પોર્ટુગલ : દક્ષિણ યુરોપના આઇબેરિયન દ્વીપકલ્પ[સ્પૅનિશ મેસેટા (ઉચ્ચપ્રદેશ) ના પશ્ચિમ ખૂણા પર સ્પેનની પડોશમાં આવેલો નાનો દેશ. તે આશરે 37o ઉ. અ.થી 42o ઉ. અ. અને 6o 20′ પ. રે.થી 9o 30′ પ. રે. વચ્ચે વિસ્તરેલો છે. લંબચોરસ આકાર ધરાવતા આ દેશની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 560 કિમી. અને પૂર્વ-પશ્ચિમ સરેરાશ પહોળાઈ આશરે 220 કિમી. જેટલી છે. તેનું કુલ ક્ષેત્રફળ 92,072 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર અને પૂર્વમાં સ્પેનની સીમાઓ આવેલી છે, જ્યારે દક્ષિણ અને પશ્ચિમમાં ઍટલાન્ટિક મહાસાગર આવેલો છે. તેના નૈર્ઋત્ય ખૂણા તરફ ઍટલાન્ટિક મહાસાગરમાં એઝોર્સ (Azores) અને મદીરા(Madeiras)ના ટાપુઓ આવેલા છે. તે સ્વાયત્ત છે તેમ છતાં તેમનો પણ આ દેશમાં સમાવેશ થાય છે. પોર્ટુગલ બારમી સદીથી સ્વતંત્ર રાજાશાહી ધરાવતું રાજ્ય હતું, પરંતુ 1910થી તે પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું છે.
ભૂસ્તરીય અને ભૌગોલિક રચના : નદીઓનાં કાંપનિક્ષેપિત કિનારાનાં મેદાનોને બાદ કરતાં દેશનો બાકીનો ઘણોખરો ભાગ પ્રાચીન ભૂસ્તરીય વયના પહાડો અને ગિરિશિખરજૂથ(massifs)નો બનેલો છે. મેસોઝોઇક અને કેનોઝોઇક યુગ દરમિયાન અહીંનાં પહાડી ક્ષેત્રોમાં થયેલી સ્તરભંગક્રિયા(faulting)ને પરિણામે ખંડપર્વતો (horsts) અને ફાટખીણો (rift valleys) જેવાં લાક્ષણિક ભૂમિસ્વરૂપો અસ્તિત્વમાં આવેલાં છે.
તેજો (Tejo) કે ટૅગસ (Tagus) નદીથી ઉત્તરનો પહાડી પ્રદેશ 1,000 મી.થી વધુ ઊંચાઈ ધરાવે છે. અહીં ડૉરો (Douro) નદી અને તેની શાખાઓ ઊંડી અને સાંકડી ખીણોમાં થઈને વહે છે. મધ્ય પોર્ટુગલમાં ગ્રૅનાઇટ ખડકબંધારણવાળાં અનેક ગિરિશિખર જૂથ જોવા મળે છે. તે પૈકી ‘સેરા દ એસ્ટ્રેલા’ ગિરિશિખર જૂથનું સર્વોચ્ચ શિખર 1,993 મી. ઊંચું છે. આ પ્રદેશમાં અન્યોન્ય સમાંતર સ્તરભંગક્રિયાથી રચાયેલા નાના નાના ખંડપર્વતો સીધા ઢોળાવવાળી ફાટખીણો દ્વારા એકબીજાથી અલગ પડે છે. આ ખંડપર્વતો આશરે 1,200 મી.ની ઊંચાઈ ધરાવે છે. પ્રાદેશિક ભૂમિસ્વરૂપ-માળખું એવી રીતે ગોઠવાયેલું છે કે દરિયાઈ અસર છેક પૂર્વ તરફના અંદરના ભાગો સુધી પહોંચે છે. મિન્હો (Minho), લીમા (Lima), કાવેડો (Cavado) વગેરે નદીઓએ ઊંડી ખીણો બનાવી છે. દેશની મુખ્ય નદીઓ મિન્હો, ડૉરો, તેજો (ટૅગસ) અને ગ્વાડિયાના (Guadiana) છે. આ બધી જ નદીઓનાં મૂળ સ્પેનમાં આવેલાં છે. દક્ષિણ પોર્ટુગલ તેજો અને સૅડો (Sado) નદીઓની વિશાળ તથા સપાટ કાંપનિર્મિત ખીણો ધરાવે છે. બધી જ નદીઓ પશ્ચિમતરફી જળપરિવાહવાળી છે અને તેમનાં જળ ઍટલાન્ટિકમાં ઠલવાય છે. સમુદ્રતટરેખા આશરે 737 કિમી. લાંબી છે અને કિનારાનો પ્રદેશ નીચો છે. કિનારાની પાર્શ્વભૂમિમાં રેતીના ઢૂવા અને ખાડીસરોવરો પથરાયેલાં છે.
આબોહવા : સમગ્ર દેશ દરિયાકાંઠે આવેલો હોવાથી તેની આબોહવા સવિશેષ દરિયાઈ અસરવાળી રહે છે. અહીં ભૂમધ્ય પ્રકારની આબોહવા (mediterranean type climate) પ્રવર્તે છે. ઉનાળા ગરમ અને સૂકા તેમજ શિયાળા નરમ અને ભેજવાળા હોય છે. લિસ્બન અને ફૅરોનું જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 10o સે. તથા 12o સે. તેમજ ઑગસ્ટનું સરેરાશ તાપમાન 22o સે. તથા 24o સે. જેટલું હોય છે. ભેજવાળી ઋતુ ઑક્ટોબરથી માર્ચ સુધી રહે છે. લિસ્બન અને ફૅરો અનુક્રમે 750 મિમી. તથા 450 મિમી. જેટલો વરસાદ મેળવે છે. ઉત્તર તરફનાં પહાડી ક્ષેત્રો વધુ ભેજવાળાં અને ઠંડાં રહે છે. અહીંનું શિયાળાનું તાપમાન 4o સે. અને ઉનાળાનું તાપમાન 20o સે. સુધી પહોંચે છે. સેરા દ એસ્ટ્રેલા લગભગ 2,500 મિમી. જેટલો વાર્ષિક વરસાદ મેળવે છે, તેના પર નવેમ્બરથી માર્ચ સુધી બરફ ટકી રહે છે. ઉત્તર તરફના દરિયાકાંઠે શિયાળામાં ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે.
વન અને મત્સ્યસંપત્તિ : દેશના આશરે 19% ભાગમાં છવાયેલાં જંગલો દેશને માટે આર્થિક દૃષ્ટિએ ઘણાં જ ફાયદાકારક બની રહ્યાં છે. તેમાં દેવદાર(pine), ઓક, ચેસનટ અને બૂચ(cork)નાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે. બૂચનાં લાકડાં પર પ્રક્રિયા (process) કરીને નિકાસ કરવામાં આવે છે. લાકડું, કાગળનો માવો, બેરજો (resin) અને ટર્પેન્ટાઇનની પેદાશ આપતાં દેવદારનાં વૃક્ષો ઉત્તરનાં જંગલોમાંથી વ્યાપારી ધોરણે કાપવામાં આવે છે.
આ દેશમાં મત્સ્ય-ઉદ્યોગ આગળ પડતું સ્થાન ધરાવે છે. સાર્ડિન (sardine) માછલી પકડવાનું કાર્ય મુખ્યત્વે મૅટોઝિન્હોસ (Matozinhos), સેતુબાલ (Setubal), પોર્ટિમાઓ (Portimao) અને ઓલ્હાઓ (Olhao) બંદરો પર થાય છે. દેશમાં જ પેદા થતા ઑલિવ તેલ સાથે મોટા ભાગનાં માછલાંને વાતશૂન્ય ડબ્બાઓમાં ભરીને નિકાસ કરવામાં આવે છે. તૂની (tunny) માછલી પકડવાની પ્રવૃત્તિ મોટે ભાગે વિલા રિયલ (Vila Real) ખાતે કેન્દ્રિત થયેલી છે. કિનારાના ભાગોમાંથી ઍન્ચોવી (Anchovy) માછલાં પકડવામાં આવે છે. દરેક વસંત ઋતુમાં કૉડ (Cod) માછલી પકડવા માટે વહાણો અહીંથી છેક ન્યૂ ફાઉન્ડલૅન્ડ અને ગ્રીનલૅન્ડના કિનારાઓ સુધી જાય છે અને પછી સૂકવેલી કૉડ માછલીની નિકાસ કરવામાં આવે છે.
ખેતી અને પશુપાલન : દેશના લગભગ અર્ધાથી વધુ વિસ્તારમાં ખેતી થાય છે. તેજો, ડૉરો, સોરાઇયા અને સૅડો નદીઓના ખીણપ્રદેશો, દક્ષિણ તથા નૈર્ઋત્યના ભાગો તેમજ કિનારાનાં મેદાનોમાં ખેતીપ્રવૃત્તિ કેન્દ્રિત થયેલી છે. ઉત્તર પોર્ટુગલમાં ખેતરોનાં કદ નાનાં હોય છે. ત્યાં વટાણા, બટાકા, ટામેટાં, મકાઈ અને રાય જેવા પાકો ઉગાડવામાં આવે છે; દક્ષિણના ઍલેન્તેજો (Alentejo) પ્રદેશમાં વિશાળ કદનાં ખેતરો આવેલાં છે, જ્યાં મોટા પાયા પર એક જ જાતનો ઘઉંનો પાક લેવાય છે. ડાંગરની ખેતી ઘણુંખરું સોરાઇયા અને સૅડો નદીઓના થાળા(basin)ના પ્રદેશમાં થાય છે.
દક્ષિણના અલગાર્વે (Algarve) પ્રદેશમાં ખાસ કરીને ઑલિવ, બદામ, અંજીર તથા ખાટા રસવાળાં ફળોના વૃક્ષપાકો લેવાય છે. લિસ્બનથી ઉત્તરના ભાગોમાં બજારલક્ષી બગીચાખેતીનો સારો વિકાસ થયેલો છે. ડૉરો-ખીણ અને દક્ષિણના ભાગોમાં મુખ્યત્વે ઑલિવનું અને ડૉરો-ખીણના ઢોળાવો પરનાં સીડીદાર ખેતરોમાં આવેલી વાડીઓમાં દ્રાક્ષનું ઉત્પાદન થાય છે. દારૂ બનાવવા ઉપરાંત દ્રાક્ષની નિકાસ પણ થાય છે. ખેતીમાં જરૂરી સિંચાઈનાં સાધનોનો વિકાસ ખાસ કરીને દક્ષિણના ભાગોમાં વધારે થયેલો જોવા મળે છે.
દેશના ઉત્તરના ભાગોમાં પશુપાલન થાય છે. દક્ષિણમાં ઘેટાં-બકરાં- ઉછેર પ્રવૃત્તિ વધુ વિકસી છે; જ્યારે ઓક વૃક્ષોનાં જંગલોમાં બધે જ ડુક્કરો જોવા મળે છે.
ખનિજો અને ઊર્જા-સંસાધનો : આ દેશમાં ખનિજસ્રોતોનું પ્રમાણ મર્યાદિત છે; તેમ છતાં વત્તાઓછા પ્રમાણમાં કોલસો, કેઓલિન, વુલ્ફ્રેમાઇટ, તાંબું, જસત, સીસું, કલાઈ, લિથિયમ, ટાઇટેનિયમ, લોહ અને મૅંગેનીઝનાં ખનિજો મળે છે. તેજો, કાવેડો, ડૉરો, ઝેઝેર (Zezere) વગેરે નદીઓ પર જળવિદ્યુત-મથકો સ્થાપવામાં આવેલાં છે. દેશમાં વપરાતી કુલ વીજઊર્જામાં જળવિદ્યુતનો ફાળો 80% જેટલો છે.
ઉદ્યોગો : લિસ્બનથી દક્ષિણે સેતુબાલ(Setubal)ને જોડતો એક નાનો ઔદ્યોગિક પટ્ટો આવેલો છે. આ ઉપરાંત ઉત્તર તરફ ડૉરો નદીના કાંઠે આવેલા પૉર્ટો (Porto) તથા અન્ય શહેરોમાં પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. વાતશૂન્ય ડબ્બાઓમાં સાર્ડિન, તૂના અને ઍૅન્ચોવી માછલાં ભરવાના તથા દ્રાક્ષમાંથી દારૂ ગાળવાના ઉદ્યોગો આગળ પડતા છે. પૉર્ટોમાં જગવિખ્યાત ‘પૉર્ટ’ (port-wine) નામના દારૂનું ઉત્પાદન થાય છે. અન્ય ઉદ્યોગોમાં કાપડ, કાગળ, પગરખાં, ખાતર, વિદ્યુત-યંત્રસામગ્રી, સિરેમિક, કાચ વગેરેનો સમાવેશ થાય છે. દેશના અર્થતંત્રમાં અહીંનો પ્રવાસન-ઉદ્યોગ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. કિનારાના પ્રદેશો પર પ્રવાસીઓ માટે વિશિષ્ટ પ્રકારનાં જાણીતાં વિહારધામો આવેલાં છે.
પરિવહન અને વ્યાપાર : રેલમાર્ગો અને સડકમાર્ગોની મુખ્ય જાળ લિસ્બન-કોઇમ્બ્રા (Coimbra) અને પૉર્ટોને સાંકળે છે. આ ઉપરાંત કેટલાક મુખ્ય સડકમાર્ગો અને રેલમાર્ગો ડૉરો અને તેજો-ખીણમાં થઈને સ્પેનને જોડે છે. વહાણવટાની પ્રવૃત્તિ અહીં આર્થિક દૃષ્ટિએ વધુ લાભદાયક નીવડી છે. દેશનો આશરે 80% આયાત-નિકાસ-વ્યાપાર લિસ્બન અને લેક્સોઝ (Leixoes) – આ બે મુખ્ય બંદરો મારફતે થાય છે. દેશમાં ટૅપ (Tap) નામનું કૉર્પોરેશન રાષ્ટ્રીય હવાઈ સેવાઓનું સંચાલન કરે છે. લિસ્બન, ફૅરો, પૉર્ટો, ફુન્ચાલ (Funchal) વગેરે મુખ્ય હવાઈ મથકો છે. દારૂ, વાતશૂન્ય ડબ્બાઓમાં ભરેલી સાર્ડિન, તૂના અને ઍન્ચોવી માછલીઓ, રેઝિન, બૂચ, લાકડાં, કાપડ, પગરખાં, રસાયણો, વીજયંત્રસામગ્રી વગેરે આ દેશની મુખ્ય નિકાસો છે; જ્યારે અનાજ, માંસ, લોખંડ-પોલાદ, કાચું ખનિજતેલ, વાહનો, (મોટરો), રસાયણો, ઔદ્યોગિક યંત્રસામગ્રી વગેરે મુખ્ય આયાતો છે.
વસ્તી અને વસાહતો : 2022 મુજબ પોર્ટુગલની વસ્તી આશરે 1,03,49,000 હતી. એઝોર્સ અને મદીરાના ટાપુઓની વસ્તીનો આ આંકડામાં સમાવેશ થતો નથી. આ પૈકી 33% વસ્તી શહેરી અને 67% વસ્તી ગ્રામીણ છે. નદી-ખીણો તથા કિનારાનાં મેદાનોમાં વસ્તીનું પ્રમાણ ગીચ છે; વસ્તીની સરેરાશ ગીચતાનું પ્રમાણ પ્રતિ ચોકિમી. 116 વ્યક્તિઓનું છે.
ઍટલાન્ટિક મહાસાગરના કિનારાથી આશરે 14 કિમી. અંદરના ભાગમાં તેજો (ટૅગસ) નદીનાળની ઉત્તરે આવેલું લિસ્બન (વસ્તી : 5.05 લાખ; 2016), દેશનું પાટનગર, સૌથી મોટું શહેર અને બંદર છે. બૃહદ લિસ્બનમાં સૌથી મોટી ગુજરાતી વસાહત આવેલી છે. અહીં આશરે 60,000 ગુજરાતીઓ વસે છે. 1970ના દાયકામાં ગુજરાતીઓ અહીં આવીને વસ્યા હતા. પોર્ટુગલની પાંચ શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવામાં આવે છે. મોટાભાગના ગુજરાતીઓ પર્ફ્યુમ, ખાદ્યપ્રક્રમણ અને રેસ્ટોરન્ટના વ્યવસાયમાં રોકાયેલાં છે. ગુજરાતીઓ અહીં પોતાની સ્થાવર મિલકત પણ ખરીદી શકે છે. મધ્ય યુગમાં બંધાયેલો કિલ્લો આ શહેરમાં આવેલો છે. એ જ યુગનાં મોટા ભાગનાં સ્થાપત્યો 1755ના ભયાનક ભૂકંપથી નાશ પામ્યાં છે. લિસ્બન એ દેશનું મહત્ત્વનું રાજકીય, વહીવટી, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક કેન્દ્ર બની રહ્યું છે. આ સિવાય વિલા નોવા દ ગાઇયા (Vila Nova de Gaia), કોઇમ્બ્રા, બ્રૅગા (Braga) વગેરે અગત્યનાં નગરો છે.
બીજલ પરમાર