હાર્વે, વિલિયમ (William Harwey) (જ. 1 એપ્રિલ 1578, ઇંગ્લૅન્ડ; અ. 3 જૂન 1657) : માનવશરીરના લોહીના ગુણધર્મો તથા તેનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તે શોધી કાઢનાર અંગ્રેજ તબીબ. હૃદય લોહીને ધકેલે છે તેવું પણ તેમણે દર્શાવ્યું હતું. તેમના પિતા વેપારી હતા. 16 વર્ષની વયે તેમને તબીબી અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ હતી. સન 1597માં તેઓ કેમ્બ્રિજમાંની કૉલેજમાંથી સ્નાતક થયા. તેમણે 1602 સુધી વિદેશમાં જઈને અભ્યાસ કર્યો. ઇંગ્લૅન્ડ પાછા આવીને તેમણે ઇલિઝાબેથ બ્રાઉને સાથે લગ્ન કર્યાં. તેમને સંતતિ ન હતી. તેમણે લંડનમાં તબીબી વ્યવસાય શરૂ કર્યો અને સેન્ટ બાથૉર્લૉમ્યૂ હૉસ્પિટલ (1609–1643) સાથે સંકળાયેલા રહ્યા. તેઓ રૉયલ કૉલેજ ઑવ્ ફિઝિશિયન્સ(Royal College of Physicians)ના અધ્યેતા (fellow) થયા. સન 1651માં તેમણે તેના મકાન અને રાચરચીલા માટે દાન આપ્યું, જે 1654માં લોકાર્પણ પામ્યું. સન 1656માં તેમણે ગ્રંથપાલના પગાર માટે તથા સન્માનવક્તવ્ય (oration) માટે પણ નાણાં આપ્યાં. તેમણે પોતાના ગામમાં છોકરાઓની શાળા શરૂ કરવા પણ દાન આપ્યું હતું.
વિલિયમ હાર્વે
ઇબ્ન અલ્-નફીસ તથા માઇકલ સર્વિટસે ફેફસામાંના રુધિરાભિસરણને વર્ણવ્યું હતું; પરંતુ તેમની ત્રણેય હસ્તપ્રતો નાશ પામી હોવાથી તે જ્ઞાન લુપ્ત થયું હતું, જે વિલિયમ હાર્વેએ પુન: અનાવિષ્ટ (discover) કર્યું. તેમના પદુઆ ખાતેના શિક્ષક હિરોનિમસ ફેબ્રિક્સે શિરાઓમાંના એકદિશ કપાટો (valves) શોધ્યા હતા; પરંતુ તેઓ તેનું કાર્ય સમજાવી શક્યા ન હતા. હાર્વેએ તેમની શોધને 1616માં જાહેર કરી અને 1628માં સસ્તન પ્રાણીઓનાં હૃદય અને લોહીના સંચલન વિશેનું તેમનું પુસ્તક બહાર પાડ્યું હતું. તેમણે દર્શાવ્યું કે લોહીને ફરતું રાખવા માટે પ્રણોદક(pump)નું કાર્ય કરે છે. તેમણે એ પણ દર્શાવ્યું કે રુધિરાભિસરણ એક નિબદ્ધતંત્ર(closed system)માં કાર્ય કરે છે. હૃદયમાંથી ધકેલાયેલું (પ્રણોદિત, propelled) લોહી ધમનીમાં જાય છે અને શિરા દ્વારા તે હૃદયમાં પાછું આવે છે. આમ તેનું પરિભ્રમણ અને પુન: પરિભ્રમણ એક નિબદ્ધ-(મુક્ત નહિ એવા)તંત્રમાં થાય છે. તેમનું આ સૂચન તે સમયે ગેલનના પ્રવર્તમાન પ્રારૂપ (model) કરતાં જુદું હતું, કેમ કે તેમાં લોહીને 2 પ્રકારનાં માનવામાં આવતાં હતાં. તેમાં માનવામાં આવતું હતું કે તેજસ્વી અને પાતળું ધમનીમાંનું લોહી હૃદયમાં ઉદભવે છે અને ગાઢા લાલ રંગનું શિરામાંનું લોહી યકૃતમાં ઉદભવે છે. બંને પ્રકારનાં લોહી પેશીમાં વપરાઈ જાય છે.
હાર્વેએ પ્રયોગશાળામાં પ્રાણીઓ પર સજીવ-છેદન (vivisection) કરીને એટલે જીવતાં પ્રાણીઓમાં કાપા મૂકીને લોહીના વહેવા અંગે અવલોકનો કર્યાં હતાં. આમ જીવવિજ્ઞાનમાં માપનલક્ષી (quantative) પ્રયોગોની તેમણે શરૂઆત કરી હતી. તેમણે હૃદયમાંથી દિવસમાં કેટલું લોહી પસાર થાય છે તે નોંધ્યું. તે માટે તેમણે હૃદયમાં એકસામટું કેટલું લોહી ભરાઈ શકે, દરેક પ્રણોદ (pump) અથવા ધક્કાસમયે કેટલું લોહી ધકેલાઈ શકે અને દિવસમાં હૃદય કેટલી વખત લોહી ધકેલે છે તેની માહિતી મેળવી હતી. આ દ્વારા તેમણે દર્શાવ્યું કે જો ગેલનનો (ઈ. સ. 130–200) મત બરાબર હોય તો કેટલું વધુ લોહી ઉત્પન્ન કરવું પડે ! તેમના અતિશય ઓછા અંદાજ પ્રમાણે પણ દરરોજનું 540 પાઉન્ડ લોહી બને ! તેથી લોહીનું પુનરુપયોગચક્રણ અથવા પુનશ્ચક્રણ (recycling) થાય છે તેવું તારવી શકાયું. તેમણે હૃદયમાંથી બહાર નીકળતું લોહી બે નિબદ્ધતંત્રોમાં વહે છે દૈહિક (systemic) અને ફેફસી અથવા ફુપ્ફુસીય (pulmonary). આમ 2 પ્રકારનાં રુધિરાભિસરણો પણ તેમણે દર્શાવ્યાં. તેમણે શિરાઓમાં પણ લોહીનું એકમાર્ગી (હૃદય તરફ) વહન થાય છે તે દર્શાવ્યું અને તેમાં શિરાકીય એકદિશ કપાટો(venous valves)નું મહત્વ પણ સમજાવ્યું. તે માટે હાથ પર પટ્ટી બાંધીને લોહીના એકમાર્ગી વહનને દર્શાવતો પ્રયોગ પણ કર્યો. તેમની આ માન્યતાઓનો ઘણો વિરોધ થયો; પરંતુ છેવટે તેમના જીવનકાળમાં જ તે સ્વીકૃતિ પામી. તેઓ કેશવાહિનીને દર્શાવી શક્યા ન હતા અને તે જ તેમની સામેનો મુખ્ય વિરોધ હતો. માર્સેલો માલ્ફિજીએ હાર્વેના વિચારો સાચા છે તેવું દર્શાવ્યું હતું. તેઓ રૉયલ કૉલેજ ઑવ્ ફિઝિશિયનમાં વ્યાખ્યાતા હતા (ઈ. સ. 1615–1656). તેમની શોધ અંગેની નોંધ વિશ્વયુદ્ધ-સમયે લંડનમાં થયેલા હુમલાઓમાં નાશ પામી હતી.
તબીબી વિજ્ઞાનમાં પ્રાણીપ્રજનનના અભ્યાસમાં પણ તેમનું પ્રદાન છે. ઈ. સ. 1651માં પ્રસિદ્ધ થયેલા તેમના એક પુસ્તકમાં ‘ઍનેટૉમિકલ એક્સાઇટેશન કન્સર્નિંગ ધ જનરેશન ઑવ્ લિવિંગ ક્રિચર્સ’માં તેમણે પ્રાયોગિક સંશોધન અને સિદ્ધાંતો રજૂ કર્યાં. સજીવોમાં પ્રજનનક્રિયા સમજવા તેમણે મરઘીનાં બચ્ચાંની ગર્ભવિદ્યાનો પણ અભ્યાસ કર્યો અને તબક્કાવાર વિકાસની પ્રક્રિયા સમજાવી. ગર્ભના ક્રમિક વિકાસના વિચારને ‘એપિજિનેસિસ’ કહે છે. આ વાદે ‘પ્રિફૉર્મેશન’વાદનો વિરોધ કર્યો. હાર્વેનું નિરીક્ષણ અને સિદ્ધાંતોએ આધુનિક પ્રાગર્ભવિદ્યા(embryology)નો પાયો નાંખ્યો.
ઈ. સ. 1657માં મૃત્યુ પામતાં તેમને સેન્ટ ઍન્ડ્રૂઝ ચર્ચ, હૅમસ્ટેડ(ઇંગ્લૅન્ડ)માં દફનાવવામાં આવ્યા.
શિલીન નં. શુક્લ
રા. ય. ગુપ્તે