ફ્લૅવિયન ઍમ્ફિથિયેટર

March, 1999

ફ્લૅવિયન ઍમ્ફિથિયેટર (ઈ. સ. 70–80) : રોમમાં બંધાયેલ અતિપ્રસિદ્ધ પ્રાચીન રંગભૂમિ. નિરોના મહેલ(ગોલ્ડન હાઉસ)ના સરોવરના સ્થળે તેના રાક્ષસી કદના પૂતળા પાસે રચવામાં આવેલું ઍમ્ફિથિયેટર ફ્લૅવિયન કોલૉસ્સિયમના નામે ઓળખાય છે. તેનું બાંધકામ વૅસ્પેસિયને શરૂ કરેલું, ટિટસે ચાલુ રાખેલું અને ઈ. સ. 80ના જૂનમાં તે ખુલ્લું મુકાયું હતું. આ રંગભૂમિ રોમની તમામ પ્રાચીન વર્તુળાકાર રંગભૂમિઓમાં સૌથી મોટી છે. તેની રચના અંડાકાર છે. તેની લંબાઈ–પહોળાઈ 188 × 156 મી. છે. તેની બહારની કમાનદાર છત 52 મી. ઊંચી છે. તેમાં 50,000થી 70,000 પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે.

એમાં 3 સ્તરના અર્ધગોળાકાર ઝરૂખાઓ જોવા મળે છે – એમાંનો તદ્દન નીચલો ઝરૂખો ડૉરિક, મધ્યનો આયૉનિક અને મથાળે કૉરેન્થિયન સ્વરૂપનો જોવામાં આવે છે. એના થાંભલાઓ દીવાલથી સ્પષ્ટપણે અલગ પાડીને ઘુમ્મટના ભાગ સાથે જડવામાં આવેલા છે. તેની પાછળના ભાગે વૃત્તાકાર થાંભલાઓવાળો મંડપ અને છૂટી પગથી આવેલાં છે. બેવડી કમાનદાર ઘુમ્મટયુક્ત ગૅલરી દ્વારા ‘કૅવિયા’ સુધી પહોંચાય છે. ત્યાંથી દાદરની સંકુલ વ્યવસ્થા દ્વારા બેઠકના વિવિધ સ્તરે જવાય છે. 3 સ્તરની બેઠકવ્યવસ્થા પર કમાનદાર છત શોભે છે, જેના પર ઊભા રહેવાની જગ્યા રાખેલી છે. રોમન કૉર્પોરેશનો અને વિવિધ સામાજિક દરજ્જાના સંદર્ભમાં લબ્ધપ્રતિષ્ઠ આગેવાનો માટે મધ્ય ભાગની નિકટ અનામત વિભાગો કરાયા છે. વર્તુળાકાર રંગભૂમિના મધ્ય ભાગમાં અખાડાની સંકુલ રચના ડૉમિરિયને કરેલી છે. આ અખાડાને ફરતી વેદિકા દ્વારા મહાજનો તથા અધિકારીઓ માટેની આરસની ખુરશીઓ તેમજ રાજાઓ અને ન્યાયાધીશો માટેની ઊંચી વ્યાસપીઠોથી અલગ પાડવામાં આવેલો છે. આ અખાડાને આવરી લેતા મંચમાં અને ચણતરકામના પોલા ટેકાઓ વચ્ચેની જગ્યામાં બારીઓ ગોઠવેલી છે.

ફ્લૅવિયન ઍમ્ફિથિયેટર, રોમ (અવશેષના રૂપમાં)

લાકડાના તળિયા નીચેના વિસ્તારમાં યંત્રસામગ્રી, શસ્ત્રાગાર, વન્ય પશુઓ માટેનાં પાંજરાં તથા નીકો (ગુલામો અને પશુઓનાં લોહી વહેવડાવવા માટેની) રાખવામાં આવેલ છે. તેની સાથે ભૂગર્ભ માર્ગ દ્વારા જીવસટોસટની કુસ્તી કે યુદ્ધ કરવાની તાલીમી શાળાઓ સંકળાયેલી છે. સભાગૃહ તમામ ભાગોમાં લાંબે સુધી પ્રેક્ષકોથી ભરચક થઈ જાય એ રીતે બેઠકોનું તથા ત્યાં સુધી જવા માટેની સીડીઓ તથા પગથિયાંનું આયોજન કરાયું છે. સૌ પોતપોતાની જગ્યાએથી કાર્યક્રમને સારી રીતે માણી શકે એ રીતેની બેઠકવ્યવસ્થા કરાઈ છે.

આ ઍમ્ફિથિયેટરને ઈ. સ. 217, 250, 442 અને છેલ્લે 523માં આગ લાગતાં તેના ઘણા ભાગોને નુકસાન થયેલું, જેમની તે તે વખતના શાસનકર્તાઓએ મરામત કરાવી હતી.

બળદેવભાઈ કનીજિયા