હૉબહાઉસ લિયોનાર્ડ ટ્રિલાનવે

February, 2009

હૉબહાઉસ, લિયોનાર્ડ ટ્રિલાનવે (જ. 8 સપ્ટેમ્બર 1864, સેંટ આઇવ્સ કોર્નવાલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જૂન 1929, એવેન્કોન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સમાજશાસ્ત્રી અને ચિંતક, જેમણે નૂતન ઉદારમતવાદના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ઉદારમતવાદના ચિંતનમાં કેટલાંક નવાં પરિમાણો ઉમેરી નૂતન ઉદારમતવાદનું ચિંતન રજૂ કર્યું. ઉદારમતવાદી સામાજિક સુધારાઓને વિશેષ રૂપે તેમણે રજૂ કર્યા. સામાજિક પ્રગતિને અનિવાર્ય ગણીને તેમણે ઉદારમતવાદ સાથે સમૂહવાદના પુનર્વિચારનો પ્રયાસ કર્યો. સમાજશાસ્ત્રની વિભાવના રજૂ કરતાં તેમણે રાજ્ય અને રાજ્યની ભૂમિકાનું ચિંતન કરી મનોવિજ્ઞાન, જીવશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ધર્મોનો ઇતિહાસ, નીતિશાસ્ત્ર અને કાયદા જેવાં અનેક ક્ષેત્રોમાં વિશિષ્ટ ચિંતન પૂરું પાડ્યું. આ સમગ્ર ચિંતનમાં તેમણે મુખ્યત્વે સામાજિક પરિવર્તનની પ્રક્રિયાને સમુદાયના સર્વસાધારણ હિત સાથે જોડવા સતત કોશિશ કરી. આ માટે જ્ઞાન, નીતિ અને ધર્મોના ઇતિહાસનો તેમણે સામાજિક પરિવર્તનના સંદર્ભમાં અભ્યાસ કર્યો હતો.

લિયોનાર્ડ ટ્રિલાનવે હૉબહાઉસ

તેમણે ઑક્સફર્ડ ખાતે દસ વર્ષ અને યુનિવર્સિટી ઑવ્ લંડન ખાતે 22 વર્ષ અધ્યાપન કરાવ્યું હતું. ફ્રી ટ્રેડ યુનિયનના મંત્રી તરીકે અનેક મજૂર વિવાદોમાં તેમણે લવાદની ભૂમિકા નિભાવી હતી. તેઓ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ માટે લખતા. ‘ટ્રિબ્યૂન’ના રાજકીય સંપાદક તરીકે તેમણે 1905થી 1907નાં વર્ષમાં સેવાઓ આપી હતી. આ વૃત્તપત્રો દ્વારા તે સમયના ઇંગ્લૅન્ડમાં પ્રવર્તમાન સામાજિક સિદ્ધાંતોને તે પડકારતા પણ ખરા. અનિયંત્રણવાદ(લાસે-ફેર)ના સમગ્ર વિચારને તેમણે અમાન્ય ગણ્યો હતો. એવી જ રીતે ફેબિયન સમાજવાદ પણ તેમને અસ્વીકાર્ય હતો. કારણ કે તેમના મતે ફેબિયન સમાજવાદના વિચારોથી પ્રગતિના ભોગે સેવકશાહી(બ્યૂરૉક્રસી)નું પ્રભુત્વ વધતું હતું.

તેમના ચિંતનમાં તેમણે અનુભવ, વ્યવહાર અને વાસ્તવિકતા પર ભાર મૂક્યો. તેમનો આવો અનુભવવાદી અભિગમ અન્યોની નજરે પ્રશંસનીય ઠર્યો હતો. વ્યક્તિને પાયાનો અને સ્વાયત્ત એકમ ગણતી ઉદારમતવાદી વિચારધારામાં હૉબહાઉસે માનવલક્ષી અભિગમ ઉમેરી નૂતન ઉદારમતવાદનો પાયો નાંખ્યો જેમાં માનવીને વાસ્તવિક રીતે જોવા, સ્વીકારવા અને પ્રતિષ્ઠા આપવાની દૃષ્ટિ કામ કરતી હતી. વ્યક્તિનાં નિરીક્ષણો અને અનુભવોથી પ્રતિપાદિત વિચારોનો સ્વીકાર કરી પાયાના સત્યની શોધ તરફનું તેમનું સંશોધન વધુ માન્ય-સ્વીકૃત બન્યું.

હૉબહાઉસનાં તારણોને કંઈક આમ મૂકી શકાય : (1) સાર્વત્રિક સ્વાતંત્ર્ય માટે સર્વને આવરી લેતાં નિયંત્રણો જરૂરી છે. (2) પૂર્ણ સ્વાતંત્ર્ય અને મુક્તિ માટે સાચી સમાનતા અનિવાર્ય છે. પ્રથાગત દલિતો-પીડિતોના વિકાસ માટે તેમને વધુ તકો આપી સાચી સમાનતા ઊભી કરવી જોઈએ. આ માટે તે વ્યક્તિના શુભાશયમાં શ્રદ્ધા રાખે છે તેમજ જમીનમાલિકી ઉપર નિયંત્રણ, વારસાવેરો, ઇજારાશાહીની નાબૂદી, જાહેર કેળવણી જેવાં પગલાંની ભલામણ કરે છે. (3) સામાજિક રીતે આયોજિત પૂર્ણ રોજગારી. (4) પુખ્તવયમતાધિકાર. (5) વૃદ્ધો અને અપંગો માટે કાળજી. આ દ્વારા તે સ્વાતંત્ર્ય અને કલ્યાણને સાંકળી લે છે. એ. પી. ગ્રીમ્સ જેવાના મતે ઉપર્યુક્ત વિચારો દ્વારા તે ઓગણીસમી સદીના મધ્યમવર્ગીય પાયાને વિસ્તૃત કરે છે. સ્વાતંત્ર્યના ખ્યાલને અર્થપૂર્ણ અને બુદ્ધિસંગત સામાજિક હેતુ સાથે સાંકળીને તેના દ્વારા સામાજિક ધારાઓ ઘડવા માટેનો માર્ગ તે મોકળો કરે છે.

તેમના વિપુલ સાહિત્યમાંથી કેટલાંક આ મુજબ છે : ધ થિયરી ઑવ્ નૉલેજ (1846); ડેવલપમૅન્ટ ઍન્ડ પરપઝ (1913). (1) મૅટાફિઝિકલ થિયરી ઑવ્ ધ સ્ટેટ (1918); (2) ધ રૅશનલ ગુડ (1921); (3) ધી ઍલિમૅન્ટ ઑવ્ સોશિયલ જસ્ટિસ (1922) અને (4) સોશિયલ ડેવલપમૅન્ટ (1924) – આ ચાર ગ્રંથોની બનેલી ‘પ્રિન્સિપલ્સ ઑવ્ સોશિયોલૉજી’ની તેમની શ્રેણી બૌદ્ધિક વર્તુળોમાં નોંધપાત્ર બની રહી હતી.

જયંતિ પટેલ

રક્ષા મ. વ્યાસ