પૉર્ટ સુદાન : આફ્રિકી રાષ્ટ્રો પૈકી ક્ષેત્રફળમાં સૌથી મોટા ગણાતા સુદાન દેશનું રાતા સમુદ્રને કિનારે આવેલું કુદરતી બંદર, અગત્યનું શહેર તથા વ્યાપારી અને ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : 19o 35′ ઉ. અ., 37o 2′ પૂ. રે. સુદાનના અતબારામાં થઈને વહેતી નાઇલ નદીથી રેલમાર્ગે 475 કિમી. અંતરે ઈશાનમાં રાતા સમુદ્રને કાંઠે આવેલા અલ-બહ્ર અલ અહ્મરનું પાટનગર. ઐતિહાસિક અરબી બંદર સ્વાકિનનાં સમુદ્રજળ પરવાળાંના ખરાબાથી અવરોધાયેલાં રહેતાં હોવાથી વહાણોને લાંગરવાની અનુકૂળતા ન હોઈને તેની ખોટ પૂરી પાડવા માટે 19૦5થી 19૦9 દરમિયાન તે બાંધવામાં આવેલું છે. (જુઓ નકશો).

પૉર્ટ સુદાનને સ્થાનિક ભાષામાં બૂર સુદાન પણ કહે છે. તે કુદરતી બારા માટે જરૂરી અનુકૂળતાઓ ધરાવે છે. લગભગ બધી બાજુએ રણપ્રદેશો આવેલા હોવાથી અહીંની આબોહવા રણને સમકક્ષ ગણાય છે. સવાના અને સુદાન પ્રકારની આબોહવા તે ધરાવતું હોવાથી તેમજ વરસાદની અનિયમિતતા અને પીવાના પાણીની અછતને કારણે આ બંદરનો પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ શક્યો નથી. તેમ છતાં આ બંદરેથી સુદાનનો મોટા ભાગનો વેપાર થતો રહે છે. કારણ કે સમુદ્રતરફી વિકસેલા અખાતના મુખ પર આ બારું આવેલું છે, અહીં 18થી 26 મીટર ઊંડી પરવાળાંમુક્ત ખાડી છે, તેમજ આયાત-નિકાસલક્ષી વેપાર માટે આધુનિક ગોદીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. આ શહેરમાં સુતરાઉ કાપડ-વણાટનો, ચામડાં-આધારિત ઉદ્યોગ અને કિનારાના ભાગોમાં મીઠું પકવવાનો ઉદ્યોગ વિકસેલો છે. અહીં ખનિજ તેલ રિફાઇનરી અને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે. પૉર્ટ સુદાન અને દેશના પાટનગર ખાર્ટૂમ વચ્ચે આશરે 845 કિમી. લાંબી ખનિજ તેલવાહક પાઇપલાઇન પણ 1977માં પૂર્ણ કરવામાં આવેલી છે. ઇથિયોપિયાના ઉચ્ચપ્રદેશોનું અનુસંધાન અહીંના ઉચ્ચપ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશોમાંથી કોલસો, ખનિજતેલ, લોખંડ અને સોનાનાં ખનિજો મેળવવામાં આવે છે. દક્ષિણે સ્વાકિન અને ટોકારનાં કપાસ-ઉત્પાદક ક્ષેત્રો છે, તેમજ ડેરીની પેદાશોનું ઉત્પાદન પણ લેવાય છે. અહીં કપાસ, શેરડી, મગફળી, ચા અને કૉફીનું વાવેતર થાય છે. પશ્ચિમે ખજૂરીની મોટા પાયા પર ખેતી થાય છે. તેથી ખજૂર, કપાસ, ગુંદર, તેલીબિયાં, ચામડાં અને સેન્ના(senna)ની આ બંદરેથી નિકાસ થાય છે. મોટા ભાગની નિકાસ ઇટાલી, જર્મની અને ગ્રેટબ્રિટનમાં રાતા સમુદ્રની સુએઝ નહેર મારફતે થાય છે. વળી આ બંદરે વાહનો, યંત્રસામગ્રી, ઇંધન માટેનાં તેલ અને બાંધકામ-સામગ્રીની આયાત કરવામાં આવે છે. આ બંદર ખાર્ટૂમ ઉપરાંત વાડીહાલ્ફા, અતબારા, ઓમ્દુરમન, અલ ઓબિદ, કસાલા, સીનાર અને અલ ફેસર જેવાં શહેરો સાથે વેપારથી જોડાયેલું છે. સુદાનના આર્થિક વિકાસમાં આ બંદરનો મોટો ફાળો રહેલો છે.

સુદાન દેશમાં પૉર્ટ સુદાનનું સ્થાન

પચરંગી વસ્તી ધરાવતું આ શહેર રાતા સમુદ્રના કિનારે સાઉદી અરેબિયાના ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક મક્કાની બરોબર સામે આવેલું હોવાથી હજયાત્રીઓની ભીડ આ બંદરે પણ રહે છે.

આ શહેરની મુખ્ય વસ્તી અરબોની અથવા નૂબિયન સુદાનીઓની છે, જેમાં ત્યાંના મૂળ મુલકી બેજા (Beja), પશ્ર્ચિમ આફ્રિકીઓ તેમજ ગૌણ પ્રમાણમાં એશિયાઈ અને યુરોપીય લોકોનો સમાવેશ થાય છે. સુદાનની લોકમાતા ભૂરી નાઇલ આ બંદરથી પશ્ર્ચિમે ખાર્ટૂમ અને અતબારામાં થઈને ઇજિપ્તમાં પ્રવેશે છે, જ્યાં વાડીહાલ્ફાની ઉત્તરે વિશ્ર્વવિખ્યાત આસ્વાન બંધ બાંધવામાં આવેલો છે. અહીં પીવાના પાણીની સગવડ રાતા સમુદ્ર નજીકની ટેકરીઓના ખાવર (વાડી) અરબાતમાંથી અને મીઠાના અગરોમાંથી કરવામાં આવે છે. પૉર્ટ સુદાનની વસ્તી આશરે 4,89,725 (2૦17) જેટલી છે.

મહેશ મ. ત્રિવેદી