હૉબહાઉસ જ્હૉન સર (બ્રાઉટન ડી ગીફોર્ડ)

February, 2009

હૉબહાઉસ, જ્હૉન સર (બ્રાઉટન ડી ગીફોર્ડ) (જ. 27 જૂન 1786, રેડલૅન્ડ, ગ્લાઉસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 3 જૂન 1869, લંડન) : બ્રિટિશ રાજપુરુષ અને બૉર્ડ ઑવ્ કન્ટ્રોલ ફૉર ઇન્ડિયાનો પ્રમુખ. તેણે બ્રિસ્ટલ, વેસ્ટમિન્સ્ટર અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં શિક્ષણ લીધું હતું. તે બાયરનનો મિત્ર હતો અને તેની સાથે યુરોપના દેશોનો પ્રવાસ કર્યો હતો. તે 1820માં વેસ્ટમિન્સ્ટરનો સાંસદ બન્યો. 1831માં તે બૅરોનેટ થયો. 23 એપ્રિલ 1835થી 4 સપ્ટેમ્બર 1841 અને 8 જુલાઈ 1846થી 3 ફેબ્રુઆરી 1852 સુધી તે બૉર્ડ ઑવ્ કન્ટ્રોલ ફૉર ઇન્ડિયાનો પ્રમુખ હતો. તેની સલાહ પ્રમાણે 1835–36માં લૉર્ડ વિલિયમ બેન્ટિન્ક પછી ભારતના ગવર્નર-જનરલ તરીકે લૉર્ડ હિટેસ્બરીની નિમણૂક રદ કરવામાં આવી હતી. લૉર્ડ ઑકલેન્ડની અફઘાન નીતિને તેણે ટેકો આપ્યો હતો. 1848માં હારવિચ મતદાર વિભાગમાંથી તે ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટનો સભ્ય બન્યો.

સર જ્હૉન હૉબહાઉસ

 તેણે ગવર્નર-જનરલ ડેલહાઉસીને બૉર્ડ ઑવ્ કન્ટ્રોલના પ્રમુખ તરીકે 24 ડિસેમ્બર, 1847ના રોજ પત્ર દ્વારા જણાવ્યું હતું કે, ‘સાતારાના ભૂતપૂર્વ રાજાનું અવસાન યોગ્ય સમયે થયું છે. મેં સાંભળ્યું છે કે, શાસન કરે છે તે રાજાની તબિયત ઘણી ખરાબ રહે છે અને તેના પ્રદેશના ભાવિ વિશે આપણે તરતમાં નિર્ણય કરવો પડે એવી શક્યતા છે. હું દૃઢતાપૂર્વક માનું છું કે હાલના રાજાનું અવસાન પુત્ર વિના થાય તો દત્તક લેવાની પરવાનગી આપવી નહિ અને આ નાનકડું રાજ્ય, બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દેવું…. આના વિશે તમારો અભિપ્રાય જણાવશો.’ ડેલહાઉસી 1848માં ગવર્નર-જનરલ તરીકે ભારત આવ્યો હતો. અપુત્ર અવસાન પામતા રાજાના રાજ્ય પ્રત્યે તે પોતાની નીતિ ઘડે, તે પહેલાં જ ઉચ્ચ સત્તાધીશ તરફથી ગૌણ અધિકારીને આવું દબાણ તેની ખાલસા નીતિ ઘડવામાં ભાગ ભજવે તે સમજી શકાય છે. તેણે લખેલ ‘રીકલેક્શન્સ ઑવ્ એ લૉન્ગ લાઇફ’ 6 ગ્રંથોમાં 1909થી 1911 દરમિયાન તેની પુત્રીએ પ્રગટ કર્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી

જયકુમાર ર. શુક્લ