પુંચ : ભારતની ઉત્તરના સરહદી રાજ્ય જમ્મુ અને કાશ્મીરનો એક જિલ્લો. આ જિલ્લાનું ક્ષેત્રફળ 1,674 ચોકિમી. છે. 2018માં અંદાજ મુજબ વસ્તી 4,76,820ની છે. આ જિલ્લાની પશ્ચિમ સરહદે પાકિસ્તાન, પૂર્વ બાજુએ શ્રીનગર અને અનંતનાગ જિલ્લા, દક્ષિણે મીરપુર અને રીઆસી જિલ્લા આવેલા છે. જેલમ નદી પુંચ શહેરની ઉત્તરે થઈને વહે છે અને પૂર્વ બાજુએ પીર પંજાલની ભવ્ય ગિરિમાળા આવેલી છે. આ જિલ્લામાં ઘઉં અને ડાંગર મુખ્ય પાક તરીકે લેવાય છે, કેટલાક ભાગમાં મકાઈ, જુવાર, બાજરી પણ થાય છે. અહીંથી ખનિજતેલ, કોલસો અને ચૂનાખડકનું ખાણકાર્ય થાય છે. આ પેદાશો જિલ્લા માટે આર્થિક દૃષ્ટિએ મહત્વની બની રહેલી છે. અહીંથી બૉક્સાઇટનો સારો એવો જથ્થો પણ મળી આવેલો છે. પુંચ શહેર આ જિલ્લાનું મુખ્ય વહીવટી મથક છે. તે ઉરી અને હાજીપીર ઘાટ સાથે જોડાયેલું છે. આતંકવાદી પ્રવૃત્તિને કારણે આ જિલ્લાનું વ્યૂહાત્મક મહત્વ વધુ છે.

ગિરીશ ભટ્ટ