પ્રાયોગિક મનોવિજ્ઞાન (પ્રાયોગિક પદ્ધતિ સહિત)

February, 1999

પ્રાયોગિક મનોવિજ્ઞાન

(પ્રાયોગિક પદ્ધતિ સહિત)

આધુનિક મનોવિજ્ઞાનની અગત્યની શાખા. મનોવિજ્ઞાનમાં એ સત્ય સ્વીકારવામાં આવ્યું છે કે આ જગતમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે કોઈ ચોક્કસ જથ્થામાં અસ્તિત્વ ધરાવે છે. જેને માપી શકાય છે. ચકાસી શકાય છે, જેની પુન:ચકાસણી કરી શકાય છે. જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે કોઈ આકસ્મિક ઘટના હોતી નથી; પણ ચોક્કસ પ્રકારની ઘટનાઓની પરંપરાની નીપજ રૂપ હોય છે. ઘટનાઓ, તેનો ક્રમ અને ઘટનાઓ વચ્ચેની કડીઓને સમજવાના પ્રયત્નમાંથી જ વિજ્ઞાનનો જન્મ થયો છે. વિજ્ઞાનનું વિજ્ઞાન હોવું એ એની પદ્ધતિઓને કારણે જ શક્ય બન્યું છે.

અન્ય વિજ્ઞાનની જેમ જ મનોવિજ્ઞાનમાં પણ નિરીક્ષણ અને નિયંત્રિત પરિસ્થિતિમાં થયેલું નિરીક્ષણ એટલે કે પ્રાયોગિક નિરીક્ષણ એ અધ્યયનની મુખ્ય પદ્ધતિ તરીકે વપરાય છે. તેને પ્રાયોગિક પદ્ધતિ કે પ્રયોગ-પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિઓનો જ માત્ર ઉપયોગ કરીને મનોવિજ્ઞાનમાં જે સામાન્યીકરણો સ્થપાયાં છે તેને એક મુખ્ય શાખા તરીકે ગણી, તેને પ્રાયોગિક મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે.

પ્રથમ પ્રયોગ-મનોવૈજ્ઞાનિક : વુંટના પ્રાયોગિક મનોવિજ્ઞાનના ઉદભવ અગાઉ મનોવિજ્ઞાનમાં પદ્ધતિશાસ્ત્રનો યોગ્ય વિકાસ થયો નહોતો. મનોવૈજ્ઞાનિક ઘટનાઓમાં ઘણા વૈજ્ઞાનિકોને રસ પડ્યો હતો. મનોવૈજ્ઞાનિકો ઉપરાંત શરીરશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓને પણ મનોવૈજ્ઞાનિક ઘટનાઓ પર પ્રયોગ કરવામાં રસ પડ્યો હતો. આમ છતાં પ્રથમ પ્રયોગ-મનોવૈજ્ઞાનિક તરીકે ઓળખાવાનું માન વિલ્હેમ વુંટ(1832થી 1920)ને ફાળે જાય છે. 1879માં જર્મનીમાં લાઇપઝિગ ખાતે પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી તેણે મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો આપવામાં હરણફાળ ભરી એમ કહી શકાય. આ અગાઉ માત્ર તત્વજ્ઞાનીય અભિગમથી કરવામાં આવેલાં તારણોને બદલે આ નવા મનોવિજ્ઞાનમાં પ્રયોગસિદ્ધ તારણોને અપનાવવાનું વલણ વધ્યું અને ઘણાબધા વૈજ્ઞાનિકો નવા અભિગમથી આકર્ષાયા. આ પ્રયોગશાળાથી દુનિયાભરના વૈજ્ઞાનિકોનું ધ્યાન મનોવિજ્ઞાનના અભ્યાસ પ્રત્યે કેન્દ્રિત થયું અને તેના પરિપાક રૂપે ટીચનેર, કેટલ, એબિંગહૉઝ જેવા ઘણા ઝળહળતા સિતારા જેવા પ્રયોગ-મનોવિજ્ઞાનીઓ મેળવી શકાયા. આ સમયે પ્રાયોગિક અભિગમની એટલી બધી અસર પડી કે  કેટલાક અતિઉત્સાહી મનોવૈજ્ઞાનિકોને લાગેલું કે મનોવિજ્ઞાનનો સાચો ઉદભવ તો આ પ્રયોગશાળામાં જ થયો છે. તે અગાઉ માત્ર તત્વજ્ઞાનીય અટકળો(philosophical speculations)ને જ મનોવિજ્ઞાન માની લેવામાં આવ્યું હતું. આ પછી વુંટનું મનોવિજ્ઞાન ‘નવમનોવિજ્ઞાન’ તરીકે ઓળખવામાં આવ્યું. આ ઉપરાંત એક બીજી પણ નોંધપાત્ર વાત છે કે વુંટનું કાર્યક્ષેત્ર તેના પુરોગામીઓની જેમ માત્ર મનોભૌતિક અભ્યાસો પૂરતું સીમિત નહોતું. તેણે ચેતનાવસ્થા, વિચારપ્રક્રિયા અને આવેગો જેવાં વિશિષ્ટ મનોવૈજ્ઞાનિક પાસાંઓનો પ્રયોગલક્ષી અભ્યાસ હાથ ધર્યો હતો.

વુંટ પૂર્વે થયેલા પ્રયોગો : વેબર, ફેકનર, મ્યુલર અને હેલ્મોહોત્ઝનું પ્રદાન : વુંટ અગાઉ પણ મનોવિજ્ઞાનમાં પ્રયોગો નહોતા જ થતા એવું નથી. ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં કેટલાક તત્વજ્ઞાનીઓ, શરીરશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓએ મનોવૈજ્ઞાનિક ઘટનાઓનો પ્રયોગલક્ષી અભ્યાસ કર્યો હતો.

ઈ. એચ. વેબરે (1795થી 1878) સ્પર્શ, દબાણ અને વજનના સંવેદન અને સાંવેદનિક અનુભવો વચ્ચેના તફાવત અંગે પ્રયોગ કર્યા. વધતા કે ઘટતા જતા ઉદ્દીપન મૂલ્ય સાથે સાંવેદનિક અનુભવમાં થતો વધારો કે ઘટાડો કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે તે શોધવાનું તેનું ધ્યેય હતું. ઉદ્દીપનની શ્રેણીમાં થતાં પરિવર્તન નોંધપાત્ર અને અનુભવપાત્ર બને તે બાબતનો આધાર તે ઉદ્દીપકની કક્ષા પર અવલંબિત છે. આ અભ્યાસનાં તારણો વેબરના સિદ્ધાંત તરીકે ઓળખાયા. ઉદ્દીપનમાં થતો નાનામાં નાનો ફેરફાર જ્યારે અનુભવમાં પણ સાંવેદનિક તફાવત દર્શાવે છે ત્યારે તેને માત્ર અનુભવક્ષમ બનતો નાનામાં નાનો તફાવત (JND – just noticeable difference) એ રીતે ઓળખવામાં આવતો. 100 પાઉન્ડ વજન ધરાવતા માણસમાં 5 પાઉન્ડનો ઘટાડો કે વધારો જણાય છે; જ્યારે 300 પાઉન્ડ વજનમાં થતો 5 પાઉન્ડનો વધારો કે ઘટાડો નોંધપાત્ર બનતો નથી.

જી. એફ. ફેકનરે (1801થી 1889) પણ પદાર્થ અને મન વચ્ચેનો સંબંધ શોધવા અંગે અભ્યાસો કર્યા. તેના મત પ્રમાણે, પદાર્થ કે ભૌતિક શક્તિ પર આધારિત ઉદ્દીપક તેમાંથી નીપજતા માનસિક અનુભવ સાથે કઈ રીતે સંબંધિત છે તેના પર પ્રાયોગિક અભ્યાસો કેન્દ્રિત થયેલા હોવા જોઈએ.

ફેકનરના સમકાલીન જે. મ્યુલરે (1801થી 1858) બર્લિનમાં શરીરશાસ્ત્રના અભ્યાસો માટે સંસ્થા-પ્રયોગશાળા સ્થાપી, જેમાં ખાસ કરીને ર્દષ્ટિ, શ્રવણ અને સ્પર્શ-સંવેદનને લગતા જે પ્રયોગો થયા તે નોંધપાત્ર છે. મ્યુલર જીવનશક્તિવાદ(vitalism)ના સિદ્ધાંતથી પ્રભાવિત હોઈ, તેને પૂર્વાધાર ગણીને પ્રયોગકાર્ય કરતી વખતે સંવેદન-અનુભવની સમજૂતી આપતાં આપતાં કોઈ એક તબક્કે અટકી જવું પડે છે. તેમની માન્યતા અનુસાર કોઈ મૂળભૂત જીવનશક્તિ છે જેનું વિશ્લેષણ શક્ય નથી; પણ મ્યુલરના જ એક શિષ્ય હેલ્મોહોત્ઝે (1821–1894) જીવનશક્તિવાદના આ સિદ્ધાંતનો અસ્વીકાર કર્યો. તેના મત પ્રમાણે આ વિશ્લેષણ ન થઈ શકે તેવી જીવનશક્તિ આગળ પૂર્ણવિરામ મૂકવાને બદલે તેને ચેતાતંત્રની કાર્યવાહી સમજીને ચાલવું વધારે વૈજ્ઞાનિક છે. તેણે પ્રત્યેક સંવેદનીય અનુભવના ચેતાતંત્રમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓના સૂક્ષ્માતિસૂક્ષ્મ વિશ્ર્લેષણ દ્વારા સમજૂતી આપવાનો અભિગમ અપનાવ્યો હતો. પરિણામે ઉદ્દીપકની રજૂઆત અને પ્રતિક્રિયા વચ્ચેના સમયને આધારે પ્રક્રિયા સમજવાનો અને સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો.

આ બધા પ્રયોગો જે પ્રયોગશાળાઓમાં થયા તે ભૌતિકશાસ્ત્ર અને શરીરવિજ્ઞાનની પ્રયોગશાળાઓ હતી. ત્યાંના પ્રયોગાત્મક અભ્યાસોને શુદ્ધ મનોવૈજ્ઞાનિક અભ્યાસો ગણવા કે કેમ તે બાબત વિવાદાસ્પદ છે. આમ છતાં એક વાત સ્વીકારવી જ રહી કે જી. એફ. ફેકનરે કરેલા મનોભૌતિક પદ્ધતિના પ્રયોગો દ્વારા ઘણું મૂલ્યવાન પ્રદાન કર્યું છે. મનોવૈજ્ઞાનિક ઘટનાઓનો પ્રયોગ કઈ રીતે થઈ શકે તે બાબત ફેકનરે સરસ પરિરૂપ પૂરું પાડ્યું હતું. કેલરની ર્દષ્ટિએ તો ફેકનરને જ પ્રાયોગિક મનોવિજ્ઞાનનો પ્રણેતા ગણવો જોઈએ.

આમ છતાં, શરીરશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રથી તદ્દન સ્વતંત્ર અને માત્ર મનોવિજ્ઞાનના અભ્યાસ માટે જ સ્થાપવામાં આવેલી વુંટની પ્રયોગશાળા એ ખૂબ જ અગત્યનું ઐતિહાસિક સીમાચિહ્ન છે. તેમાં શરીરશાસ્ત્રીય ઘટનાઓના મનોવૈજ્ઞાનિક ઘટનાઓ સહિતના અભ્યાસોમાં નિયંત્રણ અને ચોકસાઈના તદ્દન નવા જ માપદંડ વુંટના પ્રયત્નોના પરિણામે વિકસ્યા. જોકે વુંટના પ્રયોગનાં પરિણામોમાં જે રૂઢિચુસ્તતા હતી તેની પણ નોંધ લેવાઈ છે. તે સમયે જર્મનીમાં રચનાવાદ અને કાર્યવાદની પ્રબળ અસર હતી અને મનની સામગ્રી અથવા રચના અને મનની ક્રિયા વચ્ચેનો તફાવત એ ઘણી મહત્વની બાબત હોવા છતાં વુંટનો અભિગમ હંમેશા રચનાવાદી કે ઘટકવાદી તરીકે જ રહ્યો છે. તેથી તેનું કાર્યક્ષેત્ર પણ અંત:નિરીક્ષણ, સંવેદનલક્ષિતા અને સાહચર્યવાદ પૂરતું જ મર્યાદિત રહ્યું. બોરિંગના મત પ્રમાણે તેનું નવમનોવિજ્ઞાન પ્રાયોગિક અને શરીરશાસ્ત્રીય હોવા ઉપરાંત વિશેષ વ્યાપક રહ્યું. વર્તનવાદીઓ અને અન્ય પ્રયોગલક્ષી વૈજ્ઞાનિકોની ર્દષ્ટિએ પ્રયોગલક્ષી વિજ્ઞાનમાં અંત:નિરીક્ષણનો કોઈ અર્થ નહોતો.

વુંટે પોતાના કાર્યના પરિપાકરૂપે દસ્તાવેજી પુસ્તક ‘શરીરલક્ષી મનોવિજ્ઞાન’ (Physioloische Psychologie) 1873–74માં પ્રકાશિત કર્યું, જેમાં તેણે કરેલી 15 વર્ષ દરમિયાનની વૈજ્ઞાનિક મથામણ સમાયેલી છે. તેની ર્દષ્ટિએ ‘શરીરલક્ષી મનોવિજ્ઞાન એટલે શરીરલક્ષી પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવેલ મનોવૈજ્ઞાનિક ઘટકોનો અભ્યાસ’. પરિણામે ‘શરીરલક્ષી મનોવિજ્ઞાન’ એ શબ્દ જ ‘પ્રયોગલક્ષી મનોવિજ્ઞાન’નો પર્યાય બની રહ્યો. કદાચ આ રીતે તેણે શારીરિક પ્રક્રિયાના પ્રયોગ કરીને આંતરનિરીક્ષણને વૈજ્ઞાનિક દરજ્જો આપવા જેવું કર્યું છે અને મનોવિજ્ઞાન એ ‘તત્કાલીન અનુભવ’(immediate experience)નું વિજ્ઞાન બની રહ્યું. તેનાથી માત્ર મન:શારીરિક સમાંતરવાદના અભિગમની જ પ્રસ્થાપના થાય છે. તેના ટીકાકારો કહે છે તેમ, વુંટનું કાર્ય એ તત્વજ્ઞાન અને શરીરશાસ્ત્રના મિશ્રણ જેવું બની રહ્યું છે. બોરિંગ કહે છે તેમ વુંટ સિદ્ધ કરવા માગતા હતા પ્રાયોગિક મનોવિજ્ઞાન, પણ એ બની ગયું શરીરલક્ષી મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનીય મનોવિજ્ઞાનનો શંભુમેળો. એમ પણ કહેવાયું છે કે વુંટ મૂળભૂત રીતે, પ્રકૃતિથી જ તત્વજ્ઞાની હતા અને સંયોગોના પરિણામે તે શરીરશાસ્ત્રી બની રહ્યા.

વુંટે શરૂ કરેલી પરંપરાની મર્યાદાઓ ટાળીને પણ અત્યારના પ્રયોગ-મનોવૈજ્ઞાનિકોએ શિક્ષણપ્રક્રિયા, સ્મરણપ્રક્રિયા, સ્થળગત સંદર્ભમાળખાંઓ અને પ્રત્યક્ષીકરણ વગેરે ક્ષેત્રમાં પ્રયોગોના કાર્યને ઝડપી બનાવ્યું છે. તેનો પ્રારંભ કરવાની ભૂમિકા પૂરી પાડવાનું શ્રેય તો આખરે વુંટને ફાળે જ જાય છે. આમાંના કેટલાકે વુંટમાંથી જ પ્રેરણા મેળવી છે. તો બીજા કેટલાકે વુંટના કાર્યના વિરોધ-પ્રત્યાઘાત રૂપે વધુ સારા પ્રયોગો કરવાના પ્રયત્નમાંથી પ્રેરક બળ મેળવ્યું છે. આખરે તેઓ વુંટના સંદર્ભથી મુક્ત થઈ શક્યા નથી. એક યા બીજી રીતે વુંટની અસર પ્રબળ છે, જે બાબત તેના પ્રદાનનું મહત્વ છતું કરે છે.

પ્રાયોગિક મનોવિજ્ઞાનનો વ્યાપ : મનોવિજ્ઞાનના ઇતિહાસમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનનો ઉદભવ એ એક મહત્વનું સીમાચિહ્ન માનવામાં આવે છે. તે પછીનાં વર્ષોમાં પ્રાયોગિક અભિગમનું મહત્વ ખૂબ વધ્યું છે. મનોભૌતિકશાસ્ત્ર, શરીરશાસ્ત્ર વગેરેથી શરૂ થયેલ પ્રાયોગિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર આજે મનોવિજ્ઞાનની અનેક શાખાઓ–પ્રશાખાઓમાં વિસ્તરી ચૂક્યું છે, જેમ કે પ્રાયોગિક અસાધારણ મનોવિજ્ઞાન, પ્રાયોગિક ચિકિત્સા-મનોવિજ્ઞાન, પ્રાયોગિક પ્રાણી-મનોવિજ્ઞાન, પ્રાયોગિક સમાજ-મનોવિજ્ઞાન, પ્રાયોગિક વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન વગેરે. છેવટે પરામનોવિજ્ઞાનના ક્ષેત્રમાં પણ પ્રાયોગિક પરામનોવિજ્ઞાનની પ્રશાખા વિકસી છે. પ્રયોગ અને વિજ્ઞાન માત્ર સામાન્ય મનોવિજ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતાં મનોવિજ્ઞાનની સમગ્ર ક્ષિતિજો સુધી વિસ્તરી ચૂક્યું છે, જેમાં મનોવિજ્ઞાનની શુદ્ધ અને વ્યવહારક્ષમ બધી જ શાખાઓનો સમાવેશ થાય છે.

પ્રયોગલક્ષી મનોવિજ્ઞાનમાં પ્રયોગપદ્ધતિનો ઉપયોગ કરીને અભ્યાસ કરવામાં આવે છે. અહીં પ્રયોગ શબ્દનો વ્યાપક અર્થમાં ઉપયોગ થાય છે. તેમાં કોઈ વિશિષ્ટ વિષયવસ્તુ ઉપરાંત ચોક્કસ પદ્ધતિને કેન્દ્રમાં રાખવામાં આવે છે.

મનોવિજ્ઞાનનો પ્રયોગ : મનોવિજ્ઞાનના પ્રયોગમાં જેની પર પ્રયોગ કરવામાં આવે છે તેને પ્રયોગપાત્ર (subject of experiment), ટૂંકાણમાં ‘S’ કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનમાં માનવી અને માનવેતર પ્રાણીઓ પર પ્રયોગ કરવામાં આવે છે.

પ્રયોગ કરનાર વ્યક્તિને પ્રયોગકર્તા (experimenter, ટૂંકમાં E’) કહેવામાં આવે છે, જે આ પ્રયોગની પરિસ્થિતિ નિર્માણ કરવામાં અને પ્રાયોગિક નિરીક્ષણ કરવામાં નિષ્ણાત અને તાલીમ પામેલી હોય છે.

પ્રયોગ-પદ્ધતિ : મનોવિજ્ઞાનના પદ્ધતિશાસ્ત્રમાં વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે; પણ તેમાં પ્રયોગપદ્ધતિ સૌથી વધુ સ્વીકાર્ય અને ઇચ્છનીય ગણાય છે. ‘નિયંત્રિત પરિસ્થિતિમાં કરેલું નિરીક્ષણ એટલે પ્રયોગ’ એવી સાદી વ્યાખ્યા તેને માટે અપાય છે. સામાન્ય રીતે તેમાં કોઈ એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય પરની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. જે પરિવર્ત્યની અસર જાણવાની હોય તે સિવાયનાં બધાં જ સંબંધિત પરિવર્ત્યને શક્ય એટલાં નિયંત્રિત કરવામાં આવે છે. પ્રયોગોનાં બે લક્ષ્ય હોય છે. તે પ્રમાણે તેના બે પ્રકાર પડે છે :

(ક) અન્વેષણાત્મક પ્રયોગો : જેમાં જે તે મનોવૈજ્ઞાનિક ઘટના વિશે જે સિદ્ધ થયેલ હકીકતો હોય તેને વિશે વધારે નવું જાણવા માટે પ્રયોગ કરવામાં આવે છે. તેનાં પરિણામો વર્ણનાત્મક હોય છે.

(ખ) સમર્થનાત્મક પ્રયોગો : જેમાં પ્રયોગ કરવાનો હેતુ અગાઉ શોધાયેલી હકીકતોની અથવા હકીકતોને આધારે કરવામાં આવેલી વૈજ્ઞાનિક સિદ્ધાંત-કલ્પનાની ચકાસણી કરવાનો હોય છે. તેમાં માત્ર વર્ણનાત્મક માહિતીને બદલે કાર્ય-કારણલક્ષી સમજૂતી અથવા એવી અન્ય કોઈ પ્રકારની સમજૂતીની ચકાસણી થતી હોય છે.

આ રીતે ઘટનાનું વિગતપૂર્ણ વર્ણન અને કારણ, નિયમોની ચકાસણી એ પ્રયોગના મૂળભૂત હેતુઓ હોય છે; પણ બંને પ્રકારના પ્રયોગોમાં હેતુનો તફાવત હોવા છતાં કાર્યપદ્ધતિ અને મૂળભૂત વિભાવનાઓની ર્દષ્ટિએ બહુ મોટો ભેદ નથી.

પ્રયોગ પદ્ધતિના મૂળ ખ્યાલો : પરિવર્ત્ય : પરિવર્ત્ય એટલે જેના કદ કે જથ્થામાં ચોક્કસ પરિવર્તન – વધઘટ થઈ શકતી હોય તેવાં પરિબળો. ડી’એમેટોના શબ્દોમાં, પરિવર્ત્ય એટલે કોઈ પણ પદાર્થ, વસ્તુ કે વ્યક્તિનું માપનક્ષમ લક્ષણ. જે બાબતોમાં સંખ્યાકીય પરિવર્તન શક્ય હોય, જેના કદમાં કે અન્ય પરિમાણોમાં વધારો કે ઘટાડો નિયમિત રીતે કરવાનું શક્ય હોય તેવાં પરિબળો જ પ્રયોગનો અભ્યાસવિષય બની શકે છે. જે વર્તન-પાસાનો અભ્યાસ થતો હોય તે વર્તન કોઈ અન્ય પરિવર્ત્યના પરિણામરૂપ હોય છે. તો જે વર્તનની પૂર્વે જે કારણરૂપ પરિબળ હોય તેને પૂર્વવર્તી પરિવર્ત્ય (antecedent variable) કહેવાય છે. જટિલ પ્રયોગોમાં વર્તનના પરિણામરૂપ જે વર્તન થાય છે તે પરિવર્ત્યને અનુવર્તી પરિવર્ત્ય (precedent variable) કહેવાય છે. વળી આ પ્રયોગોમાં પૂર્વવર્તી અને અનુવર્તી પરિવર્ત્યને જોડતું જે વર્તન પરિવર્ત્ય હોય તેને કેટલાક પ્રયોગશાસ્ત્રીઓ મધ્યવર્તી પરિવર્ત્ય (intervening or intermediate variable) તરીકે ઓળખાવે છે. પૂર્વવર્તી કે ઉદ્દીપક પરિવર્ત્યો તેમજ અનુવર્તી કે પ્રતિક્રિયા પરિવર્ત્યોનું પ્રત્યક્ષ નિરીક્ષણ તેમજ તેનું માપન કરી શકાય છે, પરંતુ મધ્યવર્તી પરિવર્ત્યોનું માપન થઈ શકતું નથી. હલ કહે છે કે મધ્યવર્તી પરિવર્ત્યો આ બંને પરિવર્ત્યો વચ્ચેની કડી (link) પૂરી પાડે છે. આ મધ્યવર્તી પરિવર્ત્યો પૂર્વવર્તી તેમજ અનુવર્તી પરિવર્ત્યો સાથે સીધો સંબંધ ધરાવે છે. અહીં એક કારણથી અમુક પરિણામ આવે છે અને એ પરિણામ એના પછીના વર્તન-પરિવર્ત્ય માટે કારણ બને છે. જેમ કે, અમુક કલાકો સુધી પ્રાણીઓને ખોરાકથી વંચિત રાખવામાં આવે (drive condition) તો તેનાથી ભૂખ (drive) ઉદભવે અને ભૂખને લીધે પ્રાણી પ્રતિક્રિયા (response) આપવાનું શીખે છે. આવી શૃંખલાનો અભ્યાસ પ્રયોગશાળાના પ્રયોગોમાં ઓછો થાય છે, પણ પ્રાયોગિક ડિઝાઇન પર આધારિત ક્ષેત્ર-સંશોધનમાં એનો વધારે ઉપયોગ થાય છે. આ રીતે મનોવિજ્ઞાનના પ્રયોગોમાં પરિવર્ત્ય મુખ્ય વિષયવસ્તુ હોય છે.

સ્વતંત્ર અને અવલંબી પરિવર્ત્યો (independent and dependent variables) : આમ તો જગતમાં બનતી કોઈ ઘટના સ્વતંત્ર હોતી નથી; પણ અભ્યાસ કરવા માટે કોઈ ચોક્કસ વર્તન-પરિવર્ત્ય લેવામાં આવે છે; તેમાં એક વર્તન તેના કોઈ પૂર્વવર્તી પરિવર્ત્યનું પરિણામ કે પરિણામનો અંશ હોય છે. જે વર્તન-પરિવર્ત્ય કોઈના પરિણામરૂપ હોય તેને અવલંબી પરિવર્ત્ય કહે છે અને અવલંબી પરિવર્ત્ય જેના પર આધાર રાખે છે તે પરિવર્ત્યને સ્વતંત્ર પરિવર્ત્ય કહે છે. પ્રયોગકર્તા જે પરિવર્ત્યની વર્તન-પરિવર્ત્ય પર પડતી અસર તપાસવા તેમાં ઇરાદાપૂર્વક ફેરફાર (manipulation) કરે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહે છે અને સ્વતંત્ર પરિવર્ત્યમાં કરવામાં આવેલા ફેરફારને પરિણામે વર્તન-પરિવર્ત્યમાં જે ફેરફાર ઉદભવે છે તેને અવલંબી પરિવર્ત્ય કહે છે. જેમ કે, સામગ્રીની અર્થપૂર્ણતા પર સ્મરણનો આધાર રહેલો છે. આ સિદ્ધાંત-કલ્પના ચકાસીએ તો સામગ્રીની અર્થપૂર્ણતા તે સ્વતંત્ર પરિવર્ત્ય અને સ્મરણનું પ્રમાણ એ આધારિત કે અવલંબી પરિવર્ત્ય કહેવાય.

નિયંત્રિત પરિવર્ત્યો : કોઈ પણ એક ઘટના ઘણાંબધાં પરિબળોના સંયુક્ત પરિણામ રૂપે બનતી હોય છે. તેમાંથી અમુક એક પરિબળ તે ઘટના બનવામાં કેટલો ફાળો આપે છે તે જાણવા માટે એક (સ્વતંત્ર પરિવર્ત્ય) સિવાયનાં બાકીનાં બધાં પૂર્વવર્તી પરિવર્ત્યોને નિયંત્રિત કરવામાં આવે છે, જેને લીધે એક ચોક્કસ પૂર્વવર્તી પરિવર્ત્યની અસર અવલંબી પરિવર્ત્ય પર શી પડે છે તેનો શુદ્ધ અભ્યાસ થઈ શકે. જેમ કે સ્મરણ ઉપર શિક્ષણસામગ્રીની અર્થપૂર્ણતા, કે તેનો વિસ્તાર શીખવવાની પદ્ધતિ વગેરે ઘણાં પરિવર્ત્યો અસર કરે છે. જો આપણે સામગ્રીની અર્થપૂર્ણતાની જ અસર માપવી હોય તો બાકીનાં પરિવર્ત્યો નિયંત્રિત કરવાં પડે. આ ઉપરાંત અન્ય પરિવર્ત્યો જો તટસ્થ ન હોય પણ કોઈક રીતે વિધાયક કે નિષેધક અસર પાડી શકે તેમ હોય તેવાં વ્યક્તિગત પરિબળો, વાતાવરણગત પરિવર્ત્યો, ઉદ્દીપકની રજૂઆતને લગતાં પરિબળો વગેરે પણ નિયંત્રિત કરવાં પડે.

નિયંત્રણની પદ્ધતિઓ : (1) મૂલ્યવિલોપનની પદ્ધતિ : જે પરિવર્ત્યને અભ્યાસમાં લેવાનું ન હોય તેને તદ્દન શૂન્ય બનાવી તેને ગેરહાજર રાખવું. જેમ કે, ધ્વનિ પરના પ્રયોગમાં ધ્વનિશૂન્ય ખંડનો ઉપયોગ કરીને અવાજના પરિવર્ત્યને તદ્દન ગેરહાજર રાખવામાં આવે છે.

(2) મૂલ્ય-સ્થિરતાની પદ્ધતિ : જ્યાં પરિવર્ત્યમૂલ્યનું વિલોપન શક્ય ન હોય અથવા તેમ કરવું હિતાવહ ન હોય ત્યાં તે પરિવર્ત્યને પ્રયોગની શરૂઆતથી અંત સુધી એક જ માપ પર સ્થિર રાખવામાં આવે છે; જેમ કે હવાશૂન્ય રૂમમાં પ્રયોગકર્તા કે પ્રયોગપાત્રને રાખી શકાય નહિ, પણ ચોક્કસ દબાણ અને ચોક્કસ તાપમાનવાળી હવાને પ્રયોગ દરમિયાન સ્થિર રાખીને પરિવર્ત્યને તટસ્થ બનાવી શકાય.

(3) મૂલ્ય-પસંદગી : કેટલાંક પરિવર્ત્યોને આપણે દૂર પણ કરી શકતા નથી અને સ્થિર રાખવા માટે નિયંત્રિત પણ કરી શકતા નથી. તેવાં પરિવર્ત્યોના મૂલ્યને અનેક વિકલ્પોમાંથી પસંદ કરી લેવામાં આવે છે. જેમ કે વ્યક્તિની ચામડીનો રંગ કે તેની અભિયોગ્યતાને નિયંત્રિત ન કરી શકાય; પણ અમુક પ્રકારની ચામડીનો રંગ કે અમુક પ્રકારની અભિયોગ્યતાવાળી વ્યક્તિને જ પસંદ કરીને નિયંત્રણમાં લાવી શકાય.

(4) પરિવર્ત્ય-મૂલ્યનું આચ્છાદન : વાતાવરણગત પરિબળો પર મનુષ્યનું નિયંત્રણ શક્ય બનતું નથી; જેમ કે વિમાનનો કે વાહનોનો અવાજ. પ્રયોગશાળામાં એક એવો સ્થિર અવાજ ચાલુ જ રાખવામાં આવે કે જેની નીચે બહારના અવાજની વધઘટનો ખ્યાલ પ્રયોગશાળામાંના પ્રયોગપાત્રને ન આવે અને આરંભથી અંત સુધી આચ્છાદિત અવાજ-પ્રકાશ વગેરે એકસરખાં રહી શકે.

(5) પ્રતિ-સમતુલન : પ્રયોગ દરમિયાન આગળ-પાછળ આપવામાં આવેલા અનુભવો એકબીજા અનુભવો પર અનુગામી કે પુરોગામી અસરો ઊભી કરી શકે. તે દૂર કરવા માટે એકથી વધારે પ્રયોગપાત્રને લઈ ક્રમને ઉલટાવીને આગળ-પાછળના અનુભવોને પ્રતિસમતુલિત કરવામાં આવે છે. સાથે સંવેદન ‘હળવા’થી શરૂ કરીને ‘દબાણ’ સુધી આપવામાં આવ્યું હોય તો બીજા પ્રયત્નમાં ‘દબાણ’થી ‘હળવા’ સ્પર્શ તરફ શ્રેણીને ઉલટાવવામાં આવે.

(6) દ્વિપક્ષી અજ્ઞાન-પદ્ધતિ (double-blind technique) : સ્વતંત્ર પરિવર્ત્યની હાજરી કે ગેરહાજરી વિશેનું જ્ઞાન પ્રયોગપાત્રને કે પ્રયોગકર્તાને હોય તો એને લીધે પ્રયોગનાં પરિણામો દૂષિત બને છે અને પ્રયોગમાં સતત ભૂલ ઉદભવે છે. તેથી ખાસ કરીને અમુક ઔષધની અસર તપાસવાના પ્રયોગમાં આવી સતત ભૂલનું નિયંત્રણ કરવા માટે પ્રયોગકર્તા તેમજ પ્રયોગપાત્ર એમ બંને પક્ષોને સ્વતંત્ર પરિવર્ત્યના દરજ્જા વિશેના જ્ઞાનથી વંચિત રાખવામાં આવે છે. આને દ્વિપક્ષી અજ્ઞાન-પદ્ધતિ કહે છે.

પ્રયોગમાં ઉદ્દીપકને લગતાં પરિવર્ત્યોને, વાતાવરણનાં પરિવર્ત્યોનેબુદ્ધિ, પ્રેરકબળ, મન:સ્થિતિ જેવાં વ્યક્તિગત પરિબળો, વિવિધ પદ્ધતિઓ, રજૂઆત, અનુક્રમ વગેરે ઘણી જાતનાં પરિવર્ત્યોને જરૂર પડ્યે જુદી જુદી રીતે વાપરીને હસ્તોપયોજન (manipulation) કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં થયેલું નિરીક્ષણ વધારે ચોક્કસ અને વિશિષ્ટ હોય છે. ઉપરાંત પ્રયોગશાળામાં તેનું પુનરાવર્તન પણ શક્ય હોવાથી તેની વારંવાર ચકાસણી પણ થઈ શકે છે.

વ્યક્તિગત અને જૂથપ્રયોગો : મનોવિજ્ઞાનના પ્રયોગો એક વ્યક્તિ પર પણ થાય છે અને નાનાં મોટાં જૂથો પર પણ થાય છે. અભ્યાસના વિષયવસ્તુના સંદર્ભમાં પ્રયોગપાત્રનાં જૂથ નક્કી કરવામાં આવતાં હોય છે અને આ જૂથોને જરૂર પ્રમાણે પ્રયોગના ઉપયોગમાં લેવા માટે તેમનું પ્રાયોગિક આયોજન (experimental design) કરવામાં આવે છે.

ક્ષેત્ર-પ્રયોગ : પ્રયોગશાળાના પ્રયોગો ઉપરાંત મનોવિજ્ઞાનમાં ક્ષેત્ર-પ્રયોગ પણ વિકસ્યા છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન, પ્રાણી-મનોવિજ્ઞાન, સમુદાય-મનોવિજ્ઞાન (community psychology) વગેરે શાખાઓમાં દરેક વખતે પ્રયોગશાળામાં પ્રયોગ કરવો શક્ય નથી હોતો. આ ઉપરાંત પ્રયોગશાળાના પ્રયોગોમાં હસ્તોપયોજનમાં કૃત્રિમતા આવવાનો સંભવ રહે છે. આ પરિસ્થિતિમાં ઉપાય તરીકે ક્ષેત્ર-પ્રયોગો વિકસ્યા છે; જેમ કે ચિમ્પાન્ઝીમાં સામાજિક કે સમૂહ-વર્તનનો અભ્યાસ કરવા માટે તેમની વસાહતોને ચોક્કસ ક્ષેત્રમાં નિયંત્રિત કરી તે જ વાતાવરણમાં મુક્ત રીતે હરીફરી શકે તેમ રાખીને, આધુનિક સાધનસામગ્રીનો ઉપયોગ કરીને વિવિધ પરિસ્થિતિમાં તેમના જૂથવર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. આ જ રીતે ચૂંટણી-પ્રચારની રીતો અને લોકમતની રચના કે નાનાં બાળકોમાં નેતૃત્વ કઈ રીતે આકાર લે છે એ જાણવા ક્ષેત્રપ્રયોગો કરી શકાય.

મનોવિજ્ઞાનના પ્રયોગોનું વર્તમાન : આમ તો પ્રયોગપદ્ધતિ પ્રત્યેક વિજ્ઞાનની સર્વસ્વીકૃત મુખ્ય પદ્ધતિ છે; પણ મનોવિજ્ઞાનના અભ્યાસવિષયની જટિલતા અને ગતિશીલતા અન્ય વિજ્ઞાનોની સરખામણીમાં ઘણી વધારે છે; તેથી મનોવિજ્ઞાનમાં તેનો ઉપયોગ ચર્ચાસ્પદ બને છે. તેમાં કૃત્રિમતા આવી જવાની દહેશત રહે છે. આ ઉપરાંત વર્તનની સમગ્ર વિવિધતા અને જટિલતાને પ્રયોગ દ્વારા આવરી લેવાનું પણ સરળ નથી. આ પદ્ધતિ સાધનો અને પ્રયોગશાળા પર આધારિત હોઈ અતિખર્ચાળ અને તાલીમ પામેલા નિષ્ણાતોના અભાવે જોઈતા પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાતી નથી. મનોવિજ્ઞાનને જ્યાં વિજ્ઞાનવિદ્યાશાખા સાથે સાંકળવામાં આવ્યું ન હોય ત્યાં તેની પ્રયોગશાળા માટે પૂરતા નાણાભંડોળ અને કર્મચારીગણની ઊણપ–ખાસ કરીને આપણા દેશમાં તો રહે જ છે, જેને પરિણામે આ અત્યંત ચોકસાઈ ભરેલ અને વ્યવસ્થિત પદ્ધતિ હોવા છતાં તેનો ઉપયોગ મર્યાદિત બની જાય છે અને પ્રાયોગિક મનોવિજ્ઞાનનો વિકાસ વિકસિત દેશોના પ્રમાણમાં વિકસતા અને અર્ધવિકસિત દેશોમાં હજુ પ્રાથમિક કક્ષામાં છે એમ સ્વીકારવું પડે છે.

પ્રતીક્ષા રાવલ