ક્રિટેશિયસ રચના

January, 2008

ક્રિટેશિયસ રચના (Cretaceous system) : ચૂનાના ખડકનાં લક્ષણો ધરાવતી ખડકરચના. ‘ક્રિટેશિયસ’ પર્યાય મૂળ લૅટિન શબ્દ ‘ક્રીટા’ એટલે ચૉક પરથી ઊતરી આવેલો છે. ‘ક્રિટેશિયસ’ નામ 1822માં બેલ્જિયમના દ’ હેલૉય તરફથી અપાયું અને ઇંગ્લૅન્ડમાં ફિટન દ્વારા તે સર્વપ્રથમ સ્વીકૃતિ પામ્યું. ભૂસ્તરીય કાળગણનામાં મેસોઝોઇક (મધ્યજીવ) યુગના ત્રણ કાળ પૈકીનો ત્રીજો અથવા છેલ્લો કાળ એટલે ક્રિટેશિયસ કાળ. તે કાળ દરમિયાન તૈયાર થયેલા ખડકસ્તરોની રચનાને ક્રિટેશિયસ રચના કહે છે. ક્રિટેશિયસ સ્તરરચનાની શરૂઆત આજથી 13 કરોડ 60 લાખ વર્ષ પૂર્વે થઈ અને તે 6 કરોડ 40 લાખ વર્ષ પૂર્વે પૂર્ણ થઈ એટલે તેનો કુલ કાળગાળો અંદાજે 7 કરોડ 20 લાખ વર્ષનો ગણાય. ક્રિટેશિયસના નિમ્ન અને ઊર્ધ્વ એવા 3 કરોડ 60 લાખ વર્ષના કાળગાળાના બે મુખ્ય વિભાગો પાડેલા છે અને તે પ્રત્યેકને છ-છ કક્ષાઓમાં વહેંચી નાખેલા છે. આ કાળની નિમ્નતમ સીમા ક્રૅસ્પીડાઇટ વિભાગના તળથી અંકિત થાય છે અને ઊર્ધ્વતમ સીમા માસ્ટ્રીક્શિયનના મથાળાથી પૂરી થાય છે. જોકે કેટલાક નિષ્ણાતો ડાનિયનનો પણ (પૂર્ણપણે કે અંશત:) તેની ઊર્ધ્વતમ કક્ષા તરીકે સમાવેશ કરે છે.

નિમ્ન ક્રિટેશિયસની નિક્ષેપજમાવટનો રચનાપ્રકાર તેની નીચેની જુરાસિક રચનાની માફક જ ચાલુ રહેલો હોવા છતાં બ્રિટિશ ટાપુઓના પ્રમાણભૂત સંદર્ભમાં જોતાં તે છીછરા જળના દરિયાઈ નિક્ષેપપ્રકાર ઉપરાંત સ્થાનિક રીતે ક્યાંક ક્યાંક સરોવરજન્ય, નદીનાળજન્ય તેમજ ત્રિકોણપ્રદેશજન્ય પણ છે. ઊર્ધ્વ ક્રિટેશિયસના પ્રારંભે સંજોગો બદલાય છે, વ્યાપક પ્રમાણમાં દરિયાઈ અતિક્રમણ થાય છે જે સેનોમૅનિયન અતિક્રમણ (cenomanian transgression) તરીકે જાણીતું છે. તેની પરાકાષ્ઠા વખતે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી કે પેલિયોઝોઇક કાળ બાદ પહેલી વાર પૃથ્વી પર ભૂમિ સપાટી કરતાં અનેકગણો દરિયાઈ વિસ્તાર આ અતિક્રમણ દ્વારા આવરી લેવાયેલો.

લગભગ આખાય ઉત્તર યુરોપમાં તેમજ મધ્યપશ્ચિમી યુ.એસ.ના કેટલાક ભાગમાં ઊર્ધ્વ ક્રિટેશિયસ રચના ચૉક તરીકે ઓળખાતા અજોડ શ્વેત ચૂનાખડકથી રજૂ થાય છે. ટેથિસ મહાસાગરમાં આ તબક્કે આલ્પાઇન ગિરિનિર્માણ માટેના વિક્ષેપનાં પગરણ મંડાય છે. પરિણામે ઉદભવેલા થાળામાં સારી એવી જાડાઈના દરિયાઈ નિક્ષેપો જમા થાય છે. આ સંજોગોની સાથે સાથે ક્રિટેશિયસ કાળનો તેમજ મેસોઝોઇક યુગનો પણ અંત આવે છે.

ક્રિટેશિયસ કાળના શરૂઆતના પ્રાણીઅવશેષો જુરાસિકના પ્રાણીઅવશેષો સાથે ખૂબ જ મળતા આવે છે. મૃદુશરીરી પૈકી ઍમોનાઇટ પ્રારંભે તો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ પછીથી વિરલ બનતા જાય છે, જે આ કાળના અંત વખતે વિલુપ્તિ પામે છે. જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ત્યાં તે નિર્દેશક જીવાવશેષો (index fossils) તરીકે ઉપયોગી બન્યાં છે. ઍકિનૉઇડ તેમજ લેમેલિબ્રૅન્ક પણ અગત્યનાં ગણાય છે, જે ઍમોનાઇટની જગ્યાએ વિભાગીય જીવાવશેષ (zonal fossils) તરીકે ઉપયોગમાં લેવાયાં છે. બેલેમ્નાઇટ (સીફેલોપૉડા) પણ આ કાળ દરમિયાન જ વિલુપ્ત થયાં છે. બ્રૅકિયોપૉડા વૃદ્ધિ પામ્યાં પરંતુ આ કાળના અંત વખતે ખૂબ પ્રમાણમાં ઘટી ગયાં. સમગ્ર રીતે જોતાં, અગાઉના યુગોની સરખામણીએ પરવાળાં (સછિદ્રી) વિપુલતાની ર્દષ્ટિએ સ્પષ્ટપણે ઓછાં ગણાય. ભૂમિ પરનાં ડાઇનોસૉર(20થી 25 મીટરની લંબાઈવાળાં મહાકાય સરીસૃપો (દા.ત., કાંગારુના આકારનું ઇગ્વાનોડોન, ભૂમિ પરનું ટેરોસોરસ, જ્યારે ઊડવાની ક્ષમતાવાળું ઇક્થિયોસોરસ દરિયાઈ હતું)નું પ્રાધાન્ય ચાલુ તો રહ્યું પણ આ કાળને અંતે તે પણ વિલુપ્ત બન્યાં. ક્રિટેશિયસનાં કહેવાય એવાં સસ્તન પ્રાણીઓનું અસ્તિત્વ ખરું, પણ સંખ્યા અને કદની ર્દષ્ટિએ નહિ જેવું ગણાય. ક્રિટેશિયસમાં વિકસિત કક્ષાની સપુષ્પ દ્વિદળ વનસ્પતિ અગત્યની ગણાય; સાયકડ, ફર્ન અને કૉનિફર ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે.

ભારત : ક્રિટેશિયસ કાળના પ્રારંભે ભારતમાંના પ્રવર્તમાન સંજોગો કંઈક આ પ્રમાણે હતા : જુરાસિક કાળ દરમિયાન ભૂમિઘસારા અને ધોવાણમાંથી પ્રાપ્ત દ્રવ્યજથ્થાની નિક્ષેપક્રિયાને કારણે મહાસાગરથાળાં ધીમે ધીમે વધુ ને વધુ છીછરાં બન્યે જતાં હતાં; ઘસારાને કારણે મેદાની પ્રદેશોની સપાટી નીચી આવતી જતી હતી. આથી સમુદ્રનાં પાણીનું ભૂમિ તરફ અતિક્રમણ થવાનું ક્રિટેશિયસના પ્રારંભે શરૂ થઈ ગયું હતું. કિનારાની નજીકમાં પંકભૂમિના પ્રદેશો બનતા ગયા; સમુદ્રનો વ્યાપ ભૂમિ તરફ વધુ ને વધુ વિસ્તરતો ગયો; તત્કાલીન પ્રવર્તમાન આબોહવા ગરમ અને ભેજવાળી બની રહી તથા ઊંચા અક્ષાંશોવાળા દેશો પણ ગરમ અને માફકસરની આબોહવાવાળા બન્યા; દા.ત., ગ્રીનલૅન્ડ, જ્યાં મૅગ્નોલિયા અને સિનેમોન જેવા વનસ્પતિ-અવશેષો આ બાબતની સાક્ષી પૂરે છે.

ભારતમાં ક્રિટેશિયસ રચનાના ખડકો નદીજન્ય, નદીનાળજન્ય, સરોવરજન્ય અને દરિયાઈ ઉત્પત્તિવાળા છે; અર્થાત્, વિવિધ નિક્ષેપપ્રકારો રજૂ કરે છે તેમજ બહોળા પ્રમાણમાં વિતરણ પામેલા જોવા મળે છે. આ ઉપરાંત ક્રિટેશિયસના અંતિમ કાળગાળા દરમિયાન અંતર્ભેદિત તેમજ જ્વાળામુખીજન્ય આગ્નેય પ્રક્રિયાઓ પણ મોટા પાયા પર થયેલી છે, જેને પરિણામે જૂના ખડકોમાં બેઝિક બંધારણવાળા લૅકોલિથ અને સિલનાં અંતર્ભેદનો થયાં છે. આંતરે આંતરે થતાં રહેતાં જ્વાળામુખી પ્રસ્ફુટનો વચ્ચેના શાંતિકાળમાં જળકૃત ખડકોના આંતરસ્તરો પણ રચાયા. ત્યારપછીથી આ બધામાં ગ્રૅનાઇટ, ગૅબ્રો અને પૅરિડોટાઇટનાં અંતર્ભેદનો પણ થયાં. મધ્ય અક્ષ બનાવતી હિમાલય હારમાળામાં જોવા મળતા ત્રણ પ્રકારના ગ્રૅનાઇટ આ વયની આગ્નેય પ્રક્રિયાનું પરિણામ હોવાનું કહેવાય છે.

ક્રિટેશિયસ કાળના અંતમાં દ્વીપકલ્પીય ભારતનો વાયવ્ય ભાગ જ્વાળામુખી-પ્રક્રિયાની અસર હેઠળ આવ્યો; અગાઉ તાણનાં બળોને કારણે તૈયાર થયેલી ઊંડી ફાટોમાંથી બેઝિક લાવા ફેલાતો ગયો, જેણે દક્ષિણ રાજસ્થાનથી ધારવાડ વચ્ચેના તેમજ એક કિનારાથી બીજા કિનારા સુધીના લાખો ચોરસ કિલોમિટરનો વિસ્તાર આવરી લીધો. અતિશય જાડાઈના આ બેસાલ્ટ ખડકો નીચે તે પૂર્વનું સ્થળર્દશ્ય ઢંકાઈ ગયું. આના જેવું બીજું કોઈ ઉદાહરણ દુનિયાની જ્વાળામુખી ઘટનાઓમાં જોવા મળતું નથી.

હિમાલયના સ્પિટિ વિસ્તાર(ટેથિયન ભૂસંનતિ)માં ઊર્ધ્વ જુરાસિકની ઉપર સંગતપણે ગિયુમલ રેતીખડકથી બનેલી નિમ્ન ક્રિટેશિયસ રચના રહેલી છે જે ઑસ્ટ્રિયા, ગ્રાયફિયા, ટ્રાઇગ્રોનિયા વગેરે જેવાં લેમેલિબ્રૅન્ક તથા પેરિસ્ફિન્ક્ટસ, હોપ્લાઇટ્સ જેવા ઍમોનાઇટ જીવાવશેષોથી યુક્ત છે. આ રેતીખડકની ઉપર ચૂનાખડક અને શેલથી બનેલી ઊર્ધ્વ ક્રિટેશિયસ વયની ચિક્કિમ શ્રેણી રહેલી છે; જે કુમાઉ, તિબેટ, કાશ્મીર, હઝારા, અફઘાનિસ્તાન અને ઈરાન સુધી વિસ્તરેલી છે. ચિક્કિમ શ્રેણીના ચૂનાખડકોમાં બેલેમ્નાઇટ્સ, હિપ્યુરાઇટ્સ વગેરે જેવા જીવાવશેષો મળે છે. સ્પિટિની આસપાસ, ચિક્કિમ શ્રેણીની ઉપર, ફ્લીશ તરીકે ઓળખાતા, ઘણી જાડાઈવાળા જીવાવશેષરહિત રેતીખડકો અને શેલ મળે છે, જે ટેથિસના થતા જતા છીછરાપણાનો નિર્દેશ કરે છે. કુમાઉંની તિબેટ સરહદે, જોહારમાં, આ ફ્લીશ નિક્ષેપોની ઉપર જ્વાળામુખીજન્ય ટફ અને બ્રેક્સિયા મળે છે. આ બ્રેક્સિયા અભ્યાગત ખડકો તરીકે જાણીતા થયેલા, મૂળ જગાએથી છૂટા પડી ગયેલા, ખડક ગચ્ચાંનો સમાવેશ કરે છે, જે મુખ્યત્વે પર્મિયનથી ક્રિટેશિયસ વયના ચૂનાખડકોના બનેલા છે.

આ સમયગાળા વખતે ભારતના પૂર્વ કિનારે સમુદ્ર લહેરાતો હતો, જ્યાં ઊર્ધ્વ ગોંડવાના નિક્ષેપો નિમ્ન ક્રિટેશિયસ વયના દરિયાઈ પ્રાણીઅવશેષો સાથે સંકળાયેલા મળી આવે છે. તીરસ્થ પ્રકાર(littoral type)ના મધ્ય અને ઊર્ધ્વ ક્રિટેશિયસ ખડકો પોંડિચેરી(પુદુચેરી)-તિરુચિરાપલ્લી વિભાગમાં મળે છે. અહીં મળી આવતા પ્રાણી-અવશેષો માલાગાસી અને દક્ષિણ આફ્રિકામાંથી મળતા તેમજ શિલૉંગ ઉચ્ચ પ્રદેશની દક્ષિણ બાજુએથી મળી આવતા પ્રાણી-અવશેષો સાથે સામ્ય ધરાવે છે; આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે ઊર્ધ્વ ક્રિટેશિયસ કાળમાં આ વિસ્તાર સમુદ્ર તળે હતો. બંગાળાના ઉપસાગરની સામેની બાજુએ મ્યાનમારના મોટાભાગના વિસ્તારમાં એ વખતે ભૂસંનતિમય થાળું હતું. તેના નિક્ષેપો અંતિમ ક્રિટેશિયસમાં દાબનાં બળોની અસર હેઠળ આવરી લેવાયા; સાથે સાથે નાગા ટેકરીઓથી માંડીને નિકોબાર સુધી અત્યારે જોવા મળતા બેઝિક ખડકોનાં અંતર્ભેદનો પણ થયાં.

બાઘ-સ્તરો તરીકે ઓળખાતા દરિયાઈ ઉત્પત્તિજન્ય ક્રિટેશિયસ ખડકોના છૂટક છૂટક, નાના નાના ઘણા વિવૃત ભાગો, નર્મદાના ખીણપ્રદેશની ધારે ધારે, પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા જોવા મળે છે, જેમાંના પ્રાણી-અવશેષો અરબસ્તાન અને દક્ષિણ યુરોપના ક્રિટેશિયસ પ્રાણી-અવશેષો સાથે ઘનિષ્ઠપણે સામ્ય ધરાવે છે. બાઘ-સ્તરોની વિવૃતિઓની સીધી રેખામાં દ્વીપકલ્પના મધ્યભાગોમાં સરોવરજન્ય અને નદીનાળજન્ય નિક્ષેપના રચનાપ્રકારો પણ જોવા મળે છે, જે લેમેટા તરીકે ઓળખાય છે અને તે ટેથિસ સમુદ્રના એક ફાંટાના સળંગપણાનું સૂચન કરી જાય છે. બાઘ-લેમેટાના રેખીય વિભાગનું અવતલન, ક્રિટેશિયસના પશ્ચાત્કાળમાં મોટા પાયા પર થયેલા ડેક્કન ટ્રૅપ લાવા થરોના પ્રચંડ પ્રસ્ફુટનની પુરોગામી ઘટના માટે જરૂરી એવી પોપડાના ભંગાણની પ્રારંભિક ક્રિયાનો નિર્દેશ કરે છે. જબલપુર ચાંદા જિલ્લાઓના લેમેટા સ્તરોએ કેટલાક ડાઇનોસૉર અવશેષો પણ પ્રદાન કરેલા છે, જે માલાગાસી, બ્રાઝિલ અને આર્જેન્ટિનાના પેટાગૉનિયામાંથી મળી આવેલા એવા જ અવશેષોની સાથે મળતા આવે છે; એ જ પ્રમાણે પૂર્વ કિનારે પોંડિચેરી અને તિરુચિરાપલ્લી વિસ્તારોમાંથી મળેલા ઊર્ધ્વ ક્રિટેશિયસ ખડકોમાંના દરિયાઈ પ્રાણીજીવાવશેષો આસામ ગિરિમાળાની દક્ષિણ બાજુએથી મળેલા તેમજ માલાગાસીમાંથી મળેલા એવા જ જીવાવશેષો સાથે સરખાપણું દર્શાવે છે, જે આલ્બિયનથી સેનોનિયન વયના છે. આ જીવાવશેષો પૂર્વ આફ્રિકા(નાતાલ)ના તેમજ પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના એવા અવશેષો સાથે લગભગ સામ્ય ધરાવે છે; પરંતુ ભારતના પશ્ચિમ કિનારાના કે હિમાલય વિસ્તારના અવશેષોથી જુદા પડે છે. આવું સામ્ય ઇયોસીન સુધી જોઈ શકાય છે. આ બાબત સ્પષ્ટ સૂચવે છે કે આસામ અને દક્ષિણ ભારતના ક્રિટેશિયસ ખડકો દક્ષિણ સમુદ્રના અતિક્રમણની પેદાશ છે.

બાઘ-સ્તરોમાંથી મળી આવેલા કેટલાક જીવાવશેષના નમૂના ઉપરથી નિર્ણય લઈ શકાય છે કે ભારત-માલાગાસીના ભૂમિભાગો આજે પ્રવર્તમાન અરબી સમુદ્રમાં ઊંડે ઊતરી ગયેલા લેમુરિયા નામના ખંડથી જોડાયેલા હોવા જોઈએ, જે ભંગાણની પ્રક્રિયામાં તૂટી પડવાથી આજની ભારતની પશ્ચિમ સરહદે આવેલા અરબી સમુદ્ર-સ્વરૂપે હિન્દી મહાસાગર છવાઈ ગયેલો હોવો જોઈએ. તત્કાલીન ભારત-લેમુરિયા-માલાગાસીથી બનેલો સળંગ ભૂમિસમૂહ એ વખતે ડાઇનોસૉર પ્રાણી-સમૂહથી સમૃદ્ધ જંગલોવાળો હતો. ઉત્તરે રહેલા ટેથિસ સમુદ્ર સુધી આ પ્રાણીઓની મુક્ત હેરફેર થયા કરતી હતી. આ પ્રકારના સંજોગો પ્રવર્તતા હોવાનું સમર્થન, નર્મદા ખીણમાં તેમજ ભારતના પૂર્વ કિનારાના ક્રિટેશિયસમાં મળતા જીવાવશેષો યુરોપિયન જીવાવશેષો સાથે સામ્ય ધરાવતા હોવાથી મળી રહે છે. પૂર્વ કિનારાના પોંડિચેરી-તિરુચિરાપલ્લીના ક્રિટેશિયસ ખડકોનો વિભાગ, પોલીઝોઆ, ક્રિનૉઇડ, ઍકિનૉઇડ, પરવાળાં, બ્રૅક્રિયોપૉડ, લેમેલિબ્રૅન્ક, ગેસ્ટ્રોપૉડ, ઍમોનાઇટ, માછલીઓ અને ડાઇનોસૉર વગેરેની 1000થી વધુ ઉપજાતિઓનો સમાવેશ કરતો હોવાથી પ્રાચીન પ્રાણીવિદ્યાની ર્દષ્ટિએ ઘણો જ મહત્વનો બની રહે છે. આ પૈકી લેમેલિબ્રૅન્ક અને ગેસ્ટ્રોપૉડ અસંખ્ય છે તેમજ ઍમોનાઇટ (150 ઉપજાતિ) પણ ઘણા મહત્વના બની રહે છે. માછલીઓની 17 ઉપજાતિ જોવા મળે છે. ડાઇનોસૉર સમૂહનાં પ્રાણીઓ લેમેટા કાળમાં વિપુલ પ્રમાણમાં તેમના વિકાસની મહત્તમ કક્ષાએ પહોંચેલાં; તેમના જીવાવશેષો આજે કમનસીબે ટુકડા-સ્વરૂપે મળે છે. ટિટેનોસોરિડી, એલોસોરિડી અને ઓર્નિથોમિમિડી વર્ગો મુખ્ય છે. ત્રણ ભારતીય સોરોપૉડ (રાક્ષસી કદનાં લાંબા પૂંછડાવાળાં અને લાંબી ડોકવાળાં ડાઇનોસૉર) જેવાં જ, નવા વયના ખડકોમાં દક્ષિણ અમેરિકામાં પણ મળતા હોવાથી, એક બાબતની પ્રતીતિ કરાવે છે કે ભારત અને દક્ષિણ અમેરિકાના પ્રદેશો પ્રાણીઓની મુક્ત હેરફેર માટે સળંગ ભૂમિથી જોડાયેલા હોવા જોઈએ. ભારતમાં સસ્તન પ્રાણીઓના અવશેષો ક્રિટેશિયસ કાળના ખડકોમાંથી હજી સુધી તો મળેલા નથી.

ભારતના સંદર્ભમાં ક્રિટેશિયસ રચનાનું વિતરણ હિમાલય વિસ્તારમાં સ્પિટિ ખીણ, ઉત્તર કુમાઉ, ચિત્રાલ, લડાખ, હઝારા, સમાના હારમાળા, બલૂચિસ્તાન અને સિંધ તેમજ સૉલ્ટ રેન્જ, દ્વીપકલ્પીય વિસ્તાર, કચ્છ, નર્મદાખીણ, રાજસ્થાન, આસામ અને તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયેલું જોવા મળે છે.

જુરાસિક સમય દરમિયાન કચ્છમાં પ્રવર્તમાન સમુદ્રનો ઉત્તર ફાંટો નિમ્ન ક્રિટેશિયસ વખતે પ્રતિક્રમણ કરતો ગયો, જેનો પુરાવો પશ્ચિમ જોધપુરના ખંડીય રચનાપ્રકારવાળા બાડમેર રેતીખડક દ્વારા મળે છે. નિમ્ન ક્રિટેશિયસ વખતે નર્મદાખીણમાં પ્રવેશેલા દરિયાઈ ફાંટાને કારણે નિમાર રેતીખડક રચાયો. તેની ઉત્તરે સોંધીર રેતીખડક, હિંમતનગર રેતીખડક (નદીજન્ય) અને પશ્ચિમે ધ્રાંગધ્રા રેતીખડક છીછરા સમુદ્રજળમાં તીરસ્થ નિક્ષેપો તરીકે રચાયા. મધ્યપ્રદેશના બરવાહથી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધી વિસ્તરેલી શ્રેણીબદ્ધ વિવૃતિઓ એ કાળના દરિયાઈ પ્રવેશની તવારીખ આપે છે, જેના સુસ્પષ્ટ ખડકછેદો મધ્ય પ્રદેશના જાબુઆ વિસ્તારના નિમાર, ચિરાખાન અને અલિરાજપુરમાં જોવા મળે છે.

સૉલ્ટ રેન્જમાં માત્ર આલ્બિયન કક્ષા સુધીના જ નિમ્ન ક્રિટેશિયસ ખડકો જોવા મળે છે.

બાઘ સ્તરોનો અનુક્રમ
ઊર્ધ્વ….. પરવાળાયુક્ત ચૂનાખડક

દેવલા માર્લ

નિમ્ન… ગઠ્ઠાવાળો મૃણ્મય ચૂનાખડક

નિમાર રેતીખડક……

નિમ્ન ક્રિટેશિયસ
હિંમતનગર રેતીખડક નિમાર રેતીખડકને સમકક્ષ છે.

કચ્છમાં ઉમિયા સ્તરોની ઉપરના રેતીખડકોનું વય તેમાંના જીવાવશેષોને આધારે ક્રિટેશિયસની એપ્ટિયન કક્ષાનું છે.

તમિલનાડુમાં ચેન્નાઈની દક્ષિણે ક્રિટેશિયસ વયની ત્રણ વિવૃતિઓ મળે છે, જે પૈકી ત્રિચિનોપલ્લીના ક્રિટેશિયસ ખડકો પ્રમાણમાં મોટો વિસ્તાર આવરી લે છે.

આસામમાં ક્રિટેશિયસ ખડકો બે કક્ષાઓ(નીચેની મહાદેક કક્ષા અને ઉપરની લાંગપુર કક્ષા)માં વિભાજિત કરેલા છે. શિલૉંગ ઉચ્ચપ્રદેશની દક્ષિણ કિનારી પાસે ક્રિટેશિયસ સ્તરો કાંપના આવરણ નીચે ઊંડા ઊતરી જાય છે. જીવાવશેષો દ્વારા તે સેનોનિયન વયના, ત્રિચિનોપલ્લી અને આરિયાલુર કક્ષાઓને સમકાલીન છે. પશ્ચિમ આફ્રિકા (નાતાલ) અને ઑસ્ટ્રેલિયામાં મળતા એવા જ જીવાવશેષો સળંગ ગોંડવાના ખંડનો નિર્દેશ કરે છે.

તિરુચિરાપલ્લીનો ક્રિટેશિયસ સ્તરાનુક્રમ

નિનિયુર કક્ષા ગેરુયુક્ત, ચૂનાયુક્ત રેતી, શેલ
આરિયાલુર કક્ષા રેતીખડકો, શેલયુક્ત રેતીખડકો
ત્રિચિનોપલ્લી કક્ષા રેતીખડકો, ગ્રિટ, ક્વચિત્ ચૂનાયુક્ત પટ્ટા સહિત શેલ
ઉતાતુર કક્ષા સિલ્ટ, ચૂનાયુક્ત શેલ, લોહદ્રવ્યયુક્ત, ફૉસ્ફેટયુક્ત

તથા ચૂનાયુક્ત ગઠ્ઠા સહિતની રેતીવાળી માટી

લોહદ્રવ્યયુક્ત સ્તરો

ઊર્ધ્વ ગોંડવાના

આર્કિયન નાઇસ, ચાર્નોકાઇટ

ગિરીશભાઈ પંડ્યા