હાસેકી હરેમ હમામ, ઇસ્તંબૂલ : ઇસ્તંબૂલમાં આવેલ પ્રસિદ્ધ તૂર્કી સ્નાન-ખંડ. ‘હમામ’ અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ વરાળ-સ્નાન થાય છે. સ્નાન કરવાની આ પદ્ધતિ સામાન્ય રીતે ઇસ્લામી દેશોમાં પ્રચલિત છે. આ પ્રકારનું સ્થાપત્ય વરાળનો ઓરડો, સ્ત્રી-પુરુષ માટે કપડાં બદલવાના ઓરડા અને શૌચાલયોવાળું બનતું. સ્ત્રી-પુરુષો તેનો ઉપયોગ આંતરે દિવસે કરતાં. આવાં હમામ રોમન થરમી (thermae) કરતાં જુદાં જ પ્રકારનાં હતાં. ઇસ્લામી જગતમાં તે નગરીય સ્થાપત્યનું ખાસ લક્ષણ બની ગયું હતું. 12મી સદીમાં દમાસ્કસમાં 57 હમામ હતાં. આમાંનાં ઘણાં હજુ હયાત છે અને ઉપયોગમાં પણ લેવાય છે. 19મી સદીમાં આવાં હમામની નકલ યુરોપના વરાળખંડોમાં થઈ અને તે ‘ટર્કિશ-બાથ’ તરીકે ઓળખાવા લાગ્યાં.
હાસેકી હરેમ હમામ, ઇસ્તંબૂલ
ઇસ્તંબૂલનું આ હમામ સુલતાન સુલેમાન–1ની બેગમ રોક્સેલાનાએ 1556માં બંધાવ્યું હતું તેથી તે રોક્સેલાનાના સ્નાન-ખંડ તરીકે પણ ઓળખાતું. તેનો સ્થપતિ સિનાન હતો. તેની બાજુમાં આવેલ હજિયા સોફિયામાં આવતા શ્રદ્ધાળુઓને માટે આ હમામ બાંધવામાં આવ્યું હતું. સિનાને બાંધેલાં બધાં જ હમામોમાં તે ભવ્ય છે. 1917માં પુરુષ-વિભાગની પ્રવેશ-ચોકીનું પુનર્નિમાણ કરવામાં આવ્યું. એક જ હારમાં ગોઠવેલા ચાર ઘુંમટો વડે તેની છત બનેલી છે. આરસના છ સ્તંભો પર છત ટેકવેલી છે. સ્તંભોની શિરાવટી ફૂલોનાં અને અન્ય સુશોભનાત્મક આલેખનોથી અલંકૃત છે. પુરુષોનો પ્રવેશ હજિયા સોફિયાના ચાપાકાર (apsidal) છેડા તરફ છે. પુરુષ-કક્ષ સમચોરસ છે. ત્યાં એક આરસનો ફુવારો છે, જ્યાં ટુવાલો ધોવામાં આવતા હતા. મસ્જિદની અંદર જેવી વિશાળતા હોય તેવી વિશાળતા અહીં જોવા મળે છે. નમાજ પઢતાં કરવામાં આવતાં ધાર્મિક સ્નાન માટે આ હમામ બાંધવામાં આવ્યું હતું. ‘સોગુકલુક’ (શીતખંડ) અને ‘સિકાકલુક’ (ઉષ્માખંડ) પણ અહીં આવેલા છે.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર