હીમેન્થસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલ એમેરિલિડેસી કુળની કંદિલ (bulbous) પ્રજાતિ. તે મોટે ભાગે આફ્રિકાની મૂલનિવાસી છે. ભારતીય ઉદ્યાનોમાં કેટલીક જાતિઓનો ઉછેર કરવામાં આવે છે. તેમને સામાન્ય રીતે ‘બ્લડ લીલી’ કે ‘બ્લડ ફ્લાવર’ તરીકે ઓળખવામાં આવે છે.

રક્તકંદ(Haemanthus coccineus)ના છોડ નાના હોય છે. તેનો કંદ જમીનમાં રોપવાથી નવો છોડ થાય છે. કંદમાંથી ફૂટતી ડૂંખોને છૂટી કરીને રોપવામાં આવે એટલે નવા છોડ તૈયાર થાય છે. આ છોડની વિચિત્રતા એ છે કે પહેલાં પુષ્પ આવે છે અને પછી પર્ણો આવે છે. પુષ્પ નાની ડાળી ઉપર ઝૂમખા જેવું અને ગુલાબી રાતા રંગનું આવે છે અને પછી જાડાં મોટાં પર્ણો આવતાં નવો કંદ જમીનમાં બંધાય છે. પુષ્પો એપ્રિલ–મે માસમાં આવે છે. છોડ સુકાઈ ગયા પછી કંદને કાઢી લઈ બીજા કૂંડામાં જમીનમાં રાખવામાં આવે છે અથવા એને કાઢ્યા સિવાય તે જ જગ્યાએ બે-ત્રણ વરસ સુધી રાખી શકાય છે. દર વર્ષે કંદ બહાર કાઢવાની જરૂર નથી હોતી. કંદ જેટલા મોટા એટલાં એનાં પુષ્પ મોટાં આવે છે.

તેનું પ્રસર્જન ભૂસ્તારિકા (offset) દ્વારા પણ થાય છે. આ ભૂસ્તારિકાઓ મુક્તપણે ઉદભવે છે. સારા નિતારવાળી હલકી કે રેતાળ, પરંતુ ફળદ્રૂપ જમીન તેને અનુકૂળ આવે છે. કૂંડામાં વાવવા માટે હલકી જમીનના બે ભાગ અને સારું કોહવાયેલું ફાર્મયાર્ડ ખાતર એક ભાગ જરૂરી હોય છે. શરૂઆતના વિકાસ દરમિયાન મંદ પ્રવાહી ખાતર આપવામાં આવે છે. પાણી વધારે પડે તો કંદ કોહવાઈ જવાનો ભય રહે છે.

H. multiflorus (પેઇન્ટર્સ બ્રશ લીલી) ભારતની આ પ્રજાતિની સૌથી જાણીતી જાતિ છે. તેના કંદ ગોળાકાર અને 7.5 સેમી. જાડા હોય છે. પર્ણો લંબચોરસ, લગભગ 30 સેમી. જેટલાં લાંબાં અને સદંડી હોય છે. તેનાં પુષ્પો અત્યંત આકર્ષક, મોટાં, સિંદૂરી રંગનાં અને 30થી 45 સેમી. લાંબાં, લાલ ટપકાંવાળાં પ્રવૃંત (scape) ઉપર ગોળાકાર મુંડક(head)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. આ પુષ્પો અન્ય જાતિઓની તુલનામાં થોડો લાંબો સમય ટકે છે. પુષ્પમાંથી નીકળતા પુંકેસરો પીંછી જેવો દેખાવ ધારણ કરે છે.

H. albomaculatus અને H. albiflos સફેદ પુષ્પો ધરાવતી જાતિઓ છે.

આ પ્રજાતિના કંદ ઝેરી આલ્કેલૉઇડ ધરાવે છે. H. multiflorus આફ્રિકામાં મત્સ્યવિષ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તે સૂવર માટે પણ ઝેરી હોય છે. કંદનો નિષ્કર્ષ ચાંદાં અને જખ્મો ઉપર લગાડવામાં આવે છે. કંદમાં હીમેન્થિન (C18H23O6N) નામનું આલ્કેલૉઇડ હોય છે. H. alboflosના તાજા કંદમાં 0.18 % અસ્ફટિકી પદાર્થ અને 0.077 % સ્ફટિકમય આલ્કેલૉઇડો હોય છે. તે પૈકી લાયકોરેનિન અને ટેઝેટિન ઓળખાયાં છે. H. albomaculatus 0.33 % અસ્ફટિકી આલ્કેલૉઇડો ધરાવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ