધે રક્તવાહિનીઓની દીવાલો એટલી તો પોચી અને નાજુક બની જાય છે કે તેને જરા સરખો ધક્કો કે ઝટકો લાગતાં તે તૂટી જાય છે અને તેમાંથી લોહી વહેવા લાગે છે, જે રક્તસ્રાવ (haemorrhage) કહેવાય છે. ચામડીની નીચે જામી ગયેલું આવું લોહી ચામઠાં તરીકે શરીર પર દેખા દે છે. ઘૂંટણના સાંધાઓમાં પણ આંતરિક રક્તસ્રાવને કારણે સોજો આવે છે. કલેજું, જઠર, આંતરડાં જેવા શરીરના અન્ય અવયવોમાં પણ સ્કર્વીને કારણે આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે. સંશોધન દ્વારા એમ પુરવાર થયું છે કે સ્કર્વીના રોગીને જો વિટામિન-સી સાથે વિટામિન-પી આપવામાં આવે તો રોગીમાં ઝડપી સુધારો આવે છે.
તે પછી એમ પણ માલૂમ પડ્યું કે કુદરતી રીતે મળતા ઘણા પદાર્થો વિટામિન-પી જેવી ક્રિયાશીલતા ધરાવે છે. આ બધામાં રાસાયણિક રીતે સામ્ય એ હતું કે તેઓ ‘ફ્લેવૉન (flavone)’ વર્ગના હતા. કુદરતી રીતે મળતાં આવાં રસાયણોને બાયોફ્લેવૉન અને પછી બાયફ્લેવોનૉઇડ તરીકે ઓળખવામાં આવ્યા. આમ કરવાનું મુખ્ય કારણ એ હતું કે આ બધા પદાર્થો કે સંયોજનોની વિટામિન-પી તરીકેની ક્રિયાશીલતા એકસરખી જોવા મળતી ન હતી.
રાસાયણિક સંરચના : વિટામિન-પીની ચોક્કસ રાસાયણિક સંરચના જાણી શકાઈ નથી, પણ જેમની ક્રિયા (activity) વિટામિન-પીને મળતી આવતી હોય તેવાં ઘણાં સંયોજનો શોધી કાઢવામાં આવ્યાં છે. રાસાયણિક રીતે તેઓ ફ્લેવૉન પ્રકારનાં છે અને તેઓ સાથે ગ્લુકોઝની અણુરચના જોડાયેલી હોવાથી તે ફ્લેવૉન ગ્લૂકોસાઇડ તરીકે ઓળખાય છે. આવાં સંયોજનોનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે અને ઔષધ તરીકે વપરાતાં ત્રણ ખાસ સંયોજનો શોધી કાઢવામાં આવ્યા છે; જેમાં રુટિન (rutin) (ક્વર્સિ ગ્લુકોસાઇડ), ક્વર્સિટીન (quercetin) તથા હેસ્પેરિડીન(hesperidin)નો સમાવેશ થાય છે.
ઉપરના તથા અન્ય શોધાયેલા પદાર્થો મોટાભાગે પાણીમાં અદ્રાવ્ય હોય છે અને મોટેભાગે પીળા વર્ણકો (pigments) તરીકે વનસ્પતિનાં લીલાં પર્ણો તથા ફળોમાં છૂટથી વેરાયેલાં મળી આવે છે.
પ્રાણીઓમાં જોવા મળતી ઔષધીય અસરો (pharmacology) : એવું પ્રતિપાદિત કરાયું છે કે જો તંદુરસ્ત પ્રાણીને આ પ્રકારના ફ્લેવોનૉઇડ્ઝ ગ્લાયકોસાઇડ આપવામાં આવે તો તેની રક્તવાહિનીની નબળાઈ ઘટે છે અને તે મજબૂત બને છે. એમ્બ્રોસ અને ડિએડસે 1947માં, બોહર અને અન્યે 1949માં અને શિલરે 1951માં એવું નોંધ્યું છે કે ઇવાન્સ ટ્રાઇપન બ્લૂ જેવો રંજક કે રંગ દાખલ કરાતાં અથવા અન્ય દ્રવ્યો યા પદાર્થોને કારણે નબળી પડેલી કોશિકા અથવા રક્તવાહિનીઓની દીવાલની મજબૂતાઈમાં નોંધપાત્ર સુધારો થાય છે.
કઈ કાર્યવિધિ(mechanism)ને આધારે આ ઔષધો રક્તવાહિનીઓની દીવાલને મજબૂત બનાવે છે તે જાણી શકાયું નથી અથવા તો તેમાં મતમતાંતર છે; કારણ કે આ ઔષધો ઉપચયન-અપચયન(oxidation-reduction) પ્રક્રિયાઓ કરે છે અને મધ્યવર્તી ધાતુઓ હોય તેવા કિલેટ તરીકે ઓળખાતા સંકીર્ણ પદાર્થો પણ બનાવે છે.
એવું માનવામાં આવે છે કે રક્તવાહિનીઓની દીવાલને નબળી બનાવનાર એપિનેફ્રીન નામક ઘટક હોય છે. આ ઘટકની પ્રક્રિયાને ક્વર્સિટીન તથા અન્ય ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ અવરોધે છે. આ માટે ઘણેભાગે તે મિથાઇલ ટ્રાન્સફરેઝ નામક કિણ્વની પ્રક્રિયા યા ક્રિયાશીલતા અવરોધીને કાર્ય કરે છે. આથી તે આડકતરી રીતે રક્તવાહિનીઓની દીવાલો મજબૂત બનાવે છે. એ પણ શક્ય છે કે આવાં ઔષધો દીવાલોમાં સંકોચન લાવીને તેમને મજબૂત કરતા હોય ! આ પ્રક્રિયા રક્તવાહિનીઓની નબળાઈ (fragility) વિશે પણ જાણકારી આપે છે.
શારીરિક અસર : વિટામિન-પી અથવા ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ પ્રકારનાં ઔષધો વિશે એવાં કોઈ આધારભૂત પ્રમાણો પ્રાપ્ત થયાં નથી કે જેથી તેઓને વિટામિન-ઔષધોની કક્ષામાં મૂકી શકાય. સેન્ટ જ્યોર્જીએ સ્કર્વીગ્રસ્ત પ્રાણીઓમાં જે પ્રયોગો કરેલા તે માટે વાપરેલ ફ્લેવોનૉઇડનાં સંકેન્દ્રિત અર્કમાં વિટામિન-સી પણ હાજર હતું. ત્યારબાદ માત્ર ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધો લઈને જે પ્રયોગો કરવામાં આવેલા તેમાં રક્તવાહિનીઓ તૂટી જતાં ગિનિપીગના થતા મૃત્યુને રોકવામાં વિજ્ઞાનીઓ નિષ્ફળ નીવડ્યા હતા અને રક્તવાહિનીઓની મજબૂતાઈમાં પણ કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નહોતો. સેન્ટ જ્યોર્જી પોતે પણ પોતાનાં મૂળ તારણો ફરી મેળવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. ત્યારબાદ એવું માલૂમ પડ્યું કે જો ગિનિપીગને જે ખોરાકમાં વિટામિન-સીની સાથે બાયોફ્લેવોનૉઇડ યા ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધો અપાય તો તે લાંબું જીવે છે. જોકે આ ઉદાહરણ એમ કહેતું નથી કે આ આવાં ઔષધોની જ સીધી અસર છે, પણ તે એવું દર્શાવે છે કે વિટામિન-સીની આ ઔષધો સાથે થતી અપચયનની રાસાયણિક પ્રક્રિયાને કારણે ફાયદો થાય છે. હવે એ સાબિત થયું છે કે રુટિન અથવા હેસ્પેરિડીન – આ બેમાંથી એકેય ગિનિપીગમાં વિટામિન-સીની ઊણપને લીધે રક્તવાહિનીઓમાં પેદા થયેલી ખામી દૂર કરી શકતા નથી. આ પ્રયોગ 1961માં લી નામક વિજ્ઞાનીએ કર્યો હતો.
ડિએડસ નામક વિજ્ઞાનીએ 1968માં ફ્લેવોનૉઇડ ઔષધોનાં શોષણ તથા ચયાપચયની પ્રક્રિયા બાબતનો સર્વાંગી અભ્યાસ કર્યો હતો. મુખ વાટે જો થોડા પ્રમાણમાં લેવાય તો ફ્લેવોનૉઇડ ઔષધો શોષાય છે જરૂર, પરંતુ મળતું સાહિત્ય અથવા સંદર્ભોની માહિતી મુજબ વિવિધ પ્રકારનાં પ્રાણીઓમાં શોષણ (absorption) પણ જુદું જદું હોય છે. રુટિન અથવા ક્વર્સિટીન ઉંદર, સસલાં, ગિનિપીગ તથા માનવીને ખવડાવવામાં આવે છે ત્યારે મૂત્રમાં હોમોવેનિલિક ઍસિડ 3-હાઇડ્રૉક્સિ-ફિનાઇલ એસેટિક ઍસિડ તથા 3,4–ડાઇહાઇડ્રૉક્સિ- ફિનાઇલ એસેટિક ઍસિડ મળે છે.
હેસ્પેરિડીનની બાબતમાં વિવિધ જાતનાં પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે છે. દા.ત., હેસ્પેરિડીન ખવડાવાય છે ત્યારે માનવી તે 3–હાઇડ્રૉક્સિ–4–મિથૉક્સિફિનાઇલ હાઇડ્રૉક્રિલિક ઍસિડ તરીકે બહાર કાઢે છે. જ્યારે ઉંદર તથા સસલાં 3–હાઇડ્રૉક્સિ ફિનાઇલ પ્રોપિયૉનિક ઍસિડ તથા 3–હાઇડ્રૉક્સિસિન્નામિક ઍસિડ તરીકે બહાર કાઢે છે. એમ મનાય છે કે આંતરડાંમાં રહેલ સૂક્ષ્મજીવાણુ યા ફ્લોરા (flora) આ ચયાપચય(metabolism)માં અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે આ પ્રાપ્ત થતા ઘટકો પરથી અનુમાન કરવું કઠિન બને છે કે કયા ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધો શોષાયાં હશે.
ઔષધ તરીકેના ગુણધર્મો : ફ્લેવોનૉઇડ્ઝ ગ્લાયકોસાઇડ સંયોજનોને ઔષધ તરીકે માન્યતા યા પસંદગી મળી છે, પણ ઔષધ તરીકે તેઓ સ્થાપિત થઈ શકે તેવા ખાસ પુરાવા હજુ મળ્યા નથી. જોકે આ ઔષધોનો રક્તવાહિની તૂટી જઈ અંતસ્રાવ થાય છે તે પ્રકારના રોગમાં રક્તવાહિનીઓની દીવાલો મજબૂત બનાવીને રક્તસ્રાવ બંધ કરવામાં ખાસ ઉપયોગ થાય છે.
આ ઔષધોનો અન્યત્ર પણ ઘણો ઉપયોગ થાય છે, જેમાં ઍલર્જી, મધુપ્રમેહ વગેરે મુખ્ય છે. આ બધાં ઔષધો, આ રોગોમાં પણ રક્તવાહિનીઓની દીવાલની મજબૂતાઈ વધારવા માટે જ વપરાય છે, જેથી અન્ય જટિલ પ્રશ્નોનો ઉદભવ ન થાય. નબળી પડતી આ રક્તવાહિનીઓની માત્રા અચોક્કસ હોય છે અથવા તેના પર થયેલી નબળાઈની અસરો જુદે જુદે સમયે ઓછીવત્તી હોય છે. આથી આ ઔષધિઓની રક્તવાહિનીઓ પર સીધી ચિકિત્સાકીય અજમાયેશ (clincal trials) થઈ શકતી નથી.
છતાં, એમ ચોક્કસપણે કહી શકાય કે આ ઔષધો સામાન્ય ઉપરી શ્વસનતંત્રના ચેપમાં અવશ્ય સુધારો લાવે છે અને આ સુધારો ઔષધોએ રક્તવાહિનીઓની દીવાલોને આપેલી ર્દઢતાને આભારી હોય છે. જોકે પિયરસને 1957માં આપેલ વિગતો આ પ્રતિપાદિત કરવા માટે પૂરતી નથી.
આમ ફ્લેવોનૉઇડ્ઝ ગ્લાયકોસાઇડ સંયોજનોની ઔષધ તરીકે ગણના કરવા માટે કોઈ ખાસ પુરાવા નથી. વળી તેને ન તો જરૂરી પોષકદ્રવ્ય તરીકે ગણી શકાય તેમ છે કે ન તો તેઓનો પોષણ અંગેનો કોઈ ગુણધર્મ છે. આમ છતાં તેમના પર સંશોધન ચાલે છે.
આ ઔષધો લીંબુ, નારંગી, મોસંબી જેવાં ફળોના રસમાં વિટામિન-સી સાથે હોય છે. તદુપરાંત લીલાં શાકભાજીમાં પણ તે પ્રચુર માત્રામાં હોય છે. આ ઔષધો અથવા વિટામિન-પીની રોજિંદી જરૂરિયાત કેટલી છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી; પણ વિટામિન-પીના અતિરેકથી કોઈ હાનિ થઈ હોય તેમ આજ સુધી માલૂમ પડ્યું નથી.
ફ્લેવોનૉઇડ્ઝ ગ્લાયકોસાઇડ મિશ્ર કરાયા હોય તેવા ઘણાં ઔષધો બજારમાં મુકાયાં છે; જેમાં મુખ્યત્વે રુટિન, વર્સેટીન, હેસ્પેરિડીન તથા હેસ્પેરિડીન મિથાઇલ આલ્કોન વ્યુત્પન્નોનો સમાવેશ થાય છે. આ બધાં ઔષધો મુખ વાટે લઈ શકાય તેવી ટીકડી(tablets)ના રૂપમાં બનાવવામાં આવ્યાં છે; જેમાં 10થી 100 મિલિગ્રામ જેટલું અમુક ચોક્કસ ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધ હોય છે અથવા તો આવાં ઔષધોનું મિશ્રણ વિટામિન-સી તથા અન્ય વિટામિનો સાથે ભેળવેલું હોય છે. મોટાભાગના ચિકિત્સાકીય અભ્યાસમાં તેમની માત્રા (dose) 100 મિલિગ્રામથી 500 મિલિગ્રામ રોજિંદી હોય છે.
કેટલાંક ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધો : ઉપર દર્શાવેલા વિવિધ ઔષધોનાં રાસાયણિક સૂત્રો તથા રાસાયણિક સંરચના નીચે જણાવ્યાં છે :
(1) હેસ્પેરિડીન : હેસ્પેરિડીનનાં ઘણાં રાસાયણિક નામો છે; દા.ત., હેસ્પેરિટીન 7–રહેમ્નોગ્લુકોસાઇડ; હેસ્પેરિટીન–7–રુટિનોસાઇડ; સિરાન્ટીન તથા અત્યંત આધુનિક નામ 7–[6–O–(6–ડીઑક્સિ–1–L–મેનોપાયરેનોસીલ)–β–D–ગ્લુકોપાયરેનોસીલ] ઑક્સિ]–2, 3–ડાઇહાઇડ્રૉ–5–હાઇડ્રૉક્સિ–2–(3–હાઇડ્રૉક્સિ–4–મિથૉક્સિ ફિનાઇલ)–4H–1–બેન્ઝોપાયરાન–4–ઓન છે.
બંધારણીય સૂત્ર | : |
અણુસૂત્ર | : C28H34O5 |
અણુભાર | : 610.55 |
સ્ફટિક-રચના | : સરસ, સોયાકાર |
ગલનબિંદુ : | : 248–262° સે. (250° નરમ બને છે) |
દ્રાવ્યતા |
: 1 ગ્રામ હેસ્પેરિડીન 50 લીટર પાણીમાં દ્રાવ્ય છે. ફૉર્મેમાઇડ, ડાઇમિથાઇલ ફૉર્મેમાઇડ વગેરેમાં 60° સે. દ્રાવ્ય છે. મિથેનૉલ, ગરમ ગ્લેશિયલ એસેટિક ઍસિડમાં થોડા પ્રમાણમાં દ્રાવ્ય છે. : એસિટોન, બેન્ઝિન તથા ક્લૉરોફૉર્મ જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય છે. |
પ્રાપ્તિ | ; લીંબુ તથા સંતરામાં તે ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. |
વ્યુત્પન્ન | : હેસ્પેરિડીન મિથાઇલ આલ્કોન |
(2) ક્વર્સિટીન (quercetin) : રોડૉડેન્ડ્રોન સિન્નાબેરિયમ હુક નામક વનસ્પતિમાંથી ક્વર્સિટીન પ્રાપ્ત કરવામાં આવે છે. રાસાયણિક રીતે તે 2–(3, 4–ડાઇ-હાઇડ્રૉક્સિફિનાઇલ)–3, 5, 7–ટ્રાઇહાઇડ્રૉક્સિ–4H–1–બેન્ઝોપાયરન–4 –ઓન તરીકે ઓળખાય છે.
બંધારણીય સૂત્ર | : |
રાસાયણિક સૂત્ર | :C15H10O7 |
અણુભાર | :302.23 |
સ્ફટિક રચના | :મંદ મદ્યાર્કમાંથી પીળા સોયાકાર ડાઇહાઇડ્રેટ |
:સ્ફટિકો, 95–97° સે. ભેજવિહીન થઈ જઈ 314° સે.એ વિઘટન પામે છે. | |
દ્રાવ્યતા | :1 ગ્રામ પદાર્થ 290 મિલિલીટર આલ્કોહૉલમાં અને 23 મિલિલીટર ઊકળતા આલ્કોહૉલમાં ઓગળે છે. તે ગ્લેશિયલ એસેટિક ઍસિડમાં દ્રાવ્ય છે અને પાણીમાં અદ્રાવ્ય છે. |
વ્યુત્પન્નો | : પેન્ટાબેન્ઝાઇલ ઇથર (C50H40O7) તેનું અગત્યનું વ્યુત્પન્ન છે. આ સ્ફટિકોનું ગલનબિંદુ 123°–125° સેલ્સિયસ છે. અન્ય વ્યુત્પન્નોમાં 3–D–ગેલેકેટોસાઇડ હેમિપેન્ટાહાઇડ્રેટ(C21H20O12)નો સમાવેશ થાય છે. |
(3) રુટિન (rutin) :
રુટિન ઘણાબધા છોડમાંથી પ્રાપ્ત થાય છે, પણ મુખ્યત્વે તે બકવ્હીટ(buck wheat)માંથી અર્કપદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. આ છોડનું વાનસ્પતિક નામ ફેગોપાયરસ એસ્ક્યુલેન્ટમ મોએન્ક છે અને કુટુંબ પૉલિગોનાસી છે.
બંધારણીય સૂત્ર | : |
રાસાયણિક સૂત્ર | : C27H30O16 |
અણુભાર | : 610.51 |
સ્ફટિક રચના | : પાણીમાંથી પીળા સોયાકાર સ્ફટિકો મળે છે જે પ્રકાશના સંપર્કમાં આવતાં જ કાળા પડવા માંડે છે. તેમાં પાણીના 3 અણુ હોય છે. જે 12 કલાકમાં 110° સે. (10 મિમી) પાણી ઊડી જઈને જલવિહીન (anhydrous) બની જાય છે. ત્યારબાદ 125°એ તે કથ્થાઈ રંગનું થવા માંડે છે અને 214–215° સે.એ તેનું વિઘટન થાય છે. તે ભેજગ્રાહી (hydroscopic) છે. |
દ્રાવ્યતા | : 1 ગ્રામ પદાર્થ 8 લીટર પાણી તથા 200 મિલીલીટર ઊકળતા પાણીમાં દ્રાવ્ય છે. ઉપરાંત તે પિરીડીન, ફૉર્મેમાઇડ વગેરેમાં દ્રાવ્ય છે જ્યારે મદ્યાર્ક, ઍસિટોન ઇથાઇલ એસિટેટ વગેરેમાં થોડો દ્રાવ્ય છે. ક્લોરોફૉર્મ, ઇથર, બેન્ઝિન, કાર્બન ડાઇસલ્ફાઇડ વગેરેમાં તે અદ્રાવ્ય છે. |
વ્યુત્પન્નો | : રુટિનોઝ તેનું અગત્યનું વ્યુત્પન્ન છે. તે રુટિનમાંથી કિણ્વ (enzyme) દ્વારા જલવિભાજનની પ્રક્રિયા દ્વારા બનાવાય છે. |
અન્ય ફ્લેવોનૉઇડ્ઝમાં બેન્ઝવર્સિન, ડાયૉસ્મિન, ઇથૉક્સાઝોરુટોસાઇડ, લ્યુકોસિઆનિડોલ, મેટિસ્ક્યુલેટોલ સોડિયમ, મૉનૉક્સેરુટિન, ટ્રૉક્સિરુટિન વગેરેનો સમાવેશ થાય છે, જે ઔષધ તરીકે વપરાય છે. આ બધાનો ટૂંકમાં પરિચય નીચે પ્રમાણે છે :
બેન્ઝવર્સિન | : |
રાસાયણિક નામ | : 3, 3´, 4´, 5, 7–પેન્ટૉક્સી (બેન્ઝાઇલૉક્સી) ફ્લેવૉન |
રાસાયણિક સૂત્ર | : C50H40O7 |
અણુભાર | : 752.9 |
ડાયૉસ્મિન | : બારોસ્મિન, બાકુ રેઝિન, ડાયૉસ્મેટિન 7– રુટિનોસાઇડ |
રાસાયણિક નામ | : 3´, 5, 7–ટ્રાઇહાઇડ્રૉક્સિ–4´– મિથૉક્સિફ્લેવોન |
રાસાયણિક સૂત્ર | : C28H32O5 |
અણુભાર | : 608.6 |
ઇથૉક્સાઝોરુટોસાઇડ | : (એઇયોક્ઝારુટિન; એઇથૉક્સાઝોરુટો સાઇડ, ઇથૉક્સાઝોરુટિન) |
રાસાયણિક સૂત્ર | : C33H41NO17 |
અણુભાર | : 723.7 |
લ્યૂકોસિઆનિડૉલ | : (લ્યૂકોસિયાનિડીન) |
રાસાયણિક નામ | : 2–(3, 4–ડાઇહાઇડ્રૉક્સિ ફિનાઇલ) ક્રોમાન–3, 4, 5, 7–ટેટ્રૉલ |
અણુભાર | : 306.3 |
રાસાયણિક સૂત્ર | : C15H14O7 |
મેટીસ્ક્યૂલેટોલ સોડિયમ : | |
રાસાયણિક નામ | : [(7–હાઇડ્રૉક્સિ–4–મિથાઇલ–2–ઑક્સો–2H–1–બેન્ઝોપાયરન–6–યેલ) ઑક્સિ] એસિટેટ, સોડિયમ |
રાસાયણિક સૂત્ર | : C12H9NaO6 |
અણુભાર | :272.2 |
મૉનૉક્સેરુટિન | |
રાસાયણિક નામ | : 7–(બીટા-હાઇડ્રૉક્સિ ઇથાઇલ) રુટોસાઇડ |
રાસાયણિક સૂત્ર | : C29H34O7 |
અણુભાર | : 654.7 |
ટ્રોક્સેરુટિન | : (ટ્રાઇઑક્સિ ઇથાઇલ રુટિન) |
રાસાયણિક નામ | : 3´, 4´, 7–ટ્રિસ [0–(2–હાઇડ્રૉક્સિ ઇથાઇલ) રુટિન અથવા 5–હાઇડ્રૉક્સિ–7–(2– હાઇડ્રૉક્સિ ઇથૉક્સી) ફિનાઇલ]–4– ઑક્સો–4H–ક્રોમેન–3–યેલ રુટિનોસાઇડ |
રાસાયણિક સૂત્ર | : C33H42O19 |
અણુભાર | : 742.7 |
મુખ્ય સંયોજન જે મિશ્રણ છે તે સામાન્ય રીતે ટ્રાઇહાઇડ્રૉક્સિ ઇથાઇલ રુટોસાઇડ કહેવાય છે અને તે મૉનો, ડાઇ તથા ટેટ્રા વ્યુત્પન્નો પણ ધરાવે છે. તેમાં 45 % ઓછામાં ઓછું ટ્રૉક્સિરુટિન હોય અને 5 વિવિધ 0–(બીટા હાઇડ્રૉક્સિ ઇથાઇલ) રુટોસાઇડનું મિશ્રણ હોય તો તે ઑક્સિરુટિન્સ કહેવાય છે.
સંશોધન : વિશ્વમાં ફ્લેવોનૉઇડ્ઝ ગ્લાયકોસાઇડ અથવા બાયૉફ્લેવોનૉઇડ જેવા ઔષધપદાર્થો અને તેની વિવિધ રોગો પર અસરો શોધી કાઢવા માટે સઘન સંશોધન ચાલે છે.
કાલીઆન્ડ્રા પોર્ટોરિસેન્સિસ નામક છોડનાં પર્ણોનાં પાણી તથા મદ્યાર્કમાંથી ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડ શોધી તેની અસર જોતાં તે વ્રણ-પ્રતિરોધક જણાયું હતું. પ્રાણીઓમાં તેની મારક માત્રા (લિથલ ડોઝ) (LD50), સફેદ ઉંદરોમાં 120.2 તથા 79.4 મિગ્રા./કિલોગ્રામ અને ઉંદરોમાં 50 મિગ્રા./કિલોગ્રામ માલૂમ પડી હતી.
ક્લેમેટીસ સ્ટેન્સનાં મૂળમાંથી ક્લેમાસ્ટેનૉસાઇડ એ, બી તથા સી અને ક્લેમેસ્ટેનીન એ તથા બી શોધી કાઢવામાં આવ્યાં હતાં.
બોએમ્હાવિયા રિપેન્સના છોડના બધા ભાગોના મિથેનૉલિક અર્કમાંથી યુપેલિટીન જેવાં ગ્લાયકોસાઇડ શોધી કાઢવામાં આવ્યાં છે, જે હાડકાંના દર્દમાં ઉપયોગી બની શકે તેમ છે.
ગ્લિસેરાઇઝા યુરાલેન્સિસ ફ્રીશનાં સૂકાં પર્ણો લઈ તેના અર્કમાંથી 7–ગ્લાયકોસાઇડ; દા.ત., યુરાલેનિઓસાઇડ શોધાયો છે, જે ક્રિયાશીલ નીવડવાની સંભાવના છે.
ઘઉંના જવારાનો અર્ક સાયક્લોફૉસ્ફામાઇડ જેવી કૅન્સર-પ્રતિરોધક ક્રિયાશીલતા બતાવે છે.
ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડની માનવીના કૅન્સરગ્રસ્ત કોષો પર અસર થાય છે અને તેમાં ગાંઠ વધતી અટકાવે છે તેવું આર. રામનાથન તથા બીજાઓએ 1992માં પ્રતિપાદિત કર્યું હતું. તેમના અભ્યાસ પ્રમાણે ઘણા ફ્લેવૉનૉઇડ કૅન્સર સામે ક્રિયાશીલતા બતાવે છે, જે તેઓની રાસાયણિક સંરચનામાં રહેલ 2–3 દ્વિબંધ(double bond)ને આભારી છે.
માઇક્રોશિયા ડેબિલીસનો અર્ક એડિનોસીન – એ સ્વીકારક પર અત્યંત ક્રિયાશીલતા બતાવે છે જે માટે સિરસિમેરીન (સિરસિમારીટીન 4´–0–ગ્લૂકોસાઇડ) જવાબદાર છે. આ છોડનો ઉપયોગ દક્ષિણ અમેરિકામાં પેશાબમાં દેખાતી પ્રોટીનની હાજરી (પ્રોટીન્યૂરિયા)ના રોગમાં થાય છે.
આર્નિકા તરીકે ઓળખાતા એસ્ટરેસી કુટુંબના હિટરોથેકા ઇન્યુલૉઇડ્સ નામક મૅક્સિકન છોડનાં સૂકાં ફૂલો બે પ્રકારનાં જીવન-જરૂરી પ્રતિઉપચાયક (anti-oxidant) ધરાવે છે અને તે માનસિક તાણ સામે રક્ષણ આપે છે.
અન્ય એક સંશોધનમાં હાઇપોલેઇટીન–8–ગ્લૂકોસાઇડ નામનો એક નવો ફ્લેવૉન શોધી કાઢવામાં આવ્યો છે, જે સોજા ઉતારવા કે મટાડવા સક્ષમ છે. તેની પ્રોસ્ટાગ્લૅન્ડિનની જૈવિક સંશ્લેષણ પર અસર તપાસવામાં આવી હતી. હોજરીમાં ગૅસ્ટ્રિક ચાંદું અથવા ચાંદા સામે તો તે રક્ષણ આપે જ છે. 10થી 1000 માઇક્રોમિલિલીટરની રેન્જમાં રુટિન તથા આ નવતર ગ્લાયકોસાઇડ પ્રાણીમાં પ્રયોગ કરતાં તે પ્રોસ્ટાગ્લેન્ડીનની બનાવટને વેગ આપે છે તેમ જાણવા મળ્યું છે.
ક્લૉરેન્થેસી કુટુંબનો હેડીઓસ્મમ બોન્પ્લાન્ડીએનમ એચ. બી. કે. નામનો છોડ કોલંબિયાની ઘરગથ્થુ દવાઓમાં માથાનો દુખાવો મટાડનાર ગણાય છે. તેનાં પર્ણોમાંથી કેન્ફેરોલ–3–0–[2–<–રહેમ્નોપાયરેનોસીલ (1 → 6) બીટા–ડી–ગ્લૂકોપાયરેનોસાઇડ તથા કૅમ્ફેરોલ–3–0–(બીટા-ડી-ગ્લૂકોપાયરેનૉસાઇડ) પ્રાપ્ત કરાયા હતા. તે માટે દ્રાવક તરીકે સામાન્ય બ્યૂટેનૉલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ અર્કનો ઉંદર પર પ્રયોગ કરાતાં દુખાવો દૂર કરવાની અસર (analgesic) જોવા મળતી હતી.
યોગેન્દ્ર કૃ. જાની