પ્રાયિયા : પશ્ચિમ આફ્રિકાના ડાકરથી પશ્ચિમે આશરે 640 કિમી. અંતરે ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા સાન્ટિયાગો ટાપુના દક્ષિણ કાંઠે આવેલું કૅપ વર્ડે ટાપુસમૂહનું પાટનગર અને બંદરી નગર. ભૌગોલિક સ્થાન : 14° 55´ ઉ. અ. અને 23° 31´ પ. રે. કેપ વર્ડે ટાપુસમૂહમાં મહત્ત્વની દૃષ્ટિએ તે બીજા ક્રમનું બંદર ગણાય છે. તેનું ભૂપૃષ્ઠ ઉચ્ચપ્રદેશીય છે. અહીંનું બારું ઊંડું છે અને પૂરતી જગા ધરાવે છે. સાલ, બોઆવિષ્ટા અને માઇઓ ટાપુઓ સમતળ છે. અન્ય ટાપુઓ રેતાળ અને સૂકા છે. પરંતુ પવનોના મારા સામે પૂરતા પ્રમાણમાં આરક્ષિત નથી. ટાપુ પરથી કેળાં, કૉફી, શેરડી અને એરંડા જેવી ખેતીની પેદાશો અહીંથી બહાર મોકલાય છે. અહીંથી પસાર થતાં તારનાં દોરડાં માટેનું પણ તે દરિયાઈ મથક છે. આ નગરની વસ્તી આશરે 1.8 લાખ (2024) જ્યારે સાન્ટિયાગોની વસ્તી 2,73,988 (2021) જેટલી છે. મોટાભાગની વસ્તી આફ્રિકી અને મુલાતોઝ જાતિની છે. તે આટલાન્ટિકનાં અન્ય બંદરો સાથે વહાણોની અવરજવરથી સતત સંકળાયેલું રહે છે.
ગિરીશભાઈ પંડ્યા