પ્રતિભા : ઊડિયા લેખક હરેકૃષ્ણ મહેતાબની સાંપ્રત સમયની રાજકીય નવલકથા. એ કથા સ્વતંત્રતા-આંદોલનમાં ગાંધીજીનો પ્રભાવ જ્યારે ચરમસીમાએ હતો, તે સમયની પશ્ચાદભૂમાં લખાઈ છે. નારી સ્વપ્રયત્ને કેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી સંઘર્ષ કરીને પોતાની સ્વતંત્રતાનો માર્ગ મોકળો કરે છે તે આ કથાની નાયિકા પ્રતિભા દ્વારા દર્શાવાયું છે. પ્રતિભા અલ્પશિક્ષિતા હતી, ગરીબ કુટુંબમાં જન્મી હતી. તેના પિતા શિક્ષક હતા. એણે કિશોરીઅવસ્થા પાર કરી ત્યાં સુધીમાં જ પરિસ્થિતિવશ તેનું શિક્ષણ અટકી ગયું; પણ મહેન્દ્રબાબુ એના કુટુંબ જોડે સંકળાયેલા હતા અને નારીજાગૃતિનું આંદોલન ચલાવતા હતા.  તેઓ એમની પત્રિકાઓ નિયમિત મોકલ્યા કરતા; તેને લીધે પ્રતિભાની શક્તિ જાગ્રત થઈ. મહેન્દ્રબાબુ એને પરણવા ઇચ્છતા હતા; પણ એનાં લગ્ન નવીન સાથે થયાં. નવીન દેશભક્ત અને વિપ્લવી હોય છે અને સ્વતંત્રતા-આંદોલનમાં તે સક્રિયપણે ભાગ લે છે. પ્રતિભા અલ્પશિક્ષિત હોવાથી પોતાના કાર્યમાં એને બાધક સમજી તે એની ઉપેક્ષા કરે છે. એ એને છોડીને ચાલ્યો જાય છે. અસહકાર-આંદોલનમાં એને સજા થાય છે.

નવીનના જમીનદાર પિતા રામહરિબાબુ ખેડૂતો પર ખૂબ અત્યાચાર કરે છે ત્યારે નવીનનો મિત્ર પ્રકાશ ખેડૂતોનું સંગઠન કરે છે અને જમીનદારની સામે વિદ્રોહ કરે છે. એમાં એને પ્રતિભાનો સાથ મળે  છે. પ્રતિભાની સ્ત્રીશક્તિ આંદોલનમાં સક્રિય બને છે. પ્રતિભા હવે નવીનને સમજે છે. નવીન પણ એની શક્તિથી પ્રભાવિત થાય છે. પ્રતિભા કુશળતાપૂર્વક આંદોલનનું નેતૃત્વ કરે છે. આમ પ્રતિભા સત્યાગ્રહ-આંદોલનોમાં આગળ પડતો ભાગ ભજવનારી સ્ત્રીઓનું પ્રતીક બની રહે છે.

ચન્દ્રકાન્ત મહેતા