પુંકેસર-ચક્ર (androecium)

પુંકેસરો કે લઘુબીજાણુપર્ણો ધરાવતું ત્રીજા ક્રમમાં આવેલું પુષ્પનું આવશ્યક (essential) ચક્ર. આવૃતબીજધારી વનસ્પતિઓમાં વજ્ર (calyx) અને દલપુંજ (corolla) પુષ્પનાં સહાયક (accessory) ચક્રો છે. પુંકેસર-ચક્ર અને સ્ત્રીકેસર-ચક્ર (gynoecium) આવશ્યક ચક્રો ગણાય છે; કારણ કે તે બીજાણુપર્ણો(sporophylls)નાં બનેલાં હોય છે. તેમના વિના બીજનિર્માણ સંભવિત નથી.

પ્રત્યેક પુંકેસર તંતુ (filament) ધરાવે છે. તે નાજુક, ટટ્ટાર અને દંડમય હોય છે. આ તંતુ ટોચ પર આવેલા ગોળ કે લંબગોળ ફૂલેલા ભાગને આધાર આપે છે, જેને પરાગાશય (anther) કહે છે. પ્રત્યેક પરાગાશય બે ખંડો ધરાવે છે, જેમને પરાગખંડો (antherlobe) કહે છે. આ પરાગખંડો યોજી વડે જોડાયેલ હોય છે.

આકૃતિ 1 : પુંકેસરના વિવિધ ભાગો. (અ) પૃષ્ઠ દેખાવ; (આ) વૃક્ષ દેખાવ; (ઇ) પરાગાશયનો આડો છેદ

તે તંતુના લંબાયેલા ભાગ-સ્વરૂપે પરાગખંડો વચ્ચે સ્પષ્ટપણે જોવા મળે છે. પ્રત્યેક પરાગખંડ બે ઊભી ગોઠવાયેલી પરાગધાની (pollen sac) અથવા પરાગકોટર (pollen chamber) ધરાવે છે. પરાગાશયની વક્ષસપાટીએ ઊભી ખાંચો (grooves) કે સીવન (sutures) જોવા મળે છે. તે પ્રત્યેક ખંડની બંને પરાગધાનીઓને અલગ કરે છે. પ્રત્યેક પરાગધાની લઘુબીજાણુધાની (microsporangium) છે અને અસંખ્ય એકગુણિત (haploid) લઘુબીજાણુઓ (microspores) કે પરાગરજ (pollens) ઉત્પન્ન કરે છે. આમ, પુંકેસર ચાર લઘુબીજાણુધાનીઓ ધરાવતું લઘુબીજાણુપર્ણ છે. આ સામાન્ય સ્થિતિ હોવા છતાં કેટલાંક પુષ્પોનાં પરાગાશયો બે જ પરાગધાનીઓ ધરાવે છે. માલ્વેસી કુળમાં બંને પરાગધાનીઓ જોડાઈને એકકોટરીય (unilocular) પરાગાશય બનાવે છે.

તંતુ : અપવાદ રૂપે પુંકેસર અદંડી (sessile) હોય છે; દા. ત., Arum. maculatum.

આકૃતિ 2 : Arun maculatumમાં અદંડી પુંકેસર

કેટલીક વાર પુંકેસર પર ફળાઉ પરાગાશય ઉત્પન્ન થતું નથી. તેને વંધ્ય પુંકેસર (staminode) કહે છે; દા. ત., cassia (ગરમાળો, આવળ) અને Canna. કૅનામાં તે દલાભ (petaloid) હોય છે. સીટેમિનેસી કુળમાં વંધ્ય પુંકેસરો દ્વારા સુંદર ઓષ્ઠક (labellum) બને છે.

આકૃતિ 3 : Canna indica (સીયેમિનેસી)નું પુષ્પ

કમળમાં તંતુઓ દલાભ અને ચપટા હોય છે અને દલપત્રોમાંથી થતા તેના સંક્રમણ(transition)નો નિર્દેશ કરે છે.

તંતુ સામાન્યત: અશાખિત હોય છે. એરંડી(Ricinus communis)માં તે શાખિત હોય છે.

જ્યારે તંતુઓ ખૂબ લાંબા હોય અને પુષ્પમાંથી બહાર નીકળતા હોય ત્યારે તેમને બહિર્ભૂત (exserted) કહે છે; જો પુંકેસરો પુષ્પમાં જ રહેતાં હોય તો તેમને અંતર્ભૂત (inserted) કહે છે.

આકૃતિ 4 : (અ) કમળનું અંશત: વિચ્છેદિત પુષ્પ; (આ) વજ્રપત્રથી સ્ત્રીકેસર સુધીનું ક્રમિક સંક્રમણ

તંતુઓ કેટલીક વાર બહિરુદભેદો ધરાવે છે. તે પૈકી સૌથી લાક્ષણિક પુંકેસરીય મુકુટ (staminal corona) છે.

તે આકડા(calotropis)માં શિંગડા આકારનો અને ઍમેરીલીડેસી કુળના Eucharis અને Pancratium-માં પ્યાલાકાર હોય છે.

યોજી (connective) : તે બે પરાગખંડોને જોડતી પેશીઓનો સમૂહ અને તંતુનો લંબાયેલો ભાગ છે, જે વાહક પટ્ટીઓ ધરાવે છે. જોકે યોજી લાલપત્તી (euphorbia pulcherinia) અને અરડૂસી (adhatoda vasica) જેવી વનસ્પતિઓમાં અત્યંત ટૂંકી હોય છે અથવા તેનો અભાવ હોય છે. તેમના પરાગખંડો એકબીજાની તદ્દન નજીક હોય છે. આ સ્થિતિને વિભિન્ન (discrete) કહે છે.

આકૃતિ 5 : એરંડીમાં શાખિત પુંકેસરો આકૃતિ 6 : આકડામાં શિંગડા આકારનો પુંકેસરીય મુકુટ આકૃતિ 7 : Eucharisમાં પ્યાલાકાર પુંકેસરીય મુકુટ

Tilia અને ઍકેન્થેસી કુળની Justicia જેવી પ્રજાતિઓમાં યોજીનો વિકાસ એવી રીતે થાય છે કે જેથી બંને પરાગખંડો એકબીજાથી અલગ પડે છે. આ પ્રકારની યોજીને વિશાખિત (divericate) યોજી કહે છે.

લૅમિયેસી કુળની salvia પ્રજાતિમાં યોજી લાંબા દંડ જેવી હોય છે અને તંતુ પર આડી ગોઠવાયેલી હોય છે; જેથી બંને પરાગખંડો જુદા પડે છે. પરાગાશયનો પરાગનો એક ખંડ ફળાઉ અને બીજો વંધ્ય હોય છે, અને ત્રિકોણાકાર તકતી-સ્વરૂપે પ્રતિનિધિત્વ દર્શાવે છે. આવી યોજીને ડિસ્ટ્રૅક્ટાઇલ યોજી કહે છે.

યોજી ક્યારેક ઉપાંગો ધરાવે છે, તેથી યોજીને ઉપાંગિક (appendiculate) કહે છે. લાલ કરેણ(Nerium odorum)માં યોજી બાણાકાર (sagittate) પરાગાશયમાંથી લંબાઈને પીંછાકાર પરિશેષિકા (appendix)-સ્વરૂપે જોવા મળે છે.

આકૃતિ 8 : લાલપત્તીમાં વિભિન્ન યોજી આકૃતિ 9 : Tiliaમાં વિશાખિત યોજી આકૃતિ 10 : salviaમાં ડિસ્ટ્રૅક્ટાઇલ યોજી આકૃતિ 11 : લાલ કરેણમાં પીંછાકાર પરિશેષિકા

આ પરિશેષિકાઓ જોડાઈને પુંકેસરીય મુકુટ (staminal corona) બનાવે છે. આ ઉપરાંત લાલ કરેણમાં પુષ્પપર્ણી ઉપર તંતુમય ઉપાંગો જોવા મળે છે, તેને પુષ્પમણિમુકુટ (corolline corola) કહે છે.

પરાગાશય : બધી આવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગાશય દ્વિખંડી અને ચતુષ્કોટરીય (ચાર પરાગધાનીઓનું બનેલું) હોય છે. કાં તો એક ખંડનો વિકાસ રૂંધાવાથી અને બે કોટરોની વચ્ચેની દીવાલના નાશ પામવાને કારણે અથવા ચારેય કોટરોને જુદી પાડતી દીવાલની સમગ્ર પેશીના વિઘટનથી માલ્વેસી કુળની વનસ્પતિઓમાં તે એકકોટરીય બને છે. પરાગાશયની ખાંચવાળી વક્ષબાજુ સ્રીકેસર ચક્ર કે પુષ્પના કેન્દ્ર તરફ જોવા મળે છે. આવી સ્થિતિને અંતર્મુખી (introse) કહે છે. કંકાસણી (Gloriosa superba), Iris અને Colchicum જેવી વનસ્પતિઓમાં તે દલપત્રો તરફ જોવા મળે છે. આ સ્થિતિને બહિર્મુખી (extrose) કહે છે.

પરાગાશયો રેખીય [વીંછીકાંટો (Acalypha)], ગોળ (mercularis), બાણાકાર [બારમાસી (Catheranthus)], લહેરદાર (sinuous) (કોળામાં વિશિષ્ટ ‘ળ’ આકારનો દેખાવ) અને વૃક્કાકાર (reniform) [(દા. ત., જાસૂદ hibiscus)] હોય છે. યોજીની જેમ પરાગાશય પણ ઉપાંગિક (appendiculate) હોઈ શકે; દા. ત., Erica cinerea.

આકૃતિ 12 : (અ) જાસૂદમાં એકકોટરીય અને વૃક્કાકાર પરાગાશય; (આ) વીંછીકાંટામાં રેખીય પરાગાશય; (ઇ) mercularis-માં ગોળાકાર પરાગાશય; (ઈ) બારમાસીમાં બાણાકાર પરાગાશય; (ઉ) કોળામાં લહેરદાર પરાગાશય; (ઊ) Erica-માં ઉપાંગિક પરાગાશય.

તંતુ સાથે પરાગાશયનું જોડાણ : પરાગાશયના તંતુ સાથેના જોડાણના વિવિધ પ્રકારો જોવા મળે છે :

(1) સંલગ્ન (adnate) : કમળ અને Magnolia-માં પરાગાશયના પૃષ્ઠભાગે સમગ્ર લંબાઈએ યોજી જોડાયેલી હોય છે. (2) તલબદ્ધ, (basifixed)  : રાઇ (brassica) અને સાયપરેસી કુળની carex પ્રજાતિમાં તંતુ પરાગાશયના તલસ્થ ભાગે અંત પામે છે. તંતુ સાથે પરાગાશય મજબૂતાઈથી ચોંટેલું હોય છે. (3) પૃષ્ઠલગ્ન (dorsifixed) : કૃષ્ણકમળ (passiflora), શેવરી (sesbania aegyptica), ઇકડ(S. bipinnata)માં પરાગાશયના પૃષ્ઠભાગે કોઈ એક સ્થાને તંતુ મજબૂતાઈથી ચોંટેલો હોય છે. (4) મધ્યડોલી (versatile) : પોએસી કુળની મકાઈ (Zea) અને ઘઉં (Triticum) જેવી વનસ્પતિઓમાં યોજીના લગભગ મધ્યભાગે એક બિંદુએ તંતુ ચોંટેલો હોય છે, જેથી પરાગાશય તેની ઉપર મુક્તપણે ડોલે છે.

આકૃતિ 13 : તંતુ સાથે પરાગાશયનું જોડાણ. (અ) સંલગ્ન; (આ) તલબદ્ધ; (ઇ) પૃષ્ઠલગ્ન; (ઈ) મધ્યડોલી પરાગાશયનું સ્ફોટન લંબવર્તી (longitudinal), અનુપ્રસ્થ (transverse), છિદ્રલ કે અગ્રીય (porous or apical) કે કપાટીય (valvular) રીતે થાય છે.

પરાગાશય સ્ફોટન લંબવર્તી (longitudinal), અનુપ્રસ્થ (transverse), છિદ્રલ કે અગ્રીય (porous or apical) કે કપાટીય (valvular) રીતે થાય છે.

પુંકેસરોની સંખ્યા અને નિવેશન (insertion) : પુષ્પ એકપુંકેસરી (monandrous) (દા. ત., લાલપત્તી); દ્વિપુંકેસરી (diandrous) (દા. ત., અરડૂસી – Adhatoda vasica); ત્રિપુંકેસરી (triandrous) (દા. ત., ઘણી – એકદળી વનસ્પતિઓ); ચતુષ્પુંકેસરી (tetrandrous) (દા. ત., તુલસી – ocimum); પંચપુંકેસરી (pentandrous) (દા. ત., ઘણી દ્વિદળી વનસ્પતિઓ); ષટ્પુંકેસરી (hexandrous) (દા. ત., ચોખા – oryza, વાંસ – bambusa) અથવા બહુપુંકેસરી (polyandrous) (દા. ત., ગુલાબ rosa) હોઈ શકે.

આકૃતિ 14 : પરાગાશયનું સ્ફોટન : (અ) લંબવર્તી; (આ) અનુપ્રસ્થ; (ઇ) છિદ્રલ; (ઈ) કપાટીય

જ્યારે પુંકેસરો એક જ ચક્રમાં ગોઠવાયેલાં હોય અને તેમની સંખ્યા વજ્રપત્રો અને દલપત્રો જેટલી જ હોય ત્યારે પુષ્પને સમસંખ્ય પુંકેસરી (isostemonous) કહે છે. આવા પુષ્પમાં પુંકેસરો દલપત્રો સાથે એકાંતરે ગોઠવાયેલાં હોય છે. આવાં પુંકેસરોને વજ્ર-અભિમુખ (antisepalous) કહે છે. જોકે કેટલીક વાર પુંકેસરો દલપુંજ-અભિમુખ (antipetalous) હોય છે; દા.ત. બોર (zizyphus). કેટલાંક પુષ્પોમાં પુંકેસરો બે ચક્રમાં ગોઠવાયેલાં હોય છે. તેના પહેલા ચક્રનાં પુંકેસરો દલપત્રોથી એકાંતરે (વજ્ર-અભિમુખ) અને બીજા ચક્રનાં પુંકેસરો વજ્રપત્રોથી એકાંતરે (દલપુંજ-અભિમુખ) ગોઠવાયેલાં હોય છે. આ પ્રકારના પુષ્પને દ્વિચક્ર પુંકેસરી (diplostemonous) કહે છે. રૂટેસી કુળની કેટલીક વનસ્પતિઓનાં પુષ્પોમાં બે ચક્રમાં ગોઠવાયેલાં પુંકેસરો પૈકી બહારનું ચક્ર દલપુંજ-અભિમુખ અને અંદરનું ચક્ર વજ્ર-અભિમુખ ગોઠવાયેલું હોય છે. આ સ્થિતિને પ્રતિદ્વિચક્ર પુંકેસરી (obdiplostemonous) કહે છે.

અન્ય પુષ્પીય પત્રોની જેમ પુંકેસરોનું પુષ્પાસન પર થતું નિવેશન ઉપપરિજાય (epigynous), પરિજાય (perigynous) અથવા અધોજાય (hypogynous) હોઈ શકે.

પુંકેસર – ચક્રમાં આવેલાં પુંકેસરોની લંબાઈ ઘણી વાર સરખી હોતી નથી. તેને અનુલક્ષીને બે સ્થિતિઓ સામાન્ય રીતે જોવા મળે છે : (1) રાઈ જેવી બ્રેસિકેસી કુળની વનસ્પતિઓના પુષ્પમાં આવેલાં છ પુંકેસરો પૈકી અંદરના ચક્રનાં ચાર પુંકેસરો લાંબાં અને બહારના ચક્રનાં બે પુંકેસરો ટૂંકાં હોય છે. પુંકેસરોની આ સ્થિતિને ચતુર્દીર્ઘક (tetradynamous) કહે છે.

આકૃતિ 15 : (અ) રાઈનાં ચતુર્દીર્ઘક પુંકેસરો; (આ) Leonurus(લૅમિયેસી)નાં દ્વિદીર્ઘક પુંકેસરો

(2) લૅમિયેસી, ઍકેન્થેસી, વર્બિનેસી, બિગ્નોનિયેસી અને સ્ક્રોફ્યુલારિયેસી કુળનાં પુષ્પોમાં ચાર પુંકેસરો પૈકી બે પુંકેસરો મોટાં અને બે પુંકેસરો નાનાં હોય છે. પુંકેસરોની આ સ્થિતિને દ્વિદીર્ઘક (didynamous) કહે છે.

આકૃતિ 16 : (અ) રીંગણનાં દલલગ્ન પુંકેસરો; (આ) આકડાનું પુંકેસરાગ્ર છત્ર

ગરમાળો (cassia) અને કૉન્વોલ્વ્યુલેસી કુળમાં એક જ ચક્રમાં જુદા જુદા કદનાં પુંકેસરો જોવા મળે છે. આ સ્થિતિને વિષમપુંકેસરતા (heterostemony) કહે છે.

આકૃતિ 17 : (અ) ઑર્કિડના પુષ્પના વિવિધ ભાગો; (આ) પુંજાયાંગસ્તંભ

પુંકેસરોનો સંયોગ (union) : પુંકેસરોનું જોડાણ દલપત્રો, પરિપુષ્પો કે સ્ત્રીકેસરચક્ર સાથે થાય તો તેને અભિલગ્નતા (adhesion) અને તેમનું પરસ્પર જોડાણ થાય તો તેને સંલગ્નતા (cohesion) કહે છે. પુંકેસરોનું જોડાણ દલપત્રો સાથે થાય તો તેમને દલલગ્ન (epipetalous) પુંકેસરો કહે છે. બારમાસી, ધતૂરો (datura), રીંગણ (solanum) વગેરેનાં પુષ્પોમાં આ સ્થિતિ જોવા મળે છે.

પુંકેસરોનું અભિલગ્ન જો પરિપુષ્પો સાથે થાય તો તેને પરિપુષ્પલગ્ન (epiphyllous) કહે છે; દા. ત., ક્રાઇનમ. પુંકેસરો અને સ્ત્રીકેસરો વચ્ચે થતું અભિલગ્ન ઍસ્ક્લેપિયેડેસીના પુંસ્ત્રીકેસરાગ્ર છત્ર (gynostegium) અને ઑર્કિડેસીના પુંજાયાંગસ્તંભ-(gynostemium)માં જોવા મળે છે.

આકૃતિ 18 : (અ) જાસૂદનાં એકગુચ્છી પુંકેસરો, (આ) અબૂટીનાં એકગુચ્છી અસમાન પુંકેસરો, (ઇ) વટાણાનાં દ્વિગુચ્છી પુંકેસરો, (ઈ) શીમળાનાં બહુગુચ્છી પુંકેસરો, (ઉ) નારંગીનાં બહુગુચ્છી પુંકેસરો.

સંલગ્નતા કાં તો માત્ર તંતુઓ [પુંકેસરગુચ્છતા (adelphy)] કે માત્ર પરાગાશયો [સંપરાગતા (syngeny)] સાથે સંકળાયેલ હોય છે. પુંકેસરગુચ્છતામાં બધા પુંકેસરના તંતુઓ પરસ્પર જોડાઈને એક ગુચ્છ બનાવે તો તેને એકગુચ્છી (monoadelphous) સ્થિતિ કહે છે. માલ્વેસી કુળ અને અન્ય ઘણાં પુષ્પોમાં પુંકેસરતંતુઓ જોડાઈને પુંકેસરીય નલિકા (staminal tube) બનાવે છે, જેમાં થઈને સ્ત્રીકેસરચક્રની લાંબી પરાગવાહિની બહાર નીકળે છે.

અબૂટી(oxalis)માં પણ આ પ્રકારની પુંકેસરીય નલિકા અને અસમાન પુંકેસરો જોવા મળે છે (આકૃતિ 18 આ.).

પેપિલિયોનેસી કુળનાં પુષ્પોમાં દ્વિગુચ્છતા (diadelphy) હોય છે; જેમાં નવ પુંકેસરો એક ગુચ્છ બનાવે છે અને દસમું પુંકેસર બીજા ગુચ્છ તરીકે મુક્ત રહે છે (આકૃતિ 18 ઇ.). શીમળા(salmalia malabarica)ના પુષ્પમાં પુંકેસરો જોડાઈને કેટલાંક ગુચ્છ બનાવે છે; જેને બહુગુચ્છી (polyadelphous) સ્થિતિ કહે છે (આકૃતિ 18 ઈ.). આવી સ્થિતિ નારંગી(Citrus)માં પણ જોવા મળે છે (આકૃતિ 18 ઉ.). જ્યારે પુંકેસરોનો સંયોગ માત્ર પરાગાશયો દ્વારા જ થાય અને તેમના તંતુઓ મુક્ત રહે તો તેવી સ્થિતિને સંપરાગ (syngenesious) કહે છે. આવી સ્થિતિ સૂર્યમુખી (helianthus) જેવી ઍસ્ટરેસી કુળની વનસ્પતિઓમાં જોવા મળે છે. (આકૃતિ 19 અ)

આકૃતિ 19 : (અ) સૂર્યમુખીનાં સંપરાગ પુંકેસરો; (આ) કોળાનાં યુક્ત-પુંકેસરી પુંકેસરો

કોળા (cucurbita) જેવી કુકરબીટેસી કુળની વનસ્પતિઓનાં પુષ્પોમાં પુંકેસરો યુગ્મમાં જોડાય છે; જેથી 2 + 2 + 1 – એમ ત્રણ જૂથો બને છે. બે પુંકેસરોની બનેલી પ્રત્યેક સંયુક્ત રચના તેના તંતુઓ અને લહેરદાર (sinuous) પરાગાશયો સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી હોય છે. આવી સ્થિતિને યુક્ત-પુંકેસરી (synandrous) કહે છે (આકૃતિ 19 આ.).

જૈમિન વિ. જોશી