ક્રિપ્ટોકરન્સી

January, 2008

ક્રિપ્ટોકરન્સી : કોઈ મધ્યસ્થ બેંક કે સરકારની પરવાનગી વગર ઓનલાઈન અસ્તિત્વ ધરાવતી એક ડિજિટલ કરન્સી. ડિજિટલ વોલેટમાં ખાસ અલ્ગોરિધમ અને આંકડાંની મદદથી ક્રિપ્ટોધારકને એ કરન્સીનો એક્સેસ આપવામાં આવે છે. ક્રિપ્ટોધારક તેમની પાસે રહેલી ક્રિપ્ટોકરન્સી ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. 2009માં પ્રથમ વખત એ અસ્તિત્વમાં આવી હતી. જાપાની નાગરિક સાતોશી નાકામોતોએ કોઈ નાણાકીય બેંક કે સરકારની મધ્યસ્થી વગર માત્ર કોડિંગથી આ કરન્સી બનાવી હતી. સાતોશી નાકામોતો નામની વ્યક્તિ અસ્તિત્વ ધરાવતી ન હોવાથી આ નામે જાપાનના જ કોઈ બીજા માણસે કે પછી અન્ય દેશમાંથી આ ચલણ બનાવાયું હોવાની શક્યતા પણ વ્યક્ત થતી રહે છે.

ક્રિપ્ટો લેટિન શબ્દ છે, જેનો અર્થ થાય છે ગુપ્ત રાખવું કે છૂપું રાખવું. કરન્સી શબ્દ પણ લેટિન શબ્દ કરન્ટિયામાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ રોકડ-નગદના સંદર્ભમાં થાય છે. આ બંને શબ્દોને ભેગા કરીને ક્રિપ્ટોકરન્સી શબ્દ બનાવાયો છે, જેનો અર્થ થાય છે છૂપું ચલણ. ક્રિપ્ટોકરન્સી એવું ચલણ છે, જેને આપણે ખિસ્સામાં, બેંકમાં કે તિજોરીમાં રાખી શકતા નથી. તેને સ્પર્શી શકાતી નથી, પરંતુ એને ડિજિટલ વોલેટમાં રાખીને તેની માલિકી મેળવી શકાય છે. એક એક કોઈન એટલે કે સિક્કાનું ખરીદ-વેચાણ થઈ શકે છે. હવે એમાં પણ નવી સિસ્ટમ આવી ગઈ છે. એક કોઈનને બદલે કોઈનનો થોડોક હિસ્સો પણ ખરીદી શકાય છે.

અત્યારે દુનિયામાં વિવિધ પ્રકારની 4200 ક્રિપ્ટોકરન્સી છે. જેમાં બિટકોઈન મુખ્ય છે. તેનો કોઈ જ સરકારો પાસે અંકુશ નહીં હોવાથી તેને દુનિયાના દેશોએ માન્યતા આપી નથી, છતાં એમાં માતબર રોકાણ થઈ રહ્યું છે. ધનવાનોનું કાળુધન ક્રિપ્ટોકરન્સીના સ્વરૂપમાં ફેરવાતું જાય છે. ક્રિપ્ટોકરન્સીને વર્ચ્યુઅલ કે ડિજિટલ કરન્સી પણ કહેવાય છે. ક્રિપ્ટોકરન્સીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને અમેરિકા-બ્રિટન-ભારત-ચીન જેવા દેશોનું પણ પોતાની વર્ચ્યુઅલ કરન્સી લાવવાનું આયોજન છે. જેમ લોકો શેર બજારમાં શેર ખરીદી શકે છે તેમ જ ક્રિપ્ટોકરન્સી દરરોજના ધોરણે ખરીદી-વેચી શકે છે. બંનેમાં મોટો તફાવત એ છે કે શેરમાર્કેટની એક વ્યવસ્થા છે. તેના ઉપર સરકાર કે સેબી જેવી ચોક્કસ સંસ્થાનો અંકુશ છે, જ્યારે ક્રિપ્ટોમાં એવો કોઈ જ સીધો અંકુશ નથી. હવે તો ઈલોન મસ્કની ટેસ્લા જેવી કંપનીઓએ ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટ સ્વીકારવાનું પણ શરૂ કર્યું છે. ક્રિપ્ટોના વોલેટ માટે એક ચોક્કસ આઈડેન્ટીટી નંબર અને પાસવર્ડ હોય છે એના સિવાય તેનો એક્સેસ મળતો નથી. બ્લોકચેન સોફ્ટવેરની મદદથી ક્રિપ્ટોની લેવડ-દેવડ થાય છે. આ સિસ્ટમ ઈન્ક્રિપ્ટેડ છે. તેને ડિસસેન્ટ્રલાઈઝેશનની સિસ્ટમથી મેનેજ કરવામાં આવે છે. એટલે કે તે કોઈ એક ચોક્કસ સ્થળેથી જ મેનેજ થતી નથી. બિટકોઈન સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે, તે એટલે સુધી કે ઘણાં લોકો બિટકોઈનને જ ક્રિપ્ટોકરન્સી માને છે. તે સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી છે ઘણી મોટી કંપનીઓએ તેને માન્યતા આપી છે. બીજી બધી ક્રિપ્ટોકરન્સીમાં એ વધુ સલામત હોવાનો દાવો પણ થાય છે.

આના ભયસ્થાન જોઈએ તો ક્રિપ્ટોકરન્સીના કારણે મનીલોન્ડરિંગના કેસ વધવાની શક્યતા છે. વળી, તેના ઉપર સીધો કોઈ દેશ કે મધ્યસ્થ બેંકનો અંકુશ ન હોવાથી તેની ગેરકાયદે લેવડદેવડ વધી શકે છે. ક્રિપ્ટોકન્સી ડિજિટલ કરન્સી હોવાથી જો એની સિસ્ટમ ભાંગી પડે અથવા તો દલાલ કંપનીઓ બંધ થઈ જાય તો માત્ર આંકડાંનું કોઈ મૂલ્ય રહેતું નથી. ક્રિપ્ટોકરન્સીથી દુનિયાભરના ચલણ આધારિત અર્થતંત્રને મોટું જોખમ હોવાનું પણ અર્થશાસ્ત્રીઓ માને છે. બ્લોકચેન ડેટા એનાલિસિસ કંપનીના એક અહેવાલ પ્રમાણે ક્રિપ્ટો મનીલોન્ડરિંગના કેસમાં 30 ટકાનો વધારો થયો છે.

ક્રિપ્ટોકરન્સીનું માઈનિંગ થાય છે, જેમાં વિપુલ પ્રમાણમાં ઉર્જા વપરાય છે. માઈનિંગ થવું એટલે એક પ્રકારનો ડિજિટલ ડેટાબેઝ તૈયાર થવો. જે આ કામ કરે છે તેને ક્રિપ્ટો માઈનર્સ કહે છે. એમાં ખૂબ જ શક્તિશાળી કમ્પ્યુટરની જરૂર પડે છે. સાધારણ કામ-કાજમાં જે કમ્પ્યુટર્સ વપરાય છે તેના કરતાં વધુ ક્ષમતા ધરાવતા કમ્પ્યુટર્સની ક્રિપ્ટોકરન્સીના માઈનિંગમાં જરૂરિયાત વર્તાય છે. જ્યારે કોઈ માઈનર યોગ્ય જાણકારી મેળવીને ચોક્કસ ક્રિપ્ટોને સુરક્ષિત કરે છે ત્યારે એ કોઈન બ્લોકચેન સાથે જોડાઈને ઈન્ક્રિપ્ટેડ થઈ જાય છે. એ વિશે પછી માત્ર જેને એક્સેસ અપાયો છે એને જ જાણકારી મળે છે. વેરિફિકેશન વગર એ ડિજિટલ વોલેટ ખૂલતું નથી. ક્રિપ્ટો એક્સચેન્જ 24 કલાક કાર્યરત રહે છે. એટલે કે ગમે ત્યારે તેનું ખરીદ-વેચાણ થાય છે. જોકે, દુનિયાભરની સરકારો ક્રિપ્ટોકરન્સીને જોખમી ગણે છે છતાં ધનવાનો માટે તેનું આકર્ષણ દિવસે દિવસે વધતું જાય છે.

ભારતમાં આ ચલણના વપરાશકારોનો કોઈ ચોક્કસ આંકડો મળતો નથી, પરંતુ વિવિધ અભ્યાસ પરથી જણાયું છે કે અત્યારે દેશમાં 1.5 કરોડ લોકો ક્રિપ્ટોકરન્સી ધરાવે છે. ભારતમાંથી દોઢ કરોડ લોકોએ એક નહીં તો બીજી ક્રિપ્ટોકરન્સીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આરબીઆઈ અને કેન્દ્ર સરકારનું આકરું વલણ છતાં દેશમાં ક્રિપ્ટોકરન્સીની લોકપ્રિયતા વધતી જાય છે.

હર્ષ મેસવાણિયા