ફૉસ્ફૉરિક ઍસિડ : ફૉસ્ફરસનો સૌથી અગત્યનો ઑક્સિઍસિડ. તકનીકી રીતે તે ઑૅર્થોફૉસ્ફૉરિક ઍસિડ તરીકે ઓળખાય છે. અણુસૂત્ર, H3PO4 તેને બનાવવાની આર્દ્ર વિધિ(wet process)માં ચૂર્ણિત ફૉસ્ફેટ-ખડક અથવા હાડકાંની રાખ પર સાંદ્ર સલ્ફયુરિક ઍસિડની પ્રક્રિયા દ્વારા અપરિષ્કૃત (crude) ઍસિડ મેળવી શકાય છે. પ્રક્રિયા દરમિયાન મળતા અદ્રાવ્ય કૅલ્શિયમ સલ્ફેટને ગાળી લીધા પછી દ્રાવણને સંકેન્દ્રિત કરતાં ચાસણી જેવું (syrup) પ્રવાહી મળે છે; જેમાં લગભગ 80 % જેટલો ફૉસ્ફૉરિક ઍસિડ હોય છે. ફૉસ્ફેટ-ખડક પર હાઇડ્રૉક્લોરિક ઍસિડની પ્રક્રિયા બાદ ટ્રાઇબ્યુટાઇલફૉસ્ફેટ વડે નિષ્કર્ષણ કરીને પણ તે મેળવી શકાય છે.

શુદ્ધ ઍસિડ રંગવિહીન, ગંધવિહીન, સ્ફટિકમય, ભેજશોષક પદાર્થ છે. પાણી અને આલ્કોહૉલમાં તે દ્રાવ્ય છે. તેનું ગ.બિં. 42.35° સે. અને ઘનતા 1.834 (18° સે.) છે. 213° સે. તાપમાને તે અર્ધું પાણી ગુમાવી પાયરોફૉસ્ફૉરિક ઍસિડ(H4P2O7)માં ફેરવાય છે.

2H3PO4 → H4 P2 O7 + H2O

આ રીતે તે H(HPO3)n OH સૂત્ર (n = 2, 3, 4,……) ધરાવતા વિવિધ પૉલિફૉસ્ફૉરિક ઍસિડ બનાવે છે. (પૉલિફૉસ્ફૉરિક ઍસિડને કેટલીક વાર 115% ફૉસ્ફૉરિક ઍસિડ પણ કહે છે.)

ઑર્થોફૉસ્ફૉરિક ઍસિડ અથવા પાયરોફૉસ્ફૉરિક ઍસિડને 316° સે. તાપમાને ગરમ કરવાથી મેટાફૉસ્ફૉરિક ઍસિડ (HPO3) બને છે.

ફૉસ્ફૉરિક ઍસિડ ત્રિબેઝિક (tribasic) ઍસિડ હોઈ તેમાંના એક, બે કે ત્રણ હાઇડ્રોજન વિસ્થાપિત થતાં તે ત્રણ પ્રકારનાં લવણો (salts) બનાવે છે. આ પૈકી સોડિયમ ડાઇહાઇડ્રોજન ફૉસ્ફેટ (NaH2PO4) ઘણાં દ્રાવણોની હાઇડ્રોજન આયન સાંદ્રતા (PH અથવા ઍસિડિકતા) નિયંત્રિત કરવા વપરાય છે. ડાઇસોડિયમ હાઇડ્રોજન ફૉસ્ફેટ (Na2 HPO4) પાણીની માવજત(water treatment)માં બહુસંયોજક (polyvalent) ધાતુઓના અવક્ષેપક (precipitant) તરીકે વપરાય છે. ટ્રાઇસોડિયમ ફૉસ્ફેટ (Na3 PO4) જલમૃદુકારક (water softener) હોઈ સાબુ એ પ્રક્ષાલકો(detergents)માં વપરાય છે. કૅલ્શિયમ ડાઇહાઇડ્રોજન ફૉસ્ફેટ અથવા કૅલ્શિયમ સુપરફૉસ્ફેટ (Ca[H2PO4]2) – એ મહત્વનો ખાતર સંઘટક છે; જ્યારે કૅલ્શિયમ મૉનૉહાઇડ્રોજન ફૉસ્ફેટ (CaHPO4) એ ક્ષારો  અને શર્કરા માટે પ્રાનુકૂલનકારક (conditioning agent) તરીકે વપરાય છે.

મૃદુ-પીણાં(soft drinks)માં તથા સિરપને ઍસિડી, ફળ જેવી સોડમ આપવા માટે પણ ફૉસ્ફૉરિક ઍસિડ વપરાય છે.

આ ઉપરાંત ફૉસ્ફૉરિક ઍસિડ ધાતુઓને સાફ કરવા (pickling) તથા તેમને કાટ-રોધક બનાવવા, સરેશ બનાવવામાં, ઇથેનોલના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે ઇલેક્ટ્રૉ-પૉલિશિંગમાં, સિરેમિકમાં બંધક તરીકે, જમીનના સ્થાયીકારક (soil stabilizer) તરીકે, અકાર્બનિક ફૉસ્ફેટ લવણો બનાવવા, પ્રાણીઓના ચારા(animal feeds)માં, ગૅસોલિનમાં ઉમેરણ (additive) તરીકે, દંતકીય (dental) સિમેન્ટમાં, આલ્બુમિનવ્યુત્પન્નો બનાવવામાં, તથા ખાંડ અને કાપડ ઉદ્યોગમાં પણ વપરાય છે.

ત્વચા અને આંખો માટે તે પ્રકોપક (irritant) છે.

કલ્પેશ સૂર્યકાન્ત પરીખ