હિરોહિટો (જ. 29 એપ્રિલ 1901, ટોકિયો; અ. 7 જાન્યુઆરી 1989, ટોકિયો) : જાપાનના રાજા અને શાસક, તેમણે સતત 62 વર્ષ સુધી આ હોદ્દો ધરાવ્યો હતો. વિશ્વની એક સૌથી જૂની રાજાશાહીના પારિવારિક સભ્ય. તેઓ જાપાનના સૌપ્રથમ શાસક જિમ્મુના 124મા પરંપરાગત વારસદાર હતા.
ટોકિયોના એઓયામા મહેલમાં જન્મેલા આ શાસકે ‘પીયર્સ’ શાળા અને ‘ક્રાઉન પ્રિન્સ’ઝ’ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ મેળવ્યું. શિક્ષણના પ્રારંભે જ સમુદ્રીય જીવવિજ્ઞાન(marine biology)માં તેમનો રસ વિકસ્યો, જેનો ઊંડો અભ્યાસ કરી પછીથી તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં. 1921માં તેમણે જાપાનના રાજકુમાર તરીકે યુરોપનો પ્રવાસ ખેડ્યો. વિદેશપ્રવાસ ખેડનાર તેઓ પ્રથમ જાપાની રાજકુમાર હતા.
હિરોહિટો
તેમના પિતાના અવસાન બાદ 25 ડિસેમ્બર, 1926ના રોજ તેઓ જાપાનના શાસક બન્યા. તેમનો સમગ્ર શાસનકાળ ‘શોવા’ એટલે તેજપૂર્ણ શાંતિ તરીકે જાણીતો છે. બીજા વિશ્વયુદ્ધ (1939–1945) સમયે જાપાન હારવાની અણી પર હતું. જાપાનની શરણાગતિ અંગે તરફેણ કરનારાઓ અને વિરોધ કરનારાઓનો – એમ બે મોટા વર્ગ હતા. અલબત્ત, હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાએ બૉમ્બમારો કરતાં પરિસ્થિતિએ એકાએક અણધાર્યો પલટો લીધો હતો; પરંતુ તે પૂર્વે શાહી ચૂપકીદીની પરંપરા તોડી તેમણે યુદ્ધને સ્થાને શાંતિની તરફેણ કરી હતી. 15 ઑગસ્ટ, 1945ના તેમણે જાપાન રેડિયો પર ‘પોટ્સડામ ડેક્લેરેશન’નો સ્વીકાર કરી શાંતિની દિશામાં જવાનું યોગ્ય માનેલું. આ અંગે પ્રસારિત કરેલા રેડિયો વ્યાખ્યાનમાં તેમણે પ્રજા સમક્ષ સ્પષ્ટ કબૂલાત કરી કે તેઓ ઈશ્વરનો અવતાર નથી. આમ કહી રાજાશાહી સાથે સંલગ્ન તમામ દૈવી દાવાઓ તેમણે પડતા મૂક્યા હતા.
આ પછી અમેરિકાના સત્તાવાળાઓએ જાપાન માટે નવું બંધારણ ઘડ્યું, જેમાં જાપાન બંધારણીય રાજાશાહી ધરાવતો દેશ જાહેર થયો. તેમની સત્તાઓમાં ધરખમ કાપ મુકાયો અને નામની સત્તા તેમની પાસે રહી. રાજાના બદલે પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કરવામાં આવ્યો. જાપાનની પ્રજાથી દૂર રહેતી રૂઢિચુસ્ત રાજાશાહીમાં તેમણે ભારે પરિવર્તન આણ્યું. શાહી પરિવાર પ્રજાની નજીક જઈ શકે તે માટે તેઓ અનેક વાર જાહેરમાં આવતા, વૈયક્તિક અને પારિવારિક જીવનની તસવીરો પ્રગટ થવા દેતા તેમજ શાહી પરિવારની જીવનશૈલીને પ્રજા સુધી વ્યક્ત થવા દેતા. આમ તેમણે રાજા અને પ્રજા વચ્ચેના અંતરને લગભગ ભૂંસી નાંખ્યું. લગભગ 1500 વર્ષ જૂની પરંપરા તોડી તેમના પાટવીકુંવર રાજકુમાર અખિહિટોને સામાન્ય પરિવારની કન્યા સાથે લગ્ન કરવાની સંમતિ આપી હતી. 1971માં યુરોપનો પ્રવાસ કરીને તેમણે પરંપરાથી વધુ એક જુદો ચીલો પાડ્યો. શાસન પર રહીને વિદેશ પ્રવાસ કરનાર તેઓ પ્રથમ જાપાની શાસક બન્યા. 1975માં તેમણે અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી હતી.
62 વર્ષ સુધી જાપાનના શાસક રહીને તેમણે જાપાનની રાજાશાહીમાં ઘણાં પરિવર્તનોને આવકાર્યાં હતાં.
રક્ષા મ. વ્યાસ