ફ્લૅશ-ગન : છબીકલામાં કૅમેરા સાથેનું એક અગત્યનું ઉપકરણ. દિવસે આપણે જે પ્રકાશ અનુભવીએ છીએ તે સીધા સૂર્યપ્રકાશ તેમજ આકાશ અને નજીકના પદાર્થોના પ્રકાશના પરાવર્તનનું મિશ્રણ છે; જ્યારે રાત્રિના અંધકારમાં ચંદ્ર અને તારાના ઝાંખા પ્રકાશમાં કશું સ્પષ્ટ દેખાતું હોતું નથી અને તેથી અંધકારમાં છબી ખેંચવા માટે શક્તિશાળી કૃત્રિમ પ્રકાશની આવશ્યકતા રહે છે. તેથી 1850ના અરસામાં સૂર્યપ્રકાશની અવેજીમાં આર્ગન અને નાઇટ્રોજન વાયુઓ ભરેલા કાચના એક નાના ગોળામાં ટંગ્સ્ટન નામની ધાતુના તારના રેસા ભરી વીજપ્રવાહથી તેમને ગરમ કરી, પ્રકાશનો ભારે ચમકારો પેદા કરી, તેની મદદથી અંધારામાં છબી પાડવાનું ચાલુ થયું. એ રીતે 1851માં વિલિયમ હેન્રી ફૉક્સ-ટેલબૉટે સૌપ્રથમ છબીકલામાં તેનો સફળ પ્રયોગ કરી બતાવ્યો અને 1884માં પ્રાગના પ્રોફેસર અર્નેસ્ટ માચે સૌપ્રથમ છબીઓ ખેંચી. ત્યારબાદ છેક 1931માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીના પ્રોફેસર હેરોલ્ડ એગર્ટને વિરલ વાયુઓ ભરેલી નાની ટ્યૂબમાં વીજળીનો તણખો કરીને અત્યંત તેજસ્વી ઝબકારો કરી બતાવીને ‘ફ્લૅશ ફોટોગ્રાફી’નો નવો રસ્તો ચીંધ્યો. આ દરમિયાન ‘ઇલેક્ટ્રૉનિક ફ્લૅશ’ અથવા ‘સ્પીડ ફ્લૅશ’ના નામથી જાણીતા ‘ગૅસિયલ ડિસ્ચાર્જ લૅમ્પ’થી છબીકારો અંધારામાં પણ સારી છબીઓ ખેંચી શકતા હતા અને મોટા મોટા સ્ટુડિયોમાં તેજસ્વી કૃત્રિમ પ્રકાશથી સૂર્યપ્રકાશ જેટલો જ ઝળહળાટ પેદા કરી શકાતો હતો. 1940ના દશકા સુધીમાં પરાવર્તક તક્તાવાળા નાના-મોટા ફ્લૅશ-બલ્બની મદદથી અંધકારમાં પણ છબીઓ પાડવામાં આવતી હતી. તેની સાથે સાથે હાથમાં લઈ જઈ શકાય એવી નાની નાની વિવિધ પ્રકારની ફ્લૅશ-ગન પણ ઉપલબ્ધ થવા લાગી. હવે તો આંગળીના વેઢા જેવડી લઘુફ્લૅશ-ગન કેટલાક નાના કદના કૅમેરાની અંદર જ બેસાડવામાં આવેલી હોય છે. જોઈતી વીજળી સાથેની નાની બૅટરીમાંથી મળે છે.

કૅમેરાના શટરની ઝડપ કરતાં ફ્લૅશનો સમયગાળો ઝડપી હોવાથી સમક્રમિકતા બરાબર જળવાઈ રહે છે અને બહુ ઝડપી હલનચલનની તસવીર સ્પષ્ટ રીતે ઝડપી શકાય છે. ફ્લૅશ એટલે કે ઝબકારો એક સેકન્ડના સાઠમા ભાગથી લઈને એક સેકન્ડના બે હજારમા ભાગ સુધીના કૅમેરાની શટર-સ્પીડ સાથે સમક્રમિકતા જાળવવા માટે સક્ષમ હોય છે.

રમેશ ઠાકર