પીપર : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરેસી (વટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus amplissima Smith. syn. F. tsiela Roxb. ex Buch-Ham. (સં. પ્લક્ષ, પિપ્પરી, જટી, કણિનિકા, જટતિ, પર્કટી, પિપ્પલપાદપ, ગૃહદવારપરશ્વ; હિં. પાકરી, પાખર, પિલખન, પાકર; બં. પાકુડગાછ; મ. પિંપરી; ગુ. પીપર, પીંપરી, પીપળ; ક. વસુરીમાળા, જુવ્વીમારા; તે કાલજુવ્વી, ગર્દભાંડે; મલ. ચુવ્વનાલ, ઇત્તિ; તા. કાલ-ઇચ્ચિ) છે.
વિતરણ (distribution) : તે દ્વીપકલ્પીય (Peninsular) ભારત, શ્રીલંકા અને માલદીવ તથા પશ્ચિમઘાટ- દક્ષિણ, મધ્ય અને મહારાષ્ટ્ર સહ્યાદ્રિ; ખાસ કરીને કોંકણની દક્ષિણે વધારે જોવા મળે છે. ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં તે વિશેષ પ્રમાણમાં થાય છે. તે રસ્તાની બંને બાજુઓ પર, તળાવની પાળ નજીક અને દેવસ્થાન પાસે જોવા મળે છે. તે ઉપછત્ર (subcanopy) વૃક્ષ છે અને વિક્ષોભિત (disturbed) સદાહરિત વનોમાં 1000 મી.ની ઊંચાઈ સુધી થાય છે.
બાહ્યાકારવિદ્યા (Morphology) : તે સદાહરિત મધ્યમ કદ(20 મી. સુધી ઊંચું)નું છાયા વૃક્ષ છે. ઘણી વાર તે પરરોહી (epiphytic) તરીકે જોવા મળે છે. થડના ઉપરના ભાગમાં વડવાઈ જેવાં થોડાં થોડાં હવાઈ મૂળ હોય છે. છાલ લીલાશ પડતી ભૂખરી અને લીસી હોય છે. થડ ઉપર પીળા રંગનાં ચિહનો જોવા મળે છે. શાખાઓ મૂસળાકાર (terete), અરોમિલ (glabrescent) કે રોમિલ (puberulous) હોય છે અને તેઓ વલયાકાર ક્ષતચિહનો (scars) ધરાવે છે. ક્ષીરરસ સફેદ હોય છે અને વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
પર્ણો સાદાં, એકાંતરિત, નાંદરૂખી (F. retusa) જેવાં છતાં મોટાં પહોળાં અંડાકાર, અંડ-લંબચોરસ (ovate-oblong) કે હૃદયાકાર, 7-15 સેમી. x 3.0-9.0 સેમી. હોય છે. પર્ણો કેટલીક વાર વૃક્ષવ્રણ (galls) ધરાવે છે. ઉપપર્ણો (stipules) 2.5 સેમી. લાંબાં, ભાલાકાર અને શીઘ્રપાતી (caducous) હોય છે.
પુષ્પવિન્યાસ સંયુક્ત ઉદુમ્બરક (hypanthodium or syconium) પ્રકારનો, એકગૃહી(monoecious), કક્ષીય, લગભગ ગોળાકાર હોય છે. તેની અંદરની દીવાલમાં એકલિંગી અને વંધ્ય પુષ્પો ઉત્પન્ન થાય છે.
ફળ ઉદુમ્બરક પ્રકારનું સંયુક્ત અને પાકે ત્યારે લાલ કે જાંબલી રંગનું બને છે. પ્રત્યેક ફલિકા ચર્મફળ (achene) પ્રકારની અને લીસી હોય છે.
તેનું પ્રસર્જન બીજ અથવા કટકારોપણ દવારા થાય છે. તેની ડાળીના 5.0થી 6.0 સેમી. જાડા અને 1.5થી 2.0 મી. લાંબા ટુકડાઓ જમીનમાં 40.0થી 50.0 સેમી. ઊંડાઈએ મજબૂત રીતે રોપી તેને કાળજીપૂર્વક પાણીની માવજત આપવામાં આવે તો તેને નવી કૂંપળો ફૂટે છે અને તે નવા વૃક્ષ તરીકે વિકાસ પામે છે.
તેની છાયા ઘણી ઘટ્ટ હોવાથી રસ્તાની બંને બાજુએ ઉગાડવામાં આવે છે. તેનું લાકડું ખેતીનાં ઓજારો બનાવવામાં તેમજ ઇમારતી કામમાં ઉપયોગમાં આવે છે. પંચવલ્કલમાં તેની છાલ લેવામાં આવે છે. તેનાં પર્ણો બકરાં, ઊંટ અને ઢોરોને ચારા તરીકે ખૂબ જ ભાવે છે. આ વૃક્ષ પક્ષીઓ માટે સુંદર આવાસ અને આહાર પૂરા પાડે છે. તેનાં કાચાં ફળોમાંથી અથાણું બનાવાય છે.
આયુર્વેદ અનુસાર તેના ગુણધર્મો આ પ્રમાણે છે :
રસ : કટુ, કષાય | વીર્ય : શીત |
વિપાક : કટુ | દોષઘ્નતા : પિત્ત, કફ |
આયુર્વેદ અનુસાર તે તીખી, કડવી, તૂરી અને શીતળ છે. તે વ્રણ, યોનિદોષ, વિસર્પ, દાહ, પિત્ત, કફ, રક્તપિત્ત, રક્તદોષ, મેદરોગ, શોષ, મૂર્છા, ભ્રમ, પ્રલાપ, સોજો અને રક્તાતિસારનો નાશ કરે છે અને ઉદાવર્ત અને વાતગુલ્મ ઉપર તેમજ ખોડા પર ઉપયોગી છે.
તેનાં છાલ અને પાન ઔષધ તરીકે ઉપયોગી છે. રક્તસ્રાવ, શોથ, વિસર્પ અને વ્રણમાં છાલને વાટીને લેપ થાય છે. તેની છાલ કૂટીને તેનાથી વ્રણ ધોવામાં આવે છે. ગૂમડાં અને ખૂજલી જેવા ચર્મરોગોમાં તેની છાલ કૂટી, પાણીમાં પલાળી, સવારે ગાળી, સાકર નાખીને પી જવાથી ફાયદો થાય છે. રક્તપિત્તમાં તેનાં કુમળાં પાન બાફીને કે કાચાં ખવાય છે. કફ અને પિત્તજન્ય તાવમાં તેની છાલનો ક્વાથ લાભદાયી હોય છે. તેનાં ફળ ભૂખ લગાડનારાં અને હૃદયને બળ આપનારાં છે. યોનિસ્રાવમાં પીપરની છાલના સૂક્ષ્મ ચૂર્ણની મધમાં બનાવેલી સોગઠી લેવામાં આવે છે. રક્તાતિસારમાં પીપરની છાલને બારીક વાટી, દૂધમાં સારી રીતે ચોળી નાખી તે દૂધ મધ નાખી પીવાથી મળમાં પડતું લોહી અટકે છે.
પીપળ, પીપળો, ઊમડો, મહુડો, વડ અને પારસપીપળાની છાલ સમભાગે લઈ તેમાંથી 50 ગ્રા. જેટલું મિશ્રણ અધકચરું ખાંડી, પાણીમાં ઉકાળી, અર્ધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડું કરી તેનાથી બાળકને સ્નાન કરાવવાથી ચર્મરોગ, રક્તવિકાર, ચાંદાં, વિસ્ફોટક વગેરે દોષ શાંત થાય છે. આ છાલોને પાણીમાં ઉકાળી તેના કોગળા કરવાથી મોઢામાં પડેલાં ચાંદાંની, અવાળુ ફૂલવાની અને દાંતમાંથી લોહી આવવાની તકલીફ દૂર થાય છે.
प्लक्ष: कटुकषायश्च शीतलो रक्तपित्तजित् ।
मूर्च्छाश्रमप्रलापंश्च हरेत् प्लक्षो विशेषत: ।।
ધન્વન્તરિ નિઘંટુ
प्लक्ष: कषाय: शिशिरो त्रणयोनिगदापह ।
दाहपित्तकफमघ्न: शोधहा रक्तपित्तहृत् ।।
रक्तदौषहरो मूर्च्छाप्रलापभ्रमनाशन: ।।
ભાવ પ્રકાશ
મ.ઝ. શાહ
મૃગેન્દ્ર વૈષ્ણવ
આદિત્યભાઈ છ. પટેલ